પ્રાચીન સમયમાં ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં એવી અનેક ભવ્ય ઇમારતો બની જે આજે પણ દુનિયાભરના પુરાતત્ત્વવિદો માટે ચર્ચાનો વિષય રહી છે, એમાં એથેન્સનો સમાવેશ થાય છે. એથેન્સ, ગ્રીસમાં આવેલો સૌથી જાણીતો અને ઐતિહાસિક કિલ્લો એટલે એક્રોપોલિસ. એક્રોપાલિસ શબ્દ ગ્રીક શબ્દ અક્રોન અને પોલિસને મિક્સ કરીને બનાવવામાં આવ્યો છે. તેનો અર્થ સૌથી ઊંચો ભાગ અથવા કિલ્લો એવો થાય છે. આ માત્ર એક કિલ્લો નથી, પરંતુ પ્રાચીન ગ્રીક સભ્યતા, લોકશાહી અને કલાના સુવર્ણકાળનું પ્રતીક છે.
એક્રોપોલિસનો ઇતિહાસ
એક્રોપોલિસ એથેન્સની ઉપર લગભગ 156 મીટર ઊંચા પહાડ પર બનાવવામાં આવ્યું છે. તેનું ક્ષેત્રફળ આશરે ત્રણ હેક્ટર એટલે કે 7.4 એકર છે. આ સ્થળનો ઇતિહાસ આશરે 4000 વર્ષ પ્રાચીન છે. એટલે કે નિયોલિથિક યુગ જેટલો જૂનો છે. આ કિલ્લાની સૌથી સારી વાત એ છે કે તેની કુદરતી ઊંચાઈ અને મજબૂત સ્થાન તેનું રક્ષણ કરતાં હતાં. શરૂઆતમાં એક્રોપોલિસનો ઉપયોગ રક્ષણાત્મક કિલ્લાતરીકે થતો હતો. માયસેનિયન યુગ દરમિયાન અહીં પથ્થરની મોટી કિલ્લેબંધીની દીવાલો બાંધવામાં આવી હતી, જેણે તેને રાજવી રહેઠાણ અને સંરક્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું. આ સમયગાળામાં જ આ સ્થળ ધીમે ધીમે એથેન્સની સંરક્ષક દેવી એથેનાને સમર્પિત પવિત્ર સ્થળ તરીકે વિકસવા લાગ્યું હતું. પ્રાચીન સમયમાં એથેન્સના કિલ્લાને સેક્રોપિયાના નામથી ઓળખવામાં આવતો હતો. આ નામ પૌરાણિક સર્પેન્ટ મેન સેક્રોપ્સના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે પહેલો એથેનિયાઇ રાજા હતો.
પર્સિયનનો વિનાશ
ઈ. પૂ. 480 માં પર્સિયન સેનાએ એથેન્સ ઉપર આક્રમણ કર્યું હતું. આ આક્રમણ ખૂબ જ પૂર્વ તૈયારી સાથે કરવામાં આવ્યું હતું. જેના પરિણામે ત્યારે એક્રોપોલિસ પરનાં તમામ પ્રારંભિક મંદિરો અને ઇમારતોનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો. જોકે, આ વિનાશ એથેન્સના પુનરુત્થાનનો પ્રારંભ બન્યો હોવાનું મનાય છે. ઈ.પૂર્વે. 5મી સદીમાં રાજનેતા પેરિક્લિસના નેતૃત્વ હેઠળ એથેન્સે પર્સિયનો પર વિજય મેળવ્યા બાદ પોતાની શક્તિ અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતા દર્શાવવા માટે એક ભવ્ય પુનર્નિર્માણ યોજના શરૂ કરી. આ યુગને એથેન્સનો સુવર્ણકાળ માનવામાં આવે છે અને આ જ સમય દરમિયાન એક્રોપોલિસ પરનાં મુખ્ય સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. પેરિક્લિસના આર્કિટેક્ટ્સ અને શિલ્પકારો, ખાસ કરીને ફિડિઆસ દ્વારા જે ઇમારતો બનાવવામાં આવી હતી, તે ક્લાસિકલ ગ્રીક આર્કિટેક્ચરના શ્રેષ્ઠ નમૂનાઓ હોવાનું મનાય છે. જેમ કે,
પાર્થેનોન : આ એક્રોપોલિસનું સૌથી ભવ્ય અને મુખ્ય મંદિર છે, જે દેવી એથેના પાર્થેનોસને સમર્પિત છે. આ મંદિરની સ્થાપત્ય કલા અદ્ભુત છે. તેને ડોરિક સ્થાપત્ય શૈલીનું શિખર માનવામાં આવે છે. આ ઉપરાંત પાર્થેનો લોકશાહીના આદર્શોનું પ્રતીક છે.
પ્રોપિલિયા : આ એક્રોપોલિસનો વિશાળ પ્રવેશદ્વાર છે, જે મુલાકાતીઓને પાવન ક્ષેત્રમાં પ્રવેશ્યા હોય એવો પ્રભાવશાળી અનુભવ આપતો હતો.
ઇરેક્થિયોન : આ જટિલ આયોનિક મંદિર ખાસ કરીને તેના પ્રખ્યાત કેરીએટિડ્સ સ્તંભો માટે જાણીતું છે. એમાં છ યુવાન મહિલાઓની આકૃતિઓ છે. આ મંદિર એથેના અને પોસાઇડન જેવા દેવતાઓને સમર્પિત હતું.
એથેના નાઇકનું મંદિર : વિજયની દેવી એથેના નાઇકને સમર્પિત આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ નાનું પણ સુંદર મંદિર એથેન્સની લશ્કરી સફળતાઓની ગાથા વ્યક્ત કરે છે.
પુનરુત્થાન
કિલ્લા હોય કે પ્રાચીન મંદિર સમયની સાથે સાથે એમાં પરિવર્તન આવતાં રહે છે. એક્રોપોલિસમાં પણ એવું જ થયું. વિવિધ શાસકોના હાથમાં આવતાં એમાં અનેક ફેરફારો થયા. રોમન, બાયઝેન્ટાઇન અને ઓટોમન યુગ દરમિયાન પાર્થેનોન ધીમે ધીમે ચર્ચ, પછી મસ્જિદ અને ઓટોમન શાસન દરમિયાન દારૂગોળાના ભંડારમાં પરિવર્તિત થયું હતું. ઇ.સ. 1687માં વેનેશિયન બોમ્બમારાથી પાર્થેનોનને ભારે નુકસાન થયું, કારણ કે ઓટોમન સામ્રાજ્ય તેનો દારૂગોળો સંગ્રહવા માટે ઉપયોગ કરતું હતું.
આધુનિક યુગની વાત કરીએ તો ઇ.સ. 1830માં ગ્રીક સ્વતંત્રતા યુદ્ધ પછી એક્રોપોલિસને રાષ્ટ્રીય સ્મારક તરીકે પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો શરૂ થયા. જોકે, આ પહેલાં જ લોર્ડ એલ્ગિન દ્વારા પાર્થેનોનનાં મહત્ત્વપૂર્ણ શિલ્પો (એલ્ગિન માર્બલ્સ) બ્રિટન લઈ જવામાં આવ્યાં હતાં, જે આજે પણ વિવાદનો વિષય છે.
આજે, એક્રોપોલિસ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તે માત્ર એથેન્સનો કિલ્લો જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમી સભ્યતાના જન્મસ્થળ તરીકે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેની જાળવણી અને પુનઃ સ્થાપનનું કામ સતત ચાલુ છે, જેથી આ પ્રાચીન ભવ્યતા ટકી રહે.
