ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના લિયોન્ગાથા નામની શાંત હાઉસિંગ સોસાયટીમાં 29 જુલાઈ, 202૩નો દિવસ એક સામાન્ય રવિવાર જેવો જ હતો.
એરિન પેટર્સન (ઉંમર 50) નામની એક મહિલાએ પોતાના ઘરે બપોરના ભોજન માટે પોતાના એક્સ-હસબન્ડ સિમોનનાં માતા-પિતા, ડોન પેટર્સન (ઉંમર 70) અને ગેલ પેટર્સન (ઉંમર 70) તેમજ ગેલની બહેન હેથર વિલ્કિન્સન (ઉંમર 66) અને હેથરના પતિ ઇયાન વિલ્કિન્સન (ઉંમર 71) ને આમંત્રિત કર્યાં હતાં. આ એક પારિવારિક મિલન હતું, જ્યાં સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગતું હતું. આ લંચ મીટિંગ માટે સિમોનને પણ આમંત્રણ હતું, પરંતુ તે હાજર રહી શક્યો ન હતો.
ભોજનમાં મુખ્ય વાનગી હતી `બીફ વેલિંગ્ટન', જે બીફ ફિલેટને મશરૂમ પેસ્ટમાં લપેટીને પેસ્ટ્રીમાં શેકીને બનાવવામાં આવ્યા અને સાથે મેશ્ડ પોટેટો અને ગ્રીન બીન્સ પણ પીરસવામાં આવ્યાં હતાં. એરિન પેટર્સને જાતે જ આ ભોજન તૈયાર કર્યું હતું. મહેમાનોને મોટી ગ્રે કલરની પ્લેટમાં ભોજન પીરસવામાં આવ્યું, જ્યારે એરિને પોતે એક નાની, ટેન-કલરની પ્લેટમાં ખાધું. હેથર અને ગેલે ભોજન પીરસવામાં મદદ કરવાની ઓફર કરી હતી, પરંતુ એરિને તે નકારી કાઢી હતી અને બધાને ભોજન પોતે જાતે જ પીરસ્યું.
ભોજન પૂરું થયું. વાતાવરણ સામાન્ય લાગતું હતું. કોઈને કલ્પના પણ નહોતી કે આ ભોજન તેમના જીવનનું છેલ્લું ભોજન સાબિત થશે. મહેમાનો વિદાય થયા અને લિયોન્ગાથાના એ શાંત ઘરમાં ફરી એકવાર નીરવ શાંતિ છવાઈ ગઈ.
29 જુલાઈની રાત ઢળવા માંડી. બપોરના ભોજનના થોડા કલાકો પછી ચારેય મહેમાનોની અચાનક તબિયત બગડવા લાગી. તેમને ગંભીર ઊલટી અને ઝાડા થવા માંડ્યાં. આ લક્ષણો `ડેથ કેપ મશરૂમ' (અમેનિટા ફેલોઇડ્સ)ના ઝેર સાથે સુસંગત હતા, જે વિશ્વના સૌથી ઝેરી મશરૂમ્સમાંથી એક છે અને 90 % મશરૂમ સંબંધિત મૃત્યુ માટે જવાબદાર છે. આ મશરૂમ્સમાં રહેલું અમાટોક્સિન યકૃત અને કિડની પર સીધો હુમલો કરે છે, જેનાથી અંગો ફેલ થઈ જાય છે. સ્થિતિ ગંભીર બનતા ચારેયને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શરૂઆતમાં ડોક્ટરોને પણ આટલી ગંભીરતાનો અંદાજ નહોતો, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ તેમની સ્થિતિ વધુ ને વધુ બગડતી ગઈ.
4 ઓગસ્ટ, 202૩ના રોજ ભોજનના પાંચ દિવસ પછી ગેલ પેટર્સન અને હેથર વિલ્કિન્સનનું હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું. આ સમાચારથી લિયોન્ગાથામાં શોકનું મોજું ફરી વળ્યું. વિક્ટોરિયા પોલીસે તાત્કાલિક હત્યાની તપાસ શરૂ કરી. બીજા જ દિવસે 5 ઓગસ્ટના રોજ ડોન પેટર્સનનું પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા છતાં અવસાન થયું. ઇયાન વિલ્કિન્સન કે જેઓ એક સ્થાનિક ચર્ચના પાદરી હતા. એટલે સૌ કોઈની નજર તેમના સ્વાસ્થ્ય પર ટકેલી હતી. પોલીસથી લઈને સ્થાનિક રાજનેતાઓ પણ તેમની ખબર પૂછવા માટે હોસ્પિટલ આવી રહ્યા હતા. ધીમે ધીમે આ કેસ હાઇ-પ્રોફાઇલ બની રહ્યો હતો અને અચાનક જ એક દિવસ ઇયાન કોમામાં સરી પડ્યા.
ઇયાનના કોમામાં સરી પડવાથી પોલીસની આખરી આશા પર પણ પાણી ફરી વળ્યું. ઇયાન એકમાત્ર વ્યક્તિ હતા કે જે સમગ્ર ઘટનાથી વાકેફ હતા અને જીવિત હતા. પોલીસ પર કેસને સોલ્વ કરવાનું દબાણ વધી રહ્યું હતું. ઘણાં અઠવાડિયાં કોમામાં રહ્યા બાદ આખરે તેઓ બચી ગયા. તેઓ આ ભયાનક ઘટનાના એકમાત્ર જીવિત સાક્ષી બન્યા.
ત્રણ મૃત્યુ અને એ પણ ઝેરી મશરૂમ ખાવાથી થવા અને એક પાદરી પણ આ જ કારણે હોસ્પિટલમાં હતા. પોલીસની તપાસ એરિન પેટર્સન પર કેન્દ્રિત થઈ. એરિને દાવો કર્યો કે તે પણ ભોજન પછી બીમાર પડી હતી, પરંતુ તેના મહેમાનો જેટલી ગંભીર રીતે નહીં, કારણ કે તેને જમ્યા બાદ થોડી જ વારમાં ઊલટી થઈ ગઈ હતી. જોકે, હોસ્પિટલની નર્સે જણાવ્યું હતું કે એરિન એ અન્ય મહેમાનો જેમ કે, ઇયાન અને હેથર જેટલી બીમાર દેખાતી નહોતી અને તેના વર્તનમાં પણ અતિશયોક્તિ હતી.
પોલીસને એરિનના વર્તનમાં અને તેનાં નિવેદનોમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી. તપાસ દરમિયાન એવું સામે આવ્યું કે એરિને ભોજન બનાવતા પહેલાં `ડેથ કેપ મશરૂમ્સ' સંબંધિત ઇન્ટરનેટ પર શોધખોળ કરી હતી. આ ઉપરાંત ભોજનના થોડા સમય પહેલાં જ તેણે એક ફૂડ ડિહાઇડ્રેટર ખરીદ્યું હતું, જે પાછળથી તેના ઘરની નજીકના લેન્ડફિલમાંથી મળી આવ્યું હતું. આ ડિહાઇડ્રેટરમાં ડેથ કેપ મશરૂમ્સનાં નિશાન મળી આવ્યાં હતાં.
એરિને પોલીસને જણાવ્યું કે તેણે મશરૂમ્સ એશિયન ગ્રોસરમાંથી ખરીદ્યા હતા, પરંતુ આ દાવા પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ભોજન પછીના દિવસોમાં એરિને તેના ફોનને ત્રણ વખત ફેક્ટરી રિસેટ કર્યો હતો, જેનાથી પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ થયો હોવાની શંકા ઊભી થઈ. પ્રોસિક્યુટર્સે દલીલ કરી કે એરિને પોલીસને આપેલા ફોન (`ફોન બી')ને રિસેટ કર્યો હતો અને તેનો મુખ્ય ફોન (`ફોન એ') છુપાવ્યો હતો, જેનું સિમ કાર્ડ પોલીસ તેના ઘરે શોધખોળ કરી રહી હતી ત્યારે પણ સક્રિય હતું.
ડો. ક્રિસ વેબસ્ટર કે જેઓ એરિન સાથે વાત કરનાર પ્રથમ ડોક્ટર હતા, તેમણે પોલીસને જાણ કરી. તેમણે એરિનના વર્તનને `અસ્વસ્થ કરનારું' ગણાવ્યું અને કહ્યું કે તે મશરૂમ્સના સ્રોત વિશે જૂઠું બોલી રહી હતી. આ ફોન કોલ હત્યાની તપાસ શરૂ કરવામાં એક મુખ્ય ક્ષણ બની.
2 નવેમ્બર, 202૩ના રોજ એરિન પેટર્સનની ધરપકડ કરવામાં આવી અને તેના પર ત્રણ હત્યા અને એક હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો. તેને કસ્ટડીમાં રાખવામાં આવી. શરૂઆતમાં તેના પર તેના અલગ થયેલા પતિ સિમોન પેટર્સનની હત્યાના ત્રણ પ્રયાસોનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તે આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા.
આ કેસ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો.
`મશરૂમ મર્ડર કેસ' તરીકે ઓળખાતો આ કેસ એક રહસ્યમય અને ભયાનક ઘટના તરીકે લોકોના મનમાં છવાઈ ગયો.
એરિન પેટર્સનનો મુકદ્દમો 29 એપ્રિલ, 2025ના રોજ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાની સુપ્રીમ કોર્ટમાં મોરવેલ ખાતે શરૂ થયો. આ મુકદ્દમો નવ અઠવાડિયાં સુધી ચાલ્યો અને તેને ઓસ્ટ્રેલિયાનો `સદીનો મુકદ્દમો' ગણાવવામાં આવ્યો. અદાલતનું વાતાવરણ તણાવપૂર્ણ હતું. પત્રકારો, પોડકાસ્ટર્સ અને ટ્રુ ક્રાઇમ ઉત્સાહીઓથી કોર્ટરૂમ ભરાઈ ગયો હતો.
પ્રોસિક્યુશન નેનેટ રોજર્સના નેતૃત્વ હેઠળ દલીલ કરી કે એરિને ઇરાદાપૂર્વક ડેથ કેપ મશરૂમ્સ એકઠા કર્યા હતા, તેનું વજન કર્યું હતું અને તેને ભોજનમાં ઉમેર્યા હતા, પરંતુ પોતાની ડિશમાં નહીં. તેમણે એરિનનાં જૂઠાણાં, ફોન રિસેટ કરવા અને ડિહાઇડ્રેટરને ફેંકી દેવા જેવા પુરાવા રજૂ કર્યા.
બીજી તરફ એરિનના બચાવ પક્ષના વકીલ કોલિન મેન્ડીએ દલીલ કરી કે આ એક `ભયાનક દુર્ઘટના' હતી. તેમણે કહ્યું કે એરિને કોવિડ-19 લોકડાઉન દરમિયાન મશરૂમ ફોરેજિંગમાં રસ લીધો હતો અને જ્યારે તેને ખબર પડી કે તેના કારણે લોકો બીમાર પડ્યા છે, ત્યારે તે ગભરાઈ ગઈ હતી અને તેથી તેણે પોલીસને જૂઠું કહ્યું. એરિને પોતે પણ જુબાની આપી, જે ઓસ્ટ્રેલિયન ન્યાયપ્રણાલીમાં જોખમી પગલું માનવામાં આવે છે. તેણે દાવો કર્યો કે તે તેનાં સાસુ-સસરાને પ્રેમ કરતી હતી અને તેમને નુકસાન પહોંચાડવાનો કોઈ ઇરાદો નહોતો. તેણે કહ્યું કે ડિહાઇડ્રેટર તેણે દોષિત ઠેરવવામાં આવવાના ડરથી ફેંકી દીધું હતું, પુરાવા નષ્ટ કરવા માટે નહીં. તેણે એમ પણ કહ્યું કે તેણે ભોજનનો ઓછો ભાગ ખાધો હતો અથવા ઊલટી કરી હતી, જેના કારણે તે અન્ય જેટલી બીમાર નહોતી પડી.
ઇયાન વિલ્કિન્સન કે જેઓ એકમાત્ર જીવિત સાક્ષી હતા, તેઓએ પણ જુબાની આપી. તેમણે જણાવ્યું કે એરિને ભોજન પીરસવામાં ખૂબ જ ધ્યાન રાખ્યું હતું અને અમારા મહેમાનોમાંથી કોઈ વ્યક્તિ એરિનના રસોડામાં પહોંચી ન જાય તેની કાળજી લીધી હતી. તેમણે એ પણ યાદ કર્યું કે એરિને પોતાના માટે એક અલગ નાની પ્લેટમાં ભોજન લીધું હતું.
મુકદ્દમા દરમિયાન એરિનના ભૂતપૂર્વ પતિ સિમોન પેટર્સને પણ જુબાની આપી, જેણે કેસમાં વધુ તણાવ ઉમેર્યો. પ્રોસિક્યુટર્સે એરિનના કેટલાક કડવા મેસેજ પણ રજૂ કર્યા, જે તેનાં સાસુ-સસરા અને અલગ થયેલા પતિ સાથેના તેના સંબંધોમાં તણાવ દર્શાવતા હતા.
જ્યૂરીએ છ દિવસ સુધી વિચાર-વિમર્શ કર્યો. 7 જુલાઈ, 2025ના રોજ જ્યૂરીએ સર્વસંમતિથી પોતાનો ચુકાદો આપ્યો : એરિન પેટર્સન ત્રણ હત્યા અને એક હત્યાના પ્રયાસના તમામ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી.
જ્યારે ચુકાદો વાંચવામાં આવ્યો, ત્યારે એરિને કોઈ સ્પષ્ટ ભાવના દર્શાવી નહીં, પરંતુ તેની આંખો ઝડપથી ઝબકતી હતી. જ્યૂરીએ એરિનના બચાવને નકારી કાઢ્યો કે ઝેરી મશરૂમ્સનો સમાવેશ એક ભયાનક દુર્ઘટના હતી. તેઓ સંતુષ્ટ હતા કે એરિને ઇરાદાપૂર્વક ઝેર આપ્યું હતું.
ન્યાયાધીશ ક્રિસ્ટોફર બીલેએ જ્યૂરીને ભાવનાઓ અને સહાનુભૂતિને બાજુ પર રાખીને પુરાવાના આધારે નિર્ણય લેવા વિનંતી કરી હતી. જ્યૂરીએ તારણ કાઢ્યું કે એરિન પેટર્સન ગુનાહિત રીતે જવાબદાર હતી.
આ ચુકાદા સાથે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ રહસ્યમય અને દુઃખદ કેસનો અંત આવ્યો. એરિન પેટર્સનને હવે આજીવન કેદની સજાનો સામનો કરવો પડશે. આ કેસ ઓસ્ટ્રેલિયાના ગુનાહિત ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે નોંધાઈ ગયો છે, જ્યાં એક પારિવારિક ભોજન ત્રણ લોકોનાં મૃત્યુનું કારણ બન્યું અને એક મહિલાને હત્યાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવી. આ ઘટનાએ દર્શાવ્યું કે કેવી રીતે એક સામાન્ય દિવસ, એક સામાન્ય ભોજન ભયાનક પરિણામો લાવી શકે છે.
