ભારતમાં આજે પણ કોઇ ને કોઇ ખૂણે સમયાંતરે કોઇ કોમ્પ્લેક્સ કે અન્ય નિર્માણ કરતી વખતે ખોદકામ કરવામાં આવે છે ત્યારે ઘણીવાર પુરાત્ત્વીય વસ્તુઓ કે પ્રાચીન વસ્તુઓ મળતી હોય છે. થોડા સમય પહેલાં જ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના ગામ હરચંદપુરમાં રહસ્યમય ગુફા મળી આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ગુફા કોઇ ખોદકામ કરતી વખતે નહીં, પરંતુ ગામમાં પડેલા મુશળધાર વરસાદમાં જમીન ધસી પડવાથી મળી હતી! જમીન ધસતાંની સાથે જ ત્યાં મજબૂત દીવાલો જોવા મળી હતી. આ સમાચાર મળતાં જ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) ટીમ ગુફા અંદર ઊતરી હતી, જ્યાં તેમને જૂની પ્રાચીન ઈંટો ઉપરાંત માટીનાં વાસણો તેમજ હાથાવાળી ધૂપદાની મળી હતી. આ ગુફા વિશે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, અહીં જે વસ્તુઓ મળી છે તે કુષાણ કાળની વસ્તુઓ છે. નોંધનીય છે કે, તપાસમાં જે ઇંટો મળી છે તેની સાઇઝ 40/28/8 સેન્ટિમીટર જેટલી છે, જે કુષાણ કાલીન યુગમાં જોવા મળતી સંરચનાઓ સાથે મળતી આવે છે. અલબત્ત, તે અંદાજિત 2000 વર્ષોથી પણ જૂની હોવાનું જણાવવામાં આવ્યું છે. હજી આ ગુફા વિશે સંપૂર્ણ શોધખોળ બાકી છે.
હવે મહેમાનોને હ્યુમન ફ્રીઝમાં બેસાડજો
આ વર્ષે સમગ્ર દુનિયા ગરમીને કારણે ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. વધુમાં આ વર્ષે એવી જગ્યાએ પણ ગરમીએ કાળો કેર વર્તાવ્યો હતો જ્યાં પહેલાં સામાન્યથી સામાન્ય ગરમી જોવા મળતી હતી. ગરમીથી રાહત મેળવવા સૌ કોઇ એસી અને પંખા જેવાં સાધનો વાપરતા હોય છે, પરંતુ જાપાનમાં એક કંપનીએ `હ્યુમન ફ્રીઝ' બનાવ્યું છે, જેને કૂલિંગ બોક્સ પણ કહેવામાં આવે છે. આ બોક્સમાં બેસીને જે તે વ્યક્તિ માત્ર ગણતરીના સમયમાં જ એકદમ ઠંડો-COOL થઇ જાય છે. રૂપિયા 8 લાખની કિંમતના આ હ્યુમન ફ્રીઝમાં અંદરનું તાપમાન 15 ડિગ્રી સે. (59 ફેરનહીટ) રાખવામાં આવે છે, જેથી આ ફ્રીઝમાં જેવી વ્યક્તિ ઊભી રહે છે કે બેસે છે તો તેને ઠંડીની અસર થવા લાગે છે. મૂળ આ હ્યુમન ફ્રીઝનો ઉદ્દેશ ખૂબ ગરમી આપતાં સ્થળોએ જાહેર બસસ્ટેશન કે રેલવે સ્ટેશન ઉપરાંત મોટી ફેક્ટરીઓ તેમજ સતત ગરમીમાં કામ કરતા લોકો માટે રાહત આપવા માટેનો છે. આ ખાનગી કંપનીના જણાવ્યા અનુસાર આ કૂલિંગ બોક્સ જે તે વ્યક્તિના શરીરને ઝડપથી ઠંડું કરીને ગરમીના લીધે લાગતા અસહ્ય થાકના શરૂઆતનાં લક્ષણોમાં સરળતાથી રાહત આપી શકે છે.
દુનિયાનું સૌથી નાનું એસ્કેલેટર!
આજના સમયમાં તમને મોટાભાગના શોપિંગ મોલ, મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન કે બસસ્ટેશન ઉપરાંત એરપોર્ટ પર એસ્કેલેટર ચોક્કસથી જોવા મળે છે. એસ્કેલેટર તમારો સમય બચાવે છે અને જે તે જગ્યા પર ખૂબ જ આરામથી પણ પહોંચાડે છે. સામાન્ય રીતે એસ્કેલેટરની લંબાઇ ખૂબ જ લાંબી હોય છે. આ એસ્કેલેટરમાં 20થી 100 જેટલાં પગથિયાં (ફૂટ રેસ્ટ) હોય છે, પરંતુ જાપાનના કાવાસાકી નામના શહેરમાં દુનિયાનું સૌથી નાનું એસ્કેલેટર જોવા મળે છે, જેની ઊંચાઇ માત્ર 83.4 સેન્ટિમીટર (અંદાજિત 2.5 ફૂટ) છે અને તેમાં માત્ર પાંચ જ પગથિયાં છે. આ એસ્કેલેટર એક ખાનગી સ્ટોરમાં મૂકવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ એસ્કેલેટરની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી છે. અલબત્ત, સ્ટોરની મુલાકાત લેવા આવનાર જે તે વ્યક્તિઓ આ સેમી એસ્કેલેટરની મજા લે છે. આ એસ્કેલેટરની સફર માત્ર 4.6 સેકન્ડમાં પૂરી થઇ જાય છે અને તે ઉપરથી નીચેની દિશામાં આવે છે. નોંધનીય છે કે, આ સેમી એસ્કેલેટરનું નિર્માણ એક ખાનગી કંપની દ્વારા વર્ષ 1989માં કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ એક સ્ટોરથી બીજા સ્ટોરને જોડવાનો હતો, પણ હવે તે ટૂરિસ્ટો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો