પત્નીનું ખૂન કરી ચૂકેલો પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'નો નાયક) એક અજાણ્યા સહયાત્રી સમક્ષ પોતાના ભયાનક ભૂતકાળને વર્ણવી રહ્યો છે. એ કહે છે કે ડોક્ટરની સલાહ બાદ એમણે (પતિ-પત્નીએ) વધુ બાળકો પેદા કરવાનું બંધ કર્યું ત્યારબાદ એની પત્નીનું સૌંદર્ય નીખર્યું અને એમના જીવનમાં પ્રવેશ્યો એક જુવાન. આગળની વાત પોઝ્નીશેફના શબ્દોમાં...
આ માણસ (વાયોલિનવાદક જુવાન) એના સંગીત સાથે અમારા ઘરમાં પ્રવેશ્યો, જેને કારણે પછી થવા કાળ (મારા હાથે પત્નીનું ખૂન) થયું. કોર્ટમાં રજૂઆત એવી થઈ કે જે થયું એ ઇર્ષ્યાને કારણે થયું, પણ એ વાત ખોટી છે. ઓકે, સાવ ખોટી નથી, પણ આમાં (ખૂનમાં) ઇર્ષ્યા ઉપરાંત બીજું પણ એક તત્ત્વ હતું. કોર્ટે એવો ચુકાદો આપ્યો કે હું એક છેતરાયેલો પતિ હતો અને મેં મારી ઇજ્જત-આબરૂ બચાવવા માટે હત્યા કરી હતી. આવા તારણ સાથે મને નિર્દોષ ગણી છોડી દેવાયો. જોકે, વાત આટલી સાદી નથી અને મામલો માત્ર ઇર્ષ્યા-આબરૂનો નથી એવી દલીલ મેં કરી જોઈ, પરંતુ કોર્ટે માની લીધું કે હું ઉદાર બની રહ્યો હતો અને પત્ની સાથેના સંબંધની સ્મૃતિનું સૌંદર્ય જાળવી રાખવા માટે મથી રહ્યો હતો.
મારી પત્નીનો સંગીતકાર સાથે જે કંઈ પણ સંબંધ હતો, તેનું હવે ન તો મારા માટે કશું મહત્ત્વ રહ્યું છે કે ન તો તેના (સદ્ગત પત્ની) માટે, પણ આખી વાતમાં મહત્ત્વની જે વાત છે તે આ છે. પેલો સંગીતકાર અમારા ઘરમાં પ્રવેશ્યો ત્યારે પત્ની સાથેના મારા સંબંધમાં પહેલેથી જ એક ઊંડી ખાઈ ખોદાઈ ચૂકી હતી. અમારી વચ્ચે ભયંકર દ્વેષ હતો, ટેન્શન હતું. વાતાવરણ એટલું તંગ હતું કે નાનામાં નાનું કારણ પણ વિસ્ફોટ માટે પૂરતું હતું. (પત્નીની મેં હત્યા કરી એ પહેલાંના) છેલ્લા દિવસોમાં અમારી વચ્ચે ભયંકર ઝઘડા થતા. ઝઘડા બાદ અમે ખતરનાક ઝનૂન અનુભવતાં. આવામાં પેલો સંગીતકાર અમારા જીવનમાં ન આવ્યો હોત તો બીજો કોઈ આવ્યો હોત. (ખૂન માટે) ઇર્ષ્યા કારણરૂપ ન હોત તો મેં બીજું કોઈ બહાનું શોધી કાઢ્યું હોત. આ વાત પર હું ખાસ ભાર મૂકવા માગું છું કે મારા જેવું લગ્નજીવન અન્ય કોઈ પતિનું હોય તો એ યા તો અન્ય મહિલા સાથે લફરું કરે કે પત્નીને છોડી દે કે આપઘાત કરી લે કે પછી ખૂન કરે. મેં ખૂન કર્યું. આ ચારમાંથી એકેય વિકલ્પ ન અપનાવે એવો પુરુષ એકદમ અપવાદરૂપ જ હોઈ શકે. હું પોતે ઘણી વખત આત્મહત્યાના આરે પહોંચ્યો હતો અને મારી પત્નીએ તો ઝેર પીને મરવાના કેટલાક પ્રયત્નો કર્યા.
એક દિવસ એવું બન્યું કે અમે બાળકોના શિક્ષણ વિશે વાત કરી રહ્યાં હતાં. વાત કઈ રીતે આગળ વધી એ બધું મને પૂરેપૂરું યાદ નથી, પણ એકમાંથી બીજી વાત નીકળતી ગઈ અને મને લાગ્યું કે એક એવી ભયંકર ક્ષણ આવી રહી છે જેમાં યા તો હું એને મારી નાખું અથવા પોતે મરી જાઉં. હું ડરતો હતો, પણ પોતાને રોકી શકતો નહોતો. ગુસ્સો મારી ઉપર હાવી થઈ ગયો. મારી પત્ની પણ એટલી જ ગુસ્સામાં હતી, કદાચ મારાથી પણ વધારે. તેના શબ્દોમાં ઝેર ભરેલું હતું. મને જે કંઈ ગમતું હોય તેના પ્રત્યે એ તુચ્છકાર દેખાડતી હતી. ઝઘડો વધતો ગયો. એક તબક્કે મેં કહ્યું, `મૂંગી મર.'
એ બાળકો તરફ દોડી ગઈ. મેં એને અટકાવવા માટે એનું બાવડું જોરથી પકડ્યું. મારી આકરી પકડને લીધે એનો હાથ દુખ્યો. એ ચિલ્લાઈઃ `છોકરાંવ, તમારો બાપ મને મારે છે.' મેં કહ્યું, `જુઠ્ઠું ન બોલ.' પરંતુ તે મને વધુ ઉશ્કેરવા માટે બોલતી જ રહી. છેવટે હું બરાડ્યો: `તું મરી જાય તો સારું.'
આવું બોલ્યા પછી હું જ ફફડી ઊઠ્યો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવા શબ્દો મારા મોંમાંથી નીકળશે. હું કમરામાંથી બહાર નીકળી ગયો અને મારા કમરામાં જઈને સ્મોકિંગ કરવા લાગ્યો. તે ઘર છોડવાની તૈયારી કરવા લાગી. મેં એની પાસે જઈને પૂછ્યું કે ક્યાં જઈ રહી છે, પણ એણે જવાબ ન આપ્યો. હું પાછો મારા કમરામાં જઈને સ્મોકિંગ કરવા લાગ્યો. મારા મનમાં બદલો લેવો કે ભાગી જઈને નવી જિંદગી શરૂ કરવી એવા બધા વિચારો આવતા રહ્યા. મને અંદરખાને સમજાઈ તો રહ્યું હતું કે હું ગૂંચવાઈ રહ્યો છું, પરંતુ મૂંઝવણનો સ્વીકાર ટાળવા માટે હું સતત સ્મોકિંગ કરતો રહ્યો.
આ દરમિયાન ઘરમાં બધું નોર્મલ ચાલતું રહ્યું. બાળકોના શિક્ષક આવ્યા. એમણે પૂછ્યું કે મેડમ ક્યારે પાછાં આવશે. નોકરોએ મને ચા વિશે પૂછ્યું. બાળકો મને ડરેલી આંખે જોઈ રહ્યાં હતાં. સાંજ પડી. રાત પડી, પણ એ પાછી ન આવી. મારી અંદર દ્વેષ અને ચિંતા બંને હતાં. દ્વેષ એટલા માટે કે એ અમને બધાને ત્રાસ આપી રહી હતી અને ચિંતા એ વાતે કે ક્યાંક કશુંક આડુંઅવળું ન કરી બેસે.
એ ક્યાં ગઈ હશે? એની બહેનને ત્યાં? એની બહેનને પૂછું? આવા બધા વિચારો તો મને આવ્યા, પણ મારી પત્ની ક્યાં ગઈ છે એવું લોકોને પૂછવાનું મને ગમ્યું નહીં. એને દુઃખી કરવાનો શોખ હોય તો જાતને દુઃખી કરે, આવી રીતે અમને બધાને શા માટે દુઃખી કરે છે એવો પણ વિચાર આવ્યો.
અને કદાચ એ બહેનને ત્યાં નહીં ગઈ હોય તો ક્યાં ગઈ હશે?
રાત્રે હું સૂઈ ન શક્યો. મેં વાંચવાનો અને પત્ર લખવાનો પ્રયત્ન કર્યો, પણ બધું નકામું. હું કશું જ કર્યા વિના જાગતો પડ્યો રહ્યો.
સવાર પડી. તે હજુ સુધી પાછી નહોતી આવી. ઘરમાં બધા મને સવાલભરી નજરે જોતાં હતાં. બાળકોની આંખોમાં હું મારા પ્રત્યેનો અણગમો જોઈ શક્યો.
પછી અગિયારેક વાગ્યે એની બહેન આવી. એણે કહ્યું કે એની બહેન બહુ દુઃખી છે; થયું છે શું? મેં કહ્યું, `કંઈ નથી થયું. મારી કોઈ ભૂલ નથી. છતાં એની બહેનને જો છૂટાછેડા જોઈતા હોય તો જેવી એની મરજી, બાકી હું કોઈ પહેલ કરવા માગતો નથી.'
એ જતી રહી. હું મારી રૂમમાં જઈને સ્મોકિંગ કરવા લાગ્યો.
બપોરે પત્ની પાછી ફરી. મને લાગ્યું કે એ શાંત થઈ ગઈ છે. મેં એને કહ્યું, `તેં જ મને ઉશ્કેર્યો.' એ બોલી,
`મારે ખુલાસા નથી જોઈતા. હું બાળકોને લેવા આવી છું. આપણે હવે સાથે નહીં રહી શકીએ.' મેં કહ્યું, `આમાં મારો કોઈ વાંક નથી.' એ બોલીઃ `તમે ન બોલો તો સારું. બોલશો તો પસ્તાશો.' મેં કહ્યું, `આવી બધી કૉમેડી મને પસંદ નથી.' પછી એ ગુસ્સામાં કશુંક બબડી, જે મને સમજાયું નહીં.
એ દોડીને પોતાના કમરામાં જતી રહી. એણે પોતાને કમરામાં પૂરી દીધી. મેં દરવાજાને ધક્કો માર્યો, પણ એ અંદરથી બંધ હતો. ખિજાઈને હું મારા કમરામાં જતો રહ્યો.
અડધા કલાક પછી મારી દીકરી લાઈસ રડતી રડતી મારી પાસે આવીને બોલીઃ `મમ્મીને શું થયું છે? મમ્મીનો કોઈ અવાજ જ નથી આવી રહ્યો રૂમમાંથી.'
હું પત્નીના રૂમ પાસે ગયો. મેં એને બોલાવી. અંદરથી કશો અવાજ ન આવ્યો. મેં અત્યંત જોરથી ધક્કો માર્યો. બોલ્ટ ઢીલો હશે. દરવાજો ખૂલી ગયો. પત્ની કઢંગી હાલતમાં પલંગમાં પડેલી હતી. એણે પોતાના ઊંચા બૂટ પણ કાઢ્યા નહોતા. બાજુમાં ઓપિયમની ખાલી થઈ ચૂકેલી શીશી હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો