દુનિયામાં અનેક એવાં શહેર છે, જે ફક્ત ઐતિહાસિક હોવાને કારણે અને કુદરતી સુંદરતાને કારણે જાણીતાં છે. આ શહેર તુર્કીમાં આવેલ છે અને તેનું નામ કેપાડોસિયા છે.

કેપાડોસિયા શહેરમાં એક બાજુ હવામાં ઊડતાં બલૂન જોવા મળશે તો બીજી બાજી સાંસ્કૃતિક વિરાસતથી ભરેલ એવા વિસ્તારો છે જ્યાં પર્વતોને કાપીને ચર્ચ બનાવવામાં આવ્યાં છે. એવું કહેવાય છે કે આ શહેર લાખો વર્ષ પહેલાં સેન્ટ્રલ એનાટોલિયન ક્ષેત્રમાં આવેલ જ્વાળામુખી વિસ્ફોટનું પરિણામ છે. રાખના ઢગલામાંથી સરસ મજાની ચીમનીઓનું નિર્માણ થયું છે, જે આ શહેરના આકર્ષણનો મુખ્ય ભાગ છે.

કેપાડોસિયાનો ઇતિહાસ

કેપાડોસિયા શહેર એ હજારો વર્ષોના માનવ ઇતિહાસની એક જીવંત ગાથા છે. ગ્રીકમાં આ પ્રદેશને `કેતપાતુકા' એટલે કે `સુંદર ઘોડાઓની ભૂમિ' તરીકે ઓળખવામાં આવતો હતો, જે દર્શાવે છે કે આ પ્રદેશ પ્રાચીન કાળથી જ ઘોડાઓના ઉછેર અને વેપાર માટે જાણીતો હતો. કેપાડોસિયાનો ઇતિહાસ ઈ.સ. પૂર્વે 18મી સદીના હિટ્ટાઇટ સામ્રાજ્ય જેટલો જૂનો છે. આ પ્રદેશ પર પર્શિયનો, ગ્રીકો, રોમનો અને બાયઝેન્ટાઇન્સ સહિત અનેક શક્તિશાળી સામ્રાજ્યોનું શાસન રહ્યું છે.

ખ્રિસ્તીઓનું પ્રારંભિક ધર્મસ્થાન

ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની પ્રથમ સદીઓમાં કેપાડોસિયા પ્રારંભિક ખ્રિસ્તીઓ માટે એક મહત્ત્વનું શરણસ્થાન બન્યું. રોમન સામ્રાજ્યની સતામણીથી બચવા માટે તેઓ અહીં છુપાયા હતા. આ ધાર્મિક શરણાર્થીઓએ ખડકોને કોતરીને ચર્ચ, પ્રાર્થનાખંડો અને આશ્રમો બનાવ્યાં હતાં, જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

ગોરેમે ઓપન એર મ્યુઝિયમ

ગોરેમે ઓપન એર મ્યુઝિયમ એ સમયગાળાની ઉત્કૃષ્ટ કલાકૃતિઓનો સંગ્રહ છે. અહીંનાં ચર્ચની દીવાલો પર ઇ.સ. 900થી 1200 દરમિયાનના બાયઝેન્ટાઇન કલાનાં ભીંતચિત્રો જોવા મળે છે, જે ન્યૂ ટેસ્ટામેન્ટના દૃશ્યો દર્શાવે છે અને સમયની અસર છતાં આશ્ચર્યજનક રીતે સારી રીતે સચવાયેલાં છે.

અદ્યતન એન્જિનિયરિંગ

કેપાડોસિયાની સૌથી અદ્ભુત વિશેષતા જો કોઇ હોય તો એનાં ભૂગર્ભ શહેરો છે. તમને જાણીને નવાઇ લાગશે કે ભૂગર્ભમાં એક-બે નહીં, પરંતુ આશરે 36 જેટલાં શહેરો આવેલાં છે. ઇતિહાસકારોએ કરેલ સંશોધન ઉપરથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, ઇ.સ. 780થી ઇ.સ. 1180 દરમિયાન એની રચના કરવામાં આવી છે. આરબ બાયઝેન્ટાઇન યુદ્ધો દરમિયાન આક્રમણથી બચવા માટે ભૂગર્ભ બનાવવામાં આવ્યાં હતાં.

ડેરિન્ક્યુ એ સૌથી મોટું અને લગભગ 85 મીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું ભૂગર્ભ શહેર છે. તે એકસાથે 20,000 જેટલા લોકોને આશ્રય આપી શકે એવા વિશાળ હેતુથી બનાવવામાં આવ્યું છે. અહીં રહેઠાણો અને તેલનાં સંગ્રહસ્થાનો, રસોડાં, અનાજ સંગ્રહાલયો, ઢોર માટે તબેલા, ધાર્મિક શાળાઓ અને એક વિશાળ ચર્ચ પણ હતાં. શહેરની સુરક્ષાવ્યવસ્થાની વાત કરીએ તો તે અદ્ભુત હતી. દરેક સ્તરને અલગથી બંધ કરી શકાય તે માટે વિશાળ, ગોળાકાર, રોલિંગ પથ્થરના દરવાજા બનાવવામાં આવ્યા હતા. આ દરવાજા અંદરથી જ સીલ થઈ શકતા હતા. આ ભૂગર્ભમાં લોકો લાંબા સમય સુધી વસવાટ કરી શકે એવી ખાસ પ્રકારની વેન્ટિલેશન સિસ્ટમ બનાવવામાં આવી હતી. આ સિસ્ટમ પ્રાચીન એન્જિનિયરો દ્વારા બનાવાઇ હતી. જે દ્વારા નીચલા સ્તર સુધી પણ તાજી હવા પહોંચાડી શકાતી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, ડેરિન્ક્યુ શહેર 8-9 કિલોમીટર લાંબી સુરંગ દ્વારા અન્ય મોટા ભૂગર્ભ શહેર કાયમાકલી સાથે જોડાયેલું હતું, જે દર્શાવે છે કે આ એક વિશાળ ગુપ્ત નેટવર્ક હતું.

કેપાડોસિયાનો આધુનિક યુગ

આજે કેપાડોસિયા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. હોટ એર બલૂનમાં બેસીને તમે ક્યારેય આકાશમાં મુસાફરી કરી છે? મોટા મોટા પથ્થરોથી ઘેરાયેલ કેપાડોસિયા શહેર હોટ એર બલૂનને કારણે પણ સમગ્ર દુનિયામાં જાણીતું છે.

આપણને મનમાં પ્રશ્ન થાય કે કેપાડોસિયામાં મોટાં મોટાં હોટ એર બલૂન શા માટે જોવા મળે છે. એનું મુખ્ય કારણ અહીંનું ભૂગોળ છે. કેપાડોસિયાનો એક વિસ્તાર હજાર મીટર કરતાં પણ વધારે ઊંચો છે. આ જગ્યા પર્વતોથી ઘેરાયેલી છે. બીજું, સવાર સવારમાં અહીંનું તાપમાન ઠંડું રહે છે અને ધીમી ગતિનો પવન હોય છે, તેથી આ જગ્યા હોટ એર બલૂન માટે પરફેક્ટ છે. પ્રવાસીઓ આજે પણ ખડકોને કોતરીને બનાવેલા કેવમાં રહીને પ્રાચીન જીવનશૈલીનો અનુભવ કરી શકે છે. કેપાડોસિયાની જાદુઇ ભૂમિ ઉપર કુદરતની કલા અને માનવ નિર્મિત અજાયબીઓ એકસાથે જોવા મળે છે.