માનવજાતે પોતાની જ સભ્યતાને અસહ્ય બનતી અટકાવવા માટે એક અદભુત ટેકનોલોજી શોધી હતી. દર થોડા મહિને તેમણે સભ્યતાના બીબાઢાળ વહેણને બ્રેક મારી દેવાનું નક્કી કર્યું! ખેડૂત ખેતી રોકી દે. વેપારી દુકાન બંધ કરી દે. રોજિંદા કપડાં બદલાઈ જાય. ભોજનમાં બિનજરૂરી મહેનત શરૂ થાય. જે સમયે ડાહ્યા માણસોએ ઊંઘી જવું જોઈએ, એ સમયે લોકો જાગવા લાગે. ઢોલ વાગે. અજાણ્યા લોકો ઘરમાં પ્રવેશે. રસ્તાઓ સ્ટેજ બની જાય. આખું વર્ષ પૈસા બચાવતો માણસ અચાનક ઉડાઉ બની જાય. બાળકોને ખાંડ ગ્રહણ કરવાની, ઘોંઘાટનું સર્જન કરવાની અને મન ભરીને તોફાન કરવાની છૂટ મળી જાય.  

જે થોડા સમય માટે માણસ પોતાની રોજિંદી કાર્યક્ષમતા અને શિસ્ત સસ્પેન્ડ કરી દે છે તેને તહેવાર કહેવામાં આવે છે. તહેવારની વ્યાખ્યા- પાંચ 

ગુણ પુરા.   

તહેવારો એટલે નહોતા શોધાયા કારણ કે દેવી-દેવતાઓને વાર્ષિક મનોરંજન જોઈતું હતું. તહેવારોએ માનવજાતની બહુ મોટી સમસ્યા હલ કરી છે. રોજિંદી જિંદગીનું રિપીટેશન એટલું ભયંકર હોય છે કે માણસ તેને સતત સહન ન કરી શકે. સમાજને ટકી રહેવા માટે રૂટીન જોઈએ, પણ માણસને માણસ બની રહેવા માટે એ જ રૂટીનમાંથી એક્ઝિટ જોઈએ. સામાન્ય દિવસોમાં માણસ એક માળખામાં જીવે છે. બોસ, નોકર, અમીર, ગરીબ, પતિ, પત્ની. દરેક માણસ પોતાનો રોલ ભજવે છે. પણ તહેવાર આવે એટલે આ માળખું પીગળી જાય છે. સભ્યતા પોતાનો બેલ્ટ થોડો ઢીલો કરે છે.  

મોટાભાગના માનવ ઇતિહાસમાં અછત એ સામાન્ય બાબત હતી. આજે આપણે મધરાતે સ્વિગી પરથી ડેઝર્ટ મંગાવી શકીએ છીએ, કારણ કે વિપુલતા હવે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગઈ છે. પણ જૂના સમાજ માટે મીઠાઈ, નવા કપડાં કે રાતનો ઉજાગરો એ રોજના અનુભવો નહોતા. તહેવાર એટલે આખા વર્ષની અછતને એક ભવ્ય દિવસમાં નીચોવી લેવાની કળા. જ્યારે અછત જ ન હોય, ત્યારે તહેવારનો એ સાયકોલોજિકલ કરંટ ખતમ થઈ જાય છે. પરંપરા જ્યારે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અથડાય છે, ત્યારે તેનો અર્થ બદલાઈ જ જાય છે.  

પણ ખરી ટ્રેજેડી અહીંથી શરૂ થાય છે.  

જે કંટાળા, હરીફાઈ અને થાકમાંથી બચવા માટે આપણે તહેવાર શોધ્યા હતા, એ જ હરીફાઈ અને થાક હવે તહેવારોમાં ઘૂસી ગયા છે. સ્ટેટસ આવી ગયું. સરખામણી શરૂ થઈ ગઈ. હરીફાઈ પ્રવેશી ચૂકી છે. અચાનક ઉજવણી માટે સાચા કપડાં, સાચો વેન્યુ, સાચા ફોટોગ્રાફ્સ, સાચો પાસ અને સાચું સોશિયલ સ્ટેટસ ફરજિયાત બની ગયા. જે તહેવાર હાયરાર્કીમાંથી મુક્તિ આપવા સર્જાયો હતો, તે હવે નવી હાયરાર્કી પેદા કરવા લાગ્યો છે.  

અમીરો પાસે ઉજવણીનું બેટર વર્ઝન છે. ઓળખાણવાળાને વીઆઈપી એન્ટ્રી મળે છે. ફેશનેબલ લોકોના ફોટા પડાય છે અને સામાન્ય માણસ માત્ર પ્રેક્ષક બનીને રહી જાય છે. આપણે વર્કપ્લેસમાંથી ભાગીને બીજું કશું નથી કર્યું, માત્ર ડેકોરેટિવ લાઈટ્સની નીચે આપણી ઓફિસની એપ્રેઝલ સિસ્ટમ ફરીથી ઊભી કરી દીધી છે!  

વીસ ગામડિયાઓ ભેગા થઈને જાતે ઉત્સવ મનાવી શકે, પણ વીસ હજાર લોકો ભેગા થાય ત્યારે બેરિકેડ્સ જોઈએ. રોમેન્ટિક લોકોને આ સત્ય નહીં ગમે, પણ સંસ્કૃતિ જ્યારે વિશાળ બને છે ત્યારે તેને પ્લમ્બિંગની જરૂર પડે છે. મેનેજમેન્ટ ખરાબ વસ્તુ નથી. ખતરો ત્યારે શરૂ થાય છે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્સવની સેવા કરવાનું બંધ કરે છે અને ઉત્સવ પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોડક્ટ બની જાય છે. જ્યારે ભક્તિ બ્રાન્ડિંગ બની જાય. જ્યારે ઉત્સવની સફળતા ટિકિટના વેચાણ અને સેલિબ્રિટીની હાજરીથી મપાવા લાગે.  

આપણે ધીમે ધીમે સહભાગીમાંથી પ્રેક્ષક બની રહ્યા છીએ. આપણે ગાતા હતા, હવે પ્રોફેશનલ સિંગર આવે છે. આપણે નાચતા હતા, હવે પ્રોફેશનલ ડાન્સર આવે છે. પ્રોફેશનલ એક્સેલન્સ અદભુત આર્ટ આપે છે, પણ આ આઉટસોર્સિંગ આપણી પાસેથી આપણી જીવંતતા છીનવી લે છે. જે સમાજ માત્ર ડાન્સર્સને જુએ છે પણ પોતે નથી નાચતો, તેણે તમાશો મેળવ્યો છે પણ પોતાની ગતિ ગુમાવી દીધી છે.  

અને એમાં ઉમેરાયો સ્માર્ટફોન. આધુનિક તહેવારોમાં બે ભીડ હોય છે. એક જે હાજર છે અને બીજી જે ઓનલાઈન અદ્રશ્ય છે. હાજર રહેલા લોકો ગેરહાજર લોકો માટે પરફોર્મન્સ આપી રહ્યા છે. કપડાં હવે માત્ર કાપડ નથી, મેસેજ છે. જમવાનું ફોટોગ્રાફી છે. ભક્તિ એ પીઆર એક્ટિવિટી છે અને આનંદ એ માત્ર સોશિયલ મીડિયા પર મૂકવાનો પુરાવો છે. તહેવાર કહેતો હતો કે આપણે સાથે છીએ. આધુનિક તહેવાર કહે છે કે જુઓ હું કેટલી સુંદર રીતે સાથે છું. આ બંને લાગણીઓ સાવ અલગ છે.  

તહેવાર પૂરો થયા પછી માણસ જો શારીરિક રીતે થાકેલો, આર્થિક રીતે ચિંતિત, 

રાજકીય રીતે અકળાયેલો અને પોતે કેટલો ખુશ છે એ સાબિત કરવા માટે મથતો ઘરે પાછો ફરે, તો સમજવું કે ઉજવણી પોતે જ એક મજૂરી બની ગઈ છે. આપણે કામમાંથી બચવા ઉત્સવ શોધ્યો અને પછી ઉત્સવને જ કામ બનાવી દીધો! આઉટફિટ પ્લાન કરો, પાસ લાવો, ટ્રાફિકમાં લડો, પાર્કિંગ શોધો, ફોટા પાડો, અપલોડ કરો, કમેન્ટ્સના જવાબ આપો. આ કોઈ તહેવાર નથી, આ ભરતકામ કરેલો સોમવાર છે.  

સાચી ઉજવણીના કેન્દ્રમાં કશુંક નકામું હોવું જોઈએ. નાચવાની કોઈ મંઝિલ નથી હોતી. ગાવાથી કોઈ ઇન્વેન્ટરી પેદા નથી થતી. હસવાથી દેશનો જીડીપી સીધો નથી વધતો. આધુનિક દુનિયા નકામી વસ્તુઓથી ભયંકર ડરે છે. ચાલવાને આપણે ફિટનેસ બનાવી દીધી. વાંચવાને સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ. વાતચીતને નેટવર્કિંગ. તહેવાર કહે છે કે આજની રાત સુંદર રીતે વેડફી નાખો. તમારું વજનદાર અસ્તિત્વ ભૂલી જાવ. ખરાબ રીતે નાચો. કારણ વગર જાગો. જે વ્યક્તિ તમારા કરિયરમાં કોઈ ફાયદો ન કરાવી શકે તેને મળો. જે સભ્યતા આટલી નકામી વસ્તુઓ સહન ન કરી શકે, તે ભવિષ્યમાં અમીર તો બનશે પણ ઈમોશનલી નાદાર થઈ જશે.  

ઉત્સવ એ થાકેલા માણસને સભ્યતાએ આપેલું વચન હતું. ફરજ પાછી ફરશે. અછત પાછી ફરશે. મુશ્કેલી પાછી ફરશે. પણ આજની રાત નહીં. આજે રાત્રે સમાજ પોતાનો યુનિફોર્મ ઉતારી નાખશે.  

પણ જ્યારે તહેવારમાં પણ એ જ હરીફાઈ, એ જ દેખાડો, એ જ અહંકાર અને એ જ ક્લાસ ડિવાઈડ ઘૂસી જાય, ત્યારે સમજવું કે સમાજે પોતાનો યુનિફોર્મ નથી ઉતાર્યો. તેણે માત્ર એ યુનિફોર્મ પર આભલા ચોંટાડી દીધા છે!   


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો