પત્નીનું ખૂન કરી ચૂકેલો પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'નો નાયક) એક અજાણ્યા સહયાત્રી સમક્ષ પોતાના ભયાનક ભૂતકાળને વર્ણવી રહ્યો છે. પત્ની સાથેના એના સંબંધમાં ખાસ્સી કડવાશ પ્રવેશી ચૂકી હતી એ તબક્કે એક દિવસ પોઝ્નીશેફનો એક જૂનો પરિચિત ટૂખાટ્શેફસ્કી (ટૂંકમાં, ટૂફસ્કી) પોઝ્નીશેફને મળવા આવ્યો. ટૂફસ્કી સારો વાયોલિનવાદક હતો અને રૂપાળો હતો. પોઝ્નીશેફે સંગીતકાર ટૂફસ્કી સાથે સંગીતપ્રેમી પત્નીની ઓળખાણ કરાવી અને પછીના રવિવારની સાંજે મહેમાનોની ઉપસ્થિતિમાં પત્ની અને ટૂફસ્કીના સહવાદનનો જલસો ગોઠવવાનું પણ સૂચવ્યું.
પોઝ્નીશેફ એ જ બધું કરી રહ્યો હતો જેને એ ટાળવા માગતો હતો, જેનો એને ત્રાસ થઈ રહ્યો હતો. રવિવારના જલસાનું નક્કી થયાના બે-ત્રણ દિવસ બાદ પોઝ્નીશેફ એક સાંજે ઘરે પહોંચ્યો ત્યારે એણે જોયું કે હૉલમાં ટૂફસ્કીનો કોટ લટકતો હતો.
આગળની વાત પોઝ્નીશેફના શબ્દોમાં...
અંદરના બંધ કમરામાંથી મને પત્નીના શબ્દો સંભળાયાઃ `ના, આ નહીં, આ નહીં.'
મને લાગ્યું કે પિયાનો એવી રીતે જોરથી વગાડવામાં આવી રહ્યો હતો, જેથી વાતચીતના શબ્દો બહાર કોઈ સાંભળી ન લે.
મારાં બાળકોની હાજરીમાં, ઘરની વૃદ્ધ આયાની હાજરીમાં આ બંને...
એક વાર તો મને એવો વિચાર આવ્યો કે મારે અહીંથી જતા રહેવું જોઈએ, પરંતુ મેં મન મક્કમ કર્યું. વૃદ્ધ આયા પણ એની નજર વડે મને જાણે કહી રહી હતી કે મારે ચાંપતી નજર રાખવી જોઈએ અને અંદર જવું જોઈએ.
મેં દરવાજો ખોલ્યો. તે (ટૂફસ્કી) તેની લાંબી, સફેદ આગંળીઓ વડે પિયાનો વગાડી રહ્યો હતો. પત્ની ગ્રાન્ડ પિયાનોના ખૂણામાં, ખુલ્લા સ્કોર (સંગીતની નોંધ) સામે ઊભી હતી. હું અચાનક કમરામાં પ્રવેશ્યો એનાથી એને નવાઈ તો લાગી, પણ એ ડરી કે ધ્રૂજી નહીં.
એ સહેજ શરમાઈ અને પછી ઉત્સાહથી બોલીઃ `વાહ! બહુ સારું થયું તમે આવી ગયા. રવિવારે અમારે શું વગાડવું તે અમે હજુ નક્કી નથી કરી શકતાં.'
તેના અવાજમાં જે પ્રેમ-ઉમળકો-સહજતા હતાં એ અમે બે જો કમરામાં એકલાં હોત તો ન જ હોત.
અને જે રીતે એ `અમે' શબ્દ બોલી એનાથી મને તકલીફ થઈ. જોકે, મેં અકળામણ છુપાવી. ટૂફસ્કીએ મારી સાથે હાથ મિલાવ્યા.
આપણા સમાજમાં એવું ચલણ છે કે ડાન્સ હૉલમાં કોઈ પુરુષ તમારી પત્ની સાથે ડાન્સ કરે કે ડોક્ટર તમારી પત્નીને નજીકથી તપાસે કે પછી કોઈ કલા નિમિત્તે, ખાસ કરીને સંગીતવાદન જેવી બાબતોમાં પત્ની અને પરપુરુષ નજીક બેસે એ વાતનો કોઈ પતિ વિરોધ કરે તો લોકો આવા (સંકુચિત, ઇર્ષ્યાળુ) પતિની હાંસી ઉડાવે અને એવી દલીલ કરે કે સંગીત જેવી ઉમદા કલાના પર્ફોર્મન્સ માટે સ્ત્રી-પુરુષનું નજીક આવવું જરૂરી છે; એમાં કશું વાંધાજનક નથી; આવા મામલે પતિએ ઉદાર બનવું જોઈએ વગેરે વગેરે. હું ઉદાર બન્યો. રવિવારે કેવું સંગીત વગાડવું એ મામલે ટૂફસ્કી અને મારી પત્ની વચ્ચેની અસહમતીના મામલે મેં દરમિયાનગીરી કરી અને મેં પોતે પત્નીને સમજાવી કે રવિવારે સંગીતનો કયો પીસ વગાડવો એનો નિર્ણય ટૂફસ્કી લે એ જ ઠીક રહેશે, કારણ કે એ સંગીતમાં વધુ સમજ ધરાવે છે.
ટૂફસ્કી વધુ રોકાવાને બદલે (અને કદાચ પરિસ્થિતિ વધુ ઑક્વર્ડ ન બને એવી સમજ સાથે) જાણે `લો બધું નક્કી થઈ ગયું, કામ પતી ગયું' એવા ભાવ સાથે પછી તરત રવાના થયો. હું એને વળાવવા ગયો (જે માણસ તમારા પરિવારની ખુશીઓ બરબાદ કરવા આવ્યો હોય તેને વળાવવો તો પડે જ ને). એ ઘરમાંથી નીકળ્યો ત્યારે એના સફેદ, નરમ હાથ સાથે મેં હાથ મિલાવ્યા.
પછી આખો દિવસ મેં મારી પત્ની સાથે વાત ન કરી. (આમ પણ અમે અમારા લગ્નજીવનના એ તબક્કે એકમેક પ્રત્યે અવિરત દાઝ જ અનુભવતા હતા, પણ એ દિવસે તો) પત્નીની નિકટતાથી મારામાં એટલો રોષ પેદા થયો કે મને મારી પોતાની જાતનો ડર લાગવા માંડ્યો. જમવાના ટેબલ પર, બાળકોની હાજરીમાં એણે મને પૂછ્યું કે હું બહારગામ ક્યારે જવાનો છું.
મારે પછીના અઠવાડિયે બહારગામ જવાનું હતું. મેં તારીખ જણાવી. એણે મને પૂછ્યું કે સામાનમાં મારે કંઈ ખાસ લઈ જવાનું છે. મેં ના પાડી. પછી હું ચૂપ જ રહ્યો અને જમ્યા પછી ચૂપચાપ મારા સ્ટડી-રૂમમાં જતો રહ્યો. છેલ્લા કેટલાક દિવસોમાં તે ક્યારેય મારા એ સ્ટડી-રૂમમાં આવતી નહોતી, ખાસ કરીને આ સમયે. રાતના ભોજન પછી તો નહીં જ, પણ એ રાતે હું સ્ટડી રૂમમાં બેઠો હતો ત્યારે મને એનાં પગલાંનો અવાજ સંભળાયો. મને થયું કે એ જો કમરાની બાજુમાંથી પસાર થઈને જતી રહે તો તો ઠીક છે, પરંતુ જો એ કમરાની અંદર આવે તો એનો અર્થ એ જ થાય કે એ પોતાનો અપરાધ છુપાવવા માગે છે અને મારી શંકા સાચી છે.
અને એણે મારા કમરાનો દરવાજો ખોલ્યો. મને એની ઊંચી અને આકર્ષક કાયા દેખાઈ.
એ સોફા પર મને અડીને બેઠી. હું સહેજ દૂર ખસ્યો. એ બોલીઃ
`હું જોઈ શકું છું કે રવિવારે હું જે વગાડવા માંગુ છું તેનાથી તમે નારાજ છો.'
મેં કહ્યું, `હું જરાય નારાજ નથી.'
`મને બધું જ દેખાય છે.'
`બહુ સારું. તારી આ દિવ્ય દૃષ્ટિ બદલ તને અભિનંદન. બાકી તું જે કંઈ બધું ચલાવી લે છે એનો મને તો ત્રાસ થાય છે.'
`તમે આવી રીતે વાંકું જ બોલવાના હો તો હું જતી રહું.'
`તો જા ને. એટલું યાદ રાખજે કે તને ભલે પરિવારની આબરૂની કશી પડી ન હોય. મને તો પડી છે. તું પડ ખાડામાં.'
`શું? શું? તમને થઈ શું ગયું છે?'
`તું જા અહીંથી.'
પણ એ ન ગઈ. શું તે ન સમજવાનો ઢોંગ કરતી હતી કે ખરેખર મારા કહેવાનો મતલબ સમજી નહોતી રહી?
એ છંછેડાઈઃ `તમારી સાથે કોઈ પણ રીતે પનારો પાડી શકાય તેમ જ નથી. પછી હંમેશની જેમ, મારી દુઃખતી નસ દબાય એ રીતે મને વધુમાં વધુ પીડા થાય એવી ભળતી જ વાત છેડતાં એણે કહ્યું, `મારી બહેન સાથે તમે જે કર્યું એ પછી તમે કંઈ પણ કરો એનાથી મને નવાઈ લાગવાની નથી (એક વાર એની બહેન પર ભડકીને મેં ન કહેવાનું કહી નાખ્યું હતું એ પ્રસંગની એ વાત કરી રહી હતી).'
છે પોતે વાંકમાં અને વાંક કાઢે છે મારો. આવા વિચાર સાથે મારું મગજ અચાનક એટલું બધું તપી ગયું કે મને એના પર હાથ ઉપાડવાની ઇચ્છા થઈ. આવું જિંદગીમાં પહેલી વાર બની રહ્યું હતું. હું એની સામે ધસ્યો અને બરાડ્યોઃ `નીકળ અહીંથી, નહીંતર પતાવી નાખીશ.'
મેં એનું બાવડું પકડીને મચકોડ્યું. તો પણ એ ન ગઈ. મેં એને જોરથી ધક્કો માર્યો.
એ ધીમેથી બોલીઃ `તમને શું થઈ ગયું છે? ભાનમાં આવો.'
`મને આ હદે તો તું જ ગુસ્સે કરી શકે છે. મારા વર્તન માટે હું જવાબદાર નથી. જતી રહે અહીંથી.'
મારે એને એ દેખાડવું હતું કે મારો રોષ કેટલો ધગધગતો હતો. મારે એને મારવી હતી, મારી નાખવી હતી, પણ મને લાગ્યું કે એ તો શક્ય નથી એટલે હું બે ડગલાં પાછો હટ્યો અને ટેબલ પરનું પેપરવેઈટ ઉપાડીને પૂરા જોશથી એના પગ પાસે નિશાન લઈને એવી રીતે ફેંક્યું જેથી એ એને વાગે નહીં, પણ એને સમજાઈ જાય કે મારી કમાન છટકી ચૂકી છે.
એ ભાગી. કમરામાંથી એ નીકળે એ પહેલાં મેં મીણબત્તીનું સ્ટેન્ડ પણ ઉપાડીને પછાડ્યું અને હું બરાડતો રહ્યોઃ `જતી રહે. પછી કહેતી નહીં કે કહ્યું નહીં.'
એ ગઈ એ સાથે જ મારી ભાંગફોડ અટકી ગઈ. કલાક પછી નોકરે આવીને કહ્યું કે મારી પત્નીને હિસ્ટિરિયાનો હુમલો આવ્યો છે. હું એને જોવા ગયો. એ ડૂસકાં ભરતી હતી અને હસતી હતી. એ કંઈ પણ બોલી શકતી નહોતી. તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. એ દેખાડો નહોતો કરી રહી.'
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
