ગત સપ્તાહે અહીં લેક મનોન અને લેક ન્યોસના પેટાળમાં CO2 ગેસ ભરાવાથી થયેલા વિનાશક વિસ્ફોટની વાત કરેલી. દુર્ઘટના તો થતા થઇ ગઈ, પણ એનો ઉકેલ કઈ રીતે કાઢવામાં આવ્યો, એની વાતેય થવી જોઈએને!

ન્યોસ લેકની દુર્ઘટનામાં તળાવને તળિયે ભેગો થયેલો એક લાખથી ત્રણ લાખ ટન જેટલો કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ થયો હતો! આટલો ગેસ ભેગો થવામાં વર્ષો લાગ્યાં હશે અને જ્યારે ઇ.સ. 1986માં પ્રેશર અત્યંત વધી ગયું, ત્યારે બ્લાસ્ટ થયો હશે! વળી, આ બ્લાસ્ટ કંઈ આખરી નહોતો. લેક ન્યોસમાં દુર્ઘટના ઘટી, એ સાથે જ બધો કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ થઇ ગયો, પણ ભૌગોલિક પરિસ્થિતિને કારણે થોડા જ સમયમાં ફરીથી ગેસ ભરાવા માંડ્યો. વળી, આ ગેસ વાર્ષિક 80 મોલ/વર્ગ મીટર જેટલા ઊંચા દરે જમા થઇ રહ્યો હતો! આ આંકડો બહુ મોટા રેડ ફ્લેગ સમાન ગણાય.

પ્રમાણમાં CO2 ગેસ તળાવને તળિયે ભેગો થતો હતો, એ જોતાં થોડા વર્ષો બાદ ફરી કોઈ મોટી દુર્ઘટના નિશ્ચિતપણે આકાર લેત. 10થી માંડીને 30 વર્ષે આવી ઘટના પુનરાવર્તિત થશે, એવો અંદાજ વિજ્ઞાનીઓએ મૂક્યો. વળી, ભવિષ્યમાં લેક ન્યોસ જ નહિ, પણ વિશ્વમાં અન્ય સ્થળોએ પણ આવી ઘટના ન બને એ માટે શરૂઆતથી જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની તૈયારી જરૂરી હતી, પણ તળાવની આ `ગેસ ટ્રબલ'નું નિવારણ શું? હજી તો માનવજાત પોતાના પેટમાં પેદા થતા ગેસને કંટ્રોલ નથી કરી શકતી, ત્યાં તળાવના પેટમાં જઈને...

જોકે, વિજ્ઞાનીઓ આવી સસ્તી રમૂજ પર ધ્યાન આપ્યા વિના એક પછી એક સોલ્યુશન્સ વિચારવા માંડ્યા. એક ઉપાય એવો હતો કે તળાવમાં ધડાકો થાય એની રાહ જોયા કરવાને બદલે આપણે જ સામે ચાલીને કંટ્રોલ કન્ડિશનમાં તળાવને તળિયે બોમ્બ ફોડવો! જેથી માનવનિર્મિત ધડાકાને પગલે તળાવના પેટમાં ભેગો થયેલો કાર્બન ડાયોક્સાઈડ ગેસ રિલીઝ થઇ જાય અને તળાવની તબિયત નોર્મલ થઇ જાય, પણ આ ઉપાય અત્યંત જોખમી સાબિત થાય એમ હતો. એક તો ખાસ્સી ઊંડાઈ ધરાવતા લેક ન્યોસની દીવાલો પ્રમાણમાં નબળી, વળી ઉપર જણાવ્યું એમ ગેસ ભરાવાની ક્રિયા તો નિરંતર ચાલ્યા જ કરતી હોય. એટલે નિયત કરેલાં વર્ષોના અંતરાલે બોમ્બ ફોડતા રહેવું પડે. એ સંજોગોમાં તળાવની દીવાલોને નુકસાન થયા વિના રહે નહિ. ગણતરી કરતાં સમજાયું કે વિજ્ઞાનીઓ 40 મીટર (131 ફૂટ) જેટલી ઊંચાઈ (એટલે કે તળાવની ઊંડાઈ) ધરાવતી દીવાલ બોમ્બ ધડાકાના આઘાતથી ધસી પડે એમ છે. ઇન ધેટ કેસ, પાણીનો વિશાળ જથ્થો અનિયંત્રિત પૂરમાં રૂપાંતર પામે અને આસપાસના વિસ્તારોને તબાહ કરી નાખે! ગેસ ટ્રબલનો ઈલાજ કરવામાં કંઈ પેટ થોડું ફાડી નખાય? એટલે આ ઉપાય પર ચોકડી મારવામાં આવી.

આખરે નવેમ્બર, 1986ની શરૂઆતમાં ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ પાઇપનો પ્રસ્તાવ મૂક્યો. પાઈપ દ્વારા નિયંત્રિત વાતાવરણમાં ગેસને તળાવના પેટાળમાંથી બહાર ખેંચી લેવાનો હતો. આ મુદ્દે બ્રેઈનસ્ટોર્મિંગ ચાલતું રહ્યું. આર્થિક તંગી અને તળાવના વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે ચાર ગરણે ગાળીને પાણી પીવું પડે એવી સ્થિતિ હતી. આખરે 2001માં સૌથી પહેલી પાઈપ લેક ન્યોસના પેટાળમાં ઉતારવામાં આવી.

આ રીતે તળાવને ગેસમુક્ત કરવાની પ્રક્રિયા `ડિગેસિંગ' તરીકે ઓળખાય છે. લેક ન્યોસના ડિગેસિંગ માટે તળાવના તળિયા સુધી પહોંચે એટલી 666 ફૂટ ઊંડાઈ સુધી પાઈપ નખાઈ, જેનો વ્યાસ (ડાયામીટર) હતો 15 સેન્ટિમીટર (6 ઈંચ). પાઈપનો એક છેડો જેવો તળિયે પહોંચ્યો કે ભારે દબાણ હેઠળ રહેલું પાણી પાઈપમાં ઉપર ચડવા માંડ્યું અને જે છેડો તળાવની સપાટી ઉપર ખુલ્લી હવામાં હતો, એમાંથી શેમ્પેઈન જેવું ફીણ ઊછળીને બહાર આવ્યું. બસ, વૈજ્ઞાનિકોને આ જ તો જોઈતું હતું. તળાવના તળિયેથી પ્રેશર નિયંત્રિત સંજોગોમાં બહાર નીકળી જાય તો ભવિષ્યમાં કોઈ મોટો વિસ્ફોટ થવાની સંભાવના જ ન રહે. આ સાથે આપેલ ફોટો જુઓ. અનુક્રમે 2001 અને 2003માં પાઈપમાંથી ઊડતા ફુવારા ફોટામાં દેખાય છે. ગેસના ભારે દબાણને કારણે પહેલાં જ્યાં ફુવારો 45 મીટર ઊંચે સુધી જતો હતો, ત્યાં 2003 સુધીમાં મોટા ભાગનો ગેસ રિલીઝ થઇ ગયા બાદ માત્ર 5 મીટર જેટલી ઊંચાઈ સુધી જ જતો દેખાય છે.

આ પદ્ધતિ વડે લેક ન્યોસને 80 ટકા જેટલા ઊંચા સ્તર સુધી ગેસમુક્ત કરી દેવાયું છે. તેમ છતાં હજીય જોખમ સંપૂર્ણપણે ટળી ગયું છે એમ તો ન જ કહી શકાય. મોટા ભૂકંપ અથવા ભૂસ્ખલન જેવી મોટી ઊર્જાનો પૂરતો ઇનપુટ મળી જાય તો તળાવના તળિયે ફરીથી કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં અચાનક મોટો ઉછાળ આવી શકે છે. આ સંજોગોમાં તળાવમાં વધુ એક વિનાશક વિસ્ફોટની સંભાવના ખરી. એટલે જ વિજ્ઞાનીઓ બને એટલી ત્વરાથી ગેસ ઉલેચતા રહે છે.

લેક મનોનના ડિગેસિંગ માટે પણ આ જ ઉપાય અજમાવવામાં આવ્યો. લેક મનોનના તળાવમાં ત્રણ પાઇપ છે. જે પૈકી એક 2003માં અને બે 2006માં સ્થાપિત કરવામાં આવી છે. આ તળાવ લગભગ સંપૂર્ણપણે ગેસમુક્ત થઈ ગયું હોવાનો વિજ્ઞાનીઓનો દાવો છે. ભવિષ્યમાં અહીં વિસ્ફોટની કોઈ શક્યતા જણાતી નથી. અહીં ખૂબીની વાત એ છે કે વિજ્ઞાનને સહારે કુદરતી આફતો સામે આગોતરું ડિઝાસ્ટર મેનેજમેન્ટ થઇ શક્યું છે. ભવિષ્યમાં વિનાશક પૂર જેવી આફતો સામે પણ ડિવોટરિંગ માટેની સચોટ પદ્ધતિ શોધાઈ જાય તો કેવું સારું!