મશહૂર ગાયિકા આશા ભોંસલેના અવસાન સમયે તેમના એક યાદગાર ગીત `દમ મારો દમ' (હરે રામા હરે કૃષ્ણા)ના સૂર અને સર્જનની વાતો લખી હતી, ત્યારે એક બુઝુર્ગ વાચકે ફરમાઈશ કરી હતી કે એક દિવસ `ઝૂમ બરાબર ઝૂમ શરાબી' ગીત વિશે પણ કશું જાણવા જેવું લખવામાં આવે. નવી પેઢીના સિનેપ્રેમીઓને તો કદાચ 2007માં આવેલી અભિષેક બચ્ચન-બોબી દેઓલ અભિનીત આ જ નામની ફિલ્મ યાદ હશે, પણ તેનું આ ટાઈટલ 1974માં આવેલી `ફાઈવ રાઈફલ્સ' નામની વ્યંગાત્મક ફિલ્મની એક લોકપ્રિય કવ્વાલી પરથી લેવામાં આવ્યું હતું. તેના શબ્દો હતા;
ઝૂમ બરાબર ઝૂમ શરાબી, ઝૂમ બરાબર ઝૂમ
કાલી ઘટા હૈ, મસ્ત ફઝા હૈ,
જામ ઉઠાકર ઘૂમ ઘૂમ ઘૂમ, ઝૂમ બરાબર ઝૂમ
એક જમાનામાં હિન્દી સિનેમા સંગીતમાં કવ્વાલીનો બહુ દબદબો હતો. કવ્વાલી શબ્દ અરબી `કૌલ'(કોલ)થી બનેલો છે, જેનો અર્થ છે `કહેવું' અથવા `બોલવું.' આ મુખ્ય રીતે અમીર ખુસરો દ્વારા વિકસિત સૂફી સંતોની પ્રશંસામાં આવતી આત્મિક અને સૂફિયાના પ્રસ્તુતિ છે, જે ઈશ્વર અથવા પીર (ગુરુ) પ્રત્યે પ્રેમ અને ભક્તિને વ્યક્ત કરે છે. તેમાં રહસ્યવાદી શાયરીના સૂરોને વારંવાર દોહરાવામાં આવે છે.
હિન્દી ફિલ્મોએ તેને રોમેન્ટિક કહાનીઓ સાથે જોડીને બહુ લોકપ્રિય બનાવી હતી. `ઝૂમ બરાબર ઝૂમ શરાબી' એ પરંપરાની એક મશહૂર કવ્વાલી છે. તે વખતે બિનાકા ગીતમાલામાં આ કવ્વાલીએ સળંગ 20 સપ્તાહ સુધી ટોપ-ટેન ગીતોમાં સ્થાન બનાવી રાખ્યું હતું. તેને અઝીઝ નાઝા નામના કવ્વાલે ગાઈ હતી. 70ના દાયકામાં અઝીઝ નાઝા કવ્વાલીના ક્ષેત્રમાં છવાયેલા હતા. તેમના સૂરોની રેન્જ ગજબની હતી અને એક સમયે તેઓ કિશોર કુમાર, મોહમ્મદ રફી અને મુકેશની હરોળમાં ઊભા રહીને કવ્વાલીઓ ગાતા હતા.
તેમનું મૂળ નામ અબ્દુલ અઝીઝ કુંજી માર્કર. 1938માં મુંબઈના એક પ્રતિષ્ઠિત મલાબારી (કેરળ) મુસ્લિમ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કેવું કહેવાય કે તેમનો પરિવાર (ઇસ્લામિક માન્યતા અનુસાર) સંગીતનો કટ્ટર વિરોધી હતો અને અઝીઝભાઈને સંગીત એટલું ગમતું હતું કે છુપાઈને ગાતા રહેતા. એમાં પકડાઈ પણ જતા અને દંડ પણ થતો. છતાં તેમણે ગાયનનો સાથ નહોતો છોડ્યો.
તેમણે શરૂઆતમાં એક ઓર્કેસ્ટ્રામાં જોડાઈ જઈને લતા મંગેશકરનાં ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. થોડા વખત પછી તેમણે પ્રસિદ્ધ કવ્વાલ ઈસ્માઈલ આઝાદ પાર્ટીમાં કોરસ તરીકે જગ્યા મેળવી હતી (આ ઈસ્માઈલ આઝાદ એટલે 1958માં આવેલી ફિલ્મ `અલ-હિલાલ'માં જેમણે `હમેં તો લૂટ લિયા હુશ્ન વાલોંને' નામની મશહૂર કવ્વાલી ગાઈ હતી તે). અહીંથી અઝીઝભાઈના સૂરને કવ્વાલીનો રંગ ચઢ્યો અને જે તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાના કવ્વાલ બનાવવા તરફ લઇ ગયો.
1958માં તેમણે ગ્રામોફોન કંપની સાથે કરાર કરીને સ્વતંત્ર ગાયક તરીકે શરૂઆત કરી. તેમણે ઘણાં આલ્બમ બહાર પાડ્યાં, પણ તેમનો સિતારો ચમક્યો `ઝૂમ બરાબર ઝૂમ'થી.
તે સમયના બહુ જાણીતા કોમેડિયન અને રાજકીય-સામાજિક રીતે સંવેદનશીલ આઈ. એસ. જોહરે બીજા વિશ્વયુદ્ધની પીડાને વ્યંગાત્મક રીતે જોવા માટે `ફાઈવ રાઈફલ્સ' નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં યુદ્ધનો કેવળ ઐતિહાસિક સંદર્ભ જ નથી, બલ્કે તેને મજાકનો મંચ બનાવી દેવાયો હતો, જ્યાં સત્તા, સામ્રાજ્ય અને રાષ્ટ્રવાદના તમામ દંભોને હળવા, પરંતુ તીખા અંદાજમાં છોભીલા પાડવામાં આવ્યા હતા.
`ફાઈવ રાઈફલ્સ' તેના શરારતી પ્રયોગ માટે પણ યાદગાર છે. 70ના દાયકામાં સિનેમાના અભિનેતાઓ મિથક બની ચૂક્યા હતા, ત્યારે આઈ. એસ. જોહરે આ ફિલ્મમાં તે વખતના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને `લવર-બોય' શશી કપૂરના હમશકલને પેશ કર્યા હતા- પ્રફુલ્લ મિશ્રા `રાકેશ ખન્ના' તરીકે અને શાહી કપૂર `ડાકુ રાકા' તરીકે. એમાં એક સૂક્ષ્મ વ્યંગ હતો કે સિનેમાના દેવતાઓ કેવળ એક ઊભી કરેલી ઈમેજ છે અને તેની નકલ કરીને પણ જીવી શકાય છે.
ફિલ્મનું બીજું નોંધપાત્ર પાસું તેનું સંગીત હતું. 1973માં કવ્વાલીના ક્ષેત્રમાં દિગ્ગજ બની ગયેલા અઝીઝ નાઝાએ ત્રણ કોમેડિયનો - આગા, જલાલ આગા અને (મહેમૂદના ભાઈ) અનવરની એક ફિલ્મ `મેરે ગરીબ નવાઝ'માં 15 મિનિટની ટાઈટલ કવ્વાલી ગાઈ હતી. જોહર સા'બને તેમનો અવાજ અને શૈલી પસંદ આવી ગઈ અને તેમણે કલ્યાણજી-આનંદજીના સંગીત નિર્દેશનમાં `ફાઈવ રાઈફલ્સ' એક કવ્વાલી ઓફર કરી.
આ કવ્વાલી હિટ થઇ ગઈ. તે સમયે આખા ભારતમાં તેનો જાદુ હતો. આ ગીતથી અઝીઝ નાઝાને ખ્યાતિ મળી. એ પછી તો તેમને રફુચક્કર, ફકીરા, લૈલા મજનૂ, નહલે પે દહલા અને તૃષ્ણા જેવી ફિલ્મોમાં કવ્વાલીઓ ગાવાના અવસર મળ્યા હતા. મજાની વાત એ છે કે અઝીઝભાઈએ ક્યારેય શરાબને હાથ અડાડ્યો નહોતો, પણ આ ગીત સાંભળીને એવું લાગે જાણે કોઈ પિયક્કડનું સર્જન છે. નાજા શોલાપુરી નામના એક સૂફી શાયરે તેના શબ્દો લખ્યા હતા અને શરાબની વાત હોવા છતાં એમાં એક આધ્યાત્મિક ઊંચાઈ હતી. અઝીઝભાઈના અવાજમાં તેનો મત્લા (પ્રારંભિક પંક્તિ) કેવો શાનદાર છે!
ના હરમ મેં, ના સુકૂં મિલતા હૈ બુત-ખાને મેં,
ચૈન મિલતા હૈ તો સાકી તેરે મૈખાને મેં.
આમાં ધાર્મિક જડતા અને આડંબર પર વ્યંગ હતો; કવિને ન તો મસ્જિદમાં કે ન તો મંદિરમાં સાચી શાંતિ મળે છે, તેને તો પ્રેમી અથવા ઈશ્વર(સાકી)ના પ્રેમરૂપી મયખાનામાં ચેન મળે છે. કવ્વાલીમાં બીજી પણ એક શાનદાર અને અર્થગંભીર પંક્તિ હતી:
આજ અંગૂર કી બેટી સે મુહબ્બત કર લે,
શેખ સાહબ કી નસીહત સે બગાવત કર લે,
ઇસકી બેટીને ઉઠા રખી હૈ સર પર દુનિયા,
યે તો અચ્છા હુઆ અંગૂર કો બેટા ન હુઆ.
શાયર કહે છે કે ધાર્મિક ઉપદેશકોની સલાહોને છોડો અને શરાબની મજા લો. ભલું થયું કે અંગૂર યાનિ દ્રાક્ષની આવડી અમથી છોકરીએ દુનિયાને માથે લીધી છે, તેનો છોકરો હોત તો શું હાલત થઇ હોત!
શરાબ પર આવા જ વ્યંગવાળું બીજું એક ગીત કિશોર કુમારના અવાજમાં હતું: જબ સે સરકારને નશાબંધી તોડ દી, માનો યા ના માનો હમને પીની છોડ દી. એમાં નશાબંધી પર તંજ એવો હતો કે લોકો એટલે પીવે છે, કારણ કે સરકારે પાબંદી મૂકેલી છે, પણ એણે છૂટ આપી એટલે વિદ્રોહમાં મેં પીવાનું છોડી દીધું. આઈ. એસ. જોહર સત્તાવિરોધી હતા અને તેમની ફિલ્મોમાં સરકારની ટીકા કરવાનું ચૂકતા નહોતા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
