આઇપીએલ ટૂર્નામેન્ટ આપણે ત્યાં ક્રિકેટ નથી, ભારતના અડધા લોકો માટે એ એક `રાષ્ટ્રીય ફરજ' છે. આઈપીએલના બે મહિના સુધી લોકો ઘરઘરમાં ટીવી સામે સંપૂર્ણ ભક્તિભાવથી બેઠા રહેતા હોય છે. `આજે કોણ જીતશે?' એ પ્રશ્ન એટલો મહત્ત્વનો બની ગયો હોય છે કે ઘણાં ઘરોમાં `આજે જમવામાં શું બનશે?' એ સવાલ ગૌણ બની જાય છે. આઇપીએલ વખતે દરરોજ સાંજે સાત વાગ્યે લોકોનું રૂટિન ફિક્સ થઈ ગયું હતું. ઓફિસમાંથી વહેલા નીકળવું, મોબાઈલ ચાર્જમાં મૂકી દેવો, વાઇફાઇ ચેક કરવું અને સોફા પર એવો કબ્જો જમાવવો કે જાણે આજની મેચ પોતે જ રમવાના હોય! પત્ની કહે કે, `રાજગરાનો લોટ લઈ આવો' તો જવાબ આવે, `હવે ટાઇમ નથી, સ્ટ્રેટેજિક ટાઇમઆઉટમાં જઈશ!'
ઘણા લોકો તો ક્રિકેટના ગેબી એક્સપર્ટ બની ગયા હતા અને ટીવી જોતા ખેલાડીઓને સલાહ આપતા `ડફોળ, આ બોલ પર કવર ડ્રાઇવ મારવાની હતી!' જાણે સામેનો ખેલાડી બોલવાનો હોય `હા ભાઈ, પહેલાં કેમ ન કહ્યું?' અને હવે આઇપીએલ પૂરી થઈ ગઈ!
હવે સાંજે સાત વાગ્યે લોકો ટીવી ચાલુ કરે છે અને પછી યાદ આવે `અરે! આજે મેચ નથી!' પછી રિમોટ હાથમાં લઈને ચેનલ ફેરવતા રહે. ન્યૂઝ ચેનલ જોવાનું મન ન થાય, સીરિયલમાં રડવાનું વધારે હોય અને ડિસ્કવરીમાં સિંહ પણ બોરિંગ લાગે.
ઘણાં ઘરોમાં તો હવે પતિ-પત્ની ફરી એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. બે મહિના સુધી પતિએ પત્નીને માત્ર એટલું જ કહ્યું હતું : `ચૂપ! વિકેટ પડી!' હવે બંને જૂની ઓળખાણ તાજી કરવાનો પ્રયાસ કરે છે.
બાળકો પણ કન્ફ્યૂઝ થઈ ગયાં છે. પહેલાં પપ્પા બાળકોના ભણતર તરફ બેધ્યાન હતા, હવે સામેથી કહે છે, `લાવો બુક, ચાલો ભણાવું.' બાળકોને લાગે છે કે આઇપીએલ ફરી શરૂ થાય તો સારું.
પાનના ગલ્લા, ચાની કીટલી અને સોસાયટીના નાકા પર પણ શાંતિ છવાઈ ગઈ છે. પહેલાં ત્યાં ચર્ચાઓ ચાલતી હતી `કોહલી ફોર્મમાં છે!'
`બુમરાહ પતી ગયો છે.', `બધું ફિક્સિંગ છે.'
હવે એ જ લોકો બેઠા હોય છે અને વાત કરે, `ગરમી બહુ છે.', `ડુંગળી મોંઘી થઈ ગઈ.', `પેટ્રોલ ફરી વધ્યું!'
આના પરથી સમજાઈ જાય કે આઇપીએલ ખરેખર પૂરી થઈ ગઈ!
કેટલાક લોકો તો હવે ખાલીપો દૂર કરવા જૂની મેચોના હાઇલાઇટ્સ જુએ છે. બોલ બાઉન્ડરી બહાર જાય ત્યારે પણ એવો ઉત્સાહ બતાવે જાણે લાઇવ મેચ ચાલી રહી હોય! કોઈક એક્સપર્ટ બની બોલે `આ પ્લેયરને પહેલા મોકલ્યો હોત તો મેચ જીતી જાત!'
હવે લોકો નવા ટાઇમપાસ શોધી રહ્યા છે. કોઈ ફરીથી વોકિંગ શરૂ કરશે, કોઈ પત્ની સાથે બજારમાં જશે, કોઈ જૂના મિત્રોને યાદ કરશે અને કેટલાક લોકો તો એટલા નવરા થઈ ગયા હોય કે એ છત પર ફરતી ગરોળી જોયા કરે છે.
કેટલાંક ઘરોમાં તો હવે રિમોટ માટે ફરીથી યુદ્ધ શરૂ થઈ ગયું છે. પહેલાં બધાને ખબર હતી કે ટીવી પર માત્ર ક્રિકેટ જ ચાલશે. હવે સીરિયલ, ન્યૂઝ અને કાર્ટૂન વચ્ચે મોટી બબાલો શરૂ થાય છે.
આઇપીએલ પૂરી થયા પછી ટાઇમપાસ કરવા માટે મારા તરફથી કેટલાક નુસખાઓ કહું છું.
રોજ સાંજે પડોશીઓ ભેગા થઈ ટોસ કરો અને નક્કી કરો કે આજે ચા કોણ પીવડાવશે. મોબાઇલમાં જૂના મેસેજ ખોલી એના પર ઉગ્ર ચર્ચા કરો અને જો હજુ પણ ક્રિકેટની બહુ યાદ આવતી હોય તો પાંચ સગાંને વીડિયો કૉલ કરી હરાજી શરૂ કરો - કાકાને 5 લાખ, ફુઆને 3 લાખ અને જમાઈને `અનસોલ્ડ' જાહેર કરો!
પણ સાચું કહીએ તો આઇપીએલ માત્ર ક્રિકેટ નહોતું. એ બહાનું હતું - પરિવાર સાથે બેસવાનું, મિત્રો સાથે મજાક કરવાનું, ઓફિસમાં ચર્ચા કરવાનું અને ટેન્શનમાં થોડું હસવાનું.
હવે થોડા દિવસ લોકોને ખાલી ખાલી લાગશે, પછી કોઈ નવી સીરિઝ આવશે, કોઈ નવી ચર્ચા શરૂ થશે અને જીવન ફરી એ જ સ્પીડમાં દોડશે.
પણ ત્યાં સુધી...
સાંજે સાત વાગ્યે ટીવી સામે બેસીને માત્ર એક જ અવાજ આવશે, `અરે યાર!' મેચ હોત તો મજા
આવી જાત.'
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો