કુદરતનો કરિશ્મા આશ્ચર્યમાં મૂકી દે એવો હોય છે. મોટાં મોટાં વિમાનોને હજારો કિલોમીટરના ઉડ્ડ્યન માટે સેંકડો ગેલન ઈંઘણ લઈને નીકળવું પડે છે, જ્યારે એક માંડ 300 ગ્રામનું પક્ષી નોનસ્ટોપ 13,560 કિલોમીટરની સફર સરળતાથી કરી દે એ કુદરતની સામાન્ય શક્તિ ન કહેવાય!

દરેક જીવ ડાર્વિનને જાણ્યા-સમજ્યા વિના પણ તેના નિયમને અનુસરતો હોય છે. બળવત્તર જીવ જ ટકી શકે એ વાત કુદરતે તેમના જનીનમાં જ સમજાવી દીધી હોય એમ અનેક પક્ષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે લાંબા પ્રવાસ કરતા હોય છે. હાલમાં જ B 6 જેવા ટેગ નેમવાળા બાર-ટેઈલ્ડ ગોડવિટ પક્ષીએ અલાસ્કાથી તાસ્માનિયા સુધી 13,560 કિલોમીટર નોનસ્ટોપ ઉડાન ભરીને વિશ્વ રેકોર્ડ કર્યો છે. આ પક્ષીએ ખાધા-પીધા વિના 11 દિવસ સુધી ઊડતા રહીને આ સફર પૂરી કરી હતી. વળી, અફાટ આકાશમાં પણ તે આધુનિક ઉપકરણો વિના નિર્ધારિત સ્થળે પહોંચી ગયું હતું.

બાર-ટેઈલ્ડ ગોડવિટ મધ્યમ કદનું પક્ષી છે, જે અંદાજે 37થી 41 સેમી લાંબું હોય છે. પ્રજનન સીઝન દરમિયાન નર પક્ષીના ગળા, છાતી અને પેટનો ભાગ ઘેરા ઈંટ જેવા લાલ (Rusty Red) રંગનો થઈ જાય છે. તેની પીઠ પર કાળા અને બદામી રંગનાં ટપકાંવાળી ભાત જોવા મળે છે. સામાન્ય સમયમાં આખા શરીરનો રંગ ઝાંખો રાખોડી-બદામી અને પેટનો ભાગ સફેદ હોય છે. તેની સફેદ પૂંછડી પર કાળી આડી પટ્ટીઓ (Bars) હોય છે, જે તે જ્યારે પાંખો ફેલાવે ત્યારે સ્પષ્ટ દેખાય છે. તેની ચાંચ લાંબી અને સહેજ ઉપરની તરફ વળેલી હોય છે. ચાંચનો રંગ પાયામાં ગુલાબી જેવો અને છેડેથી કાળો હોય છે. તેના પગ લાંબા અને ઘેરા રાખોડી અથવા કાળા રંગના હોય છે, જે તેને કાદવમાં ચાલવામાં મદદ કરે છે.

અલાસ્કાથી માંડીને બીજા યુરોપિયન દેશોમાં, ખાસ કરીને સ્કેન્ડેવિયન દેશોમાં જોવા મળતું આ પક્ષી શિયાળામાં પ્રજનન માટે આફ્રિકાથી માંડીને ઓસ્ટ્રેલિયા સુધીનો પ્રવાસ કરતું હોય છે. ઓક્ટોબર, 2022માં, એક બાર ટેઈલ્ડ ગોડવિટ પક્ષીએ કરેલા પ્રવાસને ત્રણ વર્ષના વૈજ્ઞાનિક અભ્યાસ પછી વિશ્વ વિક્રમ તરીકે નોંધવામાં આવ્યો છે. B6 નામના આ બાર-ટેઈલ્ડ ગોડવિટે અમેરિકાના અલાસ્કાના કુસ્કોકવિમ ડેલ્ટાથી સીધા ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા સુધી ઉડ્ડયન કર્યું હતું. પક્ષીજગતમાં આ વિશ્વનું સૌથી લાંબું નોનસ્ટોપ ઉડ્ડયન છે. સવાલ એ થાય કે આટલી લાંબી સફરની જાણ કઈ રીતે થઈ શકે? સ્વાભાવિક રીતે જ આ પક્ષીની સફરને ટ્રેક કરવા માટે તેની સાથે સોલાર વીજળીથી સંચાલિત ટેગ લગાવવામાં આવ્યું હતું. એ દ્વારા તેની સફરને ટ્રેક કરી તો આ પક્ષી સતત 11 દિવસ સુધી ઊડતું જોવા મળ્યું હતું. આ પક્ષીએ ન તો માર્ગમાં આહાર લીધો, ન તો કોઈ આરામ કર્યો હતો! માંડ 300 ગ્રામનું વજન ધરાવતું પક્ષી આટલી લાંબી સફર માટેની શક્તિ ક્યાંથી લાવ્યું હશે એ સવાલ પણ જરૂર થાય.

બાર-ટેઈલ્ડ ગોડવિટ ઋતુ પ્રવાસ આરંભ કરતાં પહેલાં ખાઉધરાની જેમ ખા ખા કરતું રહે છે. સતત ખાતું રહીને શરીરમાં ચરબીનો મોટો સંગ્રહ કરી લે છે. સફર શરૂ થાય એ પહેલાં તો તેના શરીરમાં એટલો જથ્થો થઈ જાય કે તેનું વજન બમણું થઈ જાય છે! એ ઉપરાંત તેની હોજરી, આંતરડાં અને યકૃત પણ 55 ટકા સુધી સંકોચાઈ જાય છે. સ્વાભાવિક રીતે જ તેને સફર દરમિયાન માર્ગમાં ન તો તે આહાર કરશે કે ન પાણી પીશે, તેથી આ અવયવોએ કશું કામ કરવાનું રહેતું નથી, તેથી એ સંકોચાઈ જાય છે. એમ ઋતુ પ્રવાસ શરૂ કરતાં પહેલાં શરીરમાં જમા કરેલી ચરબીનું દહન કરીને તે સતત ઊડતું રહે છે. ચરબી બાળવાથી ઊર્જા મળે છે અને પાણી પણ ઉત્પન્ન થાય છે. આ રીતે ચરબી બળતી રહે અને તેનું વજન ધીરે ધીરે ઓછું થવા માંડે અને તેથી તે લાંબા અંતર સુધી સરળતાથી ઊડતું પણ રહે.

સવાલ એ થાય કે ખાવા-પીવાનું તો ઠીક સતત 11 દિવસ સુધી તે નીંદર પણ માણતું નહીં હોય?

આ પક્ષી સફર દરમિયાન ન તો સૂવે છે, ન ખાય છે અને ન તો પાણી પીવે છે. જોકે, તેના મગજને આરામની જરૂર હોય છે, તેથી તે સૂએ ત્યારે તેની એક આંખ બંધ થાય અને મગજનો અડધો ભાગ ઊંઘે છે જ્યારે બીજો અડધો ભાગ જાગતો રહે છે. આ પ્રક્રિયાને યુનિહેમિસ્ફેરિક સ્લો-વેવ સ્લીપ કહેવામાં આવે છે. મતલબ કે ઊડતી વખતે પક્ષી એક આંખ બંધ કરીને સૂઈ જાય છે અને બીજી આંખથી માર્ગ પર નજર રાખે છે. નેવિગેશન માટે તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે. તેની આંખોમાં ક્વોન્ટમ મિકેનિઝમને કારણે ધરતીની ચુંબકીય રેખાઓ જોઈ શકે છે. માર્ગને નક્કી કરવા માટે તારાઓ, સૂર્ય, હવાના દબાણ અને હવામાનના ફેરફારોનો પણ ઉપયોગ કરે છે. એ કારણે આજના જીપીએસ સામે તેની ચોક્સાઈ ટક્કર મારે એવી હોય છે. કુદરતની એ દેન સાથે જ આ પક્ષીએ વિક્રમ સર્જ્યો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો