અફઘાનિસ્તાન તેના પર્વતી વિસ્તારો અને પ્રાચીન ઇતિહાસ માટે જાણીતું છે. અફઘાનિસ્તાનમાં અનેક મહત્ત્વની ગુફાઓ મળી આવી છે, જે પુરાતત્ત્વીય અને ઐતિહાસિક દૃષ્ટ્રિએ અત્યંત મૂલ્યવાન છે.
એમાં આવેલી બામિયાનની ગુફાઓ અને ત્યાંની બુદ્ધ પ્રતિમાઓ માત્ર અફઘાનિસ્તાન માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસ માટે એક અમૂલ્ય વારસો છે. આ સ્થળ એક સમયે પૂર્વ અને પશ્ચિમના વિચારો, ધર્મ અને કલાના સંગમસ્થાન તરીકે ઓળખાતું હતું. બામિયાનની ગુફાનો ઇતિહાસ અનોખો છે જેના વિશે જાણીએ.
ઐતિહાસિક મહત્ત્વ
બામિયાન ખીણ પ્રાચીન સમયમાં વેપારી માર્ગોનું કેન્દ્ર હતી. બીજી સદીથી 9મી સદી સુધી આ વિસ્તાર બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. અહીં હજારો બૌદ્ધ સાધુઓ વસવાટ કરતા હતા. પહાડોને કોતરીને બનાવવામાં આવેલી આ ગુફાઓ સાધુઓ માટે રહેઠાણ, ભોજનાલય અને પૂજાસ્થળ તરીકે સેવા આપતી હતી.
વિશ્વપ્રસિદ્ધ બુદ્ધ પ્રતિમાઓ
બામિયાનની ગુફાઓની સૌથી મોટી વિશેષતા પહાડમાં કોતરેલી બે વિશાળ બુદ્ધ પ્રતિમાઓ હતી. એમાં મોટી પ્રતિમાની ઊંચાઇ આશરે 55 મીટર હતી. તે વિશ્વની સૌથી ઊંચી ઊભેલી બુદ્ધ પ્રતિમા ગણાતી હતી. જ્યારે નાની પ્રતિમાની ઊંચાઇ લગભગ 38 મીટર હતી. આ પ્રતિમાઓનું નિર્માણ ચોથીથી છઠ્ઠી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું. તે ગાંધાર કલા અને ગુપ્ત કલાના મિશ્રણનો ઉત્તમ નમૂનો હતી. પ્રતિમાઓને પથ્થરમાંથી કોતરીને, તેના પર માટી અને ગારાનું મિશ્રણ લગાવીને બારીક વિગતો જેમ કે, કપડાંની કરચલીઓ પણ કંડારવામાં આવી હતી.
ગુફાઓનું સ્થાપત્ય અને સજાવટ
બામિયાનના પહાડોમાં એક-બે નહીં, પરંતુ આશરે 1,000થી વધુ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે જે આજે પણ ચર્ચાનો વિષય છે. જેમ કે, ભીંતચિત્રો. ગુફાઓની દીવાલો અને છત ઉપર અદ્ભુત ચિત્રકામ કરવામાં આવ્યું હતું. આ ચિત્રોમાં બુદ્ધના જીવનના પ્રસંગો, બોધિસત્વ અને તે સમયના સામાજિક જીવનની ઝલક જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વમાં ઓઇલ પેઇન્ટિંગનો સૌથી જૂનો નમૂનો 7મી સદીમાં જોવા મળ્યો છે એટલે કે અહીં જ મળી આવ્યો છે. બામિયાન ગુફામાં એન્જિનિયરિંગની કુશળતા પણ જોવા મળે છે. ખાસ કરીને તેના ગુંબજમાં. સામાન્ય રીતે ગુંબજ ગોળાકાર હોય છે, પરંતુ અહીં ઘણી ગુફાઓના ગુંબજ અષ્ટકોણીય અથવા ચોરસ આકારના છે. સાધુઓ માટેની ગુફાઓમાં ઠંડી સામે રક્ષણ મળે તેવી વ્યવસ્થા અને ધ્યાન ધરવા માટે શાંત ઓરડીઓ બનાવવામાં આવી હતી.
સાંસ્કૃતિક સમન્વય
બામિયાન ગુફાઓમાં અનેક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. જેમાં ગ્રીક, પર્શિયન, ભારતીય અને ચીની સંસ્કૃતિઓનું મિશ્રણ કરવામાં આવ્યું છે. અહીંની કલામાં ભારતીય મુદ્રાઓ, ગ્રીક વસ્ત્રોની શૈલી અને સેન્ટ્રલ એશિયાના ચહેરાનાં લક્ષણોનું અનોખું મિશ્રણ જોવા મળે છે. ચીની મુસાફરો ફાહિયાન અને હ્યુ-એન-ત્સાંગે પણ તેમના પ્રવાસવર્ણનમાં બામિયાનની ભવ્યતા અને ત્યાં યોજાતા ધાર્મિક ઉત્સવોનું વર્ણન કર્યું હોવાના પુરાવા મળી આવ્યા છે.
વિનાશની કરુણ ગાથા
બામિયાનના ઇતિહાસમાં સૌથી ખરાબ સમય માર્ચ 2001માં આવ્યો હતો. તત્કાલીન તાલિબાન શાસન દ્વારા આંતરરાષ્ટ્રીય વિરોધ છતાં બુદ્ધની આ બંને વિશાળ પ્રતિમાઓને ડાયનામાઈટ લગાવીને તોડી પાડવામાં આવી. આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું અને તેને સાંસ્કૃતિક સંહાર તરીકે ઓળખવામાં આવ્યો હતો.
આજે પ્રતિમાઓના સ્થાને માત્ર ખાલી માળખું બચ્યું છે. જોકે, UNESCOએ આ વિસ્તારને `વર્લ્ડ હેરિટેજ ઇન ડેન્જર' (જોખમમાં રહેલો વિશ્વ વારસો) જાહેર કર્યો છે. જાપાન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોની મદદથી ગુફાઓના સંરક્ષણ અને તૂટેલી પ્રતિમાઓના અવશેષોને સાચવવાનું કામ ચાલી રહ્યું છે. વર્ષ 2015માં ચીની દંપતી દ્વારા હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તે ખાલી જગ્યામાં બુદ્ધની આભાસી પ્રતિમા પ્રદર્શિત કરવામાં આવી હતી, જેણે દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
બામિયાનની ગુફાઓ માત્ર પથ્થરોનું કોતરણીકામ નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિની સહિષ્ણુતા અને કલા પ્રત્યેના પ્રેમના પ્રતીક સમાન છે. ભલે મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હોય, પરંતુ આ ગુફાઓ હજુ પણ રેશમ માર્ગના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે. આ વારસાને સાચવવો એ આવનારી પેઢીઓ માટે અત્યંત આવશ્યક છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
