જ્યારે તેઓએ લાઉડસ્પીકર સામે ઊભા રહી, ગળું ખંખેરીને સ્પષ્ટપણે કહી દીધું હતું: `અમો આ દાન સ્વીકારવા તૈયાર નથી.' ત્યારે સભામાં રીતસર સોંપો પડી ગયો હતો, કારણ કે કોઈ સેવાભાવી સંસ્થાના ટ્રસ્ટી આવો જવાબ આપે, જાહેરમાં ના પાડે એ કોઈની સમજમાં આવે એવું નહોતું. વળી માતબર રકમ હતી!
એક પરગણાના સમાજશ્રેષ્ઠીઓની જનરલ સભા મળી હતી. તેમાં કાર્યરત સંસ્થાના ભાવિ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. ખાસ તો સમાજના આર્થિક નબળા લોકોને સર્વથા મદદ કરવી. સમૂહ લગ્નનું આયોજન કરવું, બાળકોના અભ્યાસ માટેની સગવડ પૂરી પાડવી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિસ્તાર મુજબ ક્લાસ શરૂ કરવા. ટૂંકમાં, શિક્ષણ, આરોગ્ય અને સમાજ વિકાસનાં કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી. તેમાં એક ટ્રસ્ટીએ ઠાવકાઇથી જણાવ્યું હતું: `આ બધાં કાર્યો કરવાં છે, પણ આર્થિક સગવડ વગર કંઈ થઇ શકે નહીં.' આ વાત વાજબી હતી. અમુક લોકો સમયનું દાન આપી નિ:સ્વાર્થ સેવા આપવા આગળ આવ્યા હતા. તે પણ સ્વીકારવું પડે એવું હતું.
એક બહેને ઊભા થઈને જણાવ્યું હતું: `મારાથી થઇ શકે એવું કામ કરીશ અને પેન્શનમાંથી વધશે તે રકમ પણ દાનમાં આપતી રહીશ!' પણ અગત્યતા આર્થિક વ્યવસ્થા, નાણાભંડોળ હતી. રૂપિયા હોય તો પગાર આપવાથી માણસો મળી જાય. આવી માનસિકતાના લીધે બહેનની બાબતે
તાળીઓ પડી નહીં.
ઘણા ખરાનાં મોંએ ભાદરવાના ભીંડા જેવું ઊગી નીકળ્યું હતું: `જ્યાં લાખ્ખો રૂપિયા નોંધાતા હોય, સામે એટલી જરૂરિયાત પણ હોય. તેમાં આ પેન્શનની રકમ તો શું માત્રામાં?' ઘણાનાં મોં બગડ્યાં હતાં. પણ કોઈએ ના પાડી નહોતી. મનેકમને પણ સ્વીકારાઈ હતી. તેની સામે આવી મોટી, માતબર રકમની કોઈની સખાવતને ઠૂકરાવી કેમ દેવાઇ? આ મોટો, પહાડ સરીખો પ્રશ્ન સૌને સતાવવા ને પજવવા લાગ્યો હતો: `દાન લેવા બેઠા જ છે તે શું કરવા ના પાડે છે?'
આ સભા પૂર્વે આગળના દિવસે ટ્રસ્ટીઓની એક ખાનગી બેઠક મળી હતી. તે સૌ અવગત હતા. આજકાલ સારું ને સાચું કામ થતું હોય ત્યાં નાણાંની ખોટ પડતી નથી. દાતાઓ મળી જ રહે છે, પણ તેમાં એક નવો ઉમેરાયેલા ટ્રસ્ટીનો વેધક સવાલ હતો: `જે દાન આપે તે દરેકનું સ્વીકારી લેવાનું જ હોયને.'
`ના.' નવા ટ્રસ્ટી નરોત્તમદાસે સીધો જ નનૈયો ભણી જણાવી દીધું હતું: `આ શુદ્ધ ને પવિત્ર કાર્ય હોય તો તેમાં ગમે તે વ્યક્તિનું દાન સ્વીકારાય નહીં.' સામે નાગજીભાઈએ ક્રોસ કર્યો હતો: `તમને શું આ અશુદ્ધ ને અપવિત્ર કામ લાગે છે?' આ સવાલ સાથે માહોલ ગરમાયો હતો.
`ના. સારું ને શુદ્ધ જ હોય એટલે મારું કહેવું છે, યોગ્ય વ્યક્તિનું જ દાન લેવું જોઈએ.'
`લ્યો કરો વાત.' એક અઠંગ ટ્રસ્ટીએ વ્યંગ કરતાં સંભળાવ્યું હતું: `દાતાઓમાં પણ યોગ્ય, અયોગ્યની તપાસણી કરવાની?' નાગજીભાઇ તો જવાબ આપવા તત્પર હતા: `ભાઈ આપણે રોટલાનું કામ રાખો, ટપાકાનું નહીં!' થોડીવાર માટે ચૂપકીદી છવાઇ ગઇ હતી અને જૂના ટ્રસ્ટીઓ એકબીજાનાં મોં સામે જોઈ, આંખથી અફસોસ વ્યક્ત કરવા લાગ્યા હતા: `આ હરિશ્ચંદ્રની પૂંછડીને આમાં સામેલ કરવા જેવો નહોતો.'
આમ જુઓ તો નરોત્તમદાસનો વાંધો વિરોધ અસ્થાને નહોતો. અમુક કાળો કારોબાર કરનારા માલેતુજાર માણસો કોઈનું કરોડો રૂપિયાનું કરી નાખ્યા પછી આવું દાન કરી ચોખ્ખા ને પવિત્ર થવાનો પ્રયાસ કરી સમાજ વચ્ચે શાહુકાર હોવાની છાપ પાડતા હોય છે. પૈસા આગળ સઘળું પાણી ભરતું ને પાણી પાણી થઇ જતું હોય છે. લગભગ કોઈ પૂછતું હોતું નથી કે આ દાનમાં આપો છે તે રકમ ક્યાંથી આવી છે? આ માટેનો આવકસ્રોત શું છે?
પછી નરોત્તમદાસે જ ચોખવટ કરતાં જણાવ્યું હતું: `મારા ટ્રસ્ટમાં સામેલ થવાની આપ સૌની નારાજગી મને દેખાય છે!' થોડું અટકીને ધીમેથી જણાવી દીધું હતું: `પણ જેમની નજર તળે સત્કાર્યો થાય છે તેમણે જ, મારી નિયુક્તિ કરી છે.' સીધુંસટ્ટ સંભળાવી દીધું હતું: `ક્યાંય કાળા ધોળા ન થાય તે જોવાની આપણી સૌની ફરજ છે.' ટૂંકી વાતમાં ઘણું લાંબું સમજાઈ ગયું હતું.
આ આખી ઘટનાએ પામી કે સમજી જઇ એક કરોડ જેવી માતબર રકમની સખાવત કરનાર દાતા ખુદ ઊભા થઇ લાઉડસ્પીકર સામે ઊભા રહ્યા પછી છાતી ફુલાવી, ગૌરવપૂર્વક બોલ્યા હતા: `આ અમારા પરિવારની સંયુક્ત પેઢીમાંથી, મારા ભાગમાં આવતી રકમ મેં આપી છે.' બેસતા પૂર્વે કહેતા ગયા: `અમારા ઓડિટ રિપોર્ટ જોઈ શકો છો!' પછી નરોત્તમદાસ બોલી ઊઠ્યા હતા: `સમાજ સામે આ સ્પષ્ટતા જ કરાવવી હતી.' તાળીઓના ગડગડાટને શમતા વાર લાગી હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો