5 જુલાઈ, 2012ની એ સાંજે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ગોબરડાંગા રેલવે સ્ટેશન પર રોજની જેમ જ ભીડ અને કોલાહલ હતો. કોલકાતાની મિત્રા ઇન્સ્ટિટ્યૂશન શાળામાંથી પોતાનું કામ પતાવીને પરત ફરી રહેલા 39 વર્ષીય શિક્ષક બરુણ બિસ્વાસ ટ્રેનમાંથી નીચે ઊતર્યા. બહાર વરસાદી માહોલ હતો, હવામાં ભેજ અને ગભરામણની એક અજીબ આશંકા તરતી હતી. બરુણ પોતાના હંમેશના શાંત અને મક્કમ પગલે સ્ટેશનના પાર્કિંગ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા. તેઓ જાણતા નહોતા કે સ્ટેશનની ધૂંધળી લાઈટોની પાછળ, અંધારા ખૂણાઓમાં કેટલાક શિકારીઓ તેમની જ રાહ જોઈને બેઠા હતા. સમય સાંજના બરાબર 7:20 વાગ્યાનો હતો. અચાનક ભેજવાળી હવામાં એક તીણો અને કાન ફાડી નાખે તેવો અવાજ ગુંજ્યો. એક પિસ્તોલમાંથી છૂટેલી ગોળીએ પાછળથી આવીને બરુણની પીઠ ચીરી નાખી અને છાતી સોંસરવી નીકળી ગઈ. લોહીનો એક ગરમ ફુવારો હવામાં ઊડ્યો અને બરુણ બિસ્વાસ જમીન પર ઢળી પડ્યા. સ્ટેશન પર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ, દુકાનોનાં શટર ટપોટપ પડવા લાગ્યાં અને થોડી જ મિનિટોમાં આખો વિસ્તાર સ્મશાનવત્ શાંતિમાં ફેરવાઈ ગયો. રસ્તા પર વહી રહેલા વરસાદી પાણીમાં ભળતું જતું એ લાલ લોહી માત્ર એક માણસનું નહોતું, પરંતુ એ સમગ્ર વિસ્તારના ગરીબો, પીડિતો અને અસહાય મહિલાઓના એકમાત્ર મસીહાનું હતું.
આ કરુણ ઘટના પાછળ રહેલા ષડ્યંત્રના મૂળ સમજવા માટે એક દાયકો પાછળ, સુટિયા નામના ગામના ભયાનક ઈતિહાસમાં જવું પડે. વર્ષ 2000થી 2002 દરમિયાન આ સરહદી વિસ્તારમાં સુશાંત ચૌધરી નામના એક ક્રૂર સ્થાનિક ગુંડા અને તેની ગેંગનો આતંક ચરમસીમા પર હતો. સુશાંત અને તેના માણસોએ આખા વિસ્તાર પર પોતાનું આધિપત્ય જમાવવા માટે એક અત્યંત ઘૃણાસ્પદ અને અમાનુષી હથિયાર અપનાવ્યું હતું, સામૂહિક બળાત્કાર. ગામની કોઈ પણ સ્ત્રી, પછી તે બાળકી હોય, યુવતી હોય કે વૃદ્ધા હોય, જો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ ગેંગના અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવે, તો તે પરિવારની મહિલાઓ પર સામૂહિક અત્યાચાર કરવામાં આવતો. સત્તાવાર પોલીસ આંકડાઓ અનુસાર તે સમયગાળામાં 33 સામૂહિક બળાત્કાર અને અસંખ્ય હત્યાઓ નોંધાઈ હતી, પરંતુ વાસ્તવિક આંકડો 80થી પણ વધુ હોવાનું મનાય છે. આ આતંક એટલો ગહન હતો કે રાત પડતાં જ આખું ગામ ઘરોમાં કેદ થઈ જતું, પિતા પોતાની દીકરીઓ સાથે પલાયન થઈ જતા અને સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પોલીસ ગુનેગારોની કઠપૂતળી બનીને મૂક સાક્ષી બની રહેતી. ભયની આ કાળી ચાદર નીચે સુટિયાના લોકો શ્વાસ લેવાનું પણ ભૂલી ગયા હતા.
બરાબર આવા સમયે જ્યારે આખો સમાજ લાચાર બનીને આ અત્યાચાર સહન કરી રહ્યો હતો, ત્યારે એક 28 વર્ષનો સામાન્ય શાળાનો શિક્ષક બરુણ બિસ્વાસ ઊભો થયો. બરુણનો જન્મ 12 સપ્ટેમ્બર, 1972ના રોજ સુટિયા પંચપોતા ખાતે એક ગરીબ વિસ્થાપિત પરિવારમાં થયો હતો, જેઓ 1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ બાદ ભારત આવ્યા હતા. તેમના પિતા જગદીશ બિસ્વાસ દિવસ દરમિયાન મજૂરી કરતા અને રાત્રે સ્થાનિક નાટકમંડળીમાં ગીતો ગાઈને બાળકોના શિક્ષણનો ખર્ચ કાઢતા. આવી અત્યંત કપરી પરિસ્થિતિઓમાંથી આગળ વધીને બરુણે બંગાળી વિષયમાં એમ.એ. અને બી.એડ.ની પદવી મેળવી અને કોલકાતાની પ્રતિષ્ઠિત શાળામાં નોકરી મેળવી, પરંતુ પોતાનું ઘર અને ભવિષ્ય સુરક્ષિત હોવા છતાં, બરુણ પોતાની માતૃભૂમિની સ્ત્રીઓની ચીસો અને લાચારી સહન ન કરી શક્યા. તેમણે ગામના થોડાક સાહસિક લોકો સાથે મળીને `સુટિયા ગણઘર્ષણ પ્રતિવાદ મંચ' (બળાત્કાર વિરોધી પ્રતિકાર સમિતિ)ની સ્થાપના કરી.
એક વરસાદી સાંજે સુટિયા બજારમાં જ્યારે લોકો ડરના માર્યા એકઠા થવા ખચકાતા હતા અને ચોપાનિયાંઓ ફેંકી દેતા હતા, ત્યારે બરુણ બિસ્વાસે હિંમતભેર લાકડાના એક સાધારણ બાજઠ પર ઊભા રહીને માઇક્રોફોન હાથમાં લીધો અને માઈકમાં તેઓ જે બોલ્યા તે અવાજો હવામાં ગુંજતા રહ્યા. `જો આપણે આપણી દીકરીઓ, બહેનો અને માતાઓની આબરૂનું રક્ષણ ન કરી શકીએ, તો આપણને સુસંસ્કૃત સમાજમાં જીવવાનો કોઈ અધિકાર નથી. જો આપણામાં આ બળાત્કારીઓનો સામનો કરવાની હિંમત નથી, તો આપણે તેમના કરતાં પણ વધુ ગંભીર સજાને પાત્ર છીએ.' આ અવાજમાં એક નવો આત્મવિશ્વાસ હતો જેણે દાયકાઓથી થીજી ગયેલા લોહીમાં ગરમાટો લાવી દીધો. બરુણે માત્ર ભાષણો ન આપ્યાં, પરંતુ પીડિત મહિલાઓના ઘરે-ઘરે જઈને તેમને માનસિક હિંમત આપી, તેમને પોલીસ સ્ટેશને લઈ જઈને ફરિયાદ નોંધાવડાવી અને કોર્ટમાં ન્યાયની લડાઈ માટે વકીલો ઊભા કર્યા. તેમની આ મક્કમતાને કારણે આખરે કાયદો પણ હરકતમાં આવ્યો અને સુશાંત ચૌધરી સહિત તેની આખી ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી, જેમને બાદમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.
ધરપકડ બાદ સુશાંત ચૌધરી ભલે જેલની કાળી કોટડીમાં કેદ હતો, પણ તેનો અહંકાર અને તેના સામ્રાજ્યનો અંત આવ્યો નહોતો. ડમડમ સેન્ટ્રલ જેલની ઊંચી દીવાલો પાછળ બેસીને તેણે આ અપમાનનો બદલો લેવાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું. બરુણ બિસ્વાસ માત્ર બળાત્કાર વિરુદ્ધની લડત પૂરતા સીમિત નહોતા, તેઓ વિસ્તારમાં ઈચ્છામતી નદીના રક્ષણ અને સામાજિક કલ્યાણનાં કાર્યો દ્વારા અત્યંત લોકપ્રિય નેતા તરીકે ઊભરી રહ્યા હતા. સુશાંત ચૌધરી અને તેના જેલની બહાર રહેલા સાથીદારો સારી રીતે જાણતા હતા કે જ્યાં સુધી બરુણ જીવતો છે, ત્યાં સુધી તેમનું જૂનું આતંકનું શાસન ક્યારેય પાછું નહીં આવી શકે. જેલની સુરક્ષાવ્યવસ્થાને ભેદીને સુશાંતે બહાર તેના ગુનાહિત નેટવર્ક સાથે સંપર્ક સાધ્યો. બરુણની દિનચર્યા પર નજર રાખવામાં આવી. કોલકાતાથી તેમના પરત ફરવાના સમય અને ટ્રેનના રૂટની રેકી કરવામાં આવી. આખરે હત્યાનો આખો સોદો સુમંત દેવનાથ ઉર્ફે ફાટકે નામના એક રીઢા અને ભાડૂતી હત્યારાને સોંપવામાં આવ્યો.
આ ષડ્યંત્રમાં સ્થાનિક કોલેજ વિદ્યાર્થીઓ અને સુશાંતની ગેંગના સભ્યો દેબાશિષ સરકાર, બિશ્વજીત બિસ્વાસ અને રાજુ સરકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
હત્યા બાદ વહી ગયેલા લોહી અને જનતાના આક્રોશ વચ્ચે પશ્ચિમ બંગાળ પોલીસ અને ત્યારબાદ સીઆઈડીએ તપાસનો દોર સંભાળ્યો. સુટિયા અને આજુબાજુના વિસ્તારોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, સેંકડો લોકો ન્યાયની માંગ સાથે શેરીઓમાં ઊતરી આવ્યા હતા. પોલીસે હબરા, ગાયઘાટા અને ગોપાલનગર વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને પાંચ શકમંદોની ધરપકડ કરી. પકડાયેલા ભાડૂતી હત્યારા સુમંત દેવનાથ ઉર્ફે ફાટકેએ પૂછપરછ દરમિયાન જે ખુલાસો કર્યો તેનાથી તપાસ અધિકારીઓ પણ ચોંકી ગયા. તેણે કબૂલ્યું કે તેને બરુણ બિસ્વાસની સોપારી સીધી ડમડમ સેન્ટ્રલ જેલમાંથી આજીવન કેદ ભોગવી રહેલા સુશાંત ચૌધરીએ આપી હતી. એક કેદી જે જેલમાં સુરક્ષિત કસ્ટડીમાં છે, તે આટલી સરળતાથી બહાર સોપારી આપીને આટલો મોટો હત્યાકાંડ કરાવી શકે, તે હકીકતે જેલ પ્રશાસન, પોલીસ તંત્ર અને રાજકીય સાઠગાંઠની ગંભીર બેદરકારી તેમજ લાચારી છતી કરી દીધી. મીડિયામાં આ કેસને લઈને ભારે હોબાળો મચ્યો. જેલ સુધારણા અને સામાજિક સુરક્ષાના દાવાઓની પોલ ખૂલી ગઈ.
પરંતુ ન્યાયની આ સફર સમય સાથે અત્યંત દર્દનાક અને કઠિન સાબિત થઈ. વર્ષ 2013ના જુલાઈ મહિનાથી કોર્ટમાં આ કેસની સુનાવણી વિધિવત્ રીતે શરૂ થઈ હતી. વર્ષો વીતતાં ગયાં તેમ તેમ કેસની ગતિ ધીમી પડતી ગઈ, જાણે કોઈ અદૃશ્ય હાથ તપાસ અને કાનૂની કાર્યવાહીનાં ચક્રોને રોકી રહ્યો હતો. આ કેસમાં કુલ 52 સાક્ષીઓ હતા, પરંતુ વર્ષ 2024ની શરૂઆત સુધીમાં તેમાંથી માત્ર 24 સાક્ષીઓની જ જુબાની લેવામાં આવી શકી હતી. પકડાયેલા નવ મુખ્ય આરોપીઓ પૈકી તમામ આરોપીઓ સમય જતાં જામીન પર મુક્ત થઈ ગયા હતા અને ખુલ્લેઆમ ફરી રહ્યા હતા, જ્યારે જેલના સળિયા પાછળ સબડતા મુખ્ય કાવતરાખોર સુશાંત ચૌધરીનું બાદમાં જેલમાં જ મૃત્યુ થયું હતું. બરુણના અશક્ત અને વૃદ્ધ માતા ગીતા બિસ્વાસ અને તેમની બહેન પ્રમિલા રોય બિસ્વાસ દરરોજ ન્યાયની આશામાં કોર્ટનાં પગથિયાં ઘસતાં રહ્યાં.
જાન્યુઆરી 2024માં, બરુણની બહેન પ્રમિલાએ કોર્ટ સમક્ષ અરજી કરી કે તેઓ પોતે આ કેસમાં સાક્ષી બનવા માંગે છે, કારણ કે સીઆઈડી અને સરકારી તંત્ર તપાસમાં યોગ્ય સહયોગ આપી રહ્યું નથી અને આરોપીઓને બચાવવાના છૂપા પ્રયાસો થઈ રહ્યા છે. તે સમયે રાજકીય સ્તરે પણ ભારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા અને સીબીઆઈ તપાસની માંગે ફરી જોર પકડ્યું હતું.
બરુણ બિસ્વાસના મૃત્યુના એક દાયકાથી પણ વધુ સમય બાદ, સુટિયા અને આસપાસના વિસ્તારોમાં આજે પણ એક અજીબ, અજંપાભરી અને ડરામણી શાંતિ જોવા મળે છે. ગામલોકોના મનમાં હજુ પણ એ ડર જીવંત છે કે જો આ કેસના આરોપીઓ સંપૂર્ણપણે નિર્દોષ છૂટી જશે, તો સુટિયામાં ફરીથી એ કાળા અને લોહિયાળ દિવસો પાછા આવી જશે. બંગાળી ફિલ્મ જગતમાં બરુણ બિસ્વાસના જીવન અને સંઘર્ષ પરથી `પ્રલય' નામની ફિલ્મ પણ બની, જેણે દેશભરમાં બરુણની બહાદુરીની વાર્તા પહોંચાડી, પરંતુ કડવું સત્ય એ છે કે પડદા પરનો નાયક ન્યાય મેળવી લે છે, જ્યારે વાસ્તવિક જીવનની માતા આજે પણ પોતાના શહીદ પુત્રના હત્યારાઓને સજા મળવાની રાહમાં જીવનના અંતિમ શ્વાસ ગણી રહી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો