દિવસે દિવસે અમેરિકાના ઈમિગ્રેશનને લગતા કાયદાઓ અને નિયમોમાં કડકાઈ આવતી જાય છે. જેટલા લોકોને દર વર્ષે કાયદેસર અમેરિકામાં આવવાની છૂટ અમેરિકા આપે છે એનાથી બમણા, ત્રણ ગણા લોકો ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસે છે. આથી જ અમેરિકાને દિવસે દિવસે એમના ઈમિગ્રેશનને લગતા કાયદાઓ કડક બનાવવાની અને એનો અમલ ચુસ્તપણે કરાવવાની ફરજ પડે છે.

પણ આપણામાંથી અનેકોને એ વાતની જાણ જ નથી કે અમેરિકાએ એમના `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ - 1952' આ કાયદા હેઠળ પરદેશીઓને 15 ભેટો પણ આપી છે.

અમેરિકામાં `નોન ઈમિગ્રન્ટ વિઝા' પર પ્રવેશતાં તમને પૂછવામાં આવે છે કે તમે અહીં કેટલો સમય રહેવા ઈચ્છો છો? એ જાણીને પછી ઈમિગ્રેશન ઓફિસરો તમને અમેરિકામાં તમે કેટલો સમય રહી શકો એ જણાવે છે. આ સમય વધુમાં વધુ છ મહિનાનો હોઈ શકે છે, પણ જો એવી કોઈ અણધારી જરૂરિયાત આવી પડે કે તમારે છ મહિનાથી વધારે અમેરિકામાં રહેવું પડે અથવા તમને રહેવા માટે પંદર દિવસ, મહિનો, બે મહિના સમય આપ્યો હોય એનાથી વધુ રહેવાની જરૂરિયાત આવી પડે તો તમે એ જરૂરિયાત દેખાડીને `એક્સટેન્શન ઓફ ટાઈમ' માંગી શકો છો.

તેઓ તમને `ચેન્જ ઓફ સ્ટેટસ'ની છૂટ આપે છે. તમે `બી-1/બી-2' વિઝા પર અમેરિકામાં પ્રવેશ્યા હોવ અને પછી ત્યાં ભણવાનું મન થાય તો તમે તમારું `બી-1/બી-2' સ્ટેટસ ચેન્જ કરીને સ્ટુડન્ટ સ્ટેટસ મેળવી શકો છો અને અમેરિકામાં ભણી શકો છો.

જો તમે કોઈ `નોન ઈમિગ્રન્ટ વિઝા' પર અમેરિકામાં પ્રવેશ્યા હોવ અને ત્યાં તમે લગ્ન કરો અને ઈમિગ્રન્ટ બનવા ચાહો કે બીજી કોઈ રીતે ઈમિગ્રન્ટ બનવા ચાહો તો તમે `એડ્જસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ'ની અરજી કરીને તમારું નોન ઈમિગ્રન્ટ સ્ટેટસ ઈમિગ્રન્ટ કરી શકો છો.

તમે અમેરિકામાં રહેતા હોવ, અસાયલમ માંગેલું હોય કે ટેમ્પરરી પ્રોટેક્ટિવ સ્ટેટસ માંગેલું હોય અને તમને કોઈ કારણસર તમારા દેશમાં થોડો સમય માટે જવાની જરૂર પડે તો તમે `રિટર્નિગ રેસિડન્ટ પરમિટ' મેળવીને થોડો સમય અમેરિકા બહાર તમારા દેશમાં જઈ-આવી શકો છો.

`રિટેન્શન ઓફ પ્રાયોરિટી ડેટ'ની ભેટ પણ અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ આપી છે. એટલે કે તમારું જે બાળક ડિપેન્ડન્ટ હોય એને `ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ' હેઠળ ગણતરી કરતાં જો ઉંમર વધી જાય અને એને ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા આપવામાં ન આવે, તો તમને જ્યારે ગ્રીનકાર્ડ મળે એના માટે `ફેમિલી સેકન્ડ બી પ્રેફરન્સ કેટેગરી' હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી શકો છો. પછી `રિટેન્શન ઓફ પ્રાયોરિટી ડેટ'ની પિટિશન પણ દાખલ કરી શકો છો. તમારી પિટિશનની જે પ્રાયોરિટી ડેટ હતી એ કારણો દર્શાવીને તમારાં સંતાનો માટેની જે પિટિશન દાખલ કરો છો એની પ્રાયોરિટી ડેટ આપવી જોઈએ એવી માંગણી કરી શકો છો. જો ઈમિગ્રેશન ઓફિસરને તમારી માંગણી સંતોષકારક લાગશે તો તમને તેઓ તમારી જે પ્રાયોરિટી ડેટ હતી એ તમારા સંતાન માટે જે પિટિશન દાખલ કરી રહ્યા છો એ ભેટરૂપે આપશે અને તમારું સંતાન એકાદ વર્ષની અંદર અમેરિકામાં કાયમ રહેવા માટે પ્રવેશી શકશે.

સીએસપીએ એટલે કે `ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ' હેઠળ એવી ભેટ આપવામાં આવી છે કે તમે જ્યારે પિટિશન દાખલ કરો અને એ જ્યારે એપ્રૂવ થાય ત્યારે જેટલો સમય અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ તમારી પિટિશન એપ્રૂવ કરવા માટે લીધો હોય એટલો સમય તમારા બાળકની ઉંમરમાંથી તમે માંગી શકો છો. એ બાદબાકી કરતાં તમારા ડિપેન્ડન્ટ બાળકની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી હોય તો એને ડિપેન્ડન્ટ ગ્રીનકાર્ડ મળી શકે છે.

તમારા લાભ માટે તમારા અંગત સગાએ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી હોય એ પ્રોસેસ થઈને એપ્રૂવ પણ થઈ ગઈ હોય અને તમે વિઝા મેળવવાની વાટ જોતા હોવ એ દરમિયાન જો એ પિટિશનરનું મૃત્યુ થાય તો પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય છે. આવા કિસ્સામાં તમે `સબસ્ટિટ્યુશન'ની અરજી કરીને અન્ય કોઈ અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારકને તમારા લાભ માટે જેમણે પિટિશન દાખલ કરી હતી એ પિટિશનરની જગ્યા અપાવી શકો છો. આમ, `સબસ્ટિટ્યુશન'ની ભેટ પણ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં આપવામાં આવી છે.

દર વર્ષે અમેરિકા 55,000 ગ્રીનકાર્ડ `વિઝા લોટરી' દ્વારા આપે છે. જોકે, આ સગવડ હમણાં બંધ કરવામાં આવી છે.

`બર્થ સિટીઝનશિપ' અમેરિકાના 14મા બંધારણમાં દાખલ કરવામાં આવી છે. જોકે, આને પણ હમણાં સ્થગિત કરી દેવામાં આવી છે. તમારાં સંતાનોને તમારી જોડે ડિપેન્ડન્ડ વિઝા મળે એવી પણ સગવડ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા હેઠળ છે.

પરદેશી વિદ્યાર્થીઓ જે અમેરિકામાં ભણવા જાય છે, એમને અઠવાડિયામાં વીસ કલાક કેમ્પસ પર કામ કરવાની છૂટ આપવામાં આવી છે. ભણી રહ્યા બાદ પરદેશી વિદ્યાર્થીઓને એક વર્ષ અને અમુક કિસ્સાઓમાં ત્રણ વર્ષ `ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડ' આપવામાં આવે છે. આ એક યા ત્રણ વર્ષ માટે તેઓ અમેરિકામાં રહીને કામ કરી શકે છે.

વર્ષ 1990માં `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી'માં એક પાંચમી `ઈબી-5' કેટેગરીનો ઉમેરો કરીને અમેરિકાની સરકારે ખરેખર પરદેશીઓને ગ્રીનકાર્ડ મેળવવા માટેની બહુ મોટી ભેટ આપી છે.

`ઈબી-5' પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતાં તમને ગ્રીનકાર્ડ પ્રાપ્ત થઈ શકે છે.

`પ્રીમિયમ પ્રોસેસિંગ'ની પણ સગવડ આપવામાં આવી છે, જેથી તમારી પિટિશન દાખલ કરવામાં આવી હોય એને સામાન્ય રીતે પ્રોસેસ થઈને એપ્રૂવ થતાં છ-બાર મહિના કે એથી પણ વધુ સમય લાગે, પણ જો તમે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી આપો તો તમને થોડા સમયની અંદર જ તમારી પિટિશન પર જવાબ મળી શકે છે.

તમે કંઈ ખોટું કાર્ય કર્યું હોય, અમેરિકામાં પ્રવેશવા પર પાબંધી લાગી હોય તો `વેવર'ની અરજી કરી શકો છો. માફી માંગી શકો છો. `નોન ઈમિગ્રન્ટ વેવર' કે `ઈમિગ્રન્ટ વેવર' માંગી શકો છો. એ મેળવીને અમેરિકામાં પ્રવેશી શકો છો.

આમ, અમેરિકાની સરકારે એમના ઈમિગ્રેશનના કાયદામાં પરદેશીઓને પંદર ભેટો બક્ષી છે, પણ આપણે આ બધી ભેટોનો ખૂબ ગેરઉપયોગ કરીએ છીએ. આથી જ હવે અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું સજાગ બની ગયું છે. કડક બની ગયું છે. અમેરિકા જાઓ પણ કાયદેસર જાઓ અને તેઓએ તમને જે આ પંદર ભેટો આપી છે એનો દુરુપયોગ ન કરો.