પૂર્વ સિક્કિમમાં દરિયાઈ સપાટીથી લગભગ 9,400 ફૂટની ઊંચાઈએ આવેલું `ઝુલુક' (Zuluk) એ કુદરતી સૌંદર્ય અને શાંતિનો એક અદ્ભુત સંગમ છે. જો તમે શહેરની ભાગદોડ અને ભીડભાડવાળાં હિલસ્ટેશનોથી દૂર જઈને પ્રકૃતિના ન જોયેલા રૂપને માણવા માંગતા હોવ, તો ઝુલુક તમારા માટે શ્રેષ્ઠ ઓફબિટ સ્થળ છે. આ જગ્યા એટલી ફેમસ નથી એટલે તમને ફેમસ પ્રવાસનાં સ્થળોની માફક બહુ પર્યટકોની ભીડ નહીં જોવા મળે, પણ કદાચ એ જ આ સ્થળની બ્યૂટી છે. ઓછી ભીડ, શાંતિ, કુદરતની અદ્ભુત સુંદરતા અને બહુ બધી સારી મેમરીઝ તમે તમારી આગામી ટ્રિપ ઉપર ક્રિએટ કરી શકશો.
ઝુલુકનો ઐતિહાસિક વારસો
ઝુલુક માત્ર એક સુંદર પહાડી ગામ નથી, પરંતુ તેનો એક અનોખો ઐતિહાસિક વારસો પણ છે. ઝુલુક પ્રાચીન સિલ્ક રૂટનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો, જે ભારત અને તિબેટ વચ્ચે વેપાર માટે વપરાતો હતો. ભૂતકાળમાં તિબેટી વેપારીઓ પશ્ચિમ બંગાળથી તિબેટ જવા માટે આ દુર્ગમ પહાડી રસ્તાઓ પરથી પસાર થતા હતા અને ઝુલુક ખાતે રાત્રિ રોકાણ કે વિરામ લેતા હતા. આજે પણ આ રસ્તાઓ અને તેનું ભૌગોલિક મહત્ત્વ ઈતિહાસના તે દિવસોની યાદ અપાવે છે.
ઝુલુક અને આસપાસની મુખ્ય ફરવાલાયક જગ્યાઓ
1. થામ્બી વ્યૂ પોઇન્ટ
ઝુલુકથી લગભગ 14 કિલોમીટર દૂર 11,200 ફૂટની ઊંચાઈએ આવેલું આ સ્થળ તેના `ઝિગ-ઝેગ રોડ' માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીંથી 32થી વધુ વાંકાચૂકા વળાંકવાળા રસ્તાઓ અને કાંચનજંઘા પર્વતમાળા પર સૂર્યોદયનાં સુંદર દૃશ્ય મન મોહી લેશે.
2. નાથાંગ વેલી
આ ખીણને `લદાખ ઓફ સિક્કિમ' પણ કહેવામાં આવે છે. શિયાળામાં આ આખી ખીણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે, જ્યાં તાપમાન માઈનસ સુધી પહોંચી જાય છે. સિક્કિમની ખીણ તરીકે ફેમસ નાથાંગ વેલીની જર્ની મેમરેબલ બની રહેશે.
3. ઓલ્ડ બાબા મંદિર
ભારતીય સેનાના શહીદ જવાન હરભજન સિંહની યાદમાં બનેલું આ મંદિર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સ્થાનિક લોકો અને સૈનિકો માને છે કે બાબા હરભજન સિંહનો આત્મા આજે પણ સરહદની સુરક્ષા કરે છે અને પોતાની ફરજ નિભાવે છે.
4. કુપુપ લેક / એલિફન્ટ લેક
13,999 ફૂટની ઊંચાઈએ આવેલું આ તળાવ તેનો આકાર હાથી જેવો હોવાને કારણે `એલિફન્ટ લેક' તરીકે ઓળખાય છે. અ જગ્યાએ જવાનો રસ્તો અને જગ્યા બંને ખૂબ જ સરસ છે.
ઝુલુકની ફેમસ સ્થાનિક વાનગીઓ
સિક્કિમની સંસ્કૃતિની છાપ અહીંના ખોરાકમાં સ્પષ્ટ દેખાય છે. પહાડી વાતાવરણમાં ગરમાગરમ સ્થાનિક વાનગીઓનો સ્વાદ અદ્ભુત લાગે છે.
મોમોઝ : સ્ટીમ કરેલાં શાકભાજી સાથે તીખી ચટણી ફેમસ છે.
થુકપા : ગરમ શાકભાજીના સૂપ સાથે નૂડલ્સ, જે પહાડી ઠંડીમાં શરીરને હૂંફ આપે છે.
યાક ચીઝ : યાકના દૂધમાંથી બનતું આ પરંપરાગત ચીઝ અહીં ખૂબ લોકપ્રિય છે.
સિક્કિમીઝ બ્લેક ટી અને ચિઆ : ઠંડી હવા વચ્ચે ગરમાગરમ સ્થાનિક ચા ટી લવરને કાયમી યાદ રહી જશે.
મહત્ત્વની નોંધ: ઝુલુક ચીન સરહદ નજીક અને સંવેદનશીલ સૈન્ય વિસ્તારમાં હોવાથી અહીં જવા માટે
પરમિટ (Inner Line Permit / PAP) લેવી ફરજિયાત છે, જે ગંગટોક કે રંગપોથી સરળતાથી મળી રહે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો