ઘણા લોકો પોતાનાં પાલતુ જાનવરો માટે એસી, હીટર જેવી સુવિધા રાખતા હોય છે, તો કેટલાક લોકો તેમના માટે નાનાં ઘર પણ બનાવી આપતા હોય છે.
પરંતુ ચીનના જિંગ જિલેઇએ પોતાનાં પાલતુ પ્રાણીઓ માટે ટાઉનશિપ બનાવ્યું છે! જેમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોથી માંડીને લિફ્ટની પણ સુવિધા છે. એટલું જ નહીં, તેનાં પાલતુ પ્રાણીઓ માટે આધુનિક સોફા અને ટીવી, એસી અને ફ્રીઝની પણ સુવિધા રાખવામાં આવી છે. જિંગ જિલેઇનાં પાલતુ પ્રાણીઓમાં એક કૂતરો, ત્રણ બિલાડી, એક હેમસ્ટર અને એક કરોળિયાનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, જિંગે તેનાં પાલતુ પ્રાણીઓની સાઇઝ પ્રમાણેના જ રૂમ્સ, લિફ્ટ અને મેટ્રો બનાવી છે અને આ પાલતુ પ્રાણીઓ આ તમામ વસ્તુઓનો ઉપયોગ પણ કરી જાણે છે! જિંગે બનાવેલા આ ટાઉનશિપમાં સ્પા ઉપરાંત ગેમિંગ રૂમ અને સુપર માર્કેટ પણ બનાવ્યું છે. આ માર્કેટમાં તેની બિલાડીઓ જિંગ દ્વારા બનાવેલી મિનિ કારમાં અને હેમસ્ટર મિનિ સ્પોર્ટ્સ કારથી શોપિંગ કરવા તેમજ નાસ્તો કરવા જાય છે. ટૂંકમાં, જિંગે આખુંય કેટ ટાઉન ઓરિજિનિલ ટાઉનશિપની જેમ જ બનાવ્યું છે અને તે આ કેટ ટાઉનનું વીડિયો શૂટ કરીને સો. મીડિયામાં શેર પણ કરે છે.
પ્લાસ્ટિક વેસ્ટના બદલે ભરપેટ ભોજન
આજે આખું વિશ્વ પ્લાસ્ટિક વેસ્ટને લઇને ખૂબ જ પરેશાન છે. તેમ છતાં પ્લાસ્ટિક પ્રતિબંધ પર કોઇ કડક પગલાં લેવામાં આવતાં નથી. જોકે, ભારતનાં કેટલાંક રાજ્યોનાં શહેરો તેમજ ગામડામાં પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે વાંસની વસ્તુઓ મોટેભાગે વપરાય છે. જેમાં બોટલ, બેગ, બાસ્કેટ, કબાટ, થાળી-વાટકાં-ચમચી અને બોક્સ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે છત્તીસગઢના અંબિકાપુરમાં એક એવું કેફે જોવા મળે છે, જે પ્લાસ્ટિકના બદલામાં તમને ભરપેટ ભોજન આપે છે. આ કેફેનું નામ `ગાર્બેજ કેફે' છે. મૂળ આ ગાર્બેજ કેફે વર્ષ 2019માં ચાલુ કરવામાં આવ્યું હતું. તેનો લાભ ઘણા લોકો અહીં લઇ રહ્યા છે. ગુજરાતના દાહોદમાં પણ વર્ષ 2020માં એક કેફે ખોલવામાં આવ્યું હતું, જ્યાં પ્લાસ્ટિક વેસ્ટના બદલામાં ચા અથવા કોફી આપવામાં આવતી હતી. આ સિવાય દિલ્હીમાં પણ વર્ષ 2019માં જ પ્લાસ્ટિક દૂષણને ડામવા માટે બે ફૂડ કોર્ટે એક રેસ્ટોરાંની શરૂઆત કરી હતી જેનું નામ પણ `ગાર્બેજ કાફે' રાખવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે પંજાબના એક જિલ્લામાં પ્લાસ્ટિકને બદલે ખાવાનો ગોળ આપવામાં આવે છે.
3.969 કિલોગ્રામનું રીંગણ તમે જોયું?
તમે નાનપણમાં `રાજા ખાય રીંગણા'ની વાર્તા સાંભળી જ હશે! જેમાં રાજા રોજ રીંગણાં ખાવાનું પસંદ કરે છે અને પછી રીંગણાંનો અતિરકે થાય છે અને રાજા રીંગણાં ખાવાનું બંધ કરે છે. રીંગણ માત્ર ભારતમાં જ નહીં દેશ વિદેશમાં પણ ખવાય છે. રીંગણનો ઉપયોગ પિઝામાં પણ કરવામાં આવે છે. આમ તો રીંગણાંની સાઇઝ સામાન્ય હોય છે, પરંતુ અમેરિકાની એક વ્યક્તિએ એટલું મોટું રીંગણ ઉગાડ્યું છે કે, તેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા એરિક ગનસ્ટ્રોમ નામના ખેડૂતે બિલાડીના વજનનું રીંગણ ઉગાડ્યું છે. તેણે ઉગાડેલા રીંગણનું કુલ વજન 3.969 કિગ્રા હતું. નોંધનીય છે કે, `ગ્રેટ પમ્પકિન કોમનવેલ્થ'ના મસમોટાં ફળ અને શાકભાજીના નિષ્ણાતોની ટીમે આ રીંગણને બારીકાઇથી તપાસીને તેનું પરફેક્ટ માપ લઇને તેનો સમાવેશ મોટા રીંગણની યાદીમાં કર્યો અને તેની નોંધ ગિનીસ રેકોર્ડમાં લેવામાં આવી. ખેડૂત એરિકે આ રીંગણ માટે ઘણી મહેનત કરી હતી, કારણ કે વર્ષની શરૂઆત ભીના અને ઠંડા તાપમાન સાથે થઇ હતી. આગળ જતાં ભીષણ ગરમી પણ પડી હતી અને તોફાન પણ આવ્યાં હતાં. તેમ છતાં તે મસમોટું રીંગણ ઉગાડવામાં સફળ રહ્યો હતો.