થોડા સમય પહેલાં તેમની સાઠ વર્ષની સિનેમાઈ યાત્રાની ઉજવણી માટે `ઇન્ડિયન આઈડલ'માં આવેલાં હેમા માલિનીએ ભીની આંખો સાથે કહ્યું હતું કે, `એ દિલ-એ-નાદાં' તેમનું સૌથી પ્રિય ગીત છે અને તેઓ જ્યારે પણ સાંભળે છે ત્યારે ભાવુક થઇ જાય છે. તેમણે એ પણ માહિતી આપી કે ગીતનાં ગાયિકા લતા મંગેશકરનું પણ સૌથી વધુ ગમતું ગીત હતું.   

કેમ ન હોય! અમુક ગીતો એવાં છે જેને સાંભળતી વખતે એ મહેસૂસ ન થાય કે આપણે કોઈ ફિલ્મી ગીત સાંભળી રહ્યા છીએ. એ કોઈ મંદિરના ઘંટારવ અથવા કોઈ દરગાહમાંથી ઊઠતી દુઆ જેવાં લાગે છે. કોઈ કવિની એકલવાયી રાત જેવાં અથવા કોઈ આત્માનો પોતાની સાથે જ સંવાદ જેવાં. 1983માં આવેલી ફિલ્મ `રઝિયા સુલતાન'નું આ ગીત `એ દિલ-એ-નાદાં' પણ એ કક્ષાનું છે.   

આમ તો આ પ્રેમગીત છે, પણ પ્રેમી માટે નથી. આ વિરહનું ગીત છે, પણ એમાં વિખૂટા પડ્યાનો શોર નથી. આ આત્મા સાથે સંવાદનું ગીત છે, જેમાં પ્રશ્ન છે, બેચેની છે, તડપ છે, પણ તેનો કોઈ ઉત્તર નથી, કોઈ સમાધાન નથી, કોઈ ઉપાય નથી.   

મશહૂર શાયર (અને જાવેદ અખ્તરના પિતા) જાં નિસાર અખ્તરે ફિલ્મની નાયિકા મહારાણી રઝિયાની એકલતા અને બેબસીને બખૂબીથી આ ગીતમાં પ્રસ્તુત કરી હતી. કદાચ એ કારણથી જ આ ગીત ચાર દાયકા પછી પણ એટલું જ રહસ્યમય અને સંમોહક લાગે છે. અખ્તર સા'બ આ ગીતને જોવા માટે હાજર ન રહી શક્યા. ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું ત્યારે જ તેઓ જન્નત-નશીં થઇ ગયા હતા.   

આ ગીતને સમજવા માટે પહેલાં તેના સંદર્ભને સમજવો જરૂરી છે.   

`રઝિયા સુલતાન' હિન્દુસ્તાનની પહેલી અને એકમાત્ર મહિલા મહારાણી રઝિયાની કહાની છે. તે એક શક્તિશાળી શાસક હતી, પણ તે પહેલાં તે એક સ્ત્રી પણ હતી. તે તેના અંગત કાફલામાં સામેલ એક હબસી ગુલામ યાકૂત (ફિલ્મમાં ધર્મેન્દ્ર)ના પ્રેમમાં પડી હતી. એક તરફ સત્તા, વંશ, પરંપરા અને સલ્તનતનો બોજ હતો; બીજી તરફ પ્રેમ હતો, જે સામાજિક વ્યવસ્થાને માનતો નહોતો. આ દ્વંદ્વ આ ગીતના મૂળમાં છે. આ પ્રેમીને પોકારતું ગીત નથી, પણ સ્વયંના હૃદયને પૂછવામાં આવતો સવાલ છે;   

એ દિલ-એ-નાદાં,   

આરઝૂ ક્યા હૈ, જુસ્તજૂ ક્યા હૈ   

(એ નાદાન દિલ, તારી ઈચ્છા શું છે, શેની તલાશ છે)   

આ ખાલી રઝિયાનો જ પ્રશ્ન નથી, પણ એ દરેક મનુષ્યનો છે જેણે ક્યારેક પોતાના કર્તવ્ય અને ઈચ્છાઓ વચ્ચે સંઘર્ષ મહેસૂસ કર્યો હશે. સંયોગ જુઓ કે અખ્તર સા'બનું આ અંતિમ ગીત છે અને તે જીવનના સૌથી મોટા પ્રશ્નોને ટટોળે છે- માણસ આખરે શેની તલાશમાં ભટકતો રહે છે? તેમની ખાસિયત એ છે કે તેઓ ભાવનાઓને સીધી બયાન નથી કરતા, પણ પ્રતીકોમાં બદલી નાખે છે અને એટલે જ આ ગીતમાં રેગિસ્તાન કેવળ રેગિસ્તાન નથી, તે દિલની એકલતાનું પ્રતીક છે. રઝિયા જાણે રેગિસ્તાનને સંબોધીને કહે છે;   

હમ ભટકતે હૈં, ક્યોં ભટકતે હૈં, દશ્ત-ઓ-સહારા મેં (રેગિસ્તાનની વીરાની)   

આ બહારનું મરુસ્થળ ઓછું અને મનનું મરુસ્થળ વધુ છે. પછી એક અદ્ભુત ભાવ આવે છે;   

ઐસા લગતા હૈ, મોજ પ્યાસી હૈ, અપને દરિયા મેં   

કદાચ હિન્દી ફિલ્મ સંગીતમાં આનાથી વધુ ઊંડી ઉપમા બહુ ઓછી જોવા મળે છે. લહેર સ્વયં નદીનો હિસ્સો છે, છતાં તે તરસી છે. 

અર્થાત્ માણસ એ જ જીવનમાં રહ્યા છતાં ક્યારેક એવી ચીજની તલાશમાં હોય છે જે કદાચ તેની અંદર જ મોજૂદ છે. આ અસ્તિત્વવાદી બેચેની તે પછીની પંક્તિમાં ખૂલીને સામે આવે છે;   

કૈસી ઉલઝન હૈ, ક્યોં યે ઉલઝન હૈ   

એક સાયા સા, રૂબરૂ ક્યા હૈ.

જાણે જેની જરૂર છે તે પડછાયાની જેમ સાથે જ છે, પણ તેને પકડી શકાતો નથી. કેવી મજબૂરી! કેવી ઉલઝન!   

જાં નિસાર અખ્તરના શબ્દોએ આ ગીતમાં જો આત્મા રેડ્યો હોય, તો સંગીતકાર ખય્યામે તેમાં શ્વાસ ફૂંક્યો હતો.   

મોહમ્મદ જહૂર `ખય્યામ' હાશમી એવા દુર્લભ સંગીતકારોમાંથી છે જે ઓછાં વાદ્યોમાંથી અધિકતમ ભાવ પેદા કરે છે. તેમની આ આવડતને `એ દિલ-એ-નાદાં' માપદંડ બનાવે છે. ગીત છે પણ એવું. એક તો તે મહારાણી મુમતાઝનો જાત સાથે સંવાદ છે, એટલે એમાં બાહ્ય અવાજો શાંત હોવા જોઈએ. બીજું, તે પોતાની ઉલઝનને સમજવા માટે લોકોના શોરથી દૂર રેગિસ્તાનમાં જાય છે, જ્યાં તેને પ્રાકૃતિક શાંતિ મહેસૂસ થાય છે.   

ખય્યામે આ શાંતિને સંગીત મારફતે વ્યક્ત કરવા માટે બહુ ઓછાં અને મંદ વાદ્યોને ઉપયોગમાં લીધાં છે. જેમ કે, તબલાં ગુસપુસ કરતાં લાગે છે અને વાંસળી, સિતાર, સંતૂર અને કોરસ બેહદ હલકું સંગીત રચે છે, જેથી સૂરની સાથે મૌન પણ એટલું જ સંભળાય - એ મૌન મુમતાઝના દિલનું પણ છે અને રેગિસ્તાનનું પણ.   

જેમ કે પછીની પંક્તિમાં અખ્તર સા'બ લખે છે;   

યે જમીં ચુપ હૈ, આસમાં ચુપ હૈ   

ફિર યે ધડકન સી ચાર સૂ ક્યા હૈ   

અહીં ખય્યામ સૂર અને ધૂન બંનેને એક ક્ષણ માટે થંભાવી દે છે, એ રેગિસ્તાનના મૌનને બોલવા દે છે. હિન્દી ફિલ્મ ગીતમાં આવો પ્રયોગ કોઈએ કર્યો નથી, જ્યાં લય-તાલને તોડવામાં આવે અને છતાં તે બેહદ ખૂબસૂરત લાગે છે.   

ફિલ્મ તો 1983માં આવી હતી, પણ આ ગીતને 1974માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે લોકો આશ્ચર્યચકિત થયા કે લતાના અવાજમાં આટલી અલૌકિકતા કેવી રીતે બરકરાર છે! એમાં કોઈ આશ્ચર્ય નથી કે લતાનું પણ આ પ્રિય ગીત હતું.   

`પાકીઝા'ની સફળતાથી પ્રેરાઈને `રઝિયા સુલતાન' બનાવનારા કમાલ અમરોહીએ આ ગીતનું ફિલ્માંકન પણ અદ્ભુત રીતે કર્યું હતું. ફિલ્મ બહુ ચાલી ન હતી (કારણ કે દર્શકોનો ટેસ્ટ બદલાઈ ગયો હતો), પણ આ ગીત સંભાળનારા શ્રોતાઓ આજે પણ રઝિયાને પૂછે છે;   

`તારી ઈચ્છા શું હતી, શેની તલાશ હતી?' 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો