એમ તો 21મી સદીમાં દુનિયામાં વિકાસનો પડઘો સતત પડતો રહે છે, પરંતુ મોટા ભાગના દેશોમાં તેના મૂળ નિવાસીઓ એટલે કે આદિવાસીઓમાંથી આજે પણ કેટલીય પ્રજાતિઓ હજુ એ જ જૂની પરંપરામાં જીવે છે.
બહારની દુનિયાની હવા હજુ તેને લાગી નથી અને તેથી જ તેમની કેટલીય પરંપરા રૂંવાડાં ઊભાં કરી નાંખે એવી હોય છે. સુધરેલી પ્રજા હોય કે આદિવાસી પ્રજા હોય, દુશ્મનોને મારવાનો લડાયક મિજાજ જોવા મળતો હોય છે, પરંતુ એક આદિવાસી પ્રજા એવી પણ છે, જે દુશ્મનની હત્યા તો કરી જ નાંખે, પણ એ માનવ દુશ્મનના માંસની મિજબાની પણ કરે છે. એ આદિવાસી એટલે અસમત જનજાતિના લોકો.
પૃથ્વી પર હજુ પણ એ જ જૂની રૂઢિમાં જીવતી પ્રજા પણ જોવા મળે છે. સુધરેલી પ્રજા એ પ્રજાને આદિવાસી તરીકે ઓળખે છે. વાસ્તવમાં એ પ્રજા જે તે દેશની મૂળ નિવાસી છે અને અસલી પ્રજા છે. બાકીના લોકો નવા યુગ મુજબ ઢળેલા હોય છે. એ સુધરેલા કહેવાતા લોકોમાં અક્ષરજ્ઞાન સાથે વિકાસના અનેક સુધારા જોવા મળે છે. ભોજનથી માંડીને વસ્ત્રો સહિતની તમામ ચીજોમાં એ સુધરેલાં લક્ષણ જોવા મળે છે, પરંતુ હજુ પણ આદિવાસીઓમાંથી કેટલાક લોકો એ જ જૂના રીતિરિવાજમાં જીવે છે. એવી જ એક પ્રજા ઓસ્ટ્રેલિયાના ન્યુગિનીમાં જોવા મળે છે. અસમત જનજાતિ તરીકે ઓળખાતા એ લોકોના રિવાજો વિશે જાણીએ તો આશ્ચર્ય કરતાં કમકમા પણ આવી જાય.
આ જનજાતિના લોકો હજુ પણ જંગલયુગમાં જીવે છે. વિશ્વભરની જનજાતિઓ તેમની પરંપરાઓ, જીવનશૈલી અને ખાવાની જૂની પરંપરાગત આદતો માટે જાણીતા છે. એ આદિવાસી સમુદાયો હજુ પણ હજારો વર્ષ જૂની તેમની પરંપરાઓનું પાલન કરે છે. સ્વાભાવિક આ પ્રજા મહદંશે જંગલ વિસ્તારમાં રહે છે. દુનિયાથી સાવ ઓઝલ હોય એમ એ વિસ્તારમાં તેઓ બીજા કોઈને પ્રવેશવા સુધ્ધાં દેતા નથી. બહારના લોકોને તેઓ દુશ્મન તરીકે જુએ છે, તો કબીલા પરંપરામાં પણ તેમની દુશ્મની થતી હોય છે. અસમત જનજાતિ લોકો દુશ્મનોને મારી નાંખવામાં જરાય ખંચકાતા નથી. અસમત જનજાતિના લોકો જ નહીં દુનિયાના બીજા કેટલાય આદિવાસી લોકો પણ દુશ્મનને તીરકામઠાં જેવાં પરંપરાગત શસ્ત્રોથી મારી નાંખતા હોય છે, પરંતુ અસમત જનજાતિના લોકો દુશ્મનને મારી તો નાંખે જ છે. એ બાદ તેનું માંસ રાંધીને ખાય છે. ખરેખર તો આ જાતિના લોકો એટલા ક્રૂર છે કે દુશ્મનના માંસની મિજબાની રાખે છે. જોકે, એ ઉજવણી તેમના દુશ્મનોના હૃદયમાં ભય પેદા કરવા માટે કરે છે. આ ભયાનક જાતિના લોકો પોતાને યોદ્ધા માને છે.
દુશ્મનનું માંસ રાંધીને મિજબાની કરે, પણ એમાં હાડકાં વધે એનાં ઘરેણાં બનાવીને પહેરે છે. હાડકાંમાંથી અવનવી ડિઝાઈનનાં ઘરેણાં બનાવે છે. તો વળી ખોપરીનો ઉપયોગ તો જાણે ઓશિકા તરીકે જ કરતા હોય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ક્યારેક તેઓ ખોપરી તોડીને તેમાંથી વાસણો બનાવે છે અને તેનો ઉપયોગ ભોજન કરવાના વાસણ તરીકે કરે છે.
ન્યૂ ગિનીમાં રહેતી અસમત જાતિ દુશ્મનનું માંસ રાંધતી વખતે ધાર્મિક વિધિઓ કરે છે. તેઓ માને છે કે માનવીનું માથું પવિત્ર હોય છે. માનવીનું માથું એટલે ફળ જ ગણાય અને તેથી જ ધાર્મિક વિધિઓમાં મૃતકની ખોપરી અને હાડકાંનો ઉપયોગ કરે છે. તહેવારો દરમિયાન દુશ્મનનું માથું, બાળકોના પગ વચ્ચે મૂકવામાં આવે છે અને તેની પાછળની માન્યતા એ છે કે દુશ્મનની શક્તિ બાળકમાં સ્થાનાંતરિત થાય છે. અસમત જાતિ ઘરમાં દુશ્મનનાં હાડકાં રાખવાને શુભ માને છે. આ જાતિના મોટાભાગના લોકો નદીના કિનારે બનેલાં ઘરોમાં રહે છે. તેઓ દુશ્મનને મારીને તેની કરોડરજ્જુ અને નીચલા ભાગને કાઢી લે છે. કરોડરજ્જુ અને નીચલા ભાગનાં હાડકાંને તેઓ ટ્રોફી તરીકે પોતાની સાથે રાખે છે. ઘરમાં દુશ્મનના નીચલા જડબાને રાખવાને બહાદુરીની નિશાની માને છે.
એ ઓછું હોય એમ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે અસમત જાતિમાં કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે મૃતકનું ગળું કાપી નાખે છે. માથાને ફાડીને તેમાંથી મગજ અને આંખો ખેંચી કાઢે છે. અસમત લોકો માને છે કે એમ કરવાથી દુષ્ટ આત્માઓ દૂર થઈ શકે છે. આ રીતિરિવાજો જોઈને ધ્રુજારી છૂટી ન જાય તો જ નવાઈ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો