કોઈ એવા સારા-નબળા પરિણામની પરવા વગર નીલા પોતે લીધેલા નિર્ણય પર અફર હતી.   

નીલાએ પતિની ગેરહાજરીમાં ઘર-જમીનનો સઘળો કારોબાર જાતે સાંભળી લીધો હતો. ઘરને આબાદ રાખવામાં તે પોતાના દેહ, શરીરનું ભાન ભૂલી ગઈ હતી. તેનાં સાસુમા રાજી હતાં, પણ અન્ય કુટુંબીઓને ગમતું નહોતું. નીલા આંખના કણાની માફક ખૂંચવા લાગી હતી, પણ અડગ ને મક્કમ મનોબળવાળી સ્ત્રી સામે બંધ મુઠ્ઠીની બાજી ખેલવામાં ફાવે તેમ નહોતા એટલે તેના ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાનું શરૂ કર્યું 

હતું : `આ બાઈને કોઈની સાથે આડા સંબંધ છે, લાગ જોઈ ઘરમાંથી હાથફેરો કરીને ભાગી જશે.'   

આ અફવા ફેલાવવામાં કુટુંબી દિયર એવા રણમલનો આડકતરો હાથ હતો. તેની નજર નીલા પર અને ડોળો જમીન પર હતો. જો નીલા હાથમાં આવી જાય તો એક કાંકરે બે પક્ષીનો શિકાર થાય એવું હતું, પણ નીલામાં દાળ ગળે એવું નહોતું. તે કાચી-પોચી માટીની નહોતી કે પાણી પૂછ્યા વિના તેનામાં પ્રસરી જાય. પછીથી રણમલે વરજાંગને હાથ પર લીધો હતો. તેને પોપટના જેમ પઢાવી રાખ્યો હતો.   

ઘણી વાતો નીલાના કાને આવતી હતી, પણ અવગણીને પોતાના કામમાં વળગી રહેતી હતી, પણ જ્યારે તેનાં સાસુમાએ સંભળાવ્યું ત્યારે નીલાને દુઃખ થયું હતું. તેણીએ દુઃખ ગટગટાવી સાસુમાને સહજતાથી કહ્યું હતું: `બા, હું આ ઘરને આબાદ રાખવા આવી છું, બરબાદ કરવા નથી આવી. આટલી હૈયાધારણ રાખો.'   

ત્યારે સાસુમાએ છાતી માથે પથ્થર રાખી કહી દીધું હતું: `વહુબેટા, આમ નોંધારો જન્મારો નો જાય, કોઈક આધાર જોઈ. દુનિયાનાં દુઃખ કરતાંય દેહનાં દુઃખ વધારે ભૂંડાં ને ઊંડાં હોય છે. તેને ખાળવાં ને ટાળવાં સાવ સહેલાં હોતાં નથી.' બહુ ઓછી વાતમાં નીલા મોટી વાતને પામી ગઈ હતી. પથારીમાં પડ્યા પછી દેહનાં દુઃખ પણ નાગની જેમ ફેણ માંડી સામે ડોલવા લાગતાં હતાં. આંસુ સારવા સિવાય કંઈ નહોતું.   

પછી મનમાં ઘડી રાખેલી વાત ઉઘાડી દીધી હતી : `બા, હું દિયરવટુંવાળું તો...'   

નીલાનું આવું કહેવું સાંભળી સાસુમા આંખનું મટકું મારવાનું ભૂલી ગયાં હતાં. તે શ્વાસ ઘૂંટીને કહી ઊઠ્યાં હતાં : `તો તો વહુબેટા ગોળ કરતાંય ગળ્યું થાય. પછી હૈયાના હરખ રોકી આગળ બોલ્યાં હતાં : `ઘીના ઠામમાં ઘી પડી રહે ને સૌ સારાં વાનાં થાય.' પછીથી નાત વચ્ચે એવું જ બન્યું હતું.   

જેના લીધે નીલા આ ઘરમાં રહેવા માટેની હકદાર થઇ ગઈ હતી. હવે નીલાને કોઈ રોકી કે ટોકી શકે એમ નહોતું. તે હવે ઘરની ધણિયાણી હતી. સાચા-ખોટી વાતો કરનારની જીભે તાળાં લાગી ગયાં હતાં.   

વહુ અને વરજાંગની પથારી અલગ રહેતી હતી તે સાસુમાની નજરથી અળગું રહ્યું નહોતું, પણ વરજાંગના મોંએ મૂછનો દોરો ફૂટી ગયો હતો. યુવાનીના ઉંમરે પગ મૂકવામાં વાર લાગે એમ નહોતી. પછીથી સૌ સારાં વાનાં થશે એવું સાસુમાએ સ્વીકારી લીધું હતું, કારણ કે નીલા વહુ જે કરતાં હશે તે સમજી વિચારીને કરતાં હશે. એ ગળા સુધીનો ભરોસો હતો, પણ વરજાંગ તો સૌની વચ્ચે બોલી ગયો હતો : `મને પતિ તરીકેનો હક મળવો જોઈએ.' પરિવાર સૌ વહુ-સાસુ પર ફિટકાર વરસાવવા લાગ્યો હતો.   

નીલા કોઈ જવાબ આપવાના બદલે તેના ઓરડામાં ચાલી ગઈ હતી અને સાસુમા પણ દબાતા પગલે પાછળ આવ્યાં હતાં : `વહુબેટા,વરજાંગને સંભાળી લ્યો, તમારી પથારી એક કરી નાખો એટલે પ્રશ્નનો અંત આવે.' પછી અંગારા જેવું કહ્યું હતું : `આવા ભવાડા આપણને નો પોસાય સમજ્યાં.'   

`મારા ભાગ્યમાં જ ભવાડા લખ્યા છે.' તે ધ્રૂસકે ધ્રૂસકે રડવાં લાગી હતી. હૈયું હળવું થયા પછી કહ્યું 

હતું : `બા, અમારી પથારી ક્યારેય એક નહીં થાય.' તો સાસુમા ચિત્કારી ઊઠ્યાં હતાં : `કેમ?' તો નીલા કહે: `મેં વરજાંગને એક દીકરા જેમ જોયો છે, સાચવ્યો છે. તેના સાથે ઘરસંસાર કેમ માંડી શકું?'   

 સાસુમાનો સણસણતો સવાલ હતો : `તો પછી દિયરવટું વાળ્યું હતું શું કરવા?'   

 `આ ઘરમાં રહેવા ને પતિની મિલકતનું રખોપું કરવા.' નીલાનું કહેવું હૃદયસ્પર્શી હતું.   

સાસુમા હીબકાં ભરવા લાગ્યાં હતાં. `બા' નીલા ભારે હૈયે બોલી હતી : `હું પરિવાર વચ્ચે જેમ દિયરવટું વાળવાનું બોલી હતી, એમ જ વરજાંગથી છૂટાછેડા લેવાનું પણ બોલી જાઉં છું.' પછી કહી જ દીધું 

હતું : `વરજાંગને વાજતે-ગાજતે પરણાવજો!' અને વળતા દિવસે નીલા નીકળી ગઈ હતી.   

રણમલ રસ્તામાં જ ઊભો હતો. તેને કહી સંભળાવ્યું હતું : `મરદ સામી છાતીએ લડે, પાછળથી ઘા ન કરે.' જણાવી જ દીધું હતું : `વરજાંગને ઊભો કરવાના બદલે તમે જ હાથ માગી લીધો હોત તો.'   

રણમલે કહ્યું હતું : `આમ ક્યાં જાશો?'   

`ડાળીએ ખરેલું પાન, પવન જ્યાં લઇ જાય ત્યાં.' નીલાના કહેવા સામે રણમલને કહેવું હતું : `રોકાઇ જાવ, મારા ઘરનાં બારણાં ખુલ્લાં છે!' પણ ત્યાં સુધીમાં નીલા આગળ નીકળી ગઈ હતી.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો