નાના પાટેકરના કોઈ કિરદાર સાથે રૂમાની અથવા રૂમાનિયત શબ્દ જોડવો અઘરો છે. અરબી ભાષાનો શબ્દ છે, રૂહ (આત્મા) પરથી બન્યો છે, અને અર્થ થાય છે પ્રેમ અથવા રોમાન્સ. તેમની કારકિર્દીની શરૂઆત જ ગુસ્સેલ, ઇન્ટેન્સ અને અન્યાય સામે લડાઈ કરતા યુવાન તરીકે થઇ હતી. 

તેમ છતાં, એક્ટર-ડીરેક્ટર અમોલ પાલેકરે 1990માં નાનાને એક એવી ફિલ્મના કિરદારમાં ઢાળ્યા હતા, જેમાં તેમણે એક ચમત્કારિક કવિ બનવાનું હતું. મેહુલ કુમાર તેમને બોક્સ-ઓફિસ છલકાવી દેતી મસાલા ફિલ્મોની દુનિયામાં છીનવી ગયા, તે પહેલાં નાનાએ જે કળાત્મક અને અર્થપૂર્ણ ફિલ્મોમાં અભિનયની બારીકીઓ બતાવી હતી, તેમાં પાલેકરની ‘થોડા સા રૂમાની હો જાયેં’ મોખરે છે. 

કદાચ નાનાના સીટી-માર ચાહકોને પણ આ ફિલ્મ યાદ નહીં હોય, પરંતુ તે આજે પણ એ વાતની સાબિતી છે કે નાના તેમની પ્રચલિત ઈમેજમાં કેદ થઇને રહેવાવાળા અભિનેતા નહોતા. મોટાભાગના ચાહકોએ તેમને ક્રોધિત અવતારમાં જ જોયા છે, પણ ‘થોડા સા રૂમાની હો જાયેં’માં આ જ અભિનેતા જ્યારે આશા, કવિતા અને પ્રેમની વાતો કરતો હોય, ત્યારે તેમના વ્યક્તિત્વનો એક એવો પક્ષ સામે આવે છે. જેને ઓળખવા માટે આપણે આપણી ધારણાઓની બહાર નીકળવું પડે. 

નાનાને આ ફિલ્મ માટે યાદ કરવાનું કારણ એ પણ છે કે તેમનો કિરદાર એક ઉત્તમ અભિનેતાની જ યાદ નથી અપાવતો, બલકે અભિનયની એ કળા સાથે પણ પરિચય કરાવે છે, જેમાં એક કલાકારને તેની અંદરના પરિચિત માણસમાંથી બહાર નીકળીને એક બીજા માણસના આત્મા સુધી પહોંચવાનું હોય છે. નાનાનો આ પરકાયા પ્રવેશ છે. 

1990માં તો ફિલ્મને બહુ લોકપ્રિયતા ન મળી, પણ બાદનાં વર્ષોમાં તેની ગણના એક સંવેદનશીલ અને વિચારશીલ ફિલ્મ તરીકે થવા લાગી. 

ફિલ્મની વાર્તા બહુ સાધારણ છે; એક ગામમાં વરસાદ નથી પડ્યો એટલે દુકાળ છે. ખેતરોમાં પાણી નથી. લોકો વરસાદની રાહ જુવે છે. તેમના જીવનમાં જાણે આશાના દરવાજા બંધ થઇ ગયા છે. 

એ ગામમાં નટવરલાલ ઉર્ફે ધૃષ્ટદ્યુમ્ન પદ્મનાભ પ્રજાપતિ નીલકંઠ ધૂમકેતુ બારીશકર નામનો માણસ આવે છે, જે દાવો કરે છે કે તે વરસાદ લાવશે. તેના નામ, રંગઢંગ અને ઈરાદામાં રહસ્ય છે. તે જાદુગર જેવોય લાગે છે, ધુતારા જેવો પણ અને ચિંતક પણ. તે એક એવો સ્વપ્નદ્રષ્ટા પણ છે, જે બીજાને સપનાં બતાવતાં-બતાવાતાં ખુદ એ સપનાં પર વિશ્વાસ કરવા લાગે છે. તેની પાસે ન કોઈ વૈજ્ઞાનિક સમાધાન છે કે ન તો ચમત્કારનો કોઈ ઠોસ આધાર; તેની પાસે શબ્દો છે, કવિતા છે, આત્મવિશ્વાસ છે અને માણસની અંદર પડેલી સંભાવનાઓને જગાડવાની અનોખી કળા છે. 

આ ભૂમિકા નાના પાટેકર માટે આસાન નહોતી, કારણ કે ત્યાં સુધીમાં તેમની ઓળખ એક આક્રમક અભિનેતા તરીકે સ્થાપિત થઇ ચૂકી હતી. એવું કહેવાય છે નસીરુદ્દીન શાહ આ કિરદાર કરવાના હતા, પરંતુ ‘ત્રિદેવ’ની સફળતા પછી તેમણે તેમનો ભાવ વધારી દીધો હતો. અમોલ પાલેકર એટલા પૈસા આપવા તૈયાર નહોતા. તે વખતે નાનાએ સામેથી જઈને આ રોલ માંગ્યો હતો. પાલેકરે કહ્યું હતું કે તમને આ માફક નહીં આવે, કારણ કે લોકો તમારી અંદર ‘પરિંદા’ના અન્નાને શોધશે. નાનાએ કહ્યું હતું કે હું તમારા ઘેર દસ દિવસ સુધી રિહર્સલ કરીશ અને તમે કહેશો એ રીતે કામ કરીશ. એક કલાકાર એક ભૂમિકા માટે કેટલો તરસતો હોય છે તેનો આ પુરાવો છે. 

એવું જ થયું. નાનાએ બારીશકરના કિરદારમાં ચાર ચાંદ લગાવી દીધા. આ બુમો પાડતો નાયક નથી. એ તેની તાકાતથી લોકોને ગભરાવતો નથી. તે તેમના મનમાં ઉતરે છે, તેમની કમજોરીઓને ઓળખે છે અને તેમની સામે બીજી દુનિયાની સંભવાના પ્રસ્તુત કરે છે. તેની સૌથી મોટી શક્તિ એ છે કે તે લોકોને થોડી વાર માટે નિરાશામાંથી બહાર કાઢે છે. નાનાએ આ ભૂમિકાને અસરકારક બનાવવા માટે તેમના અવાજની તાકાતનો ઉપયોગ કર્યો હતો અને પોતાની અંદર પડેલી અસુરક્ષા, ચતુરાઈ, કલ્પનાશીલતા અને કોમળતાને બહાર કાઢી હતી.

ફિલ્મમાં બિન્નીનો કિરદાર કરતી અનીતા કંવરની પોતાની એક દુનિયા છે. એ એક એવી સ્ત્રી છે જેને સમાજે ઠસાવી દીધું છે કે તેનામાં કેટલી કમજોરીઓ છે, તેણે કેવા હોવું જોઈએ અને તેના જીવનમાં શું સંભવ નથી. બિન્ની લોકોની વાતો માનતી થઇ ગઈ છે. અચાનક બારીશકર આવે છે અને તેની દ્રષ્ટિને બદલી નાખે છે. તે બિન્નીને તેની અંદર પડેલી સંભાવનાઓથી વાકેફ કરાવે છે. 

નાના આ પરિવર્તન કોઈ મોટા ભાષણ કે નાટ્યાત્મક ભાવુકતાની મદદથી નથી કરતા. તેમના વ્યવહાર, તેમની વાતચીત અને તેમની હાજરીમાં જ એક એવો ભરોસો છે કે બિન્ની પોતાના વિશે ફરીથી વિચારવા પ્રેરિત થાય છે. નાનાના અભિનયની ખૂબી એ છે કે બિન્નીને બદલવા વાળા માણસનો અભિનય કરતી વખતે ખુદ કોઈ ઉદ્ધારક નથી બનતા; તે તેમની વિચિત્રતાઓ અને છળકપટ સાથે એક ધુતારો જ બની રહે છે.

બારીશકરની કવિતામાં કેવળ શબ્દોનું જ આકર્ષણ નથી; તેની પાછળ એક દબાયેલો ભાવ છે, એક એવી કોમળતા છે, જે કદાચ તેઓ ખુદ સ્વીકારી શક્યા નથી. અમોલ પાલેકરે પાછળથી કહ્યું હતું કે કવિતા વાળા આ દ્રશ્યમાં નાના તેની ભાવુકતામાં એટલા ડૂબી ગયા હતા કે તેમની આંખોમાંથી રીતસર આંસુ વહેવા લાગ્યાં હતાં. 

બારીશકરના બહાને અમોલ પાલેકર આ ફિલ્મમાં એક મોટો સવાલ ઉઠાવે છે; શું માણસ તેને મળેલી પરિસ્થિતિમાં જીવતો રહે છે, કે પછી પરિસ્થિતિઓને જોવાની રીત બદલીને પણ કશું નવું હાંસલ કરી શકે છે? વાર્તામાં કેવળ ખેતરમાં જ દુકાળ નથી પડ્યો, લોકોની કલ્પનામાં પણ પાણી સુકાઈ ગયું છે.

બારીશકર તેમની અંદર આશા જગાવે છે. તે વરસાદ લાવે છે કે નહીં તેના કરતાં પણ વધુ મહત્વનું એ છે કે તેના આવવાથી લોકો તેમની બેબસીને અપરિવર્તનશીલ માનવાનું બંધ કરે છે. બિન્ની પોતાના વિશે નવેસરથી વિચારે છે. ગામ લોકો પણ પોતાની માન્યતાઓ પર સવાલો કરવા લાગે છે. 

ફિલ્મમાં રોમાન્સ માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચેના આકર્ષણ પૂરતો સીમિત નથી; એ જીવનને જોવાની એક રોમેન્ટિક દૃષ્ટિ પણ છે, જે માણસને એવો વિશ્વાસ અપાવે છે કે વર્તમાનની કઠોરતા ભવિષ્યની બધી જ સંભાવનાઓને ખતમ કરી શકતી નથી. નાનાએ ભજવેલો બારીશકરનો કિરદાર આ જ વિશ્વાસનો વાહક છે.

આ ભૂમિકામાં નાનાએ સાબિત કર્યું કે તેમની અંદર કઠોરતાની સાથે કોમળતા, આક્રોશની સાથે સંવેદનશીલતા અને વાસ્તવિકતાની સમજ સાથે કલ્પનાની ઊંચી ઉડાન પણ હતી. કદાચ આ જ અર્થમાં બારીશકરનું પાત્ર નાનાની સૌથી સુંદર ભૂમિકાઓમાં સ્થાન પામવું જોઈએ. આ ફિલ્મમાં તેમણે એવા વિરલ માણસને જીવંત કર્યો છે, જે બીજાઓના મનમાં સુકાઈ ગયેલી આશાને ફરીથી ભીની કરવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મ આપણને યાદ અપાવે છે કે જીવન માટે જરૂરી સૌથી મહત્ત્વનો વરસાદ ઘણી વાર આકાશમાંથી નહીં, આપણી અંદરથી વરસતો હોય છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો