રટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'

પ્રકરણ - 30

શિયન લેખક ટોલ્સ્ટોયે બાળપણ પરંપરાગત કાલીઘેલી ધાર્મિકતામાં વિતાવ્યું. જુવાનીમાં ભયંકર અય્યાશી-હિંસા-નશાખોરી `માણી'.

ભરીભાદરી ઘરગૃહસ્થી ભોગવી અને લેખક તરીકે અસાધારણ ખ્યાતિ મેળવી. છેવટે પ્રૌઢાવસ્થામાં એમને આ બધું એટલું ત્રાસજનક લાગ્યું કે છેક આપઘાતના આરે પહોંચ્યા પછી એક તબક્કે ઇશ્વર પરની શ્રદ્ધામાં એમને આશાનું કિરણ દેખાયું. એટલે હતાશાને ખંખેરીને એ શ્રદ્ધાના પ્રદેશમાં પ્રવેશ્યા. આગળની વાત એમના શબ્દોમાં.

મને સમજાયું કે અમારું ભદ્ર લોકોનું જીવન અસલમાં જીવન છે જ નહીં. એટલે જો મારે ખરેખર જીવનને સમજવું હોય તો મારે સાદા શ્રમિકોનું જીવન સમજવું જોઈએ. મેં એ સમજવાની કોશિશ કરી કે આ બધા સામાન્ય રશિયન મનુષ્યો પોતાના જીવનને અર્થસભર કઈ રીતે બનાવે છે.

અને મને સામાન્ય લોકોની સમજ વિશે આવું કંઈક સમજાયું: પ્રત્યેક મનુષ્ય ઈશ્વરની ઈચ્છાથી જન્મે છે. ઈશ્વરે આપણને એવા ઘડ્યા છે કે માણસ યા તો પોતાના આત્માનો ઉદ્ધાર કરે અથવા એનો નાશ કરે. જિંદગીમાં માણસનું મુખ્ય કામ તેના આત્માનો ઉદ્ધાર કરવાનું છે. આત્માનો ઉદ્ધાર કરવો હોય તો આપણે ઈશ્વરે ચીંધેલા માર્ગ પર ચાલવું જોઈએ. ઇશ્વરે ચીંધેલા માર્ગ પર ચાલવા માટે આપણે ઇન્દ્રિયોનાં સુખ ટાળવાં જોઈએ, શ્રમ કરવો જોઈએ, પીડા વેઠવી જોઈએ અને ભલા-નમ્ર બનવું જોઈએ. રશિયાના સામાન્ય લોકોએ એમના પાદરીઓ તથા પરંપરાઓ પાસેથી જે ધાર્મિક શિક્ષણ મેળવ્યું તેનો અર્થ આવો થતો હતો અને આ અર્થ તેમની વાતચીતોમાં, દંતકથાઓમાં અને વાર્તાઓમાં જોવા મળતો હતો.

આ અર્થ મને સમજાતો હતો અને મને પ્યારો પણ હતો.

પરંતુ એક મુશ્કેલી હતી. સામાન્ય માનવીઓના જીવનમાં ઉપર નોંધેલી સમજ ઉપરાંત (અંધશ્રદ્ધાને લગતી) કેટલીક એવી બાબતો પણ જોવા મળી જે મને સમજાતી નહોતી એ તો ઠીક, મને એની સૂગ પણ ચડતી હતી. છતાં મેં પરાણે મન મનાવ્યું કે ધાર્મિક ક્રિયાઓ છેવટે તો શ્રદ્ધાનો જ એક ભાગ છે. મૂળ ચીજ તો શ્રદ્ધા જ છે.

એટલે ધાર્મિક વિધિવિધાનો અને કર્મકાંડ વિચિત્ર લાગવા છતાં મેં એ બધું સ્વીકારી લીધું. હું ચર્ચની સર્વિસમાં ભાગ લેવા લાગ્યો. સવારે અને સાંજે પ્રાર્થના કરવા લાગ્યો. મેં ઉપવાસ શરૂ કરી દીધા. જિંદગીમાં પહેલીવાર હું તર્કને બાજુ પર રાખીને એવી-એવી ચીજો કરવા લાગ્યો જેની અગાઉ હું કલ્પના પણ નહોતો કરી શકતો. જે કર્મકાંડ વિશે અગાઉ હું એવું વિચારતો કે આ તો સાવ વાહિયાત અને નિરર્થક છે એના વિશે હવે હું એવું વિચારવા લાગ્યો કે મને ભલે એ કર્મકાંડ ન સમજાય, પણ એમાં કશોક એવો અર્થ છુપાયો હશે, જેના વિશે મારે શીખવું-સમજવું જોઈએ.

મેં મારી જાતને આવી રીતે સમજાવી: જેમ માણસ પોતે અને એની તર્કશક્તિ કોઈ ભેદી સ્રોતમાંથી જન્મે છે, એવી રીતે શ્રદ્ધાનું જ્ઞાન પણ ભેદી સ્રોતમાંથી જન્મતું હશે. આ સ્રોત છે ઈશ્વર. ઈશ્વર જ મનુષ્યનાં મન અને શરીરનું ઉદ્ભવ સ્થાન છે. ઈશ્વર માણસના શરીરને જેમ ધીમે ધીમે વિકસાવે છે એ જ રીતે એની વિચારશક્તિ અને સમજણને પણ એ ધીમે ધીમે વિકસાવે છે. એટલે મારી સમજના વિકાસના આ બધા તબક્કાઓ ખોટા ન હોઈ શકે. સામાન્ય લોકો જે કંઈ હૃદયપૂર્વક માને છે એ બધું સાચું જ છે. હા, એની અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે. છતાં જો મને આ બધા રીતરિવાજો અને કર્મકાંડોમાં કશુંક ખોટું જણાતું હોય તો એનો અર્થ એટલો જ થયો કે હું એને (એના હાર્દને, એની પાછળના લૉજિકને) સમજવામાં નિષ્ફળ ગયો છું.

મેં મારી જાતને આવી રીતે પણ સમજાવીઃ મૂળભૂત રીતે તો શ્રદ્ધા એ ચીજ છે જે માણસના જીવનમાં એક એવો અર્થ ઉમેરે છે જેને મૃત્યુ પણ ન મિટાવી શકે અને માણસના જીવન એકદમ અલગ અલગ છે. રશિયાનો રાજા દોમદોમ સાહ્યબી વચ્ચે મૃત્યુ પામે છે. કોઈ ઘરડો ગુલામ મજૂરી કરવાનો ત્રાસ વેઠે છે. એક બાળક સાવ નાદાન છે. કોઈ વૃદ્ધ સંત છે. કોઈ ડોશી અડધી ગાંડી છે. કોઈ યુવાન સ્ત્રી સુખી છે. કોઈ જુવાનિઓ ઉન્માદી છે. આવાં અનેક સ્થિતિ-સંજોગો-ભણતરથી ઘડાયેલા તમામ લોકો સામે ડાચું ફાડીને જે સનાતન પ્રશ્ન ઊભો છે તે એ છે કે હું શા માટે જીવું છું અને મારા જીવનનું છેવટે થશે શું? આ સવાલનો જવાબ તો તાત્ત્વિક રીતે એક જ હોવાનો, પરંતુ જુદા જુદા લોકો એ જવાબને જુદી જુદી રીતે વ્યક્ત કરતા હોય છે. એ બધી ચીજો (વિધિઓ-કર્મકાંડ-માન્યતાઓ-અંધશ્રદ્ધાઓ) એકદમ વિચિત્ર અને ભેજામાં ન ઊતરે તેવી હોઈ શકે. માણસ પોતાની શ્રદ્ધાને કઈ રીતે વ્યક્ત કરશે એનો આધાર એના ઉછેર અને સામાજિક પરિવેશ પર રહેલો છે. આવું બધું વિચારીને હું શ્રદ્ધા સાથે સંકળાયેલા રીતરિવાજો અને કર્મકાંડોને વાજબી ઠરાવવાની કોશિશો કરતો રહ્યો, પરંતુ મારા માટે એ પ્રયત્નો પૂરતા નહોતા. ભેદી અને શંકાસ્પદ લાગતી ધાર્મિક ક્રિયાઓ હું પૂરી નિષ્ઠાથી કરી શકું તેમ નહોતો. (ક્રમશઃ)

***

આ તો આસમાન સે ગિરા, ખજૂર પે અટકા જેવું થયું. ટોલ્સ્ટોયે એટલું તો સ્વીકાર્યું શ્રદ્ધા વિના ઉદ્ધાર નથી, પરંતુ શ્રદ્ધાની સાથે સંકળાયેલી અનેક દુન્યવી પરંપરાઓ અને ખાસ તો અંધશ્રદ્ધાઓ ટોલ્સ્ટોયના ગળે ઊતરી નહીં. એમણે સામાન્ય લોકોની સામાન્ય અંધશ્રદ્ધાઓની પાછળનાં કારણ-રહસ્ય-તર્ક સમજવાની ઘણી કોશિશ કરી, પરંતુ ધરમના નામ સાથે જોડાયેલી અનેક બાબતો એમના ભેજામાં ઊતરી. આવું માત્ર ટોલ્સ્ટોય સાથે જ નહીં, અનેક સેન્સિબલ શ્રદ્ધાળુઓ સાથે બનતું હોય છે. એ ભગવાનમાં તો માને, પરંતુ ભગવાનના નામે જે બધું ચાલે એ બધું સમજવામાં એને મુશ્કેલી પડી શકે. અમુક ધાર્મિક ક્રિયાઓ અને પરંપરાઓ કોઈ રીતે જસ્ટિફાઈ ન કરી શકાય ત્યારે ભલભલા આસ્થાળુના મનમાં એવા પ્રશ્નો જાગી શકે કે ધરમના નામે આ બધું ચાલી શું રહ્યું છે. શ્રદ્ધાળુની આ પ્રકારની કશ્મકશ વિશે વધુ આવતા અંકે.