પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરી એ પાંચ રાજ્યોમાં આ મહિને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પૈકી કેરળ, આસામ અને પુડુચેરીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ ત્રણ રાજ્યોમાં આ વખતે લોકોએ વિક્રમી મતદાન કર્યું છે. કેરળમાં થયેલું 78.03 ટકા મતદાન છેલ્લાં પચાસ વર્ષ પછી થયું છે. તો આસામ અને પુડુચેરીમાં અનુક્રમે 85.38 ટકા અને 89.33 ટકા મતદાન અત્યાર સુધીનું સર્વાધિક મતદાન છે. 2024ની લોકસભા ચૂંટણીમાં 98 કરોડ મતદારો હતા, પરંતુ મતદાન 65 કરોડે કર્યું હતું. અગાઉ 2019ની લોકસભા ચૂંટણીમાં 67.21 ટકાની સરખામણીએ 2024માં ઓછું (66 ટકા) મતદાન થયું હતું. ત્યારે આસામ, કેરળ અને પુડુચેરીમાં જે છપ્પરફાડકે જેન-ઝીની ભાષામાં `ભયંકર' મતદાન થયું છે, તે કયા રાજકીય પક્ષની તરફેણ કે વિરુદ્ધમાં છે તેની ચર્ચા રાજકીય પંડિતો પર છોડીએ. જોકે, એટલું તો ચોક્કસ છે કે મતદાનમાં આ અસાધારણ વધારો ભારતીય લોકતંત્ર માટે નવી આશા જગાડે છે અને મતદારોએ તેમને મળેલા મતના અધિકાર સામે રેકોર્ડ મતદાન કરીને દાયિત્વ નિભાવ્યાનો સંતોષ થાય છે.

પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર બંધારણ નિર્માતાઓએ ભારતીયોને આપેલી અણમોલ ભેટ છે. રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, સ્ત્રી હોય કે પુરુષ, વનવાસી હોય કે નગરવાસી સૌને એક મતનો સમાન અધિકાર અને સૌના મતનું મૂલ્ય એકસમાન. એક વ્યક્તિ, એક મતનો આ સિદ્ધાંત ભારતીય લોકશાહીને વિરલ બનાવે છે. જ્યારે અમેરિકા જેવા અમેરિકામાં આરંભે માત્ર શ્વેત પુરુષોને જ મતનો અધિકાર હતો અને શ્વેત મહિલાઓ મતવિહોણી હતી. અશ્વેત પણ મતનો અધિકાર ધરાવતા નહોતા કે ભારે અંતરાયો હતા ત્યારે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ દીર્ઘ ગુલામીમાંથી ઊભા થયેલા દેશના તમામ નાગરિકોને એકસમાન ગણી મતનો અધિકાર આપ્યો અને આજે આઝાદીની પોણી સદીએ તે સાર્થક બન્યો છે. તમામને સમાન મતના હક પાછળ સમાવેશી દૃષ્ટિકોણ હતો. દરેક નાગરિક તેના સામાજિક, આર્થિક દરજ્જાની તમા રાખ્યા વિના સમાન ધોરણે મત આપે અને લોકતાંત્રિક પ્રક્રિયાનો હિસ્સો બને તે વ્યક્તિ અને રાષ્ટ્ર બેઉને સશક્ત બનાવે છે.

બંધારણના અનુચ્છેદ 326માં જણાવ્યું છે તે પ્રમાણે ધર્મ, જ્ઞાતિ, લિંગ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક કે જે બંધારણ અને કાયદા હેઠળ અયોગ્ય નથી તે મતદાર તરીકે નોંધણી કરાવવાને હક્કદાર છે અને તે ચૂંટણીમાં મતદાન કરી શકે છે. કેટલીક અયોગ્યતાની શરતોને આધીન લોકપ્રતિનિધિત્વધારો 1951ના ધારા 62 મુજબ મતદાર યાદીમાં સામેલ વ્યક્તિને મતદાનનો અધિકાર છે. બંધારણના અનુચ્છેદ 19માં પ્રત્યેક નાગરિકને અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતાનો હક છે તે અંતર્ગત પણ મતનો અધિકાર આવે છે.

ભારતના લોકોને મળેલો મતનો અધિકાર મૂળભૂત અધિકાર છે, બંધારણીય અધિકાર છે કે વૈધાનિક અધિકાર તેની ચર્ચા અને વિવાદ સતત ચાલે છે. સર્વોચ્ચ અદાલતે પણ વખતોવખત આ બાબતે તેના ચુકાદા આપ્યા છે. 1952માં સુપ્રીમ કોર્ટે તેને વૈધાનિક(STATUTORY) અધિકાર ગણાવ્યો હતો. 1982માં ન્યાયાલયે પુન: તેને કાનૂની અધિકાર ગણાવ્યો અને કહ્યું કે તેને કાયદાકીય મર્યાદાઓ લાગુ પડે છે. 2003માં પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીના કેસમાં જસ્ટિસ પી.વી .રેડ્ડીએ મતદાનનો અધિકાર ભલે મૂળભૂત અધિકાર નથી, પણ તે બંધારણીય અધિકાર તો છે જ તેમ જણાવ્યું હતું. 2006માં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે મતદાનના અધિકારને વૈધાનિક જ ગણાવ્યો હતો. 2015માં ફરી તેને બંધારણીય હક્ક અને 2023માં બહુમતી ચુકાદાએ તેને વૈધાનિક ગણાવ્યો હતો. જોકે, જસ્ટિસ અજય રસ્તોગીએ તેમના અલગ ચુકાદામાં મતદાનના અધિકારને અનુચ્છેદ 19(1)( એ) અભિવ્યક્તિની આઝાદીનો હિસ્સો અને બંધારણની મૂળ સંરચના સાથે જોડાયેલો માન્યો હતો. તાજેતરના (એપ્રિલ 2026ના) એક ચુકાદામાં જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે મતદાન કરવું અને ચૂંટણી લડવી તે મૂળભૂત અધિકાર નથી, પણ કાનૂની અધિકાર છે તેમ જણાવ્યું છે.

મતનો અધિકાર ભારતના લોકતંત્રનો આધાર છે. હાલમાં તે વૈધાનિક અધિકાર મનાય છે, પરંતુ તે બંધારણના વિવિધ અનુચ્છેદો સાથે ગહન રીતે જોડાયેલો હોઈ ભવિષ્યમાં બંધારણીય અધિકાર પણ ગણાવાની શક્યતા છે. લોકતંત્રનો પાયો તેવો મતનો અધિકાર નાગરિકોને સરકાર બનાવવાનો, ચૂંટવાનો હક અને તક આપે છે. મતનો હક કાનૂની કે સંવૈધાનિક હકની સાથે નાગરિકનું દાયિત્વ અને કર્તવ્ય પણ છે. નાગરિકો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને સરકાર બદલી શકે છે અને નવી સરકાર બનાવી શકે છે. 1988ના 61મા બંધારણીય સુધારાથી 1989થી ભારતમાં મતદારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 કરવામાં આવી છે તેના કારણે યુવાઓને મતદાન કરવાની તક મળી છે. ભારતના ચૂંટણીપંચની સ્થાપનાનો દિવસ 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિન તરીકે મનાવાય છે અને મતદાન માટેની જાગ્રતિ વધે તથા મતદાનની ટકાવારી વધે તેવાં અભિયાનો ચલાવાય છે. ગુજરાતમાં હાલમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી નિમિત્તે દૈનિક `સંદેશ' દ્વારા MY VOTE-MY GUJARAT અભિયાન થકી મતદારોમાં મતદાન પ્રત્યે જાગ્રતિ વધારવા, મોટા પ્રમાણમાં મતદાન થાય, સો ટકા મતદાન થાય તેની જાગ્રતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માધ્યમો અને સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ આવા પ્રયાસો કરે છે તે આવકાર્ય અને નોંધનીય છે.

એ સાચું કે જો સો ટકા મતદાન થાય તો લોકશાહીમાં બહેતર પ્રતિનિધિત્વની પસંદગી થઈ શકે. 2024ની લોકસભા ચૂંટણીમાં દર ત્રણે એક મતદારે મતદાન કર્યું નહોતું. એટલે મતદાન માટે કોઈ સખત રીત અપનાવવા, મતદાનને ફરજિયાત કે અનિવાર્ય કરવાની ચર્ચાઓ પણ થાય છે. ઓસ્ટ્રેલિયા અને બીજા લોકશાહી દેશોમાં ફરજિયાત મતદાનનો કાયદો છે અને મતદાન ન કરવું તે દંડનીય અપરાધ મનાય છે.

જોકે, ભારતમાં મતદાનનો અધિકાર છે, પણ તે કાનૂની રીતે મતદારનું દાયિત્વ નથી. હા, નૈતિક કર્તવ્ય જરૂર છે. જેમ મતનો અધિકાર છે તેમ મત ન આપવાનો, મતપત્રકમાં સામેલ તમામ ઉમેદવારોને પસંદ ન કરવાનો અર્થાત્ નકાર કે `નોટા'( NOTA)નો અધિકાર પણ છે. એટલે મતદાનને ફરજિયાત કરવાને બદલે મતદાનની ટકાવારી વધે, સ્વૈચ્છિક રીતે વધે, મતદારો તેને પોતાનું દાયિત્વ માનતા થાય, મતદાન આડેના અંતરાયો ઘટે, લોકોને મત આપવાનું મન થાય તેવા રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોય તો મતનો અધિકાર અને મતદાનનું દાયિત્વ બંને કોઈ જાગૃતિનો વિષય ન રહેતાં મતદાર માત્રની અનિવાર્ય ફરજ બની રહેશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો