`બાપુ!' દીકરીએ પૂછ્યું હતું: `ડોક્ટરે એમ કેમ કહ્યું હતું કે, તમારે એક જ કિડની છે?'

ઘોર અંધારી રાતના છાબા મળી ગયા હતા. જનજીવન જંપી ગયું હતું. ગામની સૂનકાર શેરીમાં રડવડતાં કૂતરાંઓની રંભાડ સિવાય કાંઇ સંભળાતું નહોતું. આવા વસમા ને વિજોગી વખતે આયખાના આખરી શ્વાસ ઘૂંટી રહેલા બાપને ખાટલાની ઇંચ પર બેસીને દીકરી વારંવાર એક જ સવાલ પૂછતી હતી: `બાપુ! તમારી બીજી કિડની કેમ નથી?' સામે સાગરપેટો બાપ કાંઇ જવાબ આપતો નહોતો. તેમની ખાબોચિયા જેવી આંખો આંસુથી ઊભરાવા લાગી હતી. પલંગની પડખે બેસી રહેલી માતાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવાના વરસાદ જેવા આંસુ ખરવા લાગ્યાં હતાં. મા-બાપના જવાબ વિહોણી દીકરી પારાવાર દુઃખ અનુભવતી અવઢવમાં અટવાવા લાગી હતી. બાપુને એક કિડની નથી ને બીજી એક છે તે બગડી હતી. જે હવે લાંબું ખેંચે એમ નથી. જો બીજી કિડની હોત તો કદાચ બાપુના આયખામાં ઉમેરો થાત.

`બાપુ! પણ આવું કેમ બને?' દીકરી વળીવળીને પૂછતી હતી અને શંકા પણ વ્યક્ત કરતી હતી: `ક્યાંક ડોક્ટરે તો કાઢી નહીં લીધી હોયને?' ન્યૂઝપેપર ને સોશિયલ મીડિયામાં આવા સમાચાર વાંચ્યા, સાંભળ્યા હતા. દર્દીની સાજી-સારી કિડની કાઢી લીધાના! પણ બાપુ હાથ જોડીને કહેતા હતા: `બેટા! આ પ્રભુ જેવા દાક્તર માટે આવું વિચારીએ પણ નહીં.'

 તો પછી કિડની જાય ક્યાં? આ સળગતા સવાલનો જવાબ ઝટ મળતો નહોતો.

 દીકરીએ હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેને આ સાયન્સ સમજાતું હતું. બાપુ એક જ કિડની હોવાના લીધે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હતા તે જાણી વ્યથા અને વ્યાકુળતા અનુભવતી હતી.

 `મમ્મી! તને પણ ખબર નથી?' સામે મમ્મી પાસે મૌન રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

 અંધારી ને નઠારી રાત રાણીના પદરવ જેમ પસાર થઇ રહી હતી. બાપુ હવે રાત કાઢે કે દિવસ. તે કાંઇ નક્કી નહોતું. હોસ્પિટલમાં ડોક્ટરે રજા આપી અને કહી દીધું હતું: `હવે થાય એટલી સેવા-ચાકરી કરો.' જેથી મમ્મી-દીકરી રાત-દિવસ ખેડે પગે સેવા કરી રહી હતી. મમ્મીએ મનથી સ્વીકારી લીધું છે કે, જીવનભરનો સંગાથ હવે છૂટવા ને વછૂટવામાં છે, પણ દીકરી બાપુની હકીકતને સ્વીકારવા તૈયાર નહોતી. તેણે ડોક્ટરને કહ્યું હતું: `મારા બાપુ માટે હું મારી એક કિડની આપવા તૈયાર છું!' પણ ડોક્ટરે કહ્યું હતું: `ના, આપણે મોડા છીએ !' કફોડી ને કપરી સ્થિતિ સામે દીકરી લાચાર થઇ ગઈ હતી.

 દીકરીનાં લગ્ન એક એનઆઇઆર સાથે ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. તે મુરતિયો ટૂંક સમય માટે ઇન્ડિયા-ગુજરાત આવ્યો હતો અને તત્કાલ લગ્ન કરી તેને નીકળી જવાનું હતું. દીકરીને પરદેશ જવાની ભારે હોંશ હતી. તેથી બાપુએ દીકરીને રાજી રાખવા અને સુખ ખાતર સામેના પક્ષની તમામ માંગણીઓ સ્વીકારી, ભારે ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. મુરતિયો પંદર દિવસ દીકરી સાથે રહી, રોકાઇને નીકળી ગયો હતો. શરૂઆતમાં નિયમિત ફોન આવતો. પછી અનિયમિત થયો ને હવે તેનો કોઈ અતોપતો લાગતો નથી. છતાંય પરદેશી પિયુની પળપળ પ્રતીક્ષામાં ઝૂરતી, વિરહી દીકરી પિયરમાં દિવસો પસાર કરતી હતી.

 `બાપુ! મારાં લગ્ન પહેલાં તમે હોસ્પિટલમાં દાખલ થયા હતા.' દીકરીએ શંકા વ્યક્ત કરી હતી: `ત્યાં તમારી કિડની કાઢી લીધી હોય એવું ન બને!'

 હા, એવુંય બને અથવા બન્યું હોય, પણ હવે શું? બાપુને શ્વાસ ગણવા સિવાયનો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. બાપુ દુનિયા છોડી ચાલ્યા જશે. એ નરી ને નઘરોળ વાસ્તવિકતાને સ્વીકારવા દીકરીનું મન તૈયાર નહોતું. તે સમજતી હતી, સ્ત્રીના જીવનમાં ત્રણ પુરુષો આવે. પિતા, પતિ ને પુત્ર. જ્યાં પતિનો જ પતો પ્રાપ્ત ન હોય ત્યાં પુત્રની તો અપેક્ષા રાખવી જ અસ્થાને હતી. ત્યાં બાપુ પણ પરભવની લાંબી વાટ પકડવામાં હતા. પછી તો જીવનમાં શૂન્યાવકાશ જ સર્જાવાનો હતો. એ વિચાર દીકરીને હચમચાવી રહ્યો હતો.

 મમ્મીને ઊંઘના લીધે ઝોકાં ખાતાં જોઈને દીકરીએ કહ્યું હતું: `મમ્મી! તું ઊંઘી જા.

પછીથી હું...'

 દીકરીએ ગાંઠ વાળી લીધી હતી. કોઇ પણ રીતે કિડની અંગેનું જાણવું છે. જો કોઈ ડોક્ટરે ઘાલમેલ કરી હોય તો તેમની છઠ્ઠીનું ધાવણ ઓકાવી દેવું હતું. કદાચ કોઈ કારણોસર બાપુ મમ્મીને અજાણ રાખવા માંગતા હોય તો. મમ્મી પણ આડા પડખે થયાં હતાં તે લાગ જોઈને ફરી વાત છેડી હતી: `આ કાંઇ મારી સમજમાં આવતું નથી.' તે સહેજ ઊંચા સાદે બોલી હતી: `જીવતા જાગતા શરીરમાંથી કિડની જાય ક્યાં?' પછી શું સૂઝ્યું તે કહી બેઠી હતી: `સાચું ન કહો તો તમને મારા સોગન છે બાપુ!'

 `હેં!' કહેતા બાપુ લગભગ બેઠા થઇ ગયા હતા. પછી દીકરી સામે જોઈ નછૂટકે બોલ્યા હતા: `તારે પરદેશીને પરણવું હતું એટલે મારે તેમની અપેક્ષા પૂરી કરવાની હતી. બાપુનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આગળ બોલતા અટકી ગયા હતા. દીકરીએ પંડ્યનો ટેકો આપી પાણી પાયું હતું. બાપુ છાતી માથે પથ્થર રાખીને બોલી ગયા હતા: `કિડની વેચ્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો.'

 `દહેજ આપવા કિડની વેચી?' દીકરીનો ચિત્કાર અંધારી રાતમાં આગની જેમ પ્રસરી ગયો હતો.