1994માં પ્રદર્શિત વિધુ વિનોદ ચોપરાની બહુચર્ચિત અને વખણાયેલી ફિલ્મ `1942 - અ લવ સ્ટોરી' ફરીથી થિયેટરોમાં રિલીઝ થઇ છે. 30 વર્ષમાં આવેલી રંગોની, અવાજની અને પ્રોજેક્શનની નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફિલ્મને દર્શકોની નવી પેઢીને આકર્ષણ થાય તે રીતે `રિસ્ટોર' કરવામાં આવી છે.   

`1942' એક એવી વિરલ ફિલ્મ છે, જે જ્યારે જોઈએ ત્યારે કોઈક નવો અનુભવ કરાવે છે. તેની કહાની, તેનું સંગીત, તેના સંવાદ, તેનાં પ્રાકૃતિક લોકેશન્સ અને કલાકારોનો અભિનય મળીને ફિલ્મને સમયની પટ્ટી પર ખરી ઉતારે છે.   

આ ફિલ્મ ભારત છોડો અંદોલનના બેકગ્રાઉન્ડ પર રચવામાં આવેલી પ્રેમકહાની છે. 1942માં જ્યારે ભારત સ્વતંત્રતા અંદોલનમાં કૂદી પડેલું હતું, ત્યારે બે યુવા દિલ - નરેન્દ્ર (અનિલ કપૂર) અને રાજેશ્વરી (મનીષા કોઈરાલા) એકબીજાના પ્રેમમાં મગ્ન હતાં, પણ તેમનો પ્રેમ કેવળ વ્યક્તિગત ભાવનાઓનો વિષય નથી રહેતો; તે દેશની રાજનૈતિક પરિસ્થિતિ, વૈચારિક સંઘર્ષ અને બલિદાનની ભાવનાથી રંગાઈ જાય છે.

આ ફિલ્મ બહુ માર્મિક રીતે બતાવે છે કે પ્રેમ અને દેશભક્તિ વિરોધી નથી, બલ્કે ઘણી વાર એકબીજાને વધુ ઊંડાં બનાવી દે છે. એટલા માટે જ `1942' એક સાધારણ પ્રેમકહાની બનીને નથી રહી જતી. તેમાં રોમેન્ટિક પ્રેમ છે, પણ તે ઈતિહાસના ધબકારા વચ્ચે શ્વાસ લે છે.   

તેની પટકથા `પ્રેમરોગ' અને `ચાંદની' જેવી સફળ ફિલ્મોની લેખિકા કામના ચંદ્રાએ લખી હતી. વિધુ ચોપરાએ જ તેમને સૂચન કર્યું હતું કે તેઓ એક એવી પ્રેમકહાની લખે જે સમકાલીન સમયમાં નહીં, પણ કોઈ ઐતિહાસિક દોરમાં ઘટિત થવી જોઈએ. કામનાએ રાતોરાત એવો આઝાદીની ચળવળ વચ્ચે પ્રેમનો પ્લોટ ઘડ્યો હતો.   

`ડાર્ક ફિલ્મો' માટે જાણીતા ચોપરાએ આ ફિલ્મને જે બારીકાઈથી રચી હતી, તે આજે પણ વિસ્મિત કરે છે. એ સમયનાં શહેર, પહાડ, અંગ્રેજી શાસનનો માહોલ, સ્વાતંત્ર્યસેનાનીઓનો સંઘર્ષ અને પાત્રોની વેશભૂષા, એ બધું એટલું વિશ્વસનીય પ્રતીત થાય છે કે દર્શકો સ્વયં 1942ના ભારતમાં પહોંચી જાય છે.   

ફિલ્મે બોક્સઓફિસ પર સફળતા મેળવી અને સમીક્ષકોએ પણ તેની સરાહના કરી, પણ જો કોઈ એક ચીજે તેને અમર બનાવી દીધી હોય, તો તે હતું તેનું સંગીત. `1942'નાં ગીતો હિન્દી ફિલ્મ ઈતિહાસના એ પ્રકરણનો અંતિમ અધ્યાય છે, જેને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. એ કાળ એવો હતો જ્યારે ફિલ્મી ગીતોમાં શબ્દોની માર્મિકતા હતી, સંગીતની મધુરતા હતી અને ગાયકીની ગહેરાઈ હતી.   

90નો દાયકો 54 વર્ષના રાહુલ દેવ બર્મન ઉર્ફે પંચમ માટે સૌથી નબળો હતો. અમર પ્રેમ, આંધી, હરે રામા હરે કૃષ્ણા, યાદોં કી બારાત, શોલે અને માસૂમ જેવી ફિલ્મોના સંગીતથી એક આખી પેઢીની રસિકતાને ઘડનાર પંચમ કેસેટ યુગ આનંદ-મિલિંદ, નદીમ-શ્રવણ, અનુ મલિક જેવા નવા સંગીતકારો વચ્ચે ભુલાતા જતા હતા. મોટાં બેનરો તેમને કામ આપતા અચકાતાં હતાં. તેમની ઘણી ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ ગઈ હતી અને કેટલાક પ્રોજેક્ટ્સ તો તેમના હાથમાંથી નીકળી પણ ગયા. એક સમયના ટ્રેન્ડસેટર પંચમ પોતાનું સ્થાન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું પણ હતું કે, `1985 સુધી બધું બરાબર હતું. એ પછી એક ખરાબ સમય આવ્યો. મારી 27 ફિલ્મો પિટાઈ ગઈ.'   

વિધુ ચોપરા અગાઉ `પરિંદા' ફિલ્મ માટે પંચમ સાથે કામ કરી ચૂક્યા હતા અને ફરીથી તેમનો સંપર્ક કર્યો તેનું એક જ કારણ હતું; ઐતિહાસિક અને છતાં પ્રેમકહાનીથી ભરપૂર ફિલ્મ `1942' માટે ચોપરાને સચિન દેવ બર્મનની શૈલીનું સંગીત જોઈતું હતું. પિતાનું આ એ જ સંગીત હતું જે પંચમની ગળથૂથીમાં હતું. એ જ કારણથી વિધુએ જાવેદ અખ્તરને રોક્યા હતા, જે સલીમ ખાનથી છૂટા પડીને ગીતકાર તરીકેની કારકિર્દી બનાવી રહ્યા હતા.   

અને બંનેએ ચમત્કાર કર્યો. પંચમે શોર વગરની સાદગીપૂર્ણ પણ સંવેદનશીલ ધૂન પર તેનાં ગીતો રચ્યાં હતાં. જાવેદ અખ્તરના શબ્દો એમાં એવી રીતે બેસતા હતા જાણે બંને એકબીજા માટે જ બન્યા હોય. ફિલ્મનાં ગીતોમાં કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિની કોમળ ગાયકીએ એવો આત્મા પ્રગટ કર્યો કે ત્રણ દશક પછી આજે પણ તે એટલાં જ તાજાં લાગે છે.   

`કુછ ના કહો', `રિમઝિમ રિમઝિમ' અને `યે સફર બહુત કઠિન મગર' આજે પણ સાંભળવાં ગમે એટલાં મધુર તો છે, પરંતુ સંગીતપ્રેમીઓને આશ્ચર્ય સાથે બેઠા કરી ગયું `એક લડકી કો દેખા તો ઐસા લગા.' પ્રેમની અભિવ્યક્તિનો આ ગીત એક અનોખો પ્રયોગ હતું. જાવેદ અખ્તર તેમાં પ્રિયતમાનું સીધેસીધું વર્ણન નથી કરતા. તેઓ ઉપમા અલંકારનો ઉપયોગ કરીને `આના જેવું લાગ્યું અને તેના જેવું લાગ્યું'ની વાતો કરે છે.   

અને એ પણ કેવી રીતે! વાસ્તવમાં જાવેદ ગીત લખવાનું ભૂલી ગયા હતા અને કોરા કાગળ સાથે વિધુ અને સંજય લીલા ભણસાલી(જે આ ફિલ્મમાં સહાયક હતા)ને મળવા પહોંચી ગયા હતા. તે હોમવર્ક નહોતા કરતા. તેમણે મીટિંગમાં કહ્યું કે, `ફિર સે બતાઓ.' એટલે વિધુએ એ દૃશ્ય વર્ણવ્યું જેમાં અનિલ કપૂર પહેલી વાર મનીષા કોઈરાલાને જુએ છે અને પ્રેમમાં પડે છે અને પછી જાવેદે કહ્યું કે, `લિખો. એક લડકી કો દેખા તો ઐસા લગા, જૈસે ખિલતા ગુલાબ, જૈસે શાયર કા ખ્વાબ, જૈસે બન મેં હિરન.' પાંચ મિનિટમાં તો ગીત લખાઈ ગયું અને બીજી જ ક્ષણે પંચમે હારમોનિયમ પર તેને બેસાડી પણ દીધું!   

આ ગીતની સૌથી મોટી તાકાત તેની કવિતા છે, જેમાં જાવેદે પૂરી પ્રકૃતિને સમાવી લીધી હતી. પંચમે પણ તેની ધૂન એટલી સરળ રાખી છે કે શબ્દો સંગીતની નીચે દબાઈ ન જાય. વાદ્યોનો સંયમિત પ્રયોગ, વાંસળી અને સ્ટ્રિંગ્સની કોમળ જુગલબંધી અને કુમાર સાનુની અનાવશ્યક અલંકાર વગરની ગાયકી આ ગીતને એક શાંત આત્મીયતા આપે છે. આ એવું ગીત છે જેમાં શબ્દો, ધૂન અને અવાજ વચ્ચે ક્યાંય ટકરાવ મહેસૂસ નથી થતો.   

વિધુની `પરિંદા' ફિલ્મ વખતે જ પંચમે કહ્યું હતું કે, `હિન્દી ફિલ્મોમાં વલ્ગર ગીતો બહુ બનતાં હતાં. ધૂન અને શબ્દોનું પતન થયું હતું. મારે ખૂબસૂરત સંગીતને પાછું લાવવું હતું, જેને સાંભળીને હું મોટો થયો હતો.' પંચમનું એ સપનું `1942 - અ લવ સ્ટોરી'માં પૂરું થયું. આ ફિલ્મ આજે પણ હિન્દી સિનેમાની સંસ્કૃતિક વિરાસત છે. લોકો આજે પણ તેનાં ગીત ગણગણે છે.   

બદનસીબે, પંચમ પોતાની એ અંતિમ સફળતાને જોવા માટે હાજર રહી ન શક્યા. એ તેમની અંગત અને 

વ્યાવસાયિક એકલતાના દિવસો હતા. તેઓ દુઃખી હતા. અપમાનિત હતા. એકલા હતા. 4 જાન્યુઆરી, 1994ના રોજ એક મોટા હાર્ટએટેકમાં તેમનું અવસાન થઇ ગયું. ત્યારે `1942'ને શૂટ કરવાનું કામ હજુ ચાલુ હતું. ફિલ્મ 15 જુલાઈ, 1994ના રોજ રિલીઝ થઇ અને પહેલા જ અઠવાડિયે દર્શકોને મોહિત કરી ગઈ.   

કેવી વિડંબણા કહેવાય કે જે સંગીતકારને તેમનાં અંતિમ વર્ષોમાં એવું સાંભળવું પડ્યું હતું કે તેમનો સમય પૂરો થઇ ગયો છે, તેમણે તેમના વિદાય ગીતોથી સાબિત કરી દીધું કે અસલી કલાકાર સમયથી નહીં, તેની રચનાઓથી ઓળખાય છે. 

  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો