ચગાવવા માટે મુદ્દો જોઈતો હોય છે અને ફ્રાન્સમાં આયોજિત G-7 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન ચગાવવાનો મુદ્દો હતો. ટ્રમ્પનાં પગલાં પાડવા લાલ જાજમ બિછાવવામાં આવી ન હતી. જોકે, G-7 એક મંચ છે જ્યાં આ પ્રકારના પ્રોટોકોલનો ઉપયોગ થતો નથી. સામાન્યતઃ આખા વિશ્વના લોકોના દિમાગમાં `રેડ કાર્પેટ' અને `નેતાઓ' તેમજ `હસ્તીઓ'ના દિમાગમાં `રેડ કાર્પેટ વેલકમ' વિશેષ મહત્ત્વ ધરાવે છે. `લાલ જાજમ સ્વાગત' એક પરંપરાગત અભિવ્યક્તિ છે, જેનો ઉપયોગ મહેમાન પ્રત્યે હૂંફ, સ્નેહ અને ઊંડો આદર દર્શાવવા માટે થાય છે. `રેડ કાર્પેટ પાથરી દો'નો અર્થ ભવ્ય આતિથ્ય અને કોઈને VIP તરીકે માન આપવું, તેમના પ્રવેશને યાદગાર અને મહત્ત્વપૂર્ણ બનાવવો એવો થાય છે. પરંપરાગત રીતે ઔપચારિક પ્રસંગોએ રાષ્ટ્રના વડાઓ દ્વારા લેવામાં આવતા માર્ગને ચિહ્નિત કરવા માટે લાલ જાજમનો ઉપયોગ કરવામાં આવે છે.   

સાહિત્યમાં `રેડ કાર્પેટ'નો સૌથી જૂનો ઉલ્લેખ ઈ.સ. પૂર્વે 458માં એસ્કિલસ દ્વારા લખાયેલા `એગામમેમન' નાટકમાં જોવા મળે છે. જ્યારે આ નાટકનું મુખ્ય પાત્ર ટ્રોયથી પાછું ફરે છે, ત્યારે તેની પત્ની ક્લાઇટેમનેસ્ટ્રા તેનું સ્વાગત કરે છે અને તેને ચાલવા માટે લાલ રંગનો માર્ગ પ્રદાન કરે છે. નાટક પછી રેડ કાર્પેટ દેવતાઓ અને રાજાઓ બંને સાથે સંકળાયેલું બન્યું. કલામાં, ચિત્રોમાં રાજવીઓના સિંહાસન અને મહેલો સુધી જતા લાલ કાર્પેટ જોઈ શકો છો. આનું કારણ એ છે કે લાલ રંગ લાંબા સમયથી પ્રતિષ્ઠા, રાજવીપણા અને કુલીનતા સાથે સંકળાયેલો છે. લાલ રંગ સૌથી કીમતી રંગ હતો, કારણ કે તે બનાવવાનું સૌથી મુશ્કેલ અને સૌથી મોંઘું હતું.  

જોકે, નાટકના રંગ વિશે વિવાદ છે, કેમ કે લાલ રંગ પહેલાં, જાંબલી રંગ હતો, જે મોંઘા રંગદ્રવ્યને કારણે દુર્લભ રંગ માનવામાં આવતો, `ટાયરન જાંબલી'ને 1453માં બાયઝેન્ટાઇન સામ્રાજ્યના પતન પછી શાહી રંગ તરીકે વર્ણવવામાં આવ્યો. જેને ગ્રીકો `બ્લાટા' કહે છે, જેનો અર્થ `જામેલા લોહીનો રંગ' થાય છે. ઇંગ્લેન્ડમાં એલિઝાબેથ યુગ (1558-1603)માં જાંબલી રંગને કાયદા દ્વારા સત્તાવાર રીતે શાહી બનાવવામાં આવ્યો હતો, જેમાં જાંબલી રંગ ફક્ત રાજવીઓ માટે અનામત રાખવામાં આવ્યો હતો. આને સમ્પ્ચ્યુરી કાયદા કહેવામાં આવતા હતા અને ઇંગ્લેન્ડમાં વિવિધ સામાજિક વર્ગો દ્વારા કયા રંગો, કાપડ અને કપડાં પહેરી શકાય તેનું નિયમન કરવામાં આવતું હતું. (બોલો, આ લોકો આપણને વર્ણભેદ/રંગભેદના નામે બદનામ કરે છે!)  

સમય જતાં રાજવી પરિવાર દ્વારા વપરાતો જાંબલી રંગ વધુ ને વધુ લાલ થતો ગયો. 19મી સદીમાં લાલ રંગ મોભા, દરજ્જા, પ્રતિષ્ઠાનું પ્રતીક હતું. `રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ'નો ઉદ્ભવ 1902માં ધ ન્યૂયોર્ક સેન્ટ્રલ રેલવે 20મી સદી લિમિટેડ પેસેન્જર ટ્રેન (જેમાં ફર્સ્ટક્લાસ સેવા હતી અને તે ગ્રાન્ડ સેન્ટ્રલ ન્યૂયોર્કથી શિકાગો સુધી દોડતી હતી)માં ચઢતા મુસાફરોને દિશામાન કરવા માટે ઉપયોગમાં લેવાયો ત્યારથી પ્રચલિત થયો.  

ગ્રીસથી સમગ્ર વિશ્વમાં રેડ કાર્પેટનો પ્રવાસ થયો. આધુનિક સમયમાં રેડ કાર્પેટનો સૌપ્રથમ દસ્તાવેજીકૃત ઉપયોગ યુએસથી થયો છે, જ્યાં 1821માં તત્કાલીન રાષ્ટ્રપતિ જેમ્સ મનરો માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું. 17 એપ્રિલ, 1961ના રોજ 33મા એકેડેમી એવોર્ડ્સમાં પહેલી વાર રેડ કાર્પેટ પાથરવામાં આવ્યો, જેના પર અભિનેતાઓ અને અભિનેત્રીઓએ ભવ્ય પ્રવેશ કર્યો. ભારતમાં ઉચ્ચ પ્રતિષ્ઠિત વ્યક્તિનું સ્વાગત કરવા માટે સૌપ્રથમ ક્યારે લાલ જાજમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ચોક્કસ નથી, પરંતુ 1911માં તત્કાલીન વાઇસરોય લોર્ડ હાર્ડિંગે નવા તાજ પહેરાવેલા રાજા જ્યોર્જ પંચમનું લાલ જાજમ પર સ્વાગત કર્યું હતું. ત્યારથી જ ભારતમાં મહાનુભાવો અને સેલિબ્રિટીઓનું સ્વાગત કરવા માટે લાલ જાજમ બિછાવવાની પ્રથા પ્રચલિત છે. રાજ્યસભા (ઉપલા ગૃહ)માં પણ લાલ જાજમ બિછાવાય છે જ્યારે લોકસભા (નીચલા ગૃહ) લીલા જાજમથી કામ કરે છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો