29 જુલાઈ, 1981ના રોજ લંડનની શેરીઓ એક અનોખા ઉન્માદમાં ડૂબેલી હતી. બ્રિટિશ ઇતિહાસના સૌથી ભવ્ય અને ચર્ચિત શાહી લગ્ન, પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયના સ્પેન્સરના વિવાહ તે દિવસે યોજાઈ રહ્યા હતા. આખું શહેર યુનિયન જેકના ધ્વજ, રંગબેરંગી રોશની અને લાખો ઉત્સાહી લોકોના ઘોડાપૂરથી ઊભરાઈ રહ્યું હતું. ચારેય તરફ ખુશીઓનો માહોલ હતો અને વૈશ્વિક મીડિયાની નજરો બંકિંગહામ પેલેસ પર ટકેલી હતી, પરંતુ આ જ ઉત્સવના ઘોંઘાટ અને ઝાકઝમાળની પાછળ, દક્ષિણ લંડનના શાંત વિસ્તાર પુટનીમાં એક એવો અંધકાર આકાર લઈ રહ્યો હતો, જે આગામી ચાર દાયકાઓ સુધી બ્રિટિશ ન્યાયતંત્ર અને પોલીસ તંત્રને હચમચાવી મુકવાનો હતો. આ એ દિવસ હતો જ્યારે માત્ર આઠ વર્ષનો એક માસૂમ બાળક, વિશાલ મેહરોત્રા, ધોળા દિવસે લંડનની ભીડભાડવાળી શેરીમાંથી રહસ્યમય સંજોગોમાં અદૃશ્ય થઈ ગયો અને ફરી ક્યારેય જીવતો પાછો ન ફર્યો.

મૂળ ભારતીય પરિવારનો વિશાલ અત્યંત તેજસ્વી, મિલનસાર અને પોતાની ઉંમરના બાળકો કરતાં વધુ આત્મનિર્ભર છોકરો હતો. વર્ષ 1978માં તેનો પરિવાર શ્રીલંકાથી સ્થળાંતર કરીને યુનાઇટેડ કિંગડમ આવ્યો હતો. તેના પિતા વિશમ્બર મેહરોત્રા લંડનમાં એક પ્રતિષ્ઠિત સોલિસિટર હતા, જેઓ પાછળથી નિવૃત્ત મેજિસ્ટ્રેટ બન્યા. વિશાલના માતા અરુણા મેહરોત્રા તે સમયે પિતાથી અલગ થઈને ભારતમાં પોતાનો ઝવેરાતનો વ્યવસાય સંભાળતા હતા. વિશાલ પોતાની નાની બહેન મમતા અને ઘરમાં રહેતી નેની જોઆનિતા કાર્વાલ્હો સાથે પુટનીના હોલ્મબશ રોડ પર આવેલા ઘરમાં રહેતો હતો. લંડનની વ્યસ્ત દિનચર્યામાં વિશાલ પોતાની શાળાએ પણ એકલો જ જતો-આવતો હતો, જેના કારણે આખો પરિવાર તેની સુરક્ષા વિશે સંપૂર્ણપણે નિશ્ચિંત હતો, પરંતુ શાહી લગ્નની એ ઐતિહાસિક બપોરે બધું જ બદલાઈ ગયું.

તે દિવસે સવારે મેહરોત્રા પરિવારે સેન્ટ્રલ લંડનના ફ્લીટ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા પિતા વિશમ્બરની ઓફિસની બારીમાંથી શાહી સરઘસ જોયું હતું. ભીડ અને કોલાહલ વચ્ચે પસાર થયેલી એ સવાર ખુશીઓથી ભરેલી હતી. બપોરે લગભગ 1:40 વાગ્યે આખો પરિવાર ટ્રેન દ્વારા પૂર્વ પુટની સ્ટેશને પાછો ફર્યો. મુસાફરીથી થાકેલા વિશમ્બર મેહરોત્રા સીધા ઘરે જઈને સૂઈ ગયા. તેમણે વિશાલ અને મમતાને ચોકલેટ અને મીઠાઈ ખરીદવા માટે 20-20 પાઉન્ડ આપ્યા હતા. નેની જોઆનિતા બંને બાળકોને લઈને પુટની હાઈ સ્ટ્રીટ પર આવેલી ન્યૂઝ એજન્ટની દુકાને ગઈ, જ્યાં તેમણે થોડો સમય ખરીદી કરી. બંને બાળકોને ગળામાં થોડી તકલીફ હોવાથી, જોઆનિતાએ નજીકની ફાર્મસીમાંથી કફ સિરપ ખરીદવાનું નક્કી કર્યું. આ સમયે વિશાલે થાક અનુભવતા કહ્યું કે તે એકલો જ ઘરે જવા માંગે છે. ઘર ત્યાંથી માંડ દસ મિનિટના અંતરે હતું અને રસ્તો વિશાલ માટે સાવ જાણીતો હતો. નેનીએ તેને પરવાનગી આપી, તેને વ્યસ્ત રોડ ક્રોસ કરાવ્યો અને રસ્તાની પેલે પાર મોકલીને પોતે મમતા સાથે દવા લેવા આગળ વધી ગઈ. એ છેલ્લી ક્ષણ હતી જ્યારે વિશાલને કોઈ પરિચિત વ્યક્તિએ જીવતો જોયો હતો.

બપોરે લગભગ 3:00 વાગ્યે નેની જોઆનિતા અને મમતા ઘરે પાછા ફર્યા ત્યારે વિશાલ ઘરમાં નહોતો. પિતા હજુ પણ ગાઢ નિદ્રામાં હતા. નેનીએ વિચાર્યું કે કદાચ વિશાલ બહાર પાડોશના મિત્રો સાથે રમવા ગયો હશે, તેથી તે પણ મમતા સાથે આરામ કરવા લાગી, પરંતુ સાંજે 4:30 વાગ્યે જ્યારે તેની આંખ ખુલી અને વિશાલ હજુ પણ ગેરહાજર હતો, ત્યારે તેના મનમાં ચિંતાની પહેલી ચણભણ શરૂ થઈ. તેણે તુરંત વિશમ્બર મેહરોત્રાને જગાડ્યા. પિતા અને નેનીએ આસપાસના પાડોશીઓ, મિત્રો અને રસ્તા પરના દુકાનદારોની પૂછપરછ શરૂ કરી, પરંતુ કોઈની પાસે કોઈ માહિતી નહોતી. ચિંતા ધીમે-ધીમે ગભરાટમાં ફેરવાઈ ગઈ અને આખરે સાંજે 7:00 વાગ્યે મેટ્રોપોલિટન પોલીસ મથકે વિશાલના ગુમ થવાની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી.

શાહી લગ્નના ભવ્ય ઉત્સવની ઉજવણીમાં વ્યસ્ત પોલીસ તંત્ર માટે શરૂઆતમાં આ કેસ કદાચ સામાન્ય બાળક રખડી પડવાનો કે ભાગી જવાનો કેસ લાગ્યો હતો, પરંતુ જેમ-જેમ કલાકો વીતતા ગયા તેમ-જેમ મામલાની ગંભીરતા સમજાઈ. પોલીસે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પુટનીના કોમન લેન્ડ, થેમ્સ નદીનો પટ અને નજીકના જંગલ વિસ્તારોમાં હેલિકોપ્ટર અને થર્મલ કેમેરાની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. શરૂઆતી તપાસમાં એક થિયરી એવી પણ વહેતી થઈ કે કદાચ વિશાલ પોતાની માતાને મળવા માટે એકલો જ ભારત જવા નીકળી ગયો હોય, જેના કારણે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી. વળી, તે ગાળામાં બ્રિટનમાં વંશીય તણાવ ઘણો વધારે હોવાથી, કોઈ વંશીય જૂથ (રેસિસ્ટ ગેંગ) દ્વારા તેનું અપહરણ કરાયું હોવાની આશંકા પણ તપાસવામાં આવી. પોલીસે આશરે 14,000થી વધુ લોકોની પૂછપરછ કરી, પરંતુ વિશાલ જાણે હવામાં ઓગળી ગયો હતો.

આ સમય દરમિયાન, વિશાલના પિતા વિશમ્બર મેહરોત્રાના ફોન પર એક રહસ્યમય અને ચોંકાવનારો કોલ આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને પુરુષ સેક્સ વર્કર (મેલ પ્રોસ્ટિટ્યૂટ) તરીકે ઓળખાવ્યો અને દાવો કર્યો કે લંડનના પ્રતિષ્ઠિત `એલ્મ પાર્ક ગેસ્ટહાઉસ'માં વેસ્ટમિન્સ્ટરના મોટા રાજકારણીઓ, ન્યાયાધીશો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનું એક ખૂબ જ શક્તિશાળી પીડોફાઈલ નેટવર્ક (બાળ યૌન શોષણ કરનાર ટોળકી) સક્રિય છે, જે બાળકોનું અપહરણ કરીને તેમનું શોષણ કરે છે. આ અજાણ્યા વ્યક્તિએ દાવો કર્યો કે વિશાલને આ જ ટોળકી દ્વારા ગાયબ કરવામાં આવ્યો છે.

વિશમ્બર મેહરોત્રાએ આ ફોન કોલનું રેકોર્ડિંગ કરીને તુરંત પોલીસને સોંપ્યું, પરંતુ આશ્ચર્યજનક રીતે, પોલીસે આ અત્યંત સંવેદનશીલ કડીને ગંભીરતાથી લેવાને બદલે તેને એક સામાન્ય તોફાની કોલ ગણાવીને ફગાવી દીધો અને પિતાને આ બાબતે વધુ ચિંતા ન કરવાની સલાહ આપી. પોલીસનું આ વલણ ભવિષ્યમાં થનારા મોટા ઘટસ્ફોટ અને રહસ્ય પર પડદો નાખવાના પ્રયાસો તરફ આંગળી ચિંધતું હતું.

સમય વીતતો ગયો અને શિયાળો બેસી ગયો, પરંતુ વિશાલની કોઈ ભાળ ન મળી. આખરે, ઘટનાના સાત મહિના બાદ 21 ફેબ્રુઆરી, 1982ના રોજ આ કેસમાં એક અત્યંત ભયાનક વળાંક આવ્યો. લંડનથી લગભગ પચાસ માઈલ દૂર આવેલા વેસ્ટ સસેક્સના રોગેટ નજીક, `એલ્ડર કોપ્સ' નામના શાંત અને ભેજવાળા જંગલ વિસ્તારમાં બે શિકારીઓ જંગલી કબૂતરના શિકાર માટે ગયા હતા. ત્યાં રસ્તાથી થોડે દૂર કાદવ અને ભેજવાળી જમીનમાં તેમને માનવ હાડકાં વિખરાયેલા દેખાયા. શિયાળ જેવા જંગલી પ્રાણીઓએ જમીન ખોદીને આ અવશેષો બહાર કાઢ્યા હોવાના ચિહ્નો હતા. પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને આશરે ત્રીસ અધિકારીઓની મદદથી આખા વિસ્તારની સઘન ખોદકામ કરી તપાસ શરૂ કરી. જમીનમાંથી માનવ ખોપરી, સાત પાંસળીઓ અને કરોડરજ્જુનો એક ભાગ મળી આવ્યો, પરંતુ ત્યાં કોઈ કપડાં, ચપ્પલ કે અન્ય કોઈ ઓળખ ચિહ્નો નહોતા. વિજ્ઞાન અને ફોરેન્સિક લેબોરેટરીના પરીક્ષણ બાદ એ વાતની પુષ્ટિ થઈ કે આ હાડકાં બીજા કોઈના નહીં, પરંતુ આઠ વર્ષના માસૂમ વિશાલ મેહરોત્રાના જ હતા.

ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, વિશાલનું મૃત્યુ કદાચ અપહરણના થોડા જ કલાકોમાં અથવા 29 જુલાઈ, 1981ની એ જ રાત્રે થઈ ગયું હતું. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક લાશને લંડનથી ખૂબ દૂર સસેક્સના જંગલોમાં લાવીને આશરે બે ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી હતી, પરંતુ લાશના નીચેના ભાગા હાડકાં, જેમ કે પગ, પેલ્વિસ અને કરોડરજ્જુનો નીચેનો ભાગ ક્યારેય મળી ન શક્યા. કપડાંની ગેરહાજરી એ વાતનો સ્પષ્ટ સંકેત આપતી હતી કે વિશાલને મોતના ઘાટ ઉતારતા પહેલાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હોઈ શકે છે. આ શોધે સમગ્ર બ્રિટિશ સમાજને હચમચાવી મૂક્યો. શાહી લગ્નની એ ખુશનુમા યાદગીરી હવે હંમેશાં માટે એક માસૂમ બાળકના લોહીથી ખરડાઈ ગઈ હતી.

અસલી આઘાત તો એ હતો કે આટલી મોટી ઘટના છતાં તપાસ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હતી. સસેક્સ પોલીસ અને મેટ્રોપોલિટન પોલીસ વચ્ચે પરસ્પર સંકલનનો ભારે અભાવ જોવા મળ્યો. આ કેસમાં કોઈ શંકાસ્પદની ધરપકડ ન થઈ કે ન તો કોઈ નક્કર પુરાવા મળ્યા. વિશમ્બર મેહરોત્રાએ વારંવાર પોલીસ તંત્ર સમક્ષ ન્યાય માટે આજીજી કરી, પરંતુ દર વખતે તેમની ફાઇલ બંધ કરી દેવામાં આવતી હતી. વરિષ્ઠ નિવૃત્ત મેજિસ્ટ્રેટ બનેલા પિતાના મનમાં ધીમે-ધીમે એ શંકા દૃઢ થવા લાગી કે તેમના પુત્રના હત્યારાઓને બચાવવા માટે કોઈ અદૃશ્ય અને અત્યંત શક્તિશાળી હાથ કામ કરી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે બ્રિટિશ પોલીસ તંત્રમાં વ્યાપ્ત સંસ્થાકીય રંગભેદ અને વેસ્ટમિન્સ્ટરની વગદાર હસ્તીઓને બચાવવાની મથામણને કારણે તેમના પુત્રની હત્યાની તપાસ દબાવી દેવામાં આવી હતી.

દાયકાઓ સુધી આ કેસ ધૂળ ખાતો રહ્યો, પરંતુ વર્ષ 2020માં આ કેસમાં વણધારેલો સ્ફોટક વળાંક આવ્યો. વૈશ્વિક લોકડાઉન દરમિયાન, એક ન્યૂઝ ચેનલના સ્થાનિક પત્રકાર કોલિન કેમ્પબેલને પોલીસ વિભાગની અંદરથી એક અત્યંત ગુપ્ત અને ચોંકાવનારો સંદેશો મળ્યો. આ બાતમીદારે દાવો કર્યો કે પોલીસના ગુપ્ત દસ્તાવેજોમાં એક એવો પુરાવો મોજૂદ છે જે વિશાલ કેસને સંપૂર્ણપણે ખોલી શકે તેમ છે. આ કડીના આધારે પત્રકાર કોલિન કેમ્પબેલ અને વિશાલના નાના અર્ધ-ભાઈ (હાફ-બ્રધર) સુચિન મેહરોત્રાએ સત્ય શોધવાની એક સફર શરૂ કરી.

તપાસ દરમિયાન જે સત્ય બહાર આવ્યું તે હૃદય કંપાવી દેનારું હતું. 1990ના દાયકાથી સસેક્સ પોલીસ પાસે એક અત્યંત મહત્ત્વનો ગુપ્ત દસ્તાવેજ હતો, જેનું શીર્ષક ખુદ `વિશાલ' હતું. આ દસ્તાવેજ વર્ષ 1983માં એક દોષિત ઠરેલા ક્રૂર બાળ યૌન શોષક (પેડોફાઈલ) દ્વારા લખવામાં આવ્યો હતો, જેમાં તેણે પોતે જ આચરેલા કુકર્મો અને પીડિત બાળકોની વિગતો લખી હતી. સૌથી ભયાનક બાબત એ હતી કે જે જંગલમાંથી વિશાલના હાડકાં મળ્યા હતા, તેનાથી માંડ પાંચ માઈલ દૂર આ ગુનેગારની માતાનું ઘર હતું, જ્યાં તે બાળકોને લાવીને પીંખી નાખતો હતો. આ દસ્તાવેજ દાયકાઓ સુધી પોલીસ ફાઈલોમાં દબાયેલો રહ્યો અને પોલીસે વર્ષ 2019 સુધી આ દસ્તાવેજને ક્યારેય વિશાલ મેહરોત્રાના અપહરણ અને હત્યા સાથે જોડવાની તસ્દી સુદ્ધાં નહોતી લીધી.

વધુ તપાસમાં બહાર આવ્યું કે સસેક્સના આ નરાધમોની ટોળકી લંડનના વેસ્ટ એન્ડ અને દક્ષિણ લંડનના વિસ્તારો સાથે ગાઢ સંબંધો ધરાવતી હતી. આ ટોળકીનો એક સભ્ય, જે શાળામાં શિક્ષક હતો અને બાળકોના શોષણના કેસમાં પોલીસ પૂછપરછ હેઠળ હતો, તે વર્ષો પહેલાં યુકે છોડીને રહસ્યમય રીતે ભાગી ગયો હતો અને શ્રીલંકામાં આશ્રય લીધો હતો. આશ્ચર્યની વાત એ હતી કે યુકે પોલીસને સત્તાવાર રીતે ખબર હતી કે આ ભાગેડુ ક્યાં છુપાયેલો છે, તેમ છતાં તેને બ્રિટન પાછો લાવવા માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી. બીજી તરફ, પોલીસ સતત વિશાલના પરિવારને એવું ખોટું આશ્વાસન આપતી રહી કે તે શંકાસ્પદ વ્યક્તિ ક્યાં છે તેની કોઈ ભાળ મળી નથી.

જ્યારે ચેનલના પોડકાસ્ટ દ્વારા સમગ્ર માધ્યમો અને જનતા સમક્ષ આ ચોંકાવનારી વિગતો આવી, ત્યારે સસેક્સ પોલીસે પોતાની નિષ્ફળતા સ્વીકારવી પડી. તેમણે સ્વીકાર્યું કે ગુપ્ત દસ્તાવેજો અને શંકાસ્પદો વચ્ચેની કડીઓ તપાસવામાં તેમનાથી ગંભીર બેદરકારી થઈ હતી. મે, 2023માં સસેક્સ પોલીસે સત્તાવાર રીતે જાહેરાત કરી કે તેઓ આ કેસની કડીઓ ફરીથી તપાસશે, પરંતુ વિશાલના પિતા કે જેઓ હવે લડતા-લડતા વૃદ્ધ અને કેન્સરથી પીડિત થઈ ચૂક્યા છે, તેમનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ સાવ ઊઠી ગયો છે. તેમણે બ્રિટિશ વડાપ્રધાનને પત્ર લખીને આ સમગ્ર કેસની સ્વતંત્ર અને ન્યાયી તપાસ કરવાની માંગ કરી છે.

આજે પણ એ સવાલ હવામાં લટકી રહ્યો છે કે, શાહી લગ્નની ભીડ વચ્ચેથી આઠ વર્ષના બાળકને ઉપાડી જનાર એ રાક્ષસ કોણ હતો? શું ખરેખર બ્રિટિશ સત્તાના ઉચ્ચ ગલિયારાઓમાં બેઠેલા શક્તિશાળી લોકો આ માસૂમના લોહીના ગુનેગાર હતા, જેમને બચાવવા માટે આખા કેસ પર ચાર દાયકા સુધી પડદો નાખી રાખવામાં આવ્યો? વિશાલ મેહરોત્રાનો કેસ માત્ર એક વણઉકેલાયેલી હત્યાનો કેસ નથી, પરંતુ તે બ્રિટિશ પોલીસ તંત્રની ઉદાસીનતા, સંસ્થાકીય ખામીઓ અને એક લાચાર પિતાના ન્યાય માટેના આજીવન સંઘર્ષની અત્યંત કરુણ અને વેદનાદાયક દાસ્તાન છે. લંડનની એ ઝાકઝમાળ ભરેલી સવારનો એ નાનકડો અદૃશ્ય થયેલો પડછાયો આજે પણ બ્રિટિશ ન્યાયના બંધ દરવાજાઓ પર દસ્તક દઈ રહ્યો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો