2 ઓક્ટોબર, 2017ની સવારે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઓરેગોન રાજ્યના મેડફોર્ડ શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો ફોન આવ્યો.
એક 11 વર્ષની બાળકીએ તેના પિતા અને મોટી બહેનના ગાયબ થયાની જાણ કરી અને સાથે જ જણાવ્યું કે તેમના ઘરના લિવિંગ રૂમમાં લોહીના ડાઘ છે. આ ઘટના એક એવા ગુનાની શરૂઆત હતી, જેણે મેડફોર્ડ શહેરને હચમચાવું દીધું. આ વાર્તા છે 15 વર્ષની એલેન `એલી' ફ્રાયરની કે જેણે પોતાના 50 વર્ષના પિતા એરોન ફ્રાયરની હત્યાની ગણતરીપૂર્વકની યોજના ઠંડા કાળજે ઘડી અને તેના 19 વર્ષના બોયફ્રેન્ડ ગેવિન મેકફાર્લેનને પણ પોતાના પ્લાનમાં સામેલ થવા માટે અને પોતાના જ પિતાની હત્યા કરવા માટે ઉશ્કેર્યો. આ કેસમાં બીજો સાથી હતો 22 વર્ષનો રસેલ જોન્સ II, જે આ ગુનામાં સહભાગી બન્યો.
વાત જાણે કે એમ હતી કે, અમેરિકાના મેડફોર્ડ શહેરના એક શાંત રહેણાક વિસ્તારમાં એરોન ફ્રાયર નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેને સંતાન તરીકે ત્રણ પુત્રીઓ હતી. એક પુત્રી 8 વર્ષની, બીજી 11 વર્ષની અને ત્રીજી પુત્રીની ઉંમર 15 વર્ષ હતી, પરંતુ 2 ઓક્ટોબર, 2017ની સવારે એવું કંઈક થયું કે, જેનાથી આ પરિવાર ફરી એક વખત વેરવિખર થઈ ગયો. 2 ઓક્ટોબર, 2017ની સવારે એરોન ફ્રાયરની ગર્લફ્રેન્ડ મિશેલ રોબિન્સનને એક ફોન આવ્યો. એરોનની 11 વર્ષની દીકરી સિએરા અને 8 વર્ષની દીકરીએ તેને જણાવ્યું કે તેમના પિતા એરોન અને મોટી બહેન એલી બંને ગાયબ છે. સિએરાએ કહ્યું કે તેણે સવારે 5:30 વાગ્યે પોતાના પિતાને ચીસો પાડતા સાંભળ્યા હતા અને સાથે જ તેણે ઘરમાં કાચ તૂટવાનો અવાજ પણ સાંભળ્યો હતો. આ અવાજ સાંભળીને જ્યારે તે લિવિંગ રૂમમાં ગઈ. ત્યાં તેણે સોફા પર હાથ મૂક્યો અને જોયું કે તેના હાથ પર લોહી જેવો રંગ લાગ્યો હતો. પોતાના હાથ પર લોહી જોઈને સિએરા ગભરાઈ ગઈ અને તેણે તરત જ લિવિંગ રૂમની લાઇટ ચાલુ કરી. લાઇટ ચાલુ કરતાં તેણે જોયું કે ઘરની દીવાલો પર લોહીના છાંટા છે અને ફર્શ પર તૂટેલા કાચના ટુકડા વેરવિખેર પડ્યા છે. આ દૃશ્યએ સિએરાને ડરાવી દીધી અને તેણે તરત જ પોતાના પિતા એરોનની ગર્લફ્રેન્ડ મિશેલને ફોન કર્યો. મિશેલે 6:42 વાગ્યે મેડફોર્ડ શહેરની પોલીસને 911 પર કોલ કરી, જણાવ્યું કે `મારા ભૂતપૂર્વ પતિ અને મોટી દીકરી ગાયબ છે અને મારા પતિના ઘરમાં દરેક જગ્યાએ લોહી છે.'
પોલીસ ઓફિસર લોગન બોયડ જ્યારે એરોનના ઘરે પહોંચ્યા, ત્યાં તેમને એક ભયંકર દૃશ્ય જોવા મળ્યું. લિવિંગ રૂમમાં લોહીના છાંટા, તૂટેલો કાચ અને ઘરના આગળના દરવાજાથી પાછળના ગેટ સુધી લોહીનાં નિશાન ફેલાયેલાં હતાં. આ નિશાન અચાનક એક જગ્યાએ અદૃશ્ય થઈ ગયાં. ત્યાંથી આગળ તાજા ટાયરનાં નિશાન જોવા મળ્યાં. તરત પોલીસે તપાસ કરી તો એમને જાણવા મળ્યું કે ઘરમાંથી એરોનની કાર પણ ગાયબ હતી. પોલીસે તરત જ આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા અને જાણવા મળ્યું કે એરોનની કાર લઈને કોઈ વ્યક્તિ સવારે 5:30 વાગ્યે શેરીની બહાર નીકળ્યું હતું.
પોલીસે તપાસ શરૂ કરી અને સિએરાને પૂછ્યું કે શું તેણે ઘરમાં કોઈ અન્યનો અવાજ સાંભળ્યો હતો. સિએરાએ જણાવ્યું કે તેણે એક પરિચિત અવાજ સાંભળ્યો હતો. એ અવાજ પોતાની સૌથી મોટી બહેન એલીના 19 વર્ષના બોયફ્રેન્ડ ગેવિન મેકફાર્લેનનો હતો. એલી અને ગેવિન એકબીજાના પ્રેમમાં હતાં, પરંતુ એલિના પિતા એટલે કે એરોન અને તેની ગર્લફ્રેન્ડ મિશેલ આ સંબંધને પસંદ કરતાં નહોતાં. તેમને લાગતું હતું કે ગેવિન એલી માટે ખૂબ મોટી ઉંમરનો હતો અને એલીની પોતાની ઉંમર પણ પ્રેમ અને રિલેશનશિપ માટે ખૂબ જ ઓછી હતી. આથી તેમણે એલીને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે અવારનવાર
કહ્યું હતું.
સિએરાના નિવેદન પરથી પોલીસે ગેવિનની શોધ શરૂ કરી. એરોન તેમજ એલીના ફોન ઘરમાંથી જ મળી આવ્યા હતા. આથી પોલીસે ગેવિનના ફોનને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને સેલફોન ટાવરનાં સિગ્નલ્સ ઇસ્ટ મેડફોર્ડ વિસ્તારમાં મળી આવ્યા. લગભગ સવારે 10:48 વાગ્યે એક પોલીસ ઓફિસરે એલી, ગેવિન અને 22 વર્ષના રસેલ જોન્સ-IIને એક શેરીમાં ચાલતાં જોયાં. તરત જ પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લીધાં. જે બાદ ત્રણેયને હાથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં.
પોલીસે ત્રણેયની અલગ-અલગ પૂછપરછ શરૂ કરી. ડિટેક્ટિવ સ્ટેફની જેક્સનને એલીની પૂછપરછની જવાબદારી સોંપવામાં આવી. એલીએ શરૂઆતમાં પોતાનું નામ, ઉંમર અને શાળાનું વર્ષ ખોટું જણાવ્યું. તેણે દાવો કર્યો કે તે ઘરે નહોતી અને તેને પોતાના પિતાના ગાયબ થવા વિશે ચિંતા હતી. તેણે એમ પણ કહ્યું કે તેનાં માતા-પિતા તેના પર ખૂબ જ રિસ્ટ્રિક્શન રાખતાં હતાં અને તેના પિતા તેની સાથે દુર્વ્યવહાર કરતાં હતાં. આ સાથે તેણે એમ પણ કહ્યું કે, તે પોતાના ઘરેથી ભાગી જવાની યોજના બનાવી રહી હતી અને આ માટે તેનો બોયફ્રેન્ડ ગેવિન તેમજ રસેલ તેને લેવા માટે આવવાના હતા. તેણે દાવો કર્યો કે રસેલે તેના પિતા પર તલવારથી હુમલો કર્યો હતો અને જ્યારે તેણે ચીસો સાંભળી ત્યારે તે ભાગી ગઈ.
જોકે, પોલીસને એલીની વાત પર શંકા હતી. ડિટેક્ટિવ બિલ ફોર્ડે રસેલની પૂછપરછ કરી. રસેલે દાવો કર્યો કે તેણે હત્યામાં કોઈ ભૂમિકા ભજવી નથી, પરંતુ ગેવિન મેકફાર્લેને એરોન ફ્રાયરને બેઝબોલ બેટથી મારી હત્યા કરી હતી. રસેલે જણાવ્યું કે તેણે ફક્ત શરીરને ખસેડવામાં મદદ કરી હતી. તેણે પોલીસને શરીર ફેંકવાની જગ્યા બતાવી, જ્યાં એરોનના અવશેષો અને બેઝબોલ બેટ મળી આવ્યાં. રસેલે એમ પણ કહ્યું કે એલીએ બેટને ત્યાં ફેંક્યું હતું.
ગેવિનની પૂછપરછ દરમિયાન તેણે આખરે હત્યાની કબૂલાત કરી. તેણે જણાવ્યું કે એલીએ તેને બે અઠવાડિયાં પહેલાં કહ્યું હતું કે તે ગર્ભવતી છે અને તેના પિતા તેની સાથે દુર્વ્યવહાર કરે છે. `હું ફક્ત એલીને બચાવવા માંગતો હતો' ગેવિને પોલીસને જણાવ્યું. આ સાથે ગેવિને એમ પણ દાવો કર્યો કે એરોનની હત્યા એલીનો વિચાર હતો.
ઓટોપ્સીએ રસેલની વાતને સમર્થન આપ્યું. એરોનનું મૃત્યુ માથા પર વાગવાથી થયું હતું અને તલવારનો કોઈ ઉપયોગ થયો ન હતો. તપાસમાં જાણવા મળ્યું કે એલી ગર્ભવતી ન હતી અને તેણે તાજેતરમાં કોઈ ગર્ભપાત પણ નહોતો કરાવ્યો. ફ્રાયર પરિવારની તપાસમાં એલી પર શારીરિક કે ભાવનાત્મક દુર્વ્યવહારના કોઈ પુરાવા પણ મળ્યા નહીં.
અમેરિકાની જેક્સન કાઉન્ટી ગ્રાન્ડ જ્યૂરીએ ઓક્ટોબર, 2017માં એલી, ગેવિન અને રસેલ સામે હત્યા, ફર્સ્ટ ડિગ્રી રોબરી, ષડ્યંત્ર અને પુરાવા સાથે ચેડાં કરવાના આરોપો દાખલ કર્યા. આ ઉપરાંત ત્રણેય પર રસેલના પિતાની હત્યાનું ષડ્યંત્ર ઘડવાનો આરોપ પણ લાગ્યો.
જોકે, તેઓ આ યોજનાને પાર પાડી શક્યાં નહોતાં. ગેવિન પર એલી સાથેના સંબંધને કારણે થર્ડ ડિગ્રી રેપનો આરોપ પણ લાગ્યો, કારણ કે એલી હજુ સગીર વયની હતી.
ઓક્ટોબર, 2018માં ગેવિન મેકફાર્લેને હત્યા, પુરાવા સાથે ચેડાં અને ષડ્યંત્રના આરોપોમાં ગુનો કબૂલ્યો અને તેને 25 વર્ષની લઘુતમ જેલની સજા સાથે આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જાન્યુઆરી, 2019માં એલીએ હત્યાના ષડ્યંત્ર અને ફર્સ્ટ ડિગ્રી બર્ગલરીના ષડ્યંત્રના આરોપોમાં ગુનો કબૂલ્યો. તેને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી, જે તે 25 વર્ષની ઉંમર સુધી જુવેનાઇલ હોમમાં અને પછી મહિલા સુધારણા કેન્દ્રમાં પસાર કરશે. ઓગસ્ટ, 2021માં રસેલે હત્યાના ષડ્યંત્ર અને પ્રથમ ડિગ્રીના લૂંટફાટના પ્રયાસના આરોપોમાં `નો-કોન્ટેસ્ટ' પ્લી દાખલ કરી અને તેને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.
આ સમગ્ર કેસમાં એલીના વકીલ એલિસા બાર્થોલોમેવે દાવો કર્યો કે એલી એક મોટી ઉંમરના બોયફ્રેન્ડ દ્વારા આપવામાં આવેલી સુંદર ભવિષ્યની લાલચથી ભરમાઈ ગઈ હતી અને તેના પિતા તરફથી ભાવનાત્મક અને જાતીય દુર્વ્યવહારનો ભોગ બની હતી. જોકે, આ દાવાઓ કોર્ટમાં સાબિત થયા નહોતા, કારણ કે કેસ ટ્રાયલ સુધી ગયો નહોતો. બીજી બાજુ એરોનની ગર્લફ્રેન્ડ મિશેલ રોબિન્સને જણાવ્યું કે એરોન એક સારા પિતા હતા.
એલીની સજા વિશે પણ વિવાદ થયો. ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ ક્લિનિકના એલિઝા કપ્લાને દલીલ કરી કે એલીની 25 વર્ષની સજા અતિશય હતી, ખાસ કરીને જ્યારે રસેલને 15 વર્ષની સજા મળી. જોકે, તે 22 વર્ષનો હતો અને એલી 15 વર્ષની.
એલેન `એલી' ફ્રાયરની આ વાર્તા એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના છે, જે પ્રેમ, નિયંત્રણ અને નિર્દયતાના જટિલ મિશ્રણને દર્શાવે છે. એક 15 વર્ષની છોકરી, જે પોતાના પિતાની હત્યાની યોજના ઘડે અને તેના બોયફ્રેન્ડને તેને અમલમાં મૂકવા ઉશ્કેરે, આ ઘટના એક એવું રહસ્ય રજૂ કરે છે જે આજે પણ લોકોને વિચારવા મજબૂર કરે છે. શું એલી ખરેખર દુર્વ્યવહારનો શિકાર હતી, કે તેણે પોતાના ઈરાદાઓને છુપાવવા માટે આ બધું રચ્યું? આ પ્રશ્નોના જવાબો કદાચ ક્યારેય સંપૂર્ણ રીતે મળશે નહીં, પરંતુ આ કેસ એક ચેતવણી આપે છે કે નાની ઉંમરનાં બાળકો પણ ભયંકર ગુનાઓ કરી શકે છે અને તેમની પાછળના ઉદ્દેશો હંમેશાં સ્પષ્ટ હોતા નથી.
