વિશ્વભરમાં યોજાતા પશુમેળાઓમાં બિહારના સોનપુરમાં યોજાતા પશુમેળાની નોંધ સૌથી પહેલી હરોળમાં થાય છે. અહીં ભારતભરનાં રાજ્યોમાંથી હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ ઉપરાંત ઘોડા-ઘોડી તેમજ કેટલીય જાતનાં પશુ-પંખીઓને લઇને તેમના માલિકો આવે છે. દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અહીં પશુમેળો ભરાતો હોય છે. જોકે, આ વર્ષે અહીં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ઘોડા-ઘોડી સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે અને સૌ કોઇ આ ઘોડા-ઘોડી પાસે રહીને સેલ્ફી ખેંચાવી રહ્યા છે. ઓછી ઊંચાઈ ધરાવતાં ઘોડો-ઘોડીના માલિક ભટન ભગતના જણાવ્યા પ્રમાણે 24 ઇંચના ઘોડાનું નામ બાદલ છે અને તેની ઉંમર 6 વર્ષની છે અને 16 ઇંચની ઘોડી છે તેનું નામ વર્ષા રાની છે, જે 1 વર્ષની ઉંમર ધરાવે છે. ભટન ભગત તેમનાં ઘોડા-ઘોડીને અહીં વેચવા લાવ્યા નથી, પરંતુ ખાલી પ્રદર્શન માટે લાવ્યા છે. અલબત્ત, કેટલાક માણસોની જેમ પશુ-પંખીઓમાં પણ કેટલાંક પશુઓની હાઇટ વધતી નથી! નોંધનીય છે કે, સોનપુરમાં યોજવામાં આવતો પશુમેળો હજારો વર્ષ જૂનો છે. અહીં ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી જ હાથી-ઘોડોઓનો વેપાર થતો આવ્યો છે. કાળક્રમે તેમાં ધીમે ધીમે અન્ય પશુ-પંખીઓનો પણ વેપાર થવા લાગ્યો છે.

લગ્નનો ખર્ચો આમ પણ નીકળી શકે છે હોં!

હાલમાં તો લગ્નની સીઝન જોરશોરથી ચાલી રહી છે. સાથે સાથે મોંઘવારીએ પણ માઝા મૂકી છે એટલે લગ્નનો ખર્ચો ક્યાંથી ઉઠાવવો તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ ફ્રાંસના ડેગોબર્ટ રેનોફ નામના સોફ્ટવેર એન્જિનિયરે પોતાના લગ્નનો ખર્ચો ઉઠાવવા જે તુક્કો લગાવ્યો તેની નોંધ આખું વિશ્વ લઇ રહ્યું છે. તેણે પોતાનાં લગ્ન માટે ખાસ શૂટ સીવડાવ્યો હતો. જેમાં તેણે કેટલીક કંપનીના લોગો અને જાહેરાતો સ્પષ્ટ રીતે વંચાય એ રીતે છપાવ્યાં હતાં. તેણે પોતાનાં લગ્ન પહેલાં પોતાના લગ્નના શૂટમાં આ રીતે જે તે કંપનીની જાહેરાત કરવાનો છે એવી જાહેરાત કરી હતી. તેની આ જાહેરાતનો આઇડિયા 26 જેટલી કંપનીઓને પસંદ પડ્યો હતો. જેમાં એઆઈ, સોફ્ટવેર કંપનીઓ અને અન્ય સેક્ટરની કંપનીઓનો સમાવેશ થતો હતો. આ બધી કંપનીઓએ ડેગોબર્ટને પોતાની જાહેરાત કરવાના અધધ રૂપિયા આપ્યા હતા અને લગ્ન સમયે જ્યારે ડેગોબર્ટે આ જાહેરાતવાળો શૂટ પહેર્યો હતો ત્યારે સમગ્ર વિશ્વએ તેની અને શૂટ પરની જાહેરાતની નોંધ લીધી હતી. તો આપણે પણ હવે લગ્ન સમયે શેરવાની કે ઝભ્ભા પર જાહેરાતો છપાવીને લગ્નનો ખર્ચો ઉઠાવી જ શકીએ છીએ હેંને!

કૂતરાંઓ પણ સ્કિપિંગ કરી શકે છે!

શિયાળો ચાલુ થતાં જ મોટાભાગના લોકો એક્સરસાઇઝ કરવા લાગી જાય છે. આ એક્સરસાઇઝમાં જિમ, હેલ્થ ક્લબ, સ્વિમિંગ, સાઇકલિંગ, વોકિંગ, યોગા કે સ્કિપિંગનો સમાવેશ થાય છે. કેટલાક લોકો વોકિંગ કરતી વખતે પોતાનાં પાલતુ કૂતરાંઓને પણ સાથે લઇ જતા હોય છે. એ બહાને કૂતરાંઓની પણ કસરત થઇ જતી હોય છે. જો આ જ કૂતરાંઓ અન્ય કોઇ કસરત કરે તો? ચીનમાં રહેતા જૂ યોંગમિંગ નામની વ્યક્તિનાં કુલ 10 કૂતરાંઓ સરળતાથી સ્કિપિંગ કરી શકે છે એટલે કે આ કૂતરાંઓ તેમની સાથે સ્કિપિંગ કરે છે, એ પણ કોઇ જ પ્રકારની ભૂલ કર્યા વગર! આશ્ચર્યની વાત તો એ છે કે, આ 10 કૂતરાંઓએ માત્ર એક જ મિનિટમાં 25 કૂદકા માર્યા (સ્કિપિંગ જમ્પ) અને તેનો પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાઇ ગયો! આ રેકોર્ડ નોંધાવવા માટે યોંગમિંગે પહેલાં પોતાના દસેય કૂતરાંને એકસાથે બોલાવી લીધાં. તેમણે હાથમાં દોરડું લઇ લીધું હતું અને તેઓ જ્યારે દોરડા સાથે એક જમ્પ મારતા હતા ત્યારે સાથે સાથે તે તમામ કૂતરાંઓ પણ જમ્પ મારતાં હતાં. અલબત્ત, આ સ્કિપિંગ જમ્પે જે અદ્ભુત રેકોર્ડ બનાવ્યો તેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે.