મહાભારતના `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને રાજધર્મ અને જીવનનાં અનેક પાસાંઓ વિશે જે જ્ઞાન આપ્યું, તેમાંથી એક અતિ મહત્ત્વપૂર્ણ વિષય છે ક્રાઈસિસ મેનેજમેન્ટ.
એટલે કે સંકટ વ્યવસ્થાપન. ભીષ્મ કહે છે કે, એક સફળ લીડર એ નથી જે ફક્ત સુખ-શાંતિના સમયમાં રાજ્યનું સંચાલન કરી શકે, પરંતુ સાચો લીડર એ છે જે કપરા સંજોગો અને અચાનક આવી પડેલા સંકટનો સામનો કુશળતાપૂર્વક કરી શકે. યુદ્ધભૂમિના આ મહાન યોદ્ધાએ યુધિષ્ઠિરને શીખવ્યું કે સંકટ કોઈને પૂછીને આવતું નથી, પરંતુ સમજદાર લીડર હંમેશાં તેના માટે તૈયાર રહે છે.
ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે કે, સંકટની પરિસ્થિતિમાં સૌથી પહેલું કામ છે શાંતિ અને સ્થિરતા જાળવવી. જ્યારે કોઈ મુશ્કેલી આવે, ત્યારે ગભરાઈ જવાથી કે ડરી જવાથી પરિસ્થિતિ વધુ વણસી જાય છે. લીડરે પોતે શાંત રહીને પોતાની ટીમ કે પ્રજાને આશ્વાસન આપવું જોઈએ. જેમ ઘોર અંધકારમાં દીવો શાંતિથી જલતો રહે છે અને રસ્તો બતાવે છે, તેમ લીડરે સંકટના સમયમાં પ્રકાશસ્તંભ બનીને માર્ગદર્શન આપવું જોઈએ. ભીષ્મ કહે છે કે, મનની અસ્થિરતા એ શત્રુ કરતાં પણ વધુ ભયજનક છે, કારણ કે તે અયોગ્ય નિર્ણયો તરફ દોરી જાય છે.
સંકટ વ્યવસ્થાપનનો બીજો મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે સચોટ માહિતીનો સંગ્રહ અને વિશ્લેષણ. ભીષ્મ પિતામહ ભાર મૂકીને કહે છે કે, કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવતા પહેલાં તેની મૂળભૂત જાણકારી મેળવવી અનિવાર્ય છે. જેમ કોઈ વૈદ્ય રોગનું નિદાન કર્યા વગર દવા આપતો નથી, તેમ લીડરે પણ પરિસ્થિતિને પૂરી રીતે સમજ્યા વગર કોઈ પગલું ભરવું ન જોઈએ. આ માટે લીડરે પોતાના વિશ્વસનીય સૂત્રો, ગુપ્તચરો અને નિષ્ણાતો પાસેથી માહિતી એકત્ર કરવી જોઈએ. ભીષ્મ કહે છે કે, ઘણી વાર સંકટ નાનું હોય છે, પણ ખોટી માહિતીને કારણે તે મોટું લાગે છે, તેથી દરેક બાબતની પુષ્ટિ કરવી અને તેનું યોગ્ય વિશ્લેષણ કરવું અત્યંત જરૂરી છે.
આગળ ભીષ્મ યુધિષ્ઠિરને આયોજન અને પૂર્વતૈયારી વિશે સમજાવે છે. તેઓ કહે છે કે, એક દાવપેચથી જ સફળતા મળતી નથી. સંકટનો સામનો કરવા માટે લીડરે અનેક સંભવિત પરિણામો વિશે વિચારવું જોઈએ અને તે મુજબની યોજનાઓ તૈયાર રાખવી જોઈએ. જેમ યુદ્ધમાં સેનાપતિ એક નહીં, પરંતુ અનેક વ્યૂહરચનાઓ તૈયાર રાખે છે, તેમ લીડરે પણ સંકટને પહોંચી વળવા માટે અલગ અલગ વિકલ્પો તૈયાર રાખવા જોઈએ. ભીષ્મ કહે છે કે, જે લીડર સંકટ આવે ત્યારે જ વિચારવા બેસે છે, તે ક્યારેય સફળ થતો નથી. સફળતા એ જ લીડરને મળે છે જે દૂરંદેશી હોય અને ભવિષ્યની મુશ્કેલીઓ માટે વર્તમાનમાં જ તૈયારી રાખે. આ પૂર્વતૈયારીમાં સંસાધનોની ઉપલબ્ધતા, માનવબળની તાલીમ અને આર્થિક વ્યવસ્થાપનનો પણ સમાવેશ થાય છે.
પિતામહ ભીષ્મ ભારપૂર્વક જણાવે છે કે, સંકટના સમયમાં લીડર માટે સહાનુભૂતિ અને સંકુલન જાળવવું પણ એટલું જ આવશ્યક છે. જ્યારે પ્રજા કે ટીમ મુશ્કેલીમાં હોય, ત્યારે લીડરે કઠોર નહીં, પરંતુ દયાળુ અને સહાનુભૂતિપૂર્ણ બનવું જોઈએ. લોકોનો વિશ્વાસ જીતવો એ લીડરની સૌથી મોટી શક્તિ છે. ભીષ્મ કહે છે કે, જે રાજા પ્રજાના દુઃખમાં ભાગીદાર બને છે, તે જ સાચા અર્થમાં રાજા ગણાય છે. જોકે, આ સહાનુભૂતિ લાગણીઓના પ્રવાહમાં વહી જવાની નિશાની નથી, પરંતુ એક સંતુલિત અને તટસ્થ દૃષ્ટિકોણ જાળવવાની નિશાની છે. લીડરે લાગણીઓને કાબૂમાં રાખીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ભીષ્મ કહે છે કે, જે રીતે નદી પોતાનો પ્રવાહ બદલે છે, પણ પોતાની દિશામાં આગળ વધતી રહે છે, તેમ લીડરે પરિસ્થિતિ અનુસાર વર્તવું જોઈએ, પરંતુ પોતાના મૂળ સિદ્ધાંતોને ક્યારેય છોડવા ન જોઈએ.
આધુનિક સમયમાં જ્યાં સંકટ જુદા સ્વરૂપે આવે છે, જેમ કે આર્થિક સંકટ, કુદરતી આફતો કે સામાજિક વિસંવાદિતા, ત્યાં પણ ભીષ્મની આ સલાહ પ્રસ્તુત રહે છે. એક લીડર તરીકે આત્મનિયંત્રણ, સચોટ માહિતીનું વિશ્લેષણ, પૂર્વઆયોજન અને સહાનુભૂતિનો સમન્વય અત્યંત જરૂરી છે. ભીષ્મ યુધિષ્ઠિરને આપેલો આ ઉપદેશ માત્ર મહાભારતના કાળ પૂરતો સીમિત નથી, પરંતુ તે દરેક યુગના લીડર માટે એક અમૂલ્ય વારસો છે. તે શીખવે છે કે, સંકટનો સામનો કરવો એ કોઈ શક્તિનું પ્રદર્શન નથી, પરંતુ તે ધીરજ, સમજદારી અને વિવેકબુદ્ધિની કસોટી છે. જે લીડર આ કસોટીમાં ખરો ઊતરે છે, તે જ સાચા અર્થમાં તેના લોકોનો વિશ્વાસ અને સન્માન જીતી શકે છે. ભીષ્મની આ સલાહનો સારાંશ એ છે કે, સંકટ એ લીડરની શક્તિનો માપદંડ છે અને તેનો સામનો કરવા માટે તૈયારી અને ધીરજ સૌથી મોટાં હથિયાર છે.
