માનવજાતના ઇતિહાસનો સૌથી બિહામણો અને વરવો વિરોધાભાસ એ છે કે, માણસ ઉપરવાળાના નામે બીજા માણસનું ગળું કાપવા વિના સંકોચે તૈયાર થઈ જાય છે, પણ એ જ સર્જનહારની નજર સામે પોતાનાં નૈતિક મૂલ્યોનો સોદો કરતા તેને સહેજ પણ ડર નથી લાગતો. માણસ ધર્મ માટે મરી શકે છે, પણ ધર્મ પ્રમાણે જીવવામાં તેને કોઈ જ રસ નથી. તે ઓલમાઈટી માટે હિંસક યુદ્ધો લડી શકે છે, પણ એ જ એન્ટીટી સામે સચ્ચાઈથી ઊભો રહી શકતો નથી. આખી જિંદગી મંદિરો અને ધર્મસ્થાનો બચાવવાની બૂમાબૂમ કરતો માણસ જ્યારે તક મળે ત્યારે એ જ ધર્મસ્થાનનો હિસાબ બચાવી શકતો નથી. આ ભયંકર વિરોધાભાસ સાબિત કરે છે કે પ્રશ્ન ધર્મનો નથી, પ્રશ્ન માણસની `બનાવટ' નો છે. માણસે ધર્મનો આવિષ્કાર સત્ય શોધવા માટે નહોતો કર્યો, માણસે ધર્મ પોતાની જાતને સાચવવા અને પોતાના ડરને મેનેજ કરવા માટે બનાવ્યો હતો.
માણસને મૃત્યુનો ભય હતો એટલે તેણે પરલોક બનાવ્યો. અન્યાય સહન કરવો હતો એટલે તેણે `કર્મ'નો સિદ્ધાંત બનાવ્યો. ગરીબીને કોઈ અર્થ આપવો હતો એટલે ભાગ્ય અને નસીબનું આશ્વાસન બનાવ્યું. પોતાની લાલચો સંતોષ્યા પછી પણ રાત્રે શાંતિથી ઊંઘવું હતું એટલે તેણે `પ્રાયશ્ચિત'ની સિસ્ટમ ઊભી કરી, અને પાપ કર્યા પછી પણ પોતાને ખરાબ માણસ ન માનવો પડે, એટલે તેણે ભગવાનને `ક્ષમાશીલ' બનાવી દીધો. હકીકત એ છે કે માણસને ઈશ્વર કરતાં ઈશ્વરની સાઇકોલોજી વધારે કામ આવે છે.
આપણી અંદર એકસાથે બે જીવ રહે છે: એક `પબ્લિક બિલીવર' અને બીજો `પ્રાઇવેટ નેગોશિયેટર'. બહારની દુનિયા માટેનો પબ્લિક બિલીવર કહે છે કે, `ઈશ્વર કણેકણમાં વસેલો છે અને તે બધું જ જુએ છે.' પણ અંદર બેઠેલો પ્રાઇવેટ નેગોશિયેટર ધીમે રહીને પૂછે છે કે, `પણ અહીં કોઈ સીસીટીવી કેમેરા તો નથીને?' પબ્લિક બિલીવર કહે છે કે પાપ લાગશે, ત્યારે અંદરનો વકીલ તરત દલીલ કરે છે કે થોડું દાન કરી દઈશું એટલે હિસાબ બરાબર થઈ જશે.
અહીં એક બહુ મોટો અને બૌદ્ધિક સવાલ ઊભો થાય છે. જો માણસ ધર્મને પોતાની સગવડ પ્રમાણે જ વાપરતો હોય, જો તે આટલો મોટો સ્વાર્થી હોય, તો પછી એ જ માણસ ધર્મ માટે આત્મહત્યા, બલિદાન કે રક્તપાત માટે કેમ તૈયાર થઈ જાય છે?
કારણ કે ત્યાં ધર્મ એ ઈશ્વરનો પ્રશ્ન નથી રહેતો, ત્યાં ધર્મ માણસની `આઇડેન્ટિટી' (ઓળખ) બની જાય છે. માણસ ભગવાન માટે ક્યારેય નથી મરતો, માણસ પોતાનો `હું કોણ છું' બચાવવા માટે મરે છે. આધુનિક માણસ ધર્મ પાસેથી મુખ્યત્વે બે જ વસ્તુઓ લે છે: પહેલું છે `કોસ્મિક ઇન્શયોરન્સ' અને બીજું છે `ઉછીની મહાનતા'.
કોસ્મિક ઇન્શ્યોરન્સ એટલે એક એવી મેટાફિઝિકલ ખાતરી કે હું મર્યા પછી પણ સાવ ખતમ નહીં થઈ જાઉં. મારું દુઃખ વ્યર્થ નથી. મારા પર થયેલા અન્યાયનો ક્યાંક તો હિસાબ છે. ઉપર કોઈ બેઠું છે જે આ બધું એક દિવસ બેલેન્સ કરશે. આ ઇન્શ્યોરન્સ માણસને દુનિયાની ક્રૂરતા સહન કરવાનું એક એનેસ્થેસિયા આપે છે.
પણ આનાથી પણ વધુ ખતરનાક નશો છે `ઉછીની મહાનતા'નો. જે માણસ પોતાની જિંદગીમાં કોઈ ઊંડું સર્જન નથી કરી શકતો, કોઈ નવો વિચાર નથી આપી શકતો, જેણે વિજ્ઞાન, કળા, વ્યવસાય કે માનવસેવામાં કંઈ જ નોંધપાત્ર નથી કર્યું અને જે અંદરથી સાવ ખાલીખમ છે, તે માણસ પોતાના ધર્મના મહિમામાં પોતાનું કદ વધારી લે છે. તે કહે છે: `હું ભલે સાવ સામાન્ય અને નિષ્ફળ માણસ છું, પણ મારો ધર્મ મહાન છે, મારો ઇતિહાસ મહાન છે, એટલે હું પણ મહાન છું.' પોતાની કોઈ સિદ્ધિ ન હોવાથી, તે ધર્મની સિદ્ધિને ઉછીની લઈને ઓઢી લે છે. દુનિયાભરની તમામ કટ્ટરતા આ `ઉછીની મહાનતા'માંથી જ જન્મે છે. કટ્ટર માણસ ખરેખર કોઈ શ્રદ્ધાળુ નથી હોતો, તે માત્ર એક ખાલી વાસણ હોય છે.
ધર્મ આવા માણસને ઈશ્વર સુધી નથી પહોંચાડતો, ધર્મ તેને `ભીડ' આપે છે અને ભીડ માણસને નૈતિક લકવો મારી દે છે. એકલો માણસ કદાચ હિંસા કરતા ડરે, એકલો માણસ કદાચ પાપ કરતા શરમાય; પણ ભીડમાં માણસ `પવિત્ર હિંસા' કરે છે. તે પોતાને કાયદાથી અને માનવતાથી ઉપર માનવા લાગે છે. તેને એવું જ લાગે છે કે, `મારા પાપ પાછળ કોઈ મહાન કારણ છે અને મારી હિંસા પાછળ એક પવિત્ર ધ્યેય છે.' માનવજાતની સૌથી મોટી બીમારી પાપ નથી, પાપ કર્યા પછીનું આ `જસ્ટિફિકેશન' (બચાવ) છે. દરેક માણસ પાસે પોતાની ગંદકી છુપાવવા માટે એક પવિત્ર વાર્તા તૈયાર જ હોય છે. ચોર કહે છે કે મારે જરૂર હતી, ભ્રષ્ટ ટ્રસ્ટી કહે છે કે પૈસા સેવાના કામમાં જ વપરાયા છે અને રાજકારણી કહે છે કે આ બધું ધર્મરક્ષા માટે કર્યું છે. માણસ પાપ કરતા પહેલાં ભગવાનને સાક્ષી બનાવે છે અને પાપ કર્યા પછી એ જ ભગવાનને પોતાનો વકીલ બનાવી દે છે.
આપણને એવું માનવું બહુ ગમે છે કે આપણે એક ધાર્મિક પ્રજા છીએ, પણ સત્ય એ છે કે આપણે માત્ર `રિચ્યુઅલિસ્ટિક' (કર્મકાંડી) પ્રજા છીએ. કર્મકાંડ કરવા સહેલા છે, નૈતિકતા જાળવવી બહુ મુશ્કેલ છે. માણસ ક્યારે સારો છે,
તેની ખબર દાનપેટીમાં પૈસા નાખતી વખતે નથી પડતી; તેની અસલી પરીક્ષા ટેમ્પ્ટેશન (લાલચ) વખતે થાય છે. ટેબલ પર સિત્તેર લાખ રૂપિયા પડ્યા હોય, કોઈ જોઈ રહ્યું ન હોય, ઓડિટ સાવ નબળું હોય અને કાગળો પોતાના હાથમાં હોય, છતાંય જો હાથ પાછો ખેંચાઈ જાય, તો ત્યાંથી નૈતિકતા શરૂ થાય છે. બાકી માઈક પર પ્રવચનો તો દુનિયાનો કોઈ પણ માણસ આપી શકે છે.
આખરે માણસે ઈશ્વરને પણ પોતાના સ્વાર્થની ધરી પર ફેરવી નાખ્યો છે. ધર્મનો સૌથી મોટો ઉપયોગ હવે ભગવાન સુધી પહોંચવાનો નથી રહ્યો, પણ ધર્મનો ઉપયોગ માણસને પોતાની જ જાત સામે ઊભા રહેતા અટકાવવાનો રહ્યો છે. આપણે ઈશ્વરનો ઉપયોગ ભય શાંત કરવા, ઓળખ બનાવવા, પૈસા એકત્ર કરવા, દુશ્મન ઘડવા અને સત્તા મેળવવા માટે કરીએ છીએ અને છતાં આપણે ગર્વથી કહીએ છીએ કે આપણે ધાર્મિક છીએ. ના, આપણે ધાર્મિક ઓછા અને તકવાદી વધારે છીએ. ધર્મ એ માત્ર આપણા સ્વાર્થ પર પહેરાવવામાં આવેલો એક અત્યંત રિફાઈન્ડ અને સુંદર પોશાક છે.
જે માણસ ખરેખર અંદરથી પોતાની જાતને જોઈ લે, તેને પછી જિંદગીમાં ક્યારેય મંદિરની જરૂર નથી પડતી, તેને માત્ર એક અરીસાની જરૂર પડે છે, પણ અફસોસ અરીસાઓ ક્યારેય `કોસ્મિક ઇન્શ્યોરન્સ' નથી આપતા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો