ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ગંગા નહેરના શાંત કિનારે 17 જુલાઈ, 2016ની સવારે એક દૃશ્ય સામે આવ્યું, જેણે આખા વિસ્તારને હચમચાવી દીધો. એક કાર નિર્જન રીતે નહેરના કિનારે ઊભેલી હતી, જેની પાસેથી એક 21 વર્ષની યુવતીનું શબ મળી આવ્યું હતું. આ શબ હતું નૈના કિરોડીવાલનું. નૈના દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની હતી અને સાથે જ દિલ્હીની એક ખાનગી શાળામાં શિક્ષિકા પણ હતી. વાસ્તવિકતા એ હતી કે, નૈનાનું શબ નહેરના પાણીમાં ફેંકવામાં આવેલું હતું, પરંતુ ઝાડીઓમાં અટવાઈ જવાને કારણે તે પોલીસને મળી આવ્યું.
આ ઘટના શરૂઆતમાં એક સામાન્ય અકસ્માત કે આત્મહત્યા લાગી રહી હતી, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી, એક એવું રહસ્ય ખૂલ્યું જે નાણાકીય લોભ, વિશ્વાસઘાત અને નિર્મમ હત્યાઓની ગાથા લઈને આવ્યું. આ વાર્તા છે વેદપ્રકાશ અને તેમના પરિવારની. એક એવા પરિવારની જે એક રાતમાં નિર્મમ ષડ્યંત્રનો ભોગ બન્યો.
પોલીસે સૌ પ્રથમ કારના માલિકની તપાસ શરૂ કરી. કારના રજિસ્ટ્રેશનની ડિટેઇલ્સ તેમને દિલ્હીના વઝીરાબાદ વિસ્તારમાં રહેતા વેદપ્રકાશ કિરોડીવાલા સુધી લઈ ગઈ. 45 વર્ષના વેદપ્રકાશ એક સામાન્ય જીવન જીવતા હતા. દિલ્હીના મજનૂ કા ટીલા વિસ્તારમાં ત્રણ ગાર્મેન્ટ શોપ ધરાવતા હતા અને સાથે સાથે નાનું-મોટું ફાઇનાન્સનું કામ પણ કરતા હતા. તેમની પત્ની સાધના 42 વર્ષની ગૃહિણી, તેમનાં બે બાળકો 20 વર્ષનો શુભમ અને 21 વર્ષની નૈના સાથે ઘરની જવાબદારીઓ સંભાળતી હતી. નૈના એક પ્રતિભાશાળી વિદ્યાર્થિની હતી અને ભજનપુરાની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. શુભમ એક ઉત્સાહી યુવાન હતો અને તે તેના પિતાના ધંધામાં મદદ કરતો હતો. તેણે તાજેતરમાં જ ડ્રાઈવિંગ શીખવાની શરૂઆત કરી હતી.
કારની નોંધણી વેદપ્રકાશના નામે હતી, જે નૈનાના પિતા હતા. પોલીસ તરત જ દિલ્હીના વઝીરાબાદમાં વેદપ્રકાશના ઘરે પહોંચી, પરંતુ ત્યાંનું દૃશ્ય વધુ ચોંકાવનારું હતું. ઘર ખાલી હતું. વેદપ્રકાશ, સાધના અને શુભમ ગાયબ હતાં. ઉત્તર પ્રદેશ પોલીસે શરૂઆતમાં આ ઘટનાને `ઓનર કિલિંગ' તરીકે જાહેર કરી. તેમનું માનવું હતું કે નૈનાએ કોઈ પ્રેમપ્રકરણમાં ભૂલ કરી હશે અને તેનો પરિવાર તેની હત્યા કરીને ફરાર થઈ ગયો હશે. નૈનાના ફોનકોલ રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા, પરંતુ કોઈ નક્કર પુરાવા મળ્યા નહીં. પોલીસે વેદપ્રકાશ, સાધના અને શુભમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો અને તેમને ફરાર જાહેર કર્યા. આ નિર્ણય એક ભયંકર ભૂલ સાબિત થવાનો હતો, કારણ કે હકીકત તદ્દન અલગ હતી.
વેદપ્રકાશનું જીવન દેખાવમાં સામાન્ય હતું, પરંતુ તેમના નાણાકીય વ્યવહારો ઘણા લોકોના જીવનમાં ઊંડો પ્રભાવ ધરાવતા હતા. વેદપ્રકાશે તેમના ગાર્મેન્ટ ધંધા ઉપરાંત નાનકડું ફાઇનાન્સનું કામ શરૂ કર્યું હતું, જેમાં તેઓ લોકોને ઊંચા વ્યાજે લોન આપતા હતા. આવી જ એક લોન તેમણે અભિષેક પાલના મિત્ર રીતેશ કટિયારને આપી હતી. રીતેશે વેદપ્રકાશની એક ગાર્મેન્ટ શોપ ભાડે લીધી હતી અને ઓગસ્ટ, 2015માં 9 લાખ રૂપિયાની લોન લીધી હતી, જેના ગેરેન્ટર તરીકે બાંહેધરી અભિષેકે આપી હતી.
રીતેશનો ધંધો નિષ્ફળ ગયો અને તે લોન ચૂકવવામાં અસમર્થ રહ્યો. વેદપ્રકાશે રીતેશ અને અભિષેક પર દબાણ વધારવાનું શરૂ કર્યું. દરરોજના ફોનકોલ્સ, ધમકીઓ અને રૂબરૂ મળવાની માંગણીઓથી અભિષેક અને રીતેશ કંટાળી ગયા હતા. આ દબાણથી બચવા માટે અભિષેકે વેદપ્રકાશના ભત્રીજા સોનુ સાથે વાત કરી. સોનુ કે જે અગાઉ વેદપ્રકાશની દુકાનમાં કામ કરતો હતો અને તે તેના કાકાથી નારાજ હતો. વેદપ્રકાશે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અને સોનુને તેના કાકાનો ધંધો અને સંપત્તિ હડપવાની લાલચ હતી.
આથી આ બંનેએ મળીને એક ભયંકર યોજના ઘડી. તેમણે નક્કી કર્યું કે વેદપ્રકાશને રસ્તેથી હટાવવા જરૂરી છે, પરંતુ વાત અહીં અટકી નહીં. સોનુએ સૂચવ્યું કે જો આખો પરિવાર જ નહીં રહે, તો સંપત્તિ પર કોઈ દાવો નહીં કરે અને તેમની યોજના સફળ થશે. આ યોજનામાં એક 16 વર્ષના નાબાલિગને પણ સામેલ કરવામાં આવ્યો. આ નાબાલિગ મન્નુ અભિષેકનો નજીકનો મિત્ર હતો અને બીજી કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો.
15 જુલાઈ, 2016ની સવારે અભિષેકે વેદપ્રકાશને ફોન કર્યો. તેણે કહ્યું કે શુભમની કારનાં ટાયર બદલવાનાં છે અને તેમને બહાર મળવા બોલાવ્યા. સવારે 11:30 વાગ્યે વેદપ્રકાશ અભિષેકની કારમાં બેઠા. આ કારમાં અભિષેક ડ્રાઈવિંગ કરી રહ્યો હતો, જ્યારે મન્નુ પાછળની સીટ પર બેઠો હતો. જેવા વેદપ્રકાશ કારની આગળની સીટ પર બેઠા, મન્નુએ ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી દીધું. વેદપ્રકાશે થોડીક જ વારમાં તેમનો જીવ ગુમાવ્યો. તેમનું શબ કારની ડેકીમાં ખસેડવામાં આવ્યું અને અભિષેકે કારને વઝીરાબાદની એક શેરીમાં પાર્ક કરી.
બપોરે 2 વાગ્યે શુભમે તેના પિતાને અભિષેક સાથે જતા જોયા હતા. આથી શંકા ન જાગે તે માટે અભિષેકે શુભમને ડ્રાઈવિંગ શીખવવાના બહાને બોલાવ્યો. શુભમ કે જે અભિષેક પર વિશ્વાસ કરતો હતો, તે કારમાં બેઠો અને તેની પણ એ જ રીતે ગળું દબાવીને હત્યા કરવામાં આવી. શુભમનું શબ પણ ગાડીની ડેકીમાં મૂકવામાં આવ્યું.
સાંજે વેદપ્રકાશનાં પત્ની સાધના જ્યારે ઘરે એકલાં હતાં, ત્યારે તેમને એક ફોન આવ્યો કે તેમના પતિ અને પુત્રનો અકસ્માત થયો છે. ઉતાવળ અને ગભરાટમાં સાધના તરત જ બહાર નીકળી, જ્યાં અભિષેક અને મન્નુએ તેમને કારમાં બેસાડ્યાં. સાધનાની પણ ગળું દબાવીને હત્યા કરવામાં આવી અને તેનું શબ પણ ગાડીની ડેકીમાં મૂકવામાં આવ્યું.
છેલ્લે રાત્રે 9 વાગ્યે નૈનાને ફોન આવ્યો કે તેના પરિવારનો અકસ્માત થયો છે. તે પણ ગભરાઈ ગઈ અને તરત જ ઘરની બહાર નીકળી. અભિષેકે તેને પણ કારમાં બેસાડી અને તેની હત્યા કરી.
ચાર હત્યાઓ પછી અભિષેક, સોનુ અને મન્નુએ શબને નષ્ટ કરવાની યોજના ઘડી. એક અંદાજ મુજબ રાત્રિના સમય દરમિયાન આરોપીઓએ ચારેય શબને વઝીરાબાદની એક ખાલી શાળામાં લઈ જઈને ચટાઈઓમાં લપેટ્યાં. શબની દુર્ગંધ ન આવે તે માટે તેમણે પરફ્યૂમનો છંટકાવ કર્યો. આ શબને વેદપ્રકાશની સેન્ટ્રો કારમાં મૂકવામાં આવ્યાં. આ કારની ચાવી આરોપીઓને નૈનાના ખિસ્સામાંથી મળી હતી.
ત્યારબાદ આરોપીઓ કારને હાપુડની ગંગા નહેર તરફ લઈ ગયા. નહેરનો પ્રવાહ ઝડપી હતો અને તેમણે ચારેય શબને પાણીમાં ફેંકી દીધાં. વેદપ્રકાશ, સાધના અને શુભમનાં શબ નહેરના પ્રવાહ સાથે વહી ગયાં, પરંતુ નૈનાનું શબ ઝાડીઓમાં અટકી ગયું. આ શબને જુલાઈ 17ની સવારે ઉત્તર પ્રદેશ પોલીસે શોધી કાઢ્યું અને આ ઘટના પ્રકાશમાં આવી.
ઉત્તર પ્રદેશ પોલીસે નૈનાના શબની શોધથી શરૂઆતમાં ખોટો નિષ્કર્ષ કાઢ્યો. તેમણે ધાર્યું કે નૈનાના પરિવારે તેની હત્યા કરી હશે અને પછી ફરાર થઈ ગયો હશે. આ ધારણાને આધારે માર્ચ, 2017માં વેદપ્રકાશ, સાધના અને શુભમ વિરુદ્ધ હત્યાનો ગુનો અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી. પોલીસે તેમને ફરાર જાહેર કર્યા અને કેસ લગભગ બંધ થઈ ગયો.
બે વર્ષ સુધી આ રહસ્ય અંધારામાં રહ્યું. નૈનાના શબની શોધથી શરૂ થયેલી તપાસ ક્યાંય પહોંચી નહોતી, પરંતુ 1 નવેમ્બર, 2018ના રોજ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને એક ગુપ્ત માહિતી મળી. આ માહિતી હતી અભિષેક પાલ નામના 26 વર્ષના યુવક વિશે કે જે નશામાં ધૂત હતો અને કોઈને ચાર હત્યાઓની વાતો કરતો હતો. દિલ્હી પોલીસે તેની ઓઉટર રિંગ રોડ પરથી ધરપકડ કરી અને તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ જપ્ત કરી.
અભિષેકની પૂછપરછ દરમિયાન એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું. તેણે કબૂલ્યું કે તેણે, સોનુ અને મન્નુએ મળીને વેદપ્રકાશ, સાધના, શુભમ અને નૈનાની હત્યા કરી હતી. આ હત્યાઓ પાછળનું કારણ નાણાકીય વિવાદ અને સંપત્તિ પર કબજો કરવાનો ઈરાદો હતું. અભિષેકે જણાવ્યું કે રીતેશ કટિયાર લોન ન ચૂકવી શકવાને કારણે વેદપ્રકાશ સાથે વિવાદ થયો હતો. સોનુએ આ તકનો લાભ લઈને વેદપ્રકાશની સંપત્તિ હડપવાની યોજના ઘડી અને આખા પરિવારનો ખાતમો કરવાનું નક્કી કર્યું.
અભિષેકે એ પણ જણાવ્યું કે મન્નુ કે જે ગુનાના સમયે નાબાલિગ હતો, તેનું સપ્ટેમ્બર, 2016માં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ બ્રાન્ચ) એ.કે. સિંગલાએ જણાવ્યું હતું કે, જે તે સમયે ઉત્તર પ્રદેશ પોલીસનો `ઓનર કિલિંગ'નો નિષ્કર્ષ ખોટો હતો. આખો પરિવાર એક નિર્મમ ષડ્યંત્રનો ભોગ બન્યો હતો.
અભિષેક પાલની ધરપકડથી આ કેસનું રહસ્ય ખૂલ્યું. દિલ્હી પોલીસે ગંગા નહેરમાં અન્ય શબ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ નહેરના ઝડપી પ્રવાહ અને બે વર્ષના સમયગાળાને કારણે વેદપ્રકાશ, સાધના અને શુભમનાં શબ મળી આવ્યાં નહીં. જોકે, અભિષેકની કબૂલાત, તેની પાસેથી મળેલી પિસ્તોલ અને અન્ય પરોક્ષ પુરાવાઓના આધારે પોલીસે આ કેસને હત્યાના ગુના તરીકે નોંધ્યો.
આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી. એક ઘટના, જે શરૂઆતમાં ઓનર કિલિંગ તરીકે ગણાઈ, તે ખરેખર નાણાકીય વિવાદનું પરિણામ હતી. વેદપ્રકાશનો પરિવાર, જે દિલ્હીના વઝીરાબાદમાં એક સામાન્ય જીવન જીવતો હતો, એક રાતમાં નિર્મમ રીતે ખતમ કરવામાં આવ્યો. આ કેસે ઉત્તર પ્રદેશ પોલીસની તપાસ પર પણ સવાલો ઊભા કર્યા, જેમણે શરૂઆતમાં ખોટો નિષ્કર્ષ કાઢ્યો હતો.
