આપણે અગાઉ વાત કરી હતી કે લીડરે જો સતત આગળ વધતા રહેવું હોય તો તેણે ભૂતકાળની `તુલનાઓ'માંથી બહાર આવવું પડે, કારણ કે દરેક સિચ્યુએશન, દરેક ક્લાયન્ટ અને દરેક પ્રોજેક્ટનો ટાઈમ, ટેમ્પો અને કોન્ટેક્સ્ટ જુદો હોય છે. એટલે જેમ ગણિતમાં એક જ રીતથી દાખલો ગણાય એ રીતે કંઈ લીડરશિપમાં એક જ ઉદાહરણ કે એક જ સ્થિતિ મુજબ નિર્ણયો ન લેવાય. એ તો દર વખતે સમય-સ્થિતિ અને સંજોગોને જોવા ચકાસવા પડે. જોકે, આ તો બહારની વાત થઈ, પણ ભીષ્મ કહે છે કે, જો તમારે દરેક વખતે સાચા નિર્ણયો લેવા હોય તો તમે સૌથી પહેલાં તમારા મગજ અને મનની સફાઈ કરો.
આજના હાઈ પ્રેશર બિઝનેસ કે કોર્પોરેટ કે ઈવન હવે તો રાજકારણના જગતમાં કોઈ પણ લીડર ત્યારે જ શાંતિથી વિચારી શકે, જ્યારે તેનું પોતાનું `મન' શાંત, સ્થિર અને પક્ષપાત રહિત હોય. મનને આ લેવલ પર લાવવા માટે ભીષ્મે જે ટિપ્સ આપી છે, તે ખરેખર કોઈ મોંઘા કોર્પોરેટ સેમિનારમાં પણ નહીં મળે. તો ચાલો નજર કરીએ ભીષ્મની એવી કેટલીક ટિપ્સ પર, જે મનને સાફ કરવાની વાત કરે છે.
તેમની પહેલી અને સૌથી પાવરફુલ ટિપ છે : `રાગ અને દ્વેષના વાઇરસને ડિલીટ કરો!' આપણે સામાન્ય માણસો કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે બે જ પ્રકારની પ્રતિક્રિયા આપીએ છીએ. કાં તો અતિશય લગાવ (રાગ) અથવા તો અતિશય નફરત (દ્વેષ), પરંતુ આ બંને લાગણીઓ તમારા મગજની ઓપરેટિંગ સિસ્ટમને સ્લો કરી નાખે છે. હવે ધારો કે, એક લીડર છે જે અંગત `રાગ'ને કારણે પોતાના અણઆવડતવાળા ભત્રીજાને પ્રોજેક્ટ હેડ બનાવી દે છે. સ્વાભાવિક છે કે પ્રોજેક્ટ તો ડૂબશે જ, પણ આખી કંપની માટે તે આફત નોતરશે. તેવી જ રીતે જો કોઈ કાબેલ માણસ સાથે જૂની કોઈ વાતને લઈને `દ્વેષ' હોય અને માત્ર તેના જ કારણે તેને નજરઅંદાજ કરવામાં આવે, તો તેનું નુકસાન કંપનીના ગ્રોથને થશે. આ રાગ-દ્વેષ તમને તમારા ભૂતકાળના `ઈમોશનલ બેગેજ' સાથે બાંધી રાખે છે. આજના ઝડપી યુગમાં લીડરને મનથી સદાય `અલિપ્ત' રહેવું પડે. જેમ કમળનું પાંદડું કાદવમાં રહીને પણ કાદવથી અલિપ્ત રહે છે. આનાથી જ તમે વર્તમાન સંજોગને ચોખ્ખી આંખે જોઈ શકો.
ભીષ્મની બીજી શીખ આજના `ક્વિક-રિચ સ્કીમ'વાળા યુગ માટે છે. તેઓ કહે છે કે, `ક્ષણિક લાલચો અને પ્રલોભનોથી દૂર રહો.' સી, આપણું મન `શોર્ટ-કટ'માં માને છે. સત્તાનો મોહ, જલદી પૈસાદાર થવાની લાલચ કે ભૌતિક સુખોની ભૂખ આ બધું મનને ચંચળ રાખે છે. જે લીડરનું મગજ આવી `ટેમ્પરરી લાલચો'માં ફસાયેલું રહે છે, તે ક્યારેય લોંગ-ટર્મ પ્લાનિંગ કરી શકતો નથી. તે માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે અને તત્કાલીન ફાયદા માટે આખી સંસ્થાના ભવિષ્યને દાવ પર લગાવી દે છે. લીડરે પોતાના મનને એ રીતે કેળવવું જોઈએ કે તે તત્કાલીન `હાઈ-પ્રોફિટ'ને બદલે લાંબા ગાળાના ફાયદાને અને ખાસ તો પોતાનું કામ અવિરત ચાલતું રહે એને મહત્ત્વ આપે. જ્યારે મન આટલી મક્કમતા પ્રાપ્ત કરે છે, ત્યારે જ લીડર આકરા કે અપ્રિય હોવા છતાં, કંપની કે પ્રજાના હિતમાં સાચા નિર્ણયો લઈ શકે છે.
અને ત્રીજી ટિપ જે સૌથી વધુ પ્રેક્ટિકલ છે તે છે `ધીરજ અને સંયમનો પાવર.' આ બાબતે તો ઘણા લીડર્સ બે ભૂલો કરે છે. કાં તો ઓવર-રિએક્ટ થઈને ફટાક દઈને નિર્ણય લઈ લે છે અથવા તો નિર્ણયને એટલો પાછળ ઠેલે છે કે તક હાથમાંથી નીકળી જાય છે. ભીષ્મ કહે છે કે, મનમાં હંમેશાં તરત પ્રતિક્રિયા આપવાની વૃત્તિ જાગે તો પણ તેને સંયમિત કરવી પડે. આ જ સાચી માઈન્ડ ટ્રેનિંગ છે. તમે જોયું હશે કે એક સારો શિકારી પોતાના લક્ષ્ય પર પ્રહાર કરતા પહેલાં કેટલો સમય શાંતિથી રાહ જુએ છે? બસ એમ જ, લીડરે પણ ગંભીર નિર્ણય લેતા પહેલાં તમામ સંજોગો, પ્રોસ એન્ડ કોન્સ અને ભવિષ્યનાં પરિણામો પર શાંત ચિત્તથી વિચાર કરવો જોઈએ. આ ધીરજ તમારા મગજને `પૅનિક મોડ'માંથી બહાર કાઢીને સ્થિર રાખે છે, જેના કારણે તમે ભૂલભરેલા ભાવુક નિર્ણયો લેતા નથી.
ઈનશોર્ટ, પિતામહ ભીષ્મની દૃષ્ટિએ બહારની તુલનાઓથી બચવા માટે પહેલા અંદરના મનને ટ્રેન કરવું અત્યંત જરૂરી છે. નહીંતર મન જો મક્કમ નહીં હોય તો મન બાહ્ય બાબતોથી પ્રભાવિત થયા વિના રહેવાનું નથી. તમારું મન જો રાગ-દ્વેષથી મુક્ત, લાલચોથી દૂર અને ધીરજથી ભરપૂર હશે, તો જ તમે `વિવેકબુદ્ધિ'નો ઉપયોગ કરીને ન્યાયી અને શ્રેષ્ઠ નિર્ણય લઈ શકશો. મનની આ તાલીમ જ તમને પૂર્વગ્રહમુક્ત બનીને નિર્ણય લેવાની શક્તિ આપશે, જેનાથી તમારી નિર્ણયશક્તિ પ્રભાવક બનશે અને લોકો તમને માત્ર બૉસ નહીં, પણ ન્યાયપ્રિય લીડર તરીકે ઓળખશે.