જેતે દેશને જોડવા કે દેશનાં રાજ્યોને જોડવા માટે હાઇવે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. આપણા ભારત દેશનો સૌથી લાંબો હાઇવે એટલે કે રાષ્ટ્રીય રાજમાર્ગ એનએચ 44 છે, જેની લંબાઇ 3745 કિમી. છે અને તે ઉત્તરમાં શ્રીનગરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
તે ભારતનાં 11 જેટલાં રાજ્યોને જોડે છે અને વધુમાં 30 શહેરોને પણ જોડે છે. જોકે, આ તો થઇ ભારતના લાંબા હાઈવેની વાત, પરંતુ અમેરિકાનો એક હાઇવે કુલ 14 દેશોને જોડી રહ્યો છે અને તે વિશ્વના સૌથી લાંબા હાઇવે તરીકે પણ ઓળખાય છે. આ હાઇવેનું નામ અમેરિકન પાન અમેરિકન હાઇવે (Pan-American Highway) છે. પાન અમેરિકન હાઈવેની કુલ લંબાઇ 30,000 કિમી. છે. ઈ.સ. 1923માં આ હાઇવે બનવાનો શુભારંભ થયો હતો. હજી પણ આ હાઇવેનું કામકાજ ચાલુ જ રહે છે. ખાસ કરીને પનામા અને કોલંબિયાની વચ્ચે ડારિએન ગેપ (Darién Gap)નું કામ સંજોગોવશાત્ ચાલુ છે એટલે કે અહીં સંપૂર્ણ કહી શકાય એવો હાઇવે બની શક્યો નથી. જોકે, આટલા લાંબા હાઇવેમાં સતત વાહનોની અવરજવરથી રોડ પર નાનું-મોટું નુકસાન થતું રહે છે. મૂળ આ હાઇવે યુએસ, મેક્સિકો, હોન્ડુરસ, ગુઆટમાલા, કેનેડા તેમજ બોલિવિયા જેવા દેશોને જોડે છે.
પોલીસના વાયરલેસ સેટને રેડિયો સમજી ચોર્યો
ચોર તો ચોરી કરતા જ હોય છે, પરંતુ કેટલાક અભણ ચોર એવી ચોરી કરી બેસે છે જેની તેમને પાછળથી ખબર પડે છે કે, ઓ ત્તારીની આ તો ચોરીલાયક હતું જ નહીં! ગત વર્ષોમાં હરિયાણા, ગુવાહાટી અને રાજસ્થાનમાં ચોરોએ એટીએમ મશીનની જગ્યાએ પાસબુક પ્રિન્ટિંગ મશીનની ચોરી કરી હતી! આવો જ એક કિસ્સો પ્રયાગરાજ જંક્શનના પ્લેટફોર્મ નં 1માં બન્યા હતો. જ્યાં એક પોલીસ કર્મચારી પોતાની ડ્યૂટી પર હતા, પરંતુ તેઓ તે સમયે ઝોકાં ખાતા હતા. આ અરસામાં એક ઈ-રિક્શાચાલકે તેમના વાયરલેસ સેટને રેડિયો સમજીને ચોરી લીધો હતો. ઝોકાં ખાધા બાદ પોલીસ કર્મચારી તેમનો વાયરલેસ સેટ ન દેખાતા ડઘાઇ જાય છે, પંરતુ તેઓ તાબડતોબ અન્ય અધિકારીઓને ફોન કરીને સઘળી હકીકત જણાવી દે છે અને ગણતરીના સમયમાં જ પેલો ઈ-રિક્શાચાલક ચોર સીસીટીવી ફૂટેજ દ્વારા પકડાઈ જાય છે. જ્યારે રિક્શાચાલકને ચોરીનું કારણ પૂછ્યું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે, મને એમ કે આ રેડિયો છે, તેથી મેં તેને ચોર્યો હતો! ખૈર, આ દરમિયાન ચોરને સજા અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તમે નાઇટ વિઝન લેન્સ પહેરો ખરા?
ટૂંક સમયમાં જ સામાન્ય માણસોને સુપર હીરો પાવર મળી જશે. એટલે કે માણસોને પણ હવે સાપ કે ચામાચીડિયાની જેમ રાતે જોવાની શક્તિ નાઇટ વિઝન લેન્સના રૂપમાં મળી જશે. ચીનના વૈજ્ઞાનિકો દ્વારા એવા લેન્સ તૈયાર કર્યા છે જેને પહેરવાથી ઈન્ફ્રારેડ (IR) પ્રકાશને વધુ સરળ રીતે જોઇ શકાય છે. અલબત્ત, આ નાઇટ વિઝન લેન્સ પહેરવાથી તમે રાતના સમયમાં એ વસ્તુઓ પણ જોઇ શકો છો, જે સામાન્ય આંખ નથી જોઇ શકતી! આ નાઇટ વિઝન લેન્સ વિશે આશ્ચર્યની વાત એ છે કે, આ નાઇટ વિઝન લેન્સ માટે કોઇ વીજળી કે બેટરીની પણ જરૂર નથી પડતી અને તે પારદર્શી પણ છે. આ નાઇટ વિઝન લેન્સ ડિફેન્સ અને ગાઢ અંધારામાં જંગલમાં કામ કરતા લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઇ શકે છે. આ લેન્સમાં એક ખાસ પ્રકારના નેનોપાર્ટિકલ્સ લગાડવામાં આવેલા છે, જે ઇન્ફ્રારેડ પ્રકાશને પકડીને તેને માનવ આંખને દેખાતા રંગોમાં રૂપાતંરિત કરે છે. આ રંગોમાં લાલ, લીલો અને નીલા રંગનો સમાવેશ થાય છે. હજી આ લેન્સમાં થોડા સુધારાવધારા કરવામાં આવી રહ્યા છે. આગળ જતાં આ લેન્સમાં થર્મલ વિઝન સ્પષ્ટ દેખાય એવા પ્રયત્નો કરવામાં આવશે.