વર્ષ 2000, જૂન મહિનાનો સમય, રાજકોટ-મોરબી હાઇવે પર ખુશનુમાં સવાર હતી, પરંતુ વાતાવરણમાં એક વિચિત્ર ગંધથી ચાની કીટલીઓ પર ઊભેલા લોકો પરેશાન થઈ રહ્યા હતા.
પવનની સહેજ નાની અમથી લહેરખી આવે અને એક ભયંકર દુર્ગંધ ફેલાઈ જાય. લોકોને થયું કે હાઇવે પર કોઇ જનાવર ટ્રક નીચે આવીને મરી ગયું હશે! એટલે કોઈએ બહુ ધ્યાન ન આપ્યું, પણ થોડીવારમાં જ રસ્તે રખડતાં કૂતરાં લોહીથી લથબથ કોથળાઓને ચીરફાડ કરવા આમતેમ ખેંચવા લાગ્યાં. આ ખેંચતાણથી કોથળાનું મોઢું ફાટીને સહેજ ખૂલી ગયું અને માનવ શરીરનું એક અંગ કોથળામાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયું. નજીકના લોકોએ આ ઘટના જોઈ અને તરત જ કૂતરાંઓને કોથળાથી દૂર હટાવ્યાં. મૃતદેહની આશંકા સાથે પોલીસને જાણ કરવામાં આવી. આ વાત આગની જેમ હાઇવે પરના ગામ માળિયામાં ફેલાઈ ગઈ. પોલીસ પહોંચે એ પહેલાં માળિયા ગામના લોકોનું ટોળું સ્થળ પર પહોંચી ગયું. તીવ્ર દુર્ગંધની વચ્ચે પોલીસે તપાસ કરી અને જાણવા મળ્યું કે કોથળામાં માનવ અંગો હતાં, પરંતુ સંપૂર્ણ મૃતદેહ નહોતો.
આ દર્દનાક કહાની છે એક એવા સંબંધની કે જે સમાજને ક્યારેય સ્વીકાર્ય નહોતો થવાનો. ભરજવાનીમાં વિધવા થયેલી બે સંતાનની માતાને સહવાસ જોઈતો હતો. જ્યારે તેના પ્રેમીને વાસનાની ભૂખ હતી. વિધવા મહિલા પ્રેમની તો પ્રેમી પૈસાનો ભૂખ્યો હતો. મહિલાનું નામ હતું રંજનબહેન શુક્લ, જેઓ જામનગરના અત્યંત જાણીતા એડવોકેટ કે. પી. શુક્લનાં પત્ની હતા. એડવોકેટ કે. પી. શુક્લનું નિધન થતાં તેઓ વિધવા થયાં હતાં અને ત્યારબાદ તેઓ પોતાનાં બે માસૂમ સંતાનો 12 વર્ષનો પુત્ર દેવદત્ત અને 8 વર્ષની પુત્રી અવનિ સાથે જામનગરના `શ્રી સદન' મકાનમાં એકલાં રહેતાં હતાં. પતિના આકસ્મિક અવસાન બાદ રંજનબહેન પર આખા ઘરની જવાબદારી અને બાળકોના ભવિષ્યની ચિંતા આવી પડી હતી, પરંતુ આ સમયમાં તેમને એક સહારો મળી ગયો. એ સહારો હતો ભવનભાઈ ભીખુભાઈ સોઢા. એડવોકેટ કે. પી. શુક્લ એ ભવાન સોઢાનો કેસ લડી રહ્યા હતા. આ કારણોસર ભવાન અવારનવાર એડવોકેટના ઘરે જતો રહેતો હતો. આ સમયમાં ભવાન અને રંજનની નજર એક થઈ અને પ્રેમના અંકુરો ફૂટ્યા. એડવોકેટના આકસ્મિક નિધન બાદ બંનેના પ્રેમસંબંધને વેગ મળ્યો. રંજન પાસે શ્રી સદન નામના મકાન ઉપરાંત મુંગણી ગામે ખેતીની જમીન અને મકાન હતાં. લાખાબાવળમાં પણ એક મકાન હતું. આ બધી સંપત્તિની કિંમત એકાદ કરોડ જેટલી થતી હતી. ભવાનની નજર આ સંપત્તિ પર હતી.
ભવાન ધીરે-ધીરે રંજન પાસેથી હજારો રૂપિયા પડાવવા લાગ્યો હતો અને તેણે રંજનના ઘરમાં જ દારૂની ભઠ્ઠી પણ શરૂ કરી દીધી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી રંજનના વર્તનમાં આવેલા બદલાવને કારણે તે મૂંઝવણમાં હતો. તેને એ સમજાતું નહોતું કે રંજન કેમ અચાનક બદલાઈ ગઈ છે. 12 જૂન, 2000ની એ રાત્રે ભવાન રાબેતા મુજબ તેની પ્રેમિકા રંજનના ઘરે `શ્રી સદન'માં જ હતો અને બંને મકાનના ચોથા માળની અગાસીમાં સૂતાં હતાં. એકાંતનો લાભ લઈ ભવાને રંજન પાસે શરીરસુખની માંગણી કરી, પરંતુ રંજને તેને ધુત્કારી કાઢતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે તારામાં કંઈ દમ રહ્યો નથી. રંજનનાં આ કડવાં વેણ સાંભળતાં જ ભવાનનો પિત્તો ગયો. તેને લાગ્યું કે આ તેનું ઘોર અપમાન છે અને હવે રંજન તેને છોડીને કોઈ બીજા પાસે જતી રહેશે. આ શંકા અને ક્રોધમાં તે ભાન ભૂલ્યો. ભવાન હંમેશાં પોતાની પાસે એક ધારદાર ગુપ્તી રાખતો, તેથી આવેશમાં આવીને તેણે તરત જ ગુપ્તી ઉઠાવી રંજન પર હુમલો કરી દીધો. માતાની આક્રંદભરી બૂમો સાંભળીને રંજનનાં સંતાનો, દેવદત્ત અને અવનિ સફાળા જાગી ગયાં અને દાદર ચડીને સામે આવ્યાં. આ સમયે રંજનનાં બંને બાળકો પુત્રી અવનિ (ઉ.વ. 15) અને પુત્ર દેવદત્ત (ઉ.વ. 9) પણ ઘરમાં જ હોઈ પોતાની માતાની હત્યાના પ્રત્યક્ષદર્શી સાક્ષી બની ગયાં હતાં. આથી પુરાવાનો નાશ કરવા ભવાને બેરહેમીપૂર્વક બંને માસૂમ બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધાં. હત્યા બાદ ભવાને મૃતદેહના ટુકડા કર્યા અને ખાતરની ખાલી કોથળીમાં ભરી સફેદ મારૂતિમાં રાજકોટ જિલ્લાનાં માળિયા પાસે ફેંકી આવ્યો.
હવે જ્યારે રાજકોટ પોલીસને મૃતદેહોના ટુકડાઓ મળ્યા ત્યારે તેમણે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં, રાજકોટના તત્કાલિન એસ.પી. અજયકુમાર તોમરે આ કેસ તત્કાલીન પી.એસ.આઈ. ડી. એચ. પરમારને સોંપ્યો. પરમાર સાહેબનું બાતમીદારોનું નેટવર્ક બહુ જ સ્ટ્રોંગ હતું. શરૂઆતમાં કોઈ નક્કર પુરાવાઓ ન મળતાં પોલીસની તપાસ આગળ ન વધી શકી, પરંતુ એક મોડી રાત્રે અચાનક જ પી.એસ.આઈ. પરમાર સાહેબને મૃતદેહો જે કોથળામાં ભર્યા હતા એ કોથળો યાદ આવ્યો. એમણે એ કોથળો મંગાવ્યો અને કોથળાને બારીકાઈથી તપાસ કરતાં જણાયું કે કોથળા પર `જામનગર મેરીટાઇમ બોર્ડ' એવું લખ્યું છે. પાંચ દિવસમાં પહેલીવાર પોલીસને કોઈ નક્કર દિશા મળી હતી. પહેલીવાર આ હત્યાકાંડમાં તપાસની સોય હવે જામનગર તરફ વળી હતી. આ સમયે જામનગરના પોલીસ વડા સતીશ વર્મા હતા. જામનગરના પોલીસ અધિકારીઓ ટ્રિપલ મર્ડર કેસની તપાસમાં જોતરાઈ ગયા. તેમણે પણ બાતમીદારોને બોલાવી ટ્રિપલ મર્ડર અંગે તપાસ શરૂ કરી હતી. એક બાતમીદારે પોલીસને એવી માહિતી આપી કે, `એક વ્યંઢળે કહ્યું છે કે શ્રી સદન નામના બંગલામાં કોઈનું મર્ડર થયું છે.'
પોલીસ તાબડતોબ શ્રી સદન બંગલે પહોંચી અને આસપાસ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે અહીંયાં રંજન શુક્લ રહે છે, પરંતુ તે કેટલાક દિવસોથી દેખાયાં નથી. પોલીસે બંગલાનું તાળું તોડ્યું અને દરવાજો ખૂલતાંની સાથે જ એક વિચિત્ર દુર્ગંધે પોલીસ કર્મીઓનું સ્વાગત કર્યું. પી.એસ.આઇ. ગઢવી સમજી ગયા કે, અહીંયાં ખરેખર કોઈ ખૂની ખેલ ખેલાયો હોવો જોઈએ. પોલીસને ઘરમાં લોહીના ડાઘા દેખાયા અને જ્યારે પોલીસ રસોડામાં પહોંચી અને ફ્રીઝ ખોલ્યું ત્યારે ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. ફ્રીઝમાં બે બાળકોનાં કપાયેલાં માથાં પડ્યાં હતાં. પોલીસને નીચેના રૂમમાંથી દેશી દારૂ ગાળવાનાં સાધનો મળ્યાં. નશો કરવાની વસ્તુઓ પણ મળી આવી. બીજા દિવસે સવારે એફ.એસ.એલ.ની પ્રાથમિક તપાસમાં કેટલાંક માનવ અંગો ગુમ હોવાનું ખૂલ્યું. રાજકોટ પોલીસને જાણ કરાઇ અને માળિયા પાસે કોથળામાંથી મળેલાં માનવ અંગોના એફ.એસ.એલ. રિપોર્ટ સાથે લઇ આવવા કહેવાયું. એફ.એસ.એલ.ની તપાસમાં જાણવા મળ્યું કે, માળિયાના પુલ નજીક મળેલાં માનવ અંગો શ્રી નિવાસ બંગલોમાંથી મળેલા અવશેષો એક જ મૃતદેહના છે. આખરે પોલીસે કન્ફર્મ કર્યું કે રંજનબહેન શુક્લ, તેમના દીકરા દેવદત્ત અને દીકરી અવનિની હત્યા કરવામાં આવી છે.
પાડોશીઓ પાસેથી પોલીસને જાણવા મળ્યું કે, ભવાન સોઢા નામનો વ્યક્તિ અવારનવાર રંજન શુક્લને મળવા માટે આવતો હતો. પોલીસ કળી ગઇ કે નક્કી આ હત્યાકાંડમાં ભવાન સોઢાનો હાથ છે, કારણ તે અગાઉ પણ અનેક ગુનામાં પકડાઇ ચૂક્યો હતો. ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા ભવાનને બપોર
સુધીમાં જામનગરમાંથી જ શોધી કઢાયો. ભવાને પોલીસને એમ કહ્યું કે અશોક ચપ્પાએ ખૂન કર્યું હોવાની આશંકા છે, પરંતુ પોલીસ જાણતી હતી કે, અશોક ચપ્પા એ ભવાન સોઢાનો કટ્ટર દુશ્મન છે અને છેલ્લા ત્રણ મહિનાથી એ જેલના સળિયા પાછળ છે, તો પછી તે હત્યા કેવી રીતે કરે? એટલે હવે આ મામલો સાફ હતો કે ભવાન સોઢાએ જ આ કૃત્યોને અંજામ આપ્યો છે.
પોલીસે ભવાનની કડક પૂછપરછ કરી અને ભવાને પોતાનો ગુનો કબૂલ કર્યો કે આવેશમાં આવીને તેણે રંજન શુક્લ અને તેનાં બે બાળકો અવનિ અને દેવદત્તનું મર્ડર કર્યું હતું. પોલીસ તપાસમાં વધુ જાણવા મળ્યું કે, સમગ્ર કેસ હવે ઉકેલાઈ ગયો હતો, પરંતુ એક કડી હજુ જોડવાની બાકી હતી. બાતમીદારને મળેલા વ્યંઢળને શ્રી નિવાસ બંગલામાં હત્યા થઇ તે કેવી રીતે ખબર પડી તે વાત હજુ પોલીસ અધિકારીને ખૂંચી રહી હતી. આ વાતનો ઘટસ્ફોટ પણ ભવાન સોઢાએ પોતે જ કર્યો. ભવાને પોલીસને જણાવ્યું કે તે ચરસ, ગાંજા અને સ્ત્રી સહવાસ વિના રહી શકતો નહોતો. રંજન અને તેનાં સંતાનોની હત્યા કર્યાને પાંચેક દિવસ બાદ ફરી તેના શરીરમાં વાસના ભડકી ઊઠી હતી. આથી તે એક રાત્રે ચરસ-ગાંજાનો બંધાણી એવા એક પરિચિત વ્યંઢળને મળવા ગયો. પોતાની સાથે નશો કરવા માટે ભવાન એ વ્યંઢળને પણ શ્રી સદનના મકાનમાં લઈ આવ્યો. બંનેએ નશો કર્યો. ભવાને વ્યંઢળ પાસે શરીરસુખની માગણી કરી હતી, પરંતુ વ્યંઢળે ના પાડતાં ભવાન તેને ઉપરના રૂમમાં લઇ ગયો અને ફ્રીઝમાં બાળકોનાં માથાં દેખાડીને તેને ધમકી આપી કે, `તારા પણ આવા જ હાલ થશે!' ભવાને જેને ધમકી આપી હતી તે વ્યંઢળે અન્ય એક વ્યક્તિને આ બધી વાત કરી દીધી. આ વ્યક્તિ એટલે પોલીસનો બાતમીદાર. આમ, એક વ્યંઢળ પાસે થયેલી શરીરસુખની માગણીએ આખો કેસ ઉકેલી દીધો હતો.
પોલીસ તપાસ બાદ આરોપીને જામનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એના આધારે કોર્ટે આ કેસને `રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવ્યો હતો અને ભવાન સોઢાને ફાંસીની સજા, તેના પુત્રને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. જેલવાસ ભોગવી રહેલા ભવાનને કેન્સર થતાં તેણે ફાંસીની સજા રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2018માં મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હાલ 71 વર્ષનો ભવાન રાજકોટ મધ્યસ્થ જેલના સળિયા પાછળ જિંદગી વિતાવી રહ્યો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
