મ્યાનમાર થોડા સમયથી કોઇ ને કોઇ વિવાદને લઇને સમાચારમાં છે, પરંતુ એક સમયમાં મ્યાનમારને સોનાની નગરી કહેવામાં આવતું હતું. એ સમયે તેની સમૃદ્ધિ અને સંસ્કૃતિ જીવંત હતી.
મ્યાનમારના ઇતિહાસમાં અનેક સામ્રાજ્ય અને રાજવંશો આવ્યા અને ગયા. એ બધાએ દેશની સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતને સમૃદ્ધ બનાવી છે. એ સમૃદ્ધિ હજારો વર્ષો પછી આજે પણ બાગનમાં જોવા મળે છે. ઇતિહાસકારો, સંશોધકો અને પ્રવાસીઓ માટે મ્યાનમારનું બાગન શહેર આજે પણ ચર્ચાનો વિષય છે. 18મી અને 19મી શતાબ્દીના ઇતિહાસનાં પુસ્તકોમાં બાગનના ઇતિહાસનો ઉલ્લેખ જોવા મળે છે.
બાગન સામ્રાજ્યનો વિસ્તાર
અનાવરાતના શાસનકાળમાં બાગનનો સુવર્ણકાળ શરૂ થયો હતો. આ કાળ 250 વર્ષ સુધી ચાલ્યો અને એ દરમિયાન 10,000 કરતાં વધારે ધાર્મિક સ્મારક બન્યાં. મોન સંસ્કૃતિ જે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી. અનાવરાતને એ પ્રિય હતી. તેમણે મોન બંદરો પર વિજય મેળવીને વિપુલ સંપત્તિ જીતી અને એ ધન બાગનને સજાવવા પાછળ લગાવ્યું. જેના માટે મોન એન્જિનિયરો, સુથારો અને કલાકારોને કામ પર લગાવી દીધા હતા.
મોન સભ્યતા નદી
આ નદી પરિવહન ઉપર પણ નિયંત્રણ ધરાવતી હતી, જેથી તેમનું વર્ચસ્વ વધી ગયું. રાજા અનાવરાતે એ સમયે અસંખ્ય મંદિરો અને સ્તૂપોનું નિર્માણ કર્યું. દરેક નવું નિર્માણ જૂના કરતાં વધારે ભવ્ય અને વિશાળ બનાવવામાં આવતું હતું. એ સમયે જ ભારતનું પ્રસિદ્ધ ધાર્મિક મહાકાવ્ય રામાયણ બર્મામાં અત્યારના મ્યાનમારમાં લોકપ્રિય થયું હતું. તેને બર્મી ભાષામાં લખવામાં આવ્યું. તેની વાર્તા પહેલાં મૌખિક રીતે 13મી શતાબ્દીના અંતમાં આવામાં પ્રચલિત થઇ હતી અને 16મી શતાબ્દી સુધી મુખ્ય પરંપરામાં ચાલુ રહી. 18મી શતાબ્દી સુધીમાં બૌદ્ધ ભિક્ષુઓએ તેને એક મહાન કથાના રૂપમાં સ્વીકાર કર્યો અને તેને ગદ્ય, પદ્ય અને નાટ્યના રૂપમાં લિપિબદ્ધ કરવામાં આવ્યું. તેનો પ્રભાવ ત્યાં આજે પણ જોવા મળે છે. મ્યાનમારમાં રામાયણની વાર્તા રામા જતદાવ તરીકે પ્રખ્યાત છે.
અનાવરાતનું મૃત્યુ 1077માં થયું, પરંતુ બાગનનો ગોલ્ડન પિરિયડ ચાલુ રહ્યો. વેપારમાં વૃદ્ધિને કારણે મંદિરોનું નિર્માણ ઝડપથી ચાલુ રહ્યું. થોડા સમય બાદ દરેક સામ્રાજ્યની જેમ બાગનનું પણ પતન થયું. 13મી સદીના અંત સુધી રાજકીય અને આર્થિક સમસ્યાઓ શરૂ થઇ.
બાગન ઇરાવતી નદીના એક કિનારા પર આવેલ પ્રાચીન શહેર છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામલે કરવામાં આવ્યું છે. બાગનને પહેલાં પાગન તરીકે પણ ઓળખવામાં આવતું હતું. આ સ્થળ ઇતિહાસ, સ્થાપત્ય અને ધર્મનું એક અદ્ભૂત સંગમ સ્થળ છે, જેની ગણતરી કંબોડિયાના અંગકોર વાટ જેટલી જ મહાન વિરાસતમાં થાય છે. રાજાઓ, ઉમરાવો અને સામાન્ય લોકોએ ધાર્મિક શ્રદ્ધાના પ્રતીક રૂપે બાગનમાં 10,000 કરતાં વધારે બૌદ્ધ મંદિરો અને મઠોનું નિર્માણ કરાવ્યું હતું.
13મી સદીના અંતમાં મોંગોલ આક્રમણ અને અન્ય આંતરિક પરિબળોના કારણે આ સામ્રાજ્યનું પતન થયું. જોકે, હજારો માળખાઓ લાકડાના બનેલા હોવાથી નાશ પામ્યા.
બાગન વિસ્તાર ભૂંકપો માટે જાણીતો છે. અહીં અનેકો વખત ભૂંકપના તીવ્ર આંચકા આવ્યા છે. એમાં 1975થી 2016ના ભૂંકપોએ
અનેક મંદિરો અને ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું. 1990માં મ્યાનમારની સરકારે પુનઃનિર્માણનું કામ શરૂ કર્યું અને આશરે 2,229 મંદિરો અને સ્મારકોનું સમારકામ કરવામાં આવ્યું. પ્રાચીન મંદિરોના અવશેષો આજે પણ અસ્તિત્વમાં છે. જે તે સમયની સ્થાપત્ય કલાનો અજોડ નમૂનો છે.
બાગનનાં મંદિરોની બનાવટમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિની સ્પષ્ટ અસર જોવા મળે છે. અહીંના ધાર્મિક માળખાને બે પ્રકારમાં વહેંચી શકાય છે. જેમ કે, સ્તૂપમાં શંકુ આકારના માળખા છે, જેમાં બુદ્ધના અવશેષો રાખવામાં આવ્યા છે. શ્વજીગોન સ્તૂપો એ મોટા સ્તૂપો છે, જે તેમની સોનેરી ચમક માટે પ્રખ્યાત છે.
અહીંના સ્તૂપોમાં ભારતીય પરંપરાગત શૈલીનાં પ્રતીકો જોવા મળે છે, પરંતુ તેની ટોચ પર સાંકડો થતો જતો અણિયાળો ધુમ્મટ મ્યાનમારની આગવી સ્થાપત્ય શૈલી દર્શાવે છે.
સૌથી નવાઇની વાત એ છે કે, બાગનનાં મંદિરો પરથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવો એ વિશ્વનાં શ્રેષ્ઠ દૃશ્યોમાંનું એક ગણાય છે. સવારના સમયે મેદાન પર, હજારો સ્તૂપો ઉપર હોટ એર બલૂન ઊડતાં જોવા મળે છે, જે એક જાદુઇ દૃશ્ય હોય એવું લાગે છે. બાગન માત્ર ખંડેર શહેર નથી, પરંતુ જીવંત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર છે. તે મ્યાનમારના સમૃદ્ધ ઇતિહાસ, બૌદ્ધ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે તથા લાકડાની કોતરણી જેવી પરંપરાગત હસ્તકલાઓ માટે જાણીતું છે.
