પહેલાં તો ખુદની નજર પર વિશ્વાસ બેઠો નહોતો, પણ જે હતી તે નરવી ને નઘરોળ હકીકત હતી.   

 મોડી રાત્રિએ નીલમ નવરાત્રીનું જીવંત પ્રસારણ જોવા બેઠી હતી. તેમાં પેટ જણ્યા દીકરા સાથે એક યુવતીને જોઈ હતી અને વળતી પળે તેના દિલોદિમાગમાં ઊથલપાથલ મચી ગઈ હતી.   

 નીલમને થયું હતું, `મારે ખરી હકીકત જણાવી દેવી જોઈએ, કારણ કે ધાવણનો સંબંધ ક્યારેય નંદવાવો જોઈએ નહીં', પણ વચ્ચે સણસણતો સવાલ ઊભો થયો હતો: `સાચું કહી તો દેવું, પણ કોને?'   

સાચું કહેવામાં એક સાંધતા તેર તૂટે એમ હતા. ભીતરના ભંડકિયામાં વર્ષોથી સાચવી રાખ્યું હતું તે જાહેર કરવાનું હતું.   

પણ હકીકત જાહેર કરવાથી તે વખતે દીકરાના બાપે એટલે કે નીલમના પતિએ કરેલી શંકાને સમર્થન મળે એવું હતું. તેની શંકાની આગથી બાગ જેવા સંસારને સળગાવી દઈ ઘર કાયમ માટે છોડી દીધું હતું.   

એ આ દેખ્યાનું દુઃખ છે, નજરે ભાળ્યાનું ઝેર છે. દીકરાને એ છોકરી સાથે જોયો જ ન હોત તો આ પ્રશ્ન પેદા ન થાત.    

`સહન થતું હોય ઇ થાય, બાકી શંકા કરે, ચારિત્ર્ય પર કાદવ ઉછાળે, ન સહેવાય ને એક પળેય સાથે ન રહેવાય.' નીલમ ત્યારે તંગ થઇ લગ્નજીવનના છેલ્લા પગથિયે આવીને ઊભી રહી ગઈ હતી.   

નીલમને લગ્ન બાદ સંતાનમાં દીકરો હતો. તેના જન્મ પછી છૂટાછેડા લીધા હતા. તેનું કહેવું હતું: `કોઈના ધાવણા છોરુંનું પેટ ભરાવવા જાવું એ તો પુણ્યનું કામ કહેવાય.' નીલમને પીડાની પરાકાષ્ઠા આવી ગઈ હતી: `ને એમાં પાપ દેખાતું હોય, તો ભાગ્ય મારાં ને તમારાં બીજું શું.'   

હા, જે બહેનપણીને ઘેર જતી હતી તેના પતિ સાથે જે તે સમયે ગમતું ને ફાવતું હતું તે જુદી વાત હતી, પણ એ બધું ભૂંસાઇ ને ભુલાઈ ગયું હતું. ત્યાં કલ્પનામાં પણ ન આવે એવી નવતર હકીકત સામે આવીને ઊભી રહી હતી. ફરી પાછું પીડાના એ પ્રદેશમાં પ્રવેશી જવાયું હતું. રુઝાયેલા ઘાવ કે ગૂમડા પર ફરી વળેલું ભીંગડું ઊખડે ને મૂળ કરતાં બમણી પીડા થાય એવું નીલમને થયું હતું.   

જ્યારે છૂટાછેડા પછી ઘર છોડવાની નોબત આવી હતી ત્યારે નીલમ નહોતી ડહોળાઇ એટલી આ નિર્ણય લેવામાં ડહોળાઇ ગઈ હતી. ગાંડાઘેલી થઇ ગઈ હતી.   

આ હકીકત કહેવી કોને? આ સવાલ અણસમજુ છોકરા જેમ પગ પછાડે, વધુ કાગારોળ કે ધમપછડા કરે ત્યાં જ જાણે જવાબ જડી ગયો હતો: `એના બાપને કહી દેવાનું. બીજા કોને?' પછી મક્કમતાથી બોલી હતી: `ઘા તો થડ પર કરવાનો હોયને.' પાછો સવાલ થયો હતો: `તું જેનું મોં જોવા તો શું, પડછાયો લેવાય માગતી નથી, એ ભૂતપૂર્વ પતિને સામેથી કહેવા જઈશ', પણ જવાબ જાતે શોધી લીધો હતો: `હા, મારા ધાવણ ખાતર.' વળી થયું હતું: `પણ એ છોકરીની ખરાઇ કરી લેવી પડે.'   

નીલમ માટે આ સવાલ નહોતો પણ સમજણ હતી. પોતે જે ધારે છે તે છોકરી ન હોય તો આ મહાભારત માંડવાની જરૂર નથી. પછી તો જે હોય તે, રાજાને ગમતી રાણી ને છાણા વીણતી આણી.   

 `હુંય કેવી અભાગી કે વેતા વગરની મા છું, પેટ પડ્યા દીકરાનેય ઓળખી ન શકી!'   

છૂટાછેડા પછી ક્યારેક અલપઝલપ જોવા મળતો દીકરો યુવાન થઇ ગયો હતો. જ્યારે શ્રેષ્ઠ ખેલૈયા તરીકે ટીવીમાં જોવા મળ્યો ત્યારે તો ગાંડાઘેલી થઇ ગઈ હતી. હરખનો કોઈ પાર રહ્યો નહોતો. ઝડપથી ઊભી થઇ ઘરમાં અકારણ જ આંટો વાઢી ગઈ હતી. જાણે ખુદ ગરબે રમતી હોય.   

એકલી જ બોલી ઊઠી હતી: `ભલેને એના બાપ ભેગો રહે, પણ મારું પેટ છે.' ત્યાં સવાલ થયો હતો: `એ દીકરો તારો છે, પણ એ દીકરી કોની છે?' છોકરીનો અણસાર ઊડીને આંખે વળગ્યો હતો. આપોઆપ ઓળખાઈ ગઈ હતી.   

તે બહેનપણીની છાતી સાવ સૂકલ હતી, દીકરીના પેટ પૂરતું પણ ધાવણ આવતું નહોતું.   

 `હું એની દીકરીનું પેટ ભરાવવા જાઉં છું', પણ કમળો હોય એને પીળું જ દેખાયને?   

છોકરીની ખરાઇ કરવા માટે પાડોશીના છોકરાને બોલાવ્યો હતો. બહેનપણીની એ છોકરીનું આખું નામ આપી, પ્રોફાઇલ ખોલાવી જોઈ હતી. બસ, જેને પોતે છાતીએ વળગાડી પેટ ભરાવ્યું હતું તે દીકરી જ હતી.   

નીલમે કોઈને નહીં પણ ફોન કરી ખુદની બહેનપણીને કહી દીધું હતું: `આપણાં દીકરો-દીકરી સાથે ગરબા રમવાથી આગળ ન વધે.' પછી કહી દીધું હતું: `મેં ધવરાવ્યાં છે, તેમનાં લોહીમાં મારું ધાવણ છે. બહેન-ભાઈ કહેવાય.' પછી આગળ બોલી નહોતી.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો