Fumbling એ આજની ડેટિંગ સંસ્કૃતિનો એકદમ લોકપ્રિય શબ્દ છે, જે અમેરિકન ફૂટબોલથી આવ્યો છે. જ્યાં એક ખેલાડી હાથમાં આવેલા દડાને લાપરવાહીથી કે તણાવમાં નીચે પાડી દે છે. મતલબ કે એની પાસે ગોલ બનાવવાની તકની પૂરી શક્યતા હોવા છતાં એ ગુમાવે છે. સંબંધોમાં પણ બધું જ બરાબર હોવા છતાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ખાસ કારણની સ્પષ્ટતા આપ્યા વિના પોતાના જીવનથી દૂર કરી દે છે. મતલબ કે એક સારા પાર્ટનરને પોતાની બેવકૂફી અને અપરિપક્વતાને કારણે છોડી દેવાની ઘટનાને ફમ્બલિંગ કહેવાય છે.

આપણી આજુબાજુ અનેક યુવક-યુવતીઓ રિલેશનશિપમાં જોવા મળે છે. બંને પાર્ટનર વચ્ચે બધું બરાબર ચાલે છે. અચાનક એક દિવસ ખબર પડે છે કે છોકરીએ છોકરાને ક્લોઝર આપ્યા વિના જ સંબંધનો છેડો ફાડી નાંખ્યો. શરૂઆતમાં મેસેજનો જવાબ ન આપવો, ફોન ન લેવો અને પછી અચાનક મળવાનું બંધ કરી ગાયબ થઇ જવું અથવા તો એક નાનકડો સંબંધોને પૂરો કરતો મેસેજ મૂકીને સામી વ્યક્તિને મૂંઝવણમાં મૂકીને ગાયબ થઇ જવું. સાથે જીવવાનાં-વિકસવાનાં સપનાં જોયાં હોય અને પાર્ટનરમાં કોઇ ખામી ન હોય એમ છતાં ફમ્બલિંગની ઘટનાઓ કેમ બને છે? પ્રથમ દૃષ્ટિએ આ ગાંડપણ કે અનિર્ણાયત્મકતા લાગે, પરંતુ વાસ્તવમાં એ ભૂતકાળના અનુભવો અને માનસિક સંઘર્ષનું પરિણામ પણ છે.

ફમ્બલિંગનું પ્રથમ મનોવૈજ્ઞાનિક કારણ આત્મઘાતી વ્યવહાર છે. જ્યારે કોઇ વ્યક્તિને એવું લાગે કે પોતે મારા પાર્ટનરના પ્રેમ માટે લાયક નથી, તો તે અજાણ્યે સંબંધો તૂટી જાય એવું વર્તન કરે છે. પાર્ટનર પોતાના કરતાં વધુ સક્ષમ અને પ્રભાવક હોય તો એ લઘુતાગ્રંથિ અનુભવે છે. લઘુતાગ્રંથિથી મનમાં શંકા અને શંકામાંથી અસલામતી આવે. સંબંધો ખૂબ આગળ વધે અને પછી દુઃખી થવું પડે એનાં કરતાં પહેલાં જ ખસી જવું એમને યોગ્ય લાગે છે. તેઓ કોઇ સ્પષ્ટતા એટલા માટે નથી કરતા કે પોતાની નબળાઇ અને ડર પાર્ટનર સમક્ષ જાહેર કરવા નથી ઇચ્છતા. એક ઉદાહરણ લઇએ. ગ્રંથ અને રુચિકા બે વર્ષથી ડેટિંગ કરતાં હતાં. ગ્રંથ સિમ્પલ અને રુચિકા તેજ. આમ જુઓ તો બે વિરોધી ધ્રુવો વચ્ચે આકર્ષણ પણ હોય અને બંને એકબીજાનાં પૂરક પણ બની શકે. બે વર્ષમાં રુચિકા ગ્રંથ કરતાં કરિયરમાં ઘણી આગળ નીકળી ગઇ. હવે ગ્રંથને લાગવા માંડ્યું કે પોતે રુચિકાને લાયક નથી. એની જરૂરિયાતો એ પૂરી નહીં કરી શકે અથવા તો રુચિકાને એ ખુશ નહીં રાખી શકે. એટલે એણે પોતાની ટ્રાન્સફર લઇને રુચિકા સાથેની વાતચીત બંધ કરી સંબંધો આટોપી લીધા. અહીં ગ્રંથે એ પણ ન વિચાર્યું કે રુચિકા એની સાથે ખુશ નહોતી તો એ બે વર્ષથી સંબંધોમાં કેમ હતી? દરેક વ્યક્તિ પાર્ટનર તરીકે પોતાના જેવી જ વ્યક્તિ નથી શોધતી હોતી. પોતાનામાં જે ન હોય એ બાબતો પાર્ટનરમાં શોધનારી વ્યક્તિઓ ઘણી હોય છે. મહત્ત્વાકાંક્ષી વ્યક્તિને સરળ, બુદ્ધિશાળીને લાગણીશીલ અને બહુ સ્માર્ટ વ્યક્તિને એવરેજ વ્યક્તિમાં જિંદગીની-સંબંધોની સ્થિરતા લાગતી હોય છે, પરંતુ ફમ્બલિંગ કરનારી વ્યક્તિ આ વાત ભૂલી જાય છે. કેટલાક લોકો પ્રેમ-લાગણી-સ્નેહ તો ઇચ્છે છે, પરંતુ સંબંધોનું ઉંડાણ એમને અકળાવે છે. પોતાની આઝાદી છીનવાતી લાગે છે. સંબંધો સાથે ગુમાવવી પડતી આઝાદી એમને મંજૂર નથી. આઝાદી ખોવાના ડરથી તેઓ પાર્ટનરથી દૂરી બનાવે છે. આવી વ્યક્તિ સ્વકેન્દ્રિત હોય છે. પ્રેમનું સમર્પણ, સહનશીલતા, જતું કરવું કે બીજાની લાગણીને પોતાની ઉપર મૂકવાનું એમને ફાવતું નથી. એમનામાં પ્રતિબદ્ધતાનો અભાવ હોય છે. પ્રેમ નિભાવવાનું સામ્થર્ય ઓછું હોવાથી સંબંધોમાંથી નીકળી જવું એમને બહેતર લાગે છે. ત્રીજા પ્રકારના લોકો વધુ બહેતર વિકલ્પના ભ્રમમાં જીવે છે. સામી વ્યક્તિ સારી હોવા છતાં એમને લાગે છે કે તેઓને વધુ સારી વ્યક્તિ મળશે. વર્તમાનમાં જે સંબંધો છે એની કદર તેઓ કરી શકતા નથી અને ફિઅર ઓફ મિસિંગ આઉટના વહેમમાં વર્તમાન સંબંધ તોડી નાંખે છે.

બીજું, એક સ્વસ્થ અને ઊંડાણભર્યા સંબંધ માટે પ્રયાસ, જવાબદારી અને વાસ્તવિક વાતચીતની જરૂર હોય છે. ભાવનાત્મક રીતે અપરિપક્વ લોકો આ જવાબદારીથી ભાગે છે. તેઓ શરૂઆતમાં તો પ્રેમનો દેખાવ કરે છે, પરંતુ જ્યારે સંબંધ નિભાવવાની વાત આવે ત્યારે રફુચક્કર થઇ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે ફમ્બલિંગ કરનારને થોડા જ સમયમાં પોતાની ભૂલને અહેસાસ થાય છે. આવી વ્યક્તિ -

અહંકારી હોય છે.

બીજાની પરવા નથી હોતી.

પ્રેમસંબંધ માટેની ગંભીરતા નથી હોતી.

સંબંધોમાં આવતા પડકારોથી ડરે છે.

લઘુતાગ્રંથિ અનુભવે છે.

ફમ્બલિંગ કરનાર વ્યક્તિએ હંમેશાં યાદ રાખવું જોઇએ કે -

અગર સામી વ્યક્તિ સારી છે તો એને છોડવાને બદલે એની પાસેથી તમારે સારું શીખવું જોઇએ.

પોતાની ખામીઓ પર કામ કરવું જોઇએ.

સારા લોકોએ કોઇની લાંબી રાહ નથી જોવી પડતી. તમે સંબંધોને અલવિદા કરશો તો એ તમારી રાહ નહીં જુએ. એમને પણ સ્વમાન હોય છે.

તમે એવી વ્યક્તિને ગુમાવો છો જે બેસ્ટ હતી.

તમને તમારી ભૂલ સમજાય ત્યારે ખૂબ મોડું થઇ ચૂક્યું હોય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો