આજથી દોઢેક સદી પહેલાં ટોલ્સ્ટોયે ક્રોત્ઝર સોનાટા નામની એક લઘુનવલ પ્રકાશિત કરી ત્યારે તેના પર પ્રતિબંધ લાદવામાં આવેલો. પછી ટોલ્સ્ટોયે પોતે તો ખાસ વિરોધ ન કર્યો.

પરંતુ એમનાં પત્ની સોફિયાએ ઝાર-રાજાને રૂબરૂ મળીને, ખૂબ આગ્રહ કરીને આ પુસ્તક પરનો પ્રતિબંધ દૂર કરાવ્યો.

જોવા જેવું છે કે આ કથામાં ટોલ્સ્ટોયે પોતાના જ લગ્નજીવનનું દઝાડનારું ચિત્ર રજૂ કર્યું છે એવું લોકો પણ કહેતા હતા અને સોફિયા પોતે પણ એવું સ્વીકારતાં હતાં કે આ કથામાં એમના લગ્નજીવનનો અણસાર તો છે, પરંતુ એ વિકૃત અરિસામાં ઝિલાયેલું પ્રતિબિંબ છે.

પત્ની(કહો કે સોફિયા)ના પાત્રને ખરાબ દર્શાવતી કથા પર લદાયેલા પ્રતિબંધને ટકાવી રાખવાને બદલે, પોતાની બદનામી દબાવી રાખવાને બદલે સોફિયાએ પ્રતિબંધ દૂર કરાવીને એને વધુ લોકો સુધી પહોંચાડવાનો ઉત્સાહ શા માટે દાખવ્યો એ સમજવું અઘરું છે. શક્ય છે કે પ્રતિભાશાળી પતિની બધી જ કૃતિઓ આખી દુનિયા સમક્ષ પહોંચાડવાનો પત્નીનો ઉત્સાહ કામ કરી ગયો હોય કે પછી આ પુસ્તકના વેચાણમાંથી થનારી આવક ગુમાવવાનું એમને મૂર્ખામીપૂર્ણ લાગ્યું હશે.

જે હોય તે, સોફિયાએ આ કથાને લોકો સુધી પહોંચાડવા માટે મહેનત કરવા ઉપરાંત પતિની આ કથાના જવાબમાં પોતે પણ બે લઘુનવલ લખી કાઢી.

સોફિયા એક ડાયરીલેખિકા તરીકે જાણીતાં હતાં. એમ તો એ મુખ્યત્વે ઘર-પરિવાર-જાગીરની હજારો તસવીરો ખેંચનારાં કાબેલ ફોટોગ્રાફર પણ હતાં. આ ઉપરાંત સોફિયાએ કેટલીક ટૂંકી વાર્તાઓ અને લઘુનવલો લખેલી. એમાંની બે લઘુનવલો ટોલ્સ્ટોયની ક્રોત્ઝર સોનાટાના જવાબમાં લખાઈ. એ બંને કથામાં સોફિયાએ પતિનાં પાત્રો તરીકે એવા પુરુષો રજૂ કર્યા છે, જે પોતાની પત્નીની લાગણીઓની દરકાર નથી કરતા.

ખૈર, તો ટોલ્સ્ટોયની મૂળ કથા ક્રોત્ઝર સોનાટામાં શું છે એ જાણીએ. કોઈ નનામો માણસ વાત કહી રહ્યો હોય એ રીતે આ કથા લખાઈ છે. આ છે કથા એકદમ ટૂંકમાં.

***

હું ટ્રેનમાં જઈ રહ્યો હતો. લાંબા અંતરની ટ્રેન હતી. મારે છેલ્લા સ્ટેશને ઊતરવાનું હતું.

મારી બાજુમાં એક વાતોડિયો વકીલ અને એની સાથે આવેલી એક સ્ત્રી બેઠાં હતાં. મારી સામે પાણીદાર આંખોવાળો એક માણસ બેઠો હતો. એ બેચેન લાગતો માણસ કોઈની સાથે વાત કરવાના મૂડમાં નહોતો.

તો પેલો વાતોડિયો વકીલ એની સાથી મહિલા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે નવા સ્ટેશનેથી વેપારી જેવો લાગતો એક પ્રૌઢ ચડ્યો. એ વખતે વકીલ એની જોડીદાર સ્ત્રી સાથે છૂટાછેડાના એક કેસની ચર્ચા કરી રહ્યો હતો. વકીલે વાતવાતમાં પેલા નવા ચડેલા પ્રૌઢ સામે જોઈને કહ્યું, `જૂના જમાનામાં તો બે જણ પરણ્યાં એટલે પરણ્યાં. વાત પૂરી. પછી ભાગ્યે જ કોઈ છૂટું થતું. ખરું કે નહીં વડીલ?'

પ્રૌઢ દૃઢતાથી બોલ્યોઃ `છૂટાછેડાનું પ્રમાણ તો વધવાનું જ, કારણ કે લોકોમાં હવે ભણતર બહુ વધી ગયું છે.'

`તો એમાં ખરાબ શું છે?' વકીલની સાથી મહિલાએ સહેજ હસીને પ્રૌઢને પૂછ્યું અને પછી એક ભળતી જ વાત કહીઃ `લોકો એકબીજાને એકેય વાર જોયા વિના પરણી જાય એ કેવું? સ્ત્રીને ખબર પણ ન હોય કે એ પેલાને પ્રેમ કરશે કે નહીં અને પેલો એને પ્રેમ કરશે કે નહીં. બસ, લાઈનમાં જે પહેલો હોય એને પરણી જવાનું અને પછી આખી જિંદગી દુઃખી થવાનું. તમને આ જૂની વ્યવસ્થા વધુ સારી લાગે છે?'

વકીલે વકીલની અદાથી પ્રૌઢના મૂળ મુદ્દાની ઉલટ તપાસ કરીઃ `ભણતર અને વૈવાહિક વિખવાદ વચ્ચેનો સંબંધ સમજાવશો વડીલ?'

પ્રૌઢ બોલ્યોઃ `હવે ડર જ નથી રહ્યો એટલે લોચા પડે છે.'

`શેનો ડર?' સ્ત્રીએ પૂછ્યું.

`બૈરીને ધણીનો ડર.'

`વડીલ, એ બધી જૂની વાતો થઈ' સ્ત્રી બોલી.

`ના, એ વાત ક્યારેય જૂની નહીં થઈ શકે' પ્રૌઢે મક્કમતાથી કહ્યું, `ભગવાને પુરુષની પાંસળીમાં સ્ત્રીને બનાવી છે. આ અફર સત્ય આજે પણ સત્ય છે અને સંસારના અંત સુધી આ હકીકત બદલાવાની નથી.'

`તમે પુરુષો આવું વિચારો છો. તમે તમારી જાતને ચડિયાતી માનવાની છૂટ આપી રાખી છે. સ્ત્રીઓને તમે ઘરમાં ગોંધી રાખવા માગો છો, પણ તમને પુરુષોને બધી જ છૂટ. એ ગમે ત્યાં ગમે તે કરી શકે. ખરું કે નહીં?'

`પુરુષોને બધી છૂટ નથી, પણ વાત એમ છે કે પુરુષ બહાર જઈને કશુંક આડુંઅવળું કરી આવે તો એનાથી પરિવારની વૃદ્ધિ નથી થતી, પણ સ્ત્રીની વાત જુદી છે. સ્ત્રી કાચનું નાજુક વાસણ છે.'

`સ્ત્રી નાજુક હોય તો પણ એ છેવટે માણસ તો છે જ ને. વરની જેમ સ્ત્રીની પોતાની લાગણીઓ હોય. એ પોતાના વરને ન ચાહતી હોય તો એ શું કરે?'

`ન શેની ચાહે? ન ચાહતી હોય તો એને ચાહતી કરવી પડે.'

`એવું દબાણ તો ન જ કરી શકાય. સ્ત્રીને વર ન ગમતો હોય તો પરાણે કઈ રીતે ગમાડે?'

પ્રૌઢ અને નારી વચ્ચેની વાતચીતમાં અહીં વાતોડિયા વકીલે વચ્ચે ટમકું મૂક્યું, `પછી સ્ત્રી ન ગમતા વરને બદલે બીજા કોઈ તરફ આકર્ષાય તો શું કરવાનું?'

`એવું થવું જ ન જોઈએ. ધણીએ પોતાની બૈરી પર ડોળો રાખવાનો.'

વકીલે પૂછ્યું, `પુરુષ ડોળો રાખે તોય સ્ત્રીનું ધ્યાન બીજે ફંટાય તો? આવું બનતું જ હોય છે, નથી બનતું?'

`એવું તો તમારા ઉપલા વર્ગમાં બને, અમારામાં આવું ન થાય અને પુરુષ નબળો હોય તો આવું બને. સો વાતની એક વાત. પ્રેમ-બ્રેમ ઠીક છે, ઘર બરાબર ચાલવું જોઈએ. વરે બૈરીને અંકુશમાં રાખવી જ પડે અને જે બૈરીને કાબૂમાં ન રાખી શકે એ વર રાંકો બીજું શું?'

એટલામાં અમારાથી થોડે દૂર બેઠેલા કારકૂન જેવા લાગતા જુવાનિયાએ કહ્યું, `મારા શેઠના ઘરમાં આવું બન્યું. ગામ આખામાં વાત ગાજી. અમારાં શેઠાણી રંગીલાં. એ ભટકવા લાગ્યાં. શેઠ અમારા ધીરગંભીર.

શેઠાણીએ પહેલાં તો બુકકીપર સાથે આંખો લડાવી. શેઠે એને સમજાવી-મનાવી તોય પેલી ન માની. એ ગુલ ખિલાવતી રહી. એ શેઠના પૈસા પણ ચોરવા લાગી. શેઠે એને મારી, પણ વાત વધુ ને વધુ બગડતી ગઈ. છેવટે શેઠે શેઠાણીને પડતી મૂકી. હવે શેઠ વાંઢા છે અને શેઠાણીની હાલત ખરાબ છે.'

`તારો શેઠ ડોબો. બાકી પહેલેથી જ બૈરી પર મજબૂત અંકુશ રાખ્યો હોત તો એ આજે સીધી ચાલતી હોત, પ્રામાણિક હોત. એકદમ પહેલેથી જ કશી છૂટછાટ નહીં આપવાની.'

એટલામાં પ્રૌઢનું સ્ટેશન આવ્યું એટલે એ ઊભો થતાં બોલ્યોઃ `બૈરાં પર અંકુશ ન રાખો તો બધું પડી ભાંગે.'

આટલું કહીને એ ગયો.

સ્ત્રી બોલીઃ `કેવો જુનવાણી માણસ હતો?

સ્ત્રી અને લગ્ન વિશેના એના વિચારો કેટલા જંગલી હતા? એને એટલી એક સાદી વાત નહોતી સમજાતી કે લગ્નને પવિત્ર બનાવનારી ચીજ પ્રેમ જ છે.'

અને અચાનક અત્યાર સુધી ચૂપ રહેલો પેલો પાણીદાર આંખોવાળો બેચેન પુરુષ બોલ્યોઃ `લગ્નને જે પવિત્ર બનાવે છે એ પ્રેમ કેવો હોય? (ક્રમશઃ)

***

આ પાણીદાર આંખોવાળો બેચેન પુરુષ પોતાની પત્નીની હત્યા કરી ચૂકેલો માણસ હતો. પછી તો એણે પોતે જ પત્નીની હત્યા કેવા સંજોગોમાં કઈ રીતે કરી એની વાત કહી.