ભાગ - 2

આ સાથે જ યુદ્ધ ચાલુ જ હતું. સૌથી મોટી લડાઈ 6 ફેબ્રુઆરી, 1948ના રોજ નૌશેરાને આઝાદ કરવા માટે થઈ હતી. દક્ષિણ પૂર્વમાંથી 400 તથા ઈશાન ખૂણેથી 30000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય થાણાંઓ ઉપર હુમલો કર્યો.

બંને વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં ભારતીય હવાઈદળે સારો દેખાવ કર્યો. આ લડાઈમાં 2000 જેટલા આક્રમણખોરો તથા 48 ભારતીય જવાનો મૃત્યુ પામ્યા. છેવટે 18 માર્ચ, 1948ના રોજ જાનગરને પણ મુક્ત કરવામાં આવ્યું. 8 એપ્રિલ, 1948ના રોજ ભારતીય સૈનિકોએ રાજૌરીને મુક્ત કરવા પ્રયાણ કર્યું અને 12 એપ્રિલ, 1948ના રોજ તે કબજે કર્યું. કેટલાક પર્વતીય પ્રદેશોમાં છૂટાછવાયા હુમલાઓ બાદ 1948ના સપ્ટેમ્બરમાં પુંચને મુક્ત કરવાની શરૂઆત કરી. 21 નવેમ્બર, 1948ના રોજ પુંચને મુક્ત કરવામાં આવ્યું અને 23 નવેમ્બરના રોજ માગહેર

કબજે કર્યું.

દરમ્યાન સંયુક્ત રાષ્ટ્રમાં શું થયું?

જ્યારે કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ગયો ત્યારે તે વર્ષે તેના પર 4 ઠરાવ કરવામાં આવ્યા હતા. પ્રથમ દરખાસ્ત નંબર-38 આવી હતી. આ પ્રસ્તાવમાં બંને પક્ષોને સ્થિતિ સામાન્ય બનાવવાની અપીલ કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, સુરક્ષા પરિષદના સભ્યોએ બંને દેશોના પ્રતિનિધિઓને બોલાવીને સીધી વાતચીત કરવી જોઈએ. ત્યારબાદ 20 જાન્યુઆરી, 1948ના રોજ પ્રસ્તાવ નંબર 39 આવ્યો. સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે ત્રણ સભ્યો હશે, તે બંને ત્રીજા સભ્યની પંસદગી કરશે.

21 એપ્રિલ, 1948ના રોજ ઠરાવ નંબર 47 પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવા પર સહમતિ બની હતી, પરંતુ શરત નક્કી કરવામાં આવી હતી કે, પાકિસ્તાની આદિવાસીઓ કાશ્મીરમાં પાછા જશે. અંતે જૂન 1948માં ઠરાવ નંબર 51 પસાર કરવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રપંચ ભારત-પાકિસ્તાન બંને દેશોમાં મોકલવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કમિશને તેનો રિપોર્ટ ડિસેમ્બર 1948માં સુપરત કર્યો હતો, જેમાં જનમત સંગ્રહ અને યુદ્ધવિરામની વાત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં આ બધું થઇ રહ્યું હતું ત્યાં સુધીમાં પાકિસ્તાનીઓએ કાશ્મીરના ઘણા ભાગો પર ગેરકાયદે કબજો જમાવી લીધો હતો.

અને એક વર્ષ પછી 1 જાન્યુઆરી, 1949ના રોજ 23.59 વાગ્યે, સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામ અમલમાં આવ્યો, જેનાથી યુદ્ધનો અંત આવ્યો, પરંતુ પાકિસ્તાને કબજા હેઠળના પ્રદેશોમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવાનો ઇનકાર કર્યો હતો. ભારતના ભાગે ન તો ગુમાવેલો પ્રદેશ પાછો આવ્યો, ન તો કાયમી શાંતિ. હજુ પણ કાશ્મીરના 1/3 ભાગને પાકિસ્તાનના અનધિકૃત કબજામાંથી મુક્ત કરાવવાનું બાકી રહ્યું જ છે. સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામ અમલમાં આવ્યો, પરંતુ સાથે સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું કે જેટલું કાશ્મીર ભારત પાસે છે તે ભારત પાસે રહેશે અને પાકિસ્તાને જે વિસ્તાર કબજે કર્યો છે, તે તેની પાસે જશે અને POKનું નિર્માણ થયું. કાશ્મીરના 78 હજાર ચોરસ કિલોમીટર જેટલા વિસ્તાર પર પાકિસ્તાનનો ગેરકાયદે કબજો છે. આ વિસ્તાર ખૂબ વિશાળ છે. પાકિસ્તાન તેને આઝાદ કાશ્મીર કહે છે, પરંતુ સત્ય એ છે કે, તે સ્વતંત્ર નથી, પરંતુ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર છે. સામાન્ય ભાષામાં તેને જ પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર- POK) કહેવામાં આવે છે.

પ્રધાનમંત્રી નહેરુએ કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદ તરીકે સ્વીકારીને પાકિસ્તાનને તક આપી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો ભારતને સતત ત્રાસ આપતા રહ્યા છે. વળી, પાકિસ્તાને પોતાના કબજા હેઠળના વિસ્તારનો કેટલોક ભાગ ચીનને સોંપી દીધો છે.

1948 અને 1949 બંને વર્ષની પહેલી જાન્યુઆરી સાથે બફાટ અને બનાવટનો દિવસ છે. કહેવાય છે કે કાશ્મીરનો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની ગેરમાર્ગે દોરતી અને બ્રિટન-અમેરિકાનાં હિતોને પોષતી સલાહ માઉન્ટબેટને જ નહેરુને આપી હતી. એ વખતે સરદાર પટેલને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેઓ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ કોઈએ (મોટા ભાગે ગાંધીજીએ) તેમને રાજીનામું ન આપવા મનાવી લીધા હતા.