મિડલ ક્લાસમાં માણસોમાં બદલો લેવાની ભાવના બહુ મોટી હોવાની. એણે મારું બગાડ્યું, હું એનું બગાડીશ. ફેમિલી મેમ્બર હોય, અડોશીપડોશી હોય, જ્ઞાતિબંધુ હોય કે પછી ઑફિસ સાથે સંકળાયેલા લોકો હોય. ક્યારેક તો કોઈ અજાણ્યો દુકાનદાર, રિક્ષાવાળો કે ટ્રેનનો સહપ્રવાસી પણ હોય. આમાંના કોઈકે તમારું કશુંક અહિત કર્યું કે તરત તમે એ વ્યક્તિને દાઢમાં રાખવાના અને ક્યાં તો એને તાત્કાલિક પછાડવા માટેનાં પગલાં લેવાના, ક્યાં પછી લાગ મળે ત્યારે એને બતાડી દેવાની ફિરાકમાં રહેવાના.
તમને ખબર જ નથી કે આવું કરવામાં તમારું કેટલું લોહી બળે છે. તમે કંઈ રાજા નથી અને તમારી પાસે રાજા જેટલી ફોજ નથી કે નથી મહારાજા તરીકેની એવી તમારી ફરજ કે તમે મોગલોના સૈનિકો સામે આજીવન લડતા રહો. તમારી લિમિટેડ એનર્જીને તમારે તમારી જિંદગીને સંવારવામાં વાપરવાની છે.
એક જમાનામાં સ્ટીમ એન્જિન આવતાં. ભઠ્ઠીમાં તાપ કરીને પાણી ઉકાળીને વરાળ પેદા થતી અને એ વરાળના ધક્કાથી એન્જિન ચાલતું, સાથે તમારા જેવા સેંકડો મુસાફરોનો ભાર ખેંચીને તમને યોગ્ય સ્થાને પહોંચાડતું. આ એન્જિનમાં એક સીટી રહેતી, આપણે એને પાવો કહેતા. એન્જિનનો એક વાલ્વ તારથી ખેંચીને વરાળને બહાર નીકળવાની જગ્યા ખોલો એટલે કૂકરમાં જેમ ધસમસતી સીટી વાગે એ રીતે એન્જિનનું ભોં ભોં વાગતું સંભળાય. હવે ધારો કે એન્જિન ડ્રાઇવરને આવો પાવો વગાડવાની મજા પડી ગઈ કે પછી આપણા જેવા ત્યાં ઊભેલાઓને ઈમ્પ્રેસ કરવા માટે એ કન્ટિન્યુઅસ પાવો વગાડ્યા જ કરે તો શું થાય? એક તબક્કે બધી વરાળ ખલાસ થઈ જાય, ગાડી ત્યાંની ત્યાં ઊભી રહે, એના ડેસ્ટિનેશન સુધી પહોંચે જ નહીં. મિડલ ક્લાસ માણસ પોતાનામાં સર્જાતી વરાળનો ઉપયોગ આગળ વધવામાં કરવાને બદલે પોતાની જીદને કે શોખને પૂરા કરવામાં વેડફી નાખતો હોય છે.
મિડલ ક્લાસ માણસોની એક ઔર આપત્તિ એ કે ક્યાં તો એ સતત દિવાસ્વપ્નો જોતો રહે છે ક્યાં પછી અત્યારના જીવનને કોસતો રહે છે. તમારે જો જ્વેલર તરીકે ખૂબ પૈસા કમાવવા હોય તો નાનકડા ગામમાં સોનીનો ધંધો કરવાથી કોઈ ભલીવાર વળવાનો નથી. ગામનું કમ્ફર્ટ છોડીને તમારે શહેરમાં જવું જ પડવાનું. નવી ઓળખાણો કરવી પડે. થોડો સમય પોતાનો ધંધો છોડીને કોઈને ત્યાં નોકરી કરવી પડે. સખત મહેનત કર્યા પછી પણ કોઈ ગેરંટી નથી કે તમે શહેરમાં ઝવેરાતનો શોરૂમ ખોલી શકશો કે નહીં. મોટાભાગના લોકો આવું જોખમ લેવાનું ટાળે છે. એટલે જ જેઓ આવાં જોખમો લે છે એની ગણના સાહસિકોમાં થતી હોય છે.
નાનપણમાં તમે ચાલવાનું જોખમ લીધું તો જ તમને ચાલતાં આવડ્યું. જોખમ ન લીધું હોત તો હજુય ચાર પગે જ ચાલતા હોત, જેમાં ગબડી જવાની સંભાવના ઘણી ઓછી હોત. નાનપણમાં મા-બાપે તમને આ જોખમ લેતાં શીખવ્યું. મોટા થયા પછી કમનસીબે મિડલ ક્લાસ કુટુંબોમાં આવું જોખમ લેતાં શીખવાડનારાઓ કોઈ હોતા નથી. ન તમારાં મા-બાપ, ન કાકા-મામા, ન કઝિન્સ,
ન મિત્રો. એટલું જ નહીં ભૂલેચૂકેય જો તમે આવું સાહસ કરવા ગયા કે તરત જ આ લોકો તમને આવા જોખમ સામે લાલ બત્તી ધરવાની પોતાની પવિત્ર ફરજ હોય એમ રોકી લે છે અને તમે પણ એકલા પડી જવાના ભયે એમની વાત માની લો છો. પોતાનાંઓની વાત ન માનીને, એમનો સાથ છોડી દઈને હું સાહસ કરવા જઈશ ને જો ઊંધે માથે પડીશ તો આ લોકોને હું કેવી રીતે મોઢું બતાવીશ. પછી આ લોકો મને તરછોડી દેશે તો. મિડલ ક્લાસ મેન્ટાલિટીમાં આવો ભાવ કેન્દ્રસ્થાને હોવાનો. તમને ખબર નથી કે ભગવાને તમને જન્મ આપ્યો છે તે આ દુનિયામાં આવીને તમે તમારું મનગમતું કામ કરીને એ કામને શ્રેષ્ઠ ઊંચાઈએ લઈ જઈ શકો તે માટે, નહીં કે તમારાં સગાંવહાલાંઓની સંકુચિત લાગણીઓને પંપાળવા.
મિડલ ક્લાસ મેન્ટાલિટીનું એક ઔર લક્ષણ એ કે કોઈ કામમાં એકવાર ફેલ ગયા, બહુ બહુ તો બીજીવાર નિષ્ફળ ગયા એટલે એ કામ છોડીને બીજું પકડવાનું. આપણને ખબર જ નથી હોતી કે પાંચ-પાંચ ફૂટના દસ કૂવા ખોદવાથી પેટ્રોલ અર્થાત્ ફ્રૂડ ઓઈલ નથી નીકળવાનું, પચાસ ફૂટનો એક કૂવો ખોદવાની ધીરજ ધરવી પડશે અને એય કેવી માનસિકતાથી? પચાસ ફૂટ ખોદ્યો પછી તેલ નીકળે તો નીકળે, ને કદાચ ન ય નીકળે. એટલું ચોક્કસ છે કે જો તેલ નીકળવાનું હશે તો પચાસ ફૂટ ઊંડે ગયા પછી જ નીકળશે, પાંચ પાંચ ફૂટના દસ તો શું સો કે હજાર કૂવા ખોદશે તોય નહીં નીકળે.
પતંગિયાની જેમ એક ફૂલ પરથી બીજા ફૂલ પર કૂદાકૂદ કરતાં હોઈએ એમ સત્તર જાતના ધંધા પર હાથ અજમાવી જોવાને બદલે થોડીક ટ્રાયલ એન્ડ એરર બાદ તમને જે કામમાં પેશન હોય તેને વળગીને રહેવું અને એમાં જ આગળ વધતાં રહેવું. એક વાત મેં મારા દાદા પાસેથી સાંભળેલી કે જે કામ તમે કરતા હો તેમાં આજે જે પરિણામ મળે તેનાં કરતાં કાલે જુદું પરિણામ આવે એ શક્ય છે. આજે જે કામમાં નિષ્ફળતા મળતી હોય કે જ્વલંત સફળતા ન મળતી હોય તો જરૂરી નથી કે કાલે પણ એમાં નિષ્ફળતા જ મળશે. તમારું કામ ભલે એનું એ હોય, પણ એનું પરિણામ જુદું હોઈ શકે છે.
મિડલ ક્લાસ મેન્ટાલિટીથી પર થઈ ગયેલા લોકો આ વાત સમજતા હોય છે અને એટલે જ તેઓ સફળતા ન મળે ત્યાં સુધી પોતાનું કામ છોડતા નથી, કરતાં જાળ કરોળિયોની જેમ વારંવાર ભોંય પર પછડાવા છતાં પ્રયત્નો ચાલુ રાખે છે. રિઅલ સફળતા આવા ખંતીલા કરોળિયાઓને જ પ્રાપ્ત થતી હોય છે.
લોકોને આમાં ગાંડપણ લાગે તો ભલે લાગે, પણ આ દુનિયાને આવા પાગલ લોકો જ આગળ લઈ જતા હોય છે.
છેલ્લી વાત. મિડલ ક્લાસ મેન્ટાલિટીના લોકો માટે રિયલ કામ કરવાની ઉંમર માત્ર છોકરાંઓ ભણીગણીને કામે લાગે ત્યાં સુધીની જ હોવાની. એક વખત સંતાનો કમાતાંધમાતાં થઈ જાય, પરણીને `સેટલ' થઈ જાય એટલે `બહુ થયું હવે, કેટલાં વર્ષ, ક્યાં સુધી ખેંચવાનું.' એવું કહીને નિવૃત્તિની તૈયારી કરવા માંડે. કામની સ્પીડ ઘટાડી નાખે, કામ માટેની પેશન ઘટાડી નાખે. તેઓ સમજતા નથી કે કાલે તમે હતા તેના કરતાં આજે તમારી ઉંમર મોટી છે એમાં તમારો ફાયદો છે, કારણ કે તમારી પાસે ગઈ કાલ કરતાં આજે વધારે અનુભવ છે અને આવતી કાલે તમે હશો એના કરતાં આજે વધારે યંગ છો, જેનો ફાયદો એ કે આજે તમારી પાસે વધારે એનર્જી છે, વધારે થનગનાટ છે આવતી કાલ કરતાં.
આવી માનસિકતા કેળવાય તો મિડલ ક્લાસ મેન્ટાલિટીને દૂર કરતાં વાર નહીં લાગે.
સાયલન્સ પ્લીઝ!
જે લોકો કહેતાં હોય કે પુસ્તકો વાંચવાનો ટાઈમ જ નથી મળતો, એ લોકો વાસ્તવમાં તો પુસ્તક વાંચવા માગતા જ નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
