હવાઈ મુસાફરી આપણો ઘણો સમય બચાવી લે છે. દેશ-વિદેશના ખૂણેખૂણા સુધી હવે ફ્લાઈટથી સરળતાથી પહોંચી શકાય છે. વધારે પડતું અંતર હોય ત્યારે તો લોકો ફ્લાઈટ ઉપર જ પસંદગી ઉતારે છે. મોટાભાગના લોકોએ વિમાનમાં મુસાફરી કરી હશે. તેમને ખ્યાલ હશે કે કોકપિટમાં બે પાઈટલ હોય છે. જેમાંથી એક ફ્લાઈટ કેપ્ટન અને બીજો કો-પાઇલટ હોય છે. હવે એક સવાલ જરૂર થાય કે જ્યારે એક જ પાઇલટ સંપૂર્ણપણે વિમાનને નિયંત્રિત કરી શકે છે તો પછી બાજુમાં બેઠેલો બીજો એટલે કે કો-પાઇલટ કેમ હોય છે? શું કોઈ ફ્લાઈટ કો-પાઇલટ વગર ઉડાન ભરી શકે?

પાઇલટ અને કો-પાઇલટ કોણ હોય છે?

વિમાન જ્યારે પણ ઉડાન ભરવા માટે તૈયાર હોય છે ત્યારે તેમાં ક્રૂ મેમ્બરની સાથે પાઇલટ અને કો-પાઇલટ પણ હોય છે. પાઇલટ અને કો-પાઇલટ બંને ફ્લાઈટના સંચાલનમાં સંપૂર્ણપણે પ્રશિક્ષિત હોય છે અને તેમને મોટેભાગે દરેક પરિસ્થિતિમાં ઉડાન ભરવાનો અનુભવ હોય છે. જોકે, પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે અનુભવમાં ઘણું અંતર હોય છે. પાઇલટનો અનુભવ કો-પાઇલટ કરતાં વધારે હોય છે. ઉડાન દરમિયાન કો-પાઇલટ, ફ્લાઈટ કેપ્ટન(પાઇલટ)ની મદદ કરતો હોય છે.

કો-પાઇલટની જવાબદારીઓ

કો-પાઇલટ ફ્લાઈટ ઊડે તે પહેલાં મોસમની સ્થિતિનું નિરીક્ષણ કરે છે.

તે વિમાનના ટેક ઓફ પહેલાં ફ્લૂલ, નેવિગેશન સિસ્ટમ, વજન અને અન્ય બાબતોની તપાસ કરે છે.

વિમાન ઊડે તે પહેલાં તે એર ટ્રાફિકને જુએ છે.

વિમાન ઊડે તે પહેલાં કો-પાઇલટ યોગ્ય રૂટ ચકાસી લે છે.

ફ્લાઈટ ઊડે તે પહેલાં જરૂર પડે તો તે વૈકલ્પિક હવાઈમથકની યોજના બનાવે છે.

પ્લેનની ઉડાન દરમિયાન તે મુસાફરો અને કેબિન ક્રૂ સાથે વાત કરે છે.

કો-પાઇલટ કેપ્ટનની સાથે મળીને ફ્લાઈટને સુરક્ષિત રીતે ઉડાવે છે. ઉડાન દરમિયાન તે કેપ્ટનની જરૂરી એવી બધી જ મદદ કરે છે.

જો ક્યારેક જરૂર જણાય તો કો-પાઇલટ સંપૂર્ણપણે ફ્લાઈટની જવાબદારી ઉઠાવે છે.

ઉડાન દરમિયાન તે વિમાનની વિવિધ પ્રણાલીઓ, નેવિગેશન અને સંચાર ઉપકરણોનું મોનિટરિંગ કરે છે.

વિમાનના લેન્ડિંગ પછી કો-પાઇલટ વિમાનના પ્રદર્શન અને સુરક્ષા અંગે કેપ્ટનને જાણકારી આપે છે. કો-પાઇલટનું કામ શું હોય છે?

એરલાઈન્સ કંપનીઓની સૌથી મોટી જવાબદારી પોતાના મુસાફરોની સુરક્ષા હોય છે, તેથી વિમાનમાં બધાના સિક્યોરિટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખવામાં છે. તેમાં કો-પાઇલટનો સમાવેશ થાય છે. એક રીતે કો-પાઇલટ મુસાફરો માટે એક્સ્ટ્રા સિક્યોરિટી લેયરની જેમ કામ કરે છે. ઉડાન દરમિયાન કો-પાઇલટ વિમાનની અન્ય બાબતોનું સતત ધ્યાન રાખે છે અને એ ખાતરી કરે છે કે બધું જ બરાબર છે કે નહીં. તે એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક જાળવે છે. આ સિવાય નેવિગેશનની જવાબદારી પણ સંભાળે છે.

આ કારણથી ફ્લાઈટમાં કો-પાઇલટની જરૂર હોય છે

તમે વિચારતા હશો કે જે કામ કો-પાઇલટ કરે છે, તેને પાઇલટ પણ વિમાન ઉડાવતી વખતે કરી શકે છે તો કો-પાઇલટની જરૂર કેમ હોય છે? વાસ્તવમાં વિમાનમાં કો-પાઇલટની હાજરી ફ્લાઈટને સુરક્ષિત રીતે ગંતવ્ય સુધી પહોંચાડવા માટે હોય છે. જો યાત્રા દરમિયાન પાઇલટને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી પડે અને તે ફ્લાઈટને ઉડાવવા માટે અસમર્થ બની જાય તો આવી સ્થિતિમાં કો-પાઇલટ ફ્લાઈટને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે અને વિમાનને ગંતવ્ય સુધી પહોંચાડે છે.