80ના દાયકાની એ શરૂઆત હતી જ્યારે બેંગલુરુ આજે જેવું આઈટી હબ છે તેવું નહોતું. એ સમયે શહેરના શિવાજીનગર, ટેનેરી રોડ અને રસેલ માર્કેટ જેવા વિસ્તારોમાં એક અલગ જ પ્રકારનું સામ્રાજ્ય ધબકતું હતું. આ એ સમય હતો જ્યારે કાયદાના રક્ષકો કરતાં ગલીના ડોનનો અવાજ વધારે બુલંદ હતો. શિવાજીનગરની એ ભીંસભરી ગલીઓમાં મરઘાં કાપતો એક જુવાન, જેના નખમાં કાયમ લોહી ભરાયેલું રહેતું, એણે ક્યારેય ધાર્યું નહોતું કે એક દિવસ આખું શહેર એના નામે ધ્રૂજશે. નામ એનું ફયાઝ અહેમદ, પણ ઈતિહાસે એને નામ આપ્યું: `કોલી ફયાઝ'. કન્નડ ભાષામાં `કોલી' એટલે ચિકન. જે એનો ધંધો હતો, એ જ એની ઓળખ બની ગઈ અને એ જ ઓળખ એક દિવસ આખા કર્ણાટક માટે ક્રૂરતાનો પર્યાય બની જવાની હતી.

શિવાજીનગરના એ વ્યાપારી કેન્દ્રમાં ફયાઝની સફર સામાન્ય હાઈ-વોલ્યૂમ કેશ બિઝનેસથી શરૂ થઈ હતી. મરઘાંનો વેપાર એટલે દરરોજ હજારો રૂપિયાની રોકડની લેવડદેવડ. આ રોકડ નાણાં અને બજારના વેપારીઓ સાથેના સંપર્કોએ ફયાઝને સમજાવ્યું કે સત્તા માત્ર વેપારમાં નથી, પણ ડરમાં છે. ફયાઝે જોયું કે વેપારીઓ પાસે પૈસા છે, પણ હિંમત નથી. એણે હિંમત ભાડે આપવાનું શરૂ કર્યું. 1980ના દાયકાના મધ્યમાં બેંગલુરુ ઝડપથી શહેરીકરણ તરફ આગળ વધી રહ્યું હતું. ત્યારે પોલીસ સંસાધનો ઓછાં હતાં અને વિવાદો ઉકેલવા માટે લોકો ન્યાયતંત્રને બદલે બળનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હતા. ફયાઝે આ તક ઝડપી લીધી. જે દેવાદારો પૈસા પાછા નહોતા આપતા, તેમની પાસેથી વસૂલાત કરવા માટે ફયાઝના માણસો પહોંચી જતા. ધીમે ધીમે તેનો ચિકન સ્ટોલ માત્ર માંસ વેચવાનું કેન્દ્ર ન રહ્યો, પણ ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું હેડક્વાર્ટર બની ગયું. આ સ્થાનેથી જ તે પોતાના બાતમીદારો અને શૂટરો સાથે મુલાકાત કરતો અને મરઘાંના પાંજરા પાછળ હથિયારો છુપાવવાની કળામાં તે માહેર હતો. તેના સ્ટોલની બહાર લટકતા મૃત મરઘા તેના દુશ્મનો માટે એક અઘોષિત ચેતવણી સમાન હતા.

ફયાઝે પોતાનું સંગઠન ખૂબ જ ચતુરાઈથી બનાવ્યું હતું. તેને ખબર હતી કે શહેરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે માત્ર તાકાત નહીં, પણ વફાદાર લેફ્ટનન્ટની જરૂર છે. તનવીર જેવા જુવાનિયાઓ ફયાઝના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા હતા. શિવાજીનગરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ફયાઝે એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરી હતી જ્યાં તે મસીહા પણ હતો અને જલ્લાદ પણ. તે ગરીબ પરિવારોની મદદ કરતો, વિધવાઓને આર્થિક સહાય અને ગરીબ બાળકોના શિક્ષણ માટે અનામી દાન આપતો, જેથી તેને સ્થાનિક સ્તરે `રોબિન હૂડ' જેવી છબી મળે, પરંતુ આ દાન પાછળનો તેનો હેતુ માત્ર માનવતા નહોતી, તે વફાદાર બાતમીદારોની એક આખી ફોજ ઊભી કરી રહ્યો હતો, જે પોલીસની દરેક હિલચાલની જાણ તેને સેકન્ડોમાં કરી દેતા. વેપારીઓ તેને રક્ષણ માટે પૈસા આપતા અને બદલામાં ફયાઝ તેમની સુરક્ષાની ખાતરી આપતો. આ `પ્રોટેક્શન મની' અથવા `ખંડણી'નાં નાણાંથી ફયાઝે શસ્ત્રો ખરીદવાનું શરૂ કર્યું. તેની ગેંગ હવે માત્ર લાકડીઓ કે છરીઓ સુધી મર્યાદિત નહોતી, તેમની પાસે અત્યાધુનિક હથિયારો આવવા માંડ્યાં હતાં. તેણે ઉત્તર પ્રદેશ અને બિહારના ગેરકાયદેસર હથિયારોનાં બજારો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો અને ક્યારેક તો વિદેશી બનાવટની પિસ્તોલ પણ મંગાવતો હતો.

90ના દાયકાની શરૂઆત સુધીમાં ફયાઝનો પ્રભાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેણે માત્ર શિવાજીનગર જ નહીં, પણ ટેનેરી રોડ, ઇલ્યાસનગર અને જેજે નગર જેવા વિસ્તારોમાં પણ પોતાની મજબૂત પકડ જમાવી લીધી હતી. બેંગલુરુના અંડરવર્લ્ડમાં તે સમયે જૂથવાદ વધ્યો હતો અને આખું શહેર ગેંગવોરની લપેટમાં હતું. એક તરફ મુથપ્પા રાય અને બલરામ જેવા ગેંગસ્ટરો રિયલ એસ્ટેટ અને દારૂના ધંધા પર કબજો જમાવી રહ્યા હતા, તો બીજી તરફ ફયાઝે શહેરના મુસ્લિમ ગુનાહિત નેટવર્કનું સંપૂર્ણ નેતૃત્વ સંભાળ્યું હતું. આ જાતીય અને પ્રાદેશિક ગેંગવોરે શહેરના સામાજિક માળખાને હચમચાવી દીધું હતું. ફયાઝના જીવનની સૌથી મોટી અને લોહિયાળ દુશ્મનાવટ ઇશ્તિયાક પહેલવાન ગેંગ સાથે હતી. આ બંને ગેંગ વચ્ચે શિવાજીનગરના અબજો રૂપિયાના નફાકારક રેકેટ પર નિયંત્રણ મેળવવા માટે અનેક વખત ભરબજારમાં ગોળીબાર થયા હતા. રસ્તાઓ પર ધોળા દિવસે લોહીનાં વહેણ વહેવાં એ શિવાજીનગરના રહેવાસીઓ માટે એક ડરામણી વાસ્તવિકતા બની ગઈ હતી. ફયાઝના શૂટરો એટલા બેખોફ હતા કે તેઓ ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા હરીફ ગેંગના સભ્યોને ઘેરી વળતા અને કામ પતાવીને સાંકડી ગલીઓમાં ગાયબ થઈ જતા જ્યાં પોલીસની જીપ પણ પ્રવેશી શકતી નહોતી.

ફયાઝની કામ કરવાની પદ્ધતિ અત્યંત જટિલ અને ક્રૂર હતી. તે કોન્ટ્રાક્ટ કિલિંગ અથવા `સોપારી' લેવામાં માહેર હતો. જ્યારે બેંગલુરુનો વિકાસ શરૂ થયો, ત્યારે જમીનોના વિવાદો વધ્યા. મોટા બિલ્ડરો અને રિયલ એસ્ટેટ માફિયાઓ ફયાઝ પાસે આવતા. જે ભાડૂતો દાયકાઓથી જગ્યા ખાલી નહોતા કરતા કે જે મિલકત માલિકો વેચવા તૈયાર નહોતા, તેમને ફયાઝની ગેંગ `વિશેષ' રીતે સમજાવતી. ધમકીઓથી શરૂ થતી વાત ઘણીવાર ઘરમાં તોડફોડ કે શારીરિક હુમલા સુધી પહોંચતી. બળજબરીથી મિલકત ખાલી કરાવવી એ ફયાઝ માટે સૌથી વધુ કમાણી કરી આપતો ધંધો બની ગયો હતો.

1990ના દાયકામાં જ્યારે બેંગલુરુ પેન્શનર્સ પેરેડાઇઝમાંથી `આઈટી સિટી' બની રહ્યું હતું ત્યારે જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા અને ફયાઝે આ આર્થિક તેજીનો પૂરો ફાયદો ઉઠાવી કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેના આતંકને કારણે શિવાજીનગરના રસેલ માર્કેટમાં કોઈ પણ મરઘા વિક્રેતા કે શાકભાજીનો વેપારી ફયાઝની મંજૂરી વગર દુકાન ખોલી શકતો નહોતો. જો કોઈ વેપારી હપ્તો આપવામાં વિલંબ કરતો, તો ફયાઝ તેની ક્રૂરતાનો પરચો આપવા માટે દુકાનની બહાર મરઘાંનાં કપાયેલાં માથાંનો ઢગલો કરતો અથવા તેના પરિવારને સીધી જ જાનથી મારી નાખવાની ધમકી આપતો.

જોકે, ગુનાની આ દુનિયામાં સફળતાનો રસ્તો હંમેશાં સ્મશાન તરફ જાય છે અને ફયાઝને પણ આ સત્ય સમજાવાનું બાકી હતું. ફયાઝના વધતા જતા પ્રભાવે તેના દુશ્મનોની સંખ્યામાં ચિંતાજનક વધારો કર્યો હતો. પોલીસ રેકોર્ડમાં તે એક `હિસ્ટ્રીશીટર' તરીકે ટોચ પર હતો અને તેના પર અનેક વખત PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. એક સમય એવો આવ્યો કે તેને શહેરની બહાર કાઢવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. તેને ઘણી વખત જેલમાં મોકલવામાં આવ્યો, પણ ફયાઝ માટે જેલ એ સજા નહીં પણ રજા જેવી હતી. જેલની અંદર પણ તે પોતાની આણ વર્તાવતો; અન્ય કેદીઓ તેની સામે જોવાની હિંમત નહોતા કરતા અને જેલના સત્તાવાળાઓ પણ ક્યારેક તેના ખોફ નીચે રહેતા. મુથપ્પા રાયની ગેંગે એકવાર સેન્ટ્રલ જેલની અંદર જ ફયાઝ પર જીવલેણ હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ફયાઝની બાજ નજર અને તેના વફાદાર શૂટરોએ તે પ્લાન નિષ્ફળ બનાવ્યો. આ ઘટના બાદ ફયાઝ વધુ સાવધ અને શંકાશીલ બની ગયો હતો, જેના કારણે તેણે પોતાની જ ગેંગના કેટલાક શંકાસ્પદ સભ્યોને પણ રસ્તામાંથી હટાવી દીધા હતા.

1995નું વર્ષ ફયાઝ માટે કાળમુખું સાબિત થવાનું હતું. સત્તાના નશામાં ચૂર ફયાઝને એ અંદાજ નહોતો કે તેના જ કિલ્લામાં ગાબડું પડ્યું છે. તેની ગેંગમાં અંદરોઅંદર વંશીય અને આર્થિક વિવાદો શરૂ થયા હતા. તે સમયે બેંગલુરુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર પણ પ્રેશર હતું કે ગમે તેમ કરીને ગેંગવોર રોકવું પડશે. ફયાઝના હરીફો, ઇશ્તિયાક ગેંગ, સજ્જાદ અને નઝીરે એક ગુપ્ત કરાર હેઠળ હાથ મિલાવ્યા હતા. ફયાઝની શક્તિ તેની એકહથ્થુ સત્તા અને પ્રાદેશિક પકડમાં હતી, પણ હવે તે પાયા હચમચી રહ્યા હતા. શિવાજીનગરની જે ગલીઓએ તેને ઓળખ અને પૈસો આપ્યો હતો, તે જ ગલીઓ હવે તેના અંતની સાક્ષી બનવાની તૈયારી કરી રહી હતી. પોલીસની વધતી જતી સક્રિયતા, એન્કાઉન્ટરનો ભય અને વિશ્વાસઘાતી સાથીઓની જાળને કારણે ફયાઝ હવે અસુરક્ષિત અને એકલો પડી રહ્યો હતો.

જૂન, 1995ની એ ગમખ્વાર રાત નજીક આવી રહી હતી જ્યારે બેંગલુરુના અંડરવર્લ્ડનો આ `કોલી' હંમેશ માટે ખામોશ થઈ જવાનો હતો. તે રાતે શિવાજીનગરના આકાશમાં ગોળીઓનો જે ગડગડાટ સંભળાયો, તેણે એક અંતની જાહેરાત કરી હતી. તે રાતે શું બન્યું, કેવી રીતે ફયાઝને ટાર્ગેટ કરવામાં આવ્યો અને કેવી રીતે તેના મોત બાદ તેના પુત્ર પપ્પુએ વેરનો અગ્નિ ચાલુ રાખ્યો, તે લેખના બીજા ભાગમાં જોઈશું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો