આવખતે વાયુના પ્રકોપથી થતા એક રોગનો સંક્ષિપ્ત પરિચય કરાવવાનો ઉપક્રમ છે. આયુર્વેદના ગ્રંથોમાં આ વ્યાધિને `ગૃધ્રસી' લોકવ્યવહારમાં `રાંઝણ' અને અંગ્રેજીમાં `સાયટિકા' કહેવામાં આવે છે.

આ રાંઝણનો દુખાવો એક વિશેષ પ્રકારની અનુભૂતિ કરાવે છે. કમરના ત્રીજા-ચોથા-પાંચમા મણકાથી ચાલુ થઇ નિતંબનો મધ્ય ભાગ, ઉરુ, જાનુ-સાથળ, પિંડીથી છેક પગની પાની સુધી પગની પાછળના ભાગે આ દુખાવો થાય છે. જેના લીધે પગમાં જકડાટ, તાણ અને સોય ભોંકાતી હોય એવી તીવ્ર વેદના થાય છે. આયુર્વેદીય સિદ્ધાંત પ્રમાણે વાયુના પ્રકોપ વગર દુખાવો-વેદના થાય નહીં. એટલે જ વાયુના 80 પ્રકારના રોગોમાં આ ગૃધ્રસી-સાયટિકાનો પણ સમાવેશ થાય છે.

કમરના મણકાની ગાદી ખસી જવાથી આ વિકૃતિની ઉત્પત્તિ થાય છે. આ રોગની ઉત્પતિનાં મૂળભૂત કારણોમાં પડી જવું, કંઈ વાગવું, ઘોડેસવારી, વાહનમાં પછડાવું, કબજિયાત, શીતળ વાયુનું સેવન, ગાંઠ-ટ્યૂમર, ડાયાબિટીસની વિષતા, કમરનાં હાડકાંઓ કે મણકાના રોગો, સખત પરિશ્રમ, પગ ખાડામાં પડવો, વાગવું, ખેંચાવું વગેરે ગણાવાય છે.

આ રાંઝણ-સાયટિકાનો દુખાવો કમર અને નિતંબથી શરૂ થઈને પગની પાછળના ભાગમાં સાથળ, પિંડી અને છેક પાની સુધી જાય છે. આ વ્યાધિનો પ્રારંભ પગના પાછળના ભાગમાં ઝણઝણાટી અને શૂન્યતા-જડતાથી થાય છે. ત્યાર પછી કોઈ પણ સમયે તેના તીવ્ર દુખાવા વખતે અંદર કંઇક ચીરાતું હોય, ભોંકાતું હોય, દબાતું હોય એવી વેદના થાય છે. ઊઠવા-બેસવાથી, ચાલવાથી, સૂવાથી, હસવાથી, ઉધરસ ખાવાથી આ દુખાવો વધી જાય છે. રોગી એક તરફ નમીને લંગડાતો ચાલે છે. આક્રાંત ભાગ તરફ શરીર થોડું નમી જાય છે. આ રોગ સાથે પાછળની પેશીઓનો-સ્નાયુઓનો ક્ષય-હ્રાસ જોવા છે.

ઉપચાર

આયુર્વેદીય ચિકિત્સા દર્દીની દૈહિક પ્રકૃતિ, દોષ, રોગનો પ્રકાર, ઋતુ, બળ વગેરે બાબતો ધ્યાનમાં રાખી પ્રયોજાય છે.

ગૃધ્રસી `વાયુ' દોષ પ્રધાન રોગ હોવાથી `માત્રા બસ્તી'નું વિશેષ મહત્ત્વ છે. એકાંતરે દિવસે અથવા દર ત્રીજે દિવસે અડધો કપ જેટલા એરંડિયા તેલની સવારે મળ પ્રવૃત્તિ પછી ડાબા પડખે સૂઈને ધીમેથી માત્રા બસ્તી અથવા ડૂશ લેવો. માત્રા બસ્તીને લઘુ એનિમા પણ કહી શકાય.

નગોડના તેલની નીચેથી ઉપર તરફ બંને પગ પાછળ અને કમરની પાછળ હળવા હાથે માલિશ કરીને શેક કરવો. સિંધવાદિ તેલ, મહાવિષગર્ભ તેલ કે મહાનારાયણ તેલથી પણ માલિશ કરી શકાય.

મહારાસ્નાદિ કવાથ : અડધા કપની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે પીવો.

નગોડ, આકડો, એરંડો, ધતૂરો જેવાં પર્ણો મળે તેને સહેજ તલનું તેલ લગાડી, ગરમ કરી, દુખાવાના મૂળ સ્થાન પર મૂકી પાટો બાંધવો.

ત્રયોદશાંગ ગૂગળની બે-બે ગોળી સવારે અને રાત્રે જમ્યા પછી લેવી.

વાયુ વધારે એવા આહારવિહારનો ત્યાગ કરવો. ઉભડક અને પલાંઠી વાળીને બેસવું નહીં. સાઇકલ ચલાવવી નહીં. સીધા નીચે કમરમાંથી વાંકા વળવું નહીં. ટૂંટિયું વાળીને સૂવું નહીં. પાટ ઉપર ચત્તું અને સીધું સૂવું.