જેફ્રી આર્ચરની ઉંમર 86 વર્ષ છે, બ્રિટિશ લેખક છે. આ વર્ષે એમની નવી નવલકથા `આદમ ઍન્ડ ઇવ' આવી રહી છે. બાવન વર્ષ પહેલાં એમની સૌપ્રથમ નવલકથા `નૉટ અ પેની મોર નૉટ અ પેની લેસ' પ્રગટ થઈ. એ પછીના પાંચ દાયકા દરમિયાન એમણે કુલ 47 પુસ્તકો લખ્યાં. સમજોને કે લગભગ દર વર્ષે એક. આમાંથી 31 નવલકથાઓ છે, અડધો ડઝન જેટલા વાર્તાસંગ્રહો છે. ત્રણ નાટક છે અને ત્રણ જેલવાસના અનુભવોની ડાયરી છે. ચાર પુસ્તકો બાળસાહિત્યનાં પણ લખ્યાં છે. એમની લેટેસ્ટ નવલકથા એમની છેલ્લી હશે એવું જાણવા મળ્યું છે. આ વર્ષે ઑક્ટોબરની છઠ્ઠી તારીખે એ પ્રગટ થશે. જાન્યુઆરીમાં જ પ્રકાશક હાર્પર કૉલિન્સે એના અગોતરા ઑર્ડર લેવાની શરૂઆત કરી દીધી હતી. 29 જાન્યુઆરીએ અમે પણ સાડા ચારસો રૂપિયા આપીને હાર્ડ બાઉન્ડ એડિશન બુક કરાવી દીધી છે.   


 71 વર્ષના અમેરિકન રાઇટર જ્હૉન ગ્રિશમની 

`અ ટાઇમ ટુ કિલ' 1989માં પ્રગટ થઈ. એ પછી એમણે દર વર્ષે એક નવલકથા લખી અને એ ઉપરાંત એમણે યંગ એડલ્ટ્સ માટે પણ પુસ્તકો લખ્યાં. ટૂંકી વાર્તાઓ પણ લખી. એમની એક નૉન ફિક્શન `ધ ઇનોસન્ટ મૅન' પણ બેસ્ટ સેલર બની છે. એમની દસ નવલકથાઓ પરથી હૉલિવૂડમાં ફિલ્મો બની છે અને કેટલીક ટીવી સીરિઝ પણ બની છે. ગયા વર્ષે નવેમ્બરમાં એમની બે નવલકથાઓ પ્રગટ થઈ, `કેલિકો જો' અને `ધ વિડો'. ગયા મહિને એમણે વાચકોને મોકલેલા ઇ-મેલમાં પોતાની સૌથી જાણીતી નવલકથા `ધ ફર્મ'ની પાંત્રીસમી વર્ષગાંઠ નિમિત્તે એની સર્જનકથા શેર કરી હતી.   

 `ધ નોટબુક'વાળા નિકોલસ સ્પાર્ક્સ પણ એમના ન્યૂઝ લેટર દ્વારા વાચકોને જાણ કરતા રહે છે કે પોતાની નવી નવલકથાની રિલીઝ નિમિત્તે યોજાયેલી એમની સાઈનિંગ ટૂરનો શું પ્રોગ્રામ છે.   

 સ્ટીફન કિંગ પણ નિયમિત સાઈનિંગ ટૂર કરીને એના ફોટા અને અનુભવોનું બ્રીફ ડિસ્ક્રિપ્શન એમના ફેસબુક પેજ પર શેર કરતા હોય છે. ઓલમૉસ્ટ 100 દળદાર પુસ્તકો પ્રગટ થયાં છે એમનાં. એમના ચાહકોની મીઠી ફરિયાદ હોય છે કે એમનાં પુસ્તકો વાંચવાની અમારી સ્પીડ કરતાં એમની લખવાની સ્પીડ વધારે હોય છે!   

 જે. કે. રોલિંગ હૅરી પોટર સીરિઝની સાત ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથાઓ પછી ઓલમોસ્ટ એક દાયકા બાદ આઠમી વાર્તા આવી - નાટકની સ્ક્રિપ્ટરૂપે: `હૅરી પોટર ઍન્ડ ધ કર્સડ ચાઈલ્ડ' નાટકે લંડનના વેસ્ટ એન્ડમાં ધૂમ મચાવી હતી. મહિનાઓ સુધીનું ઍડવાન્સ બુકિંગ થઈ ગયું હતું. ટિકિટના બ્લૅક બોલાયા. પુસ્તક ઈન્ડિયા સહિત જગત આખામાં બેસ્ટ સેલર થઈ ગયું. મારી પાસે પણ આવી ગયું, પણ પછી રિપોર્ટ્સ એવા આવ્યા કે જે. કે. રોલિંગે હૅરી પોટર આ સીરિઝનું આ આઠમું સર્જન પથ્થર પર પટકીને મરી જવા દીધું હોત તો સારું થાત. હૅરી પોટરના આર્ડન્ટ ચાહકો રોલિંગકાકી પર સખત ગુસ્સે ભરાયા.   

 પાઉલો કોએલોએ `આલ્કેમિસ્ટ' પછી બીજી કોઈ નવલકથા ન લખી હોત તો પણ એમની સાત પેઢી સુધી ચાલે એટલું ધન હોત. પાઉલો કોએલો એમની માતૃભાષા પોર્ટુગીઝમાં લખે છે પછી એમનાં પુસ્તકો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થાય છે. બાય ધ વે, પોર્ટુગીઝ ભાષા ભલે એક હોય પણ પોર્ટુગલમાં બોલાતી-લખાતી પોર્ટુગીઝ અને બ્રાઝિલમાં બોલાતી-લખાતી પોર્ટુગીઝ ભાષા વચ્ચે ઘણું મોટું અંતર છે. ક્યારેક તો એમાંની એક જ ભાષાના જાણકારને બીજી સમજવામાં તકલીફ પડી જાય એટલું મોટું અંતર છે. પાઉલો કોએલો બ્રાઝિલના વતની છે અને તેઓ બ્રાઝિલિયન પોર્ટુગીઝમાં લખે છે. જોકે, આજકાલ તેઓ સ્વિત્ઝર્લેન્ડમાં ઘર ખરીદીને રહે છે (એ પેટનું બળ્યું કોણ બોલ્યું કે, `આપણે તો આંયાં માથેરાન જવાનાય ફાંફાં છે')   

 ઘરઆંગણે તો અંગ્રેજીમાં લખનારા આપણા ઘણા બધા બેસ્ટ સેલર રાઈટરો છે, જેમાંના કેટલાક વાંચવા ગમે તેવા પણ છે. એક કપંનીએ દાવો કર્યા કરે છે કે પ્રિ ઑર્ડર, આગોતરા બુકિંગમાં, ઑન લાઈન હિસ્ટરીમાં ફલાણા પુસ્તકે રેકોર્ડ બ્રેક કર્યો છે.   

 ગુજરાતી નવલકથાનું માર્કેટિંગ કરવાનું પ્રકાશકોને બહુ મન ન થાય એ સ્વાભાવિક છે. ઇંગ્લિશનું માર્કેટ વર્લ્ડ વાઈડ પ્રથમ આવૃત્તિની જ લાખો કૉપીઝની ડિમાન્ડ હોવાની. ગુજરાતીમાં તો હવે નવા નવા સ્માર્ટ ફોન વાપરતા થયેલાઓ કોઈ પણ ગુજરાતી પુસ્તક (પછી એ નવું હોય કે જૂનું) વિશે પૂછપરછ કરતા રહે છે : ફ્રી ડાઉનલોડ કરવા માટેની સાઈટ કઈ? ગાંઠિયા સાથે બે વાર ચટણી મેળવવાની આદતવાળા કેટલાક વાચકોએ મફતિયા પુસ્તકો વાંચવાનો શોખ પોષવાને બદલે ગાંઠિયાના પડીકા માટે વપરાતા છાપાનું કાગળિયું વાંચીને જ પોતાનો વાચનશોખ પૂરો કરી લેવો જોઈએ.   

 ગુજરાતી નવલકથાઓનું માર્કેટ અંગ્રેજીની સરખામણીએ મિનિસ્ક્યુલ હોવાથી પ્રકાશકોને એના પ્રમોશનમાં ભલે રસ ન પડે, પણ જેમની નવલકથાની આતુરતાથી વાચકો રાહ જુએ એવા નોવેલિસ્ટ આપણે ત્યાં કેટલા?   

 ગુજરાતી વાચકોને લગાડવામાં આવેલી ખોટી આદતો વિશે બે જુદા જુદા પ્રસંગે ગુજરાતના બે જુદાં જુદાં શહેરોના મિત્રોએ વાત કરી. એક મિત્રે કહ્યું કે છાપામાં કૉલમો લખનારા ટોચના ટ્વેન્ટી રાઈટરોએ જો એક સાથે નક્કી કરી લે એમણે છાપામાં નથી લખવું, પણ ડાયરેક્ટ ઑનલાઈન લખવું છે, તો એ રાઈટરો મહિને લાખો રૂપિયા કમાય એટલું પોટેન્શિયલ અત્યારે ગુજરાતી વાચનબજારમાં છે.   

 બીજા મિત્રે કહ્યું કે ગુજરાતી પુસ્તકો કે ઈ-બુક્સની ડિમાન્ડ જેટલી હોવી જોઈએ એટલી નથી, કારણ કે રાઈટરોએ વાચકોને બધું મફતમાં આપી દેવાની ટેવ પાડી છે. છાપામાં છપાતી કૉલમો દ્વારા અને ફેસબુક પર કે વૉટ્સઍપના ગ્રૂપ્સમાં રેગ્યુલર મુકાતી કૉલમોના લેખો દ્વારા વાચકોનું પેટ ભરાઈ જાય છે. એમનો સમય પણ ખર્ચાઈ જાય છે એટલે પછી જ્યારે પુસ્તક પ્રગટ થાય ત્યારે માંડ થોડી હજાર નકલો વેચાય કે ઈ-બુક બહાર પડે તો ગણીગાંઠી નકલો વેચાય.   

 આ બંને સહૃદયી મિત્રોના અભિપ્રાયો વિશે એમની સાથે વિસ્તારથી ચર્ચા કરી. એમના અમુક મુદ્દા સાથે હું સહમત નથી, અમુક સાથે છું. ગુજરાતીમાં પુસ્તકો મોંઘાં છે એ વાત સાથે હું અગાઉ પણ સહમત નહોતો અત્યારે પણ નથી. ભારતની બીજી ભાષાઓનાં પુસ્તકો જે કિંમતે વેચાય છે, લગભગ તે જ કિંમતે ગુજરાતીમાં પણ વેચાય છે અને હવે તો મિનિમમ બસો-ત્રણસો રૂપિયાના એક પિઝા કે એટલી જ કિંમતની મલ્ટિપ્લેક્સની એક ટિકિટ પાછળ પૈસા ખર્ચાય છે, તો પુસ્તક કેવી રીતે મોંઘું ગણાય?   

 પણ બીજી એક દલીલ હું ક્યારેય નહીં કરું કે ગુજરાતીઓ પિઝા ખાવામાં કે પિક્ચર જોવામાં જેટલા પૈસા ખર્ચી નાખશે એટલે પૈસામાં પુસ્તક 

નહીં ખરીદે.   

 શું કામ ખરીદે? દરેકને પોતાની પ્રાયોરિટી હોય. રેડીમેઇડ ગાર્મેન્ટવાળો શું ફરિયાદ કરે છે કે ગુજરાતીઓ ગોવા જશે, પણ મેં બનાવેલાં છ શર્ટ્સ નહીં ખરીદે! મર્સિડીઝ વેચવાવાળો ફરિયાદ કરે છે કે ગુજરાતીઓ ફ્લેટ ખરીદશે, પણ મારી ગાડી નહીં લે! સ્ટેશન પર બૂટ પૉલિશ કરવાવાળો પણ ફરિયાદ નથી કરતો કે 

ગુજરાતીઓ વડાપાંઉ ખાશે, પણ એટલા જ રૂપિયામાં બૂટને પૉલિશ નહીં કરાવે.   

 કોણે ક્યાં પૈસા ખર્ચવા તે જેના ગજવામાં પૈસા છે તેની મુનસફીની વાત છે. કેવી રીતે ખર્ચવા તે પણ એની મરજીની વાત છે. ગુજરાતી નાટકો પાછળ દર અઠવાડિયે પાંચસો-સાતસો રૂપિયાની ટિકિટ ખર્ચનારો માણસ તમારી બસો રૂપિયાની ચોપડી નહીં લે તો નહીં જ લે. એને ચાર ગણા પૈસા ખર્ચીને જે મજા આવે છે તે મજા પોણા ભાગના પૈસા બચાવ્યા પછી પણ તમારી ચોપડીમાંથી નથી આવતી તો નથી આવતી. શું કરશો તમે? એમ તો નાટકવાળાઓ પણ ફરિયાદ કરતા હોય છે કે દર અઠવાડિયે ફેમિલી સાથે મલ્ટિપ્લેક્સમાં જઈને નકામી ફિલ્મ પાછળ બે હજાર રૂપિયા વેડફી આવનાર ગુજરાતીઓ અમારું આટલું સરસ નાટક જોવા કેમ નથી આવતા? નથી આવતા તો નથી આવતા. તમે ભાવ અડધા કરી નાખશો તોય નહીં આવે અને બસો રૂપિયાની ચોપડી વીસમાં આપશો તોય એ નહીં વાંચે તો નહીં જ વાંચે.   

 દરેકને પોતાની પ્રાયોરિટી હોય છે. મને જે ચીજ નથી જ જોઈતી તે કોઈ ફ્ફ્ટિી પર્સેન્ટ ડિસ્કાઉન્ટમાં પણ આપે તોય હું નથી લેવાનો. જે ચીજ મારા માટે જરૂરી છે તે લેવા હું સમય-પૈસા ખર્ચીને પણ લાંબો થવાનો અને જે ભાવે મળતી હશે તે ભાવે એને ઘરભેગી કરવાનો.   

 પચીસેક શબ્દના આ છેલ્લા ફકરામાં એક ઑપરેટિંગ વર્ડ છે તે કયો?   

 એ શોધી કાઢો એટલે એના આધારે પુસ્તકો વિશે વિશેષ કરીને ગુજરાતી પુસ્તકો વિશે માંડેલી આ વાતનો કનક્લુડિંગ પાર્ટ તમને આવતા અઠવાડિયે આપીએ - વિના મૂલ્ય!   

 સાયલન્સ પ્લીઝ!   

 પુસ્તક એક એવી ગિફ્ટ છે જેને તમે વારંવાર ખોલી શકો છો.   


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: