નાનપણમાં આકાશમાં ઊડતું વિમાન જોયું છે? બારીની બહાર ખુલ્લાં ખેતરો જોવા મળે તે માટે બસમાં વિન્ડો સીટ મેળવવા માટે દોટ મૂકી છે?

પહેલી વખત કલર ટીવી કે મોટું ટીવી નજર સામે આવ્યું હોય તો કોઈ ધ્યાનભંગ ન કરે ત્યાં સુધી એને એકીટશે જોઇ રહ્યા હતા? કોઈ મોટી મોટી વાત કરે, પછી ભલેને એ ફાંકા હોય, પણ એની વાતમાં થોડી વાર માટે તો વિશ્વાસ કરી જ લીધો હોય એવું બન્યું છે? રસ્તા ઉપર જતી કોઈ મોટી ગાડી કે ખૂબસૂરત સ્ત્રીને પાછળ ફરીને બીજી વખત જોઇ છે? કોઈ પણ નવું ટેક્નોલોજિકલ ગેઝેટ હાથમાં આવ્યું હોય તો એમાં કેટલીયે વાર સુધી ખૂંપી ગયા હોય એવું બન્યું છે? જેને પોતાના આઇડલ-હીરો માનતા હોઈએ ને એવી વ્યક્તિ મળી જાય તો આપણી બોલતી બંધ થઈ જાય એવો અનુભવ થયો છે? જો આ બધા સવાલોનો જવાબ હા હોય તો ઝીંદા હો તુમ. પણ જે લેટેસ્ટ જનરેશન છે - જેન ઝી એના માટે આપણે આવું કહી શકીએ એમ નથી. કેમ? કારણ કે એક સમય હતો કે થિયેટરનો પડદો ખૂલે તો એ પડદા પાછળ શું હશે એ જાણવાનું કુતૂહલ રહેતું. પહેલી વખત હિમવર્ષા કે દરિયો જોઈને અલગ અનુભૂતિ થતી. સરપ્રાઈઝ એ કોઈ ઇવેન્ટ ન હતી, પણ એ લાગણી હતી, જે બધાને ગમતી. સરપ્રાઈઝનું એલિમેન્ટ આપણામાં કોઈ ને કોઈ બદલાવ લાવતું, પણ આ જે નવી પેઢી છે - જેન ઝી એનામાં આ એલિમેન્ટનો લગભગ સદંતર અભાવ જોવા મળે છે. બાહુબલી ફિલ્મનો વિશાળ ને ગગનચુંબી ધોધ જોઈને આપણે સૌ આભા બની ગયા હતા. આવો ધોધ આ જનરેશન ઝીની પાસે પણ આવે તો આ લોકોને કંઈ ફરક નથી પડતો. `એમાં શું?' એ આખી નેવી પેઢીનો તકિયાકલામ નહીં, પણ લાઈફ જીવવાનો એટિટ્યૂડ બની ગયો છે.

આશ્ચર્ય થવાની ક્ષમતા એ માનવજાતનું ઘરેણું રહ્યું છે. આદિમાનવે આકાશમાં વીજળી જોઈને એ લોકો ખુદ ચમક્યા. આકાશની વીજળી ક્યાંક પડી હશે ને આગ લાગી હશે એ જોઈને તેઓ અચંબામાં પડી ગયા. બસ એ જ ક્ષણ હશે જ્યારથી ધર્મ અને વિજ્ઞાન બંનેની શરૂઆત થઈ. આ બંને વિના આ સૃષ્ટિની કલ્પના કરી શકો છો? એના પાયામાં આશ્ચર્ય છે, પણ આજની પેઢી માઉન્ટ એવરેસ્ટનો ડ્રોન શોટ ઇન્સ્ટાગ્રામમાં જોઈ લે છે, શનિ ગ્રહનાં વલયો રીલમાં જોઈ લે છે. કોઈ આગ ઉપર ચાલતું હોય એના વીડિયો જોઈને એમને કંટાળો આવે છે. સસલા-કાચબાની વાર્તા તો દૂર રહી, એને ફેમિલીની અંદર અંદરના ઇનસેસ્ટ સંબંધો કે હત્યાની વાર્તાઓ પણ ખાસ હલાવી શકતી નથી. એમને કંઈ અલગ લાગતું જ નથી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એ માત્ર જુનવાણી લોકોનો શબ્દ બનીને રહી ગયો છે.

યુસી બર્કલીનો તાજો સર્વે કહે છે પચ્ચીસથી નીચેનાં બાળકોને ખાસ કોઈ પણ બાબત કે દૃશ્ય કે માહિતી થકી આશ્ચર્ય કે જિજ્ઞાસા થતાં નથી. વિરોધાભાસ જુઓ, જે જનરેશનની આંગળીઓના ટેરવે આખી દુનિયા છે એને આ દુનિયામાં ખાસ રસ નથી. આખી પેઢી `ઠીક હવે - સમજ્યા'ના ખડ્ડુસ મિજાજ સાથે આગળ વધી રહી છે. આમાં ખુશ થવા જેવું નથી, આ ચિંતાનો વિષય છે.

વર્ષોથી સિનિયર પેઢી તેના જુનિયરની ટીકા કરતી આવી છે. `યુવાનોમાં મેનર્સ રહી નથી, ઓથોરિટીને ગણતા નથી ને વડીલોને માન આપતા નથી.' આ શબ્દો મહાન ફિલસૂફ અને આધુનિકવાદી સોક્રેટિસના છે. તે સમયથી આ નવી પેઢી માટે ફરિયાદો થતી આવી છે. માટે આ કોઈ ફરિયાદ નથી પણ નજર સામે દેખાતી ચિંતા છે. ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે જિજ્ઞાસા કે કુતૂહલવૃત્તિનો આટલો હ્રાસ થયો હોય. આ આત્માની આળસ છે. બહુ ખતરનાક સાબિત થઈ શકે.

એરિસ્ટોટલે મેટાફિઝિક્સમાં કહ્યું છે કે, ફિલસૂફી (કે કોઈ પણ વિજ્ઞાન)ની શરૂઆત આશ્ચર્ય સાથે થાય. ન્યૂટનને સફરજન પડ્યાનું આશ્ચર્ય થયું માટે એને સવાલ થયો કે આ નીચે જ કેમ પડે છે? તારાઓ જોતો માણસ વિચારોમાં પડે તો એ ધર્મ કે આધ્યાત્મ કે અવકાશ વિજ્ઞાન તરફ વળે. હવે આશ્ચર્ય જ થતું ન હોય તો ફિલસૂફી કે વિજ્ઞાન શું આગળ વધવાના? વિસ્મયના અભાવમાં ન ધર્મ રહે, ન વિજ્ઞાન રહે, ન કલા જન્મે ફક્ત વપરાશ થાય. જે માનવ સમુદાય સરપ્રાઈઝ નથી થતો એ શોધ ન કરી શકે, એ વધીને જોબ કરી શકે કે ગમે તેમ કરીને પોતાના શોખ પૂરા કરી શકે. એ ક્ષિતિજો ન ઓળંગી શકે. એ ભવિષ્ય બહેતર ન બનાવી શકે. અબજો માણસ એકસાથે ચંદ્રને તાકી રહેતા ને એ ચંદ્ર કેવો હશે એનો વિચાર કર્યે રાખતા માટે ચંદ્ર ઉપર પગ મૂકી શકાયો. હવે કંઈ સ્પર્શતું જ ન હોય તો બીજો તાજમહાલ ન બને, એટલું જ નહીં આ જે એક છે એ તાજમહાલ પણ પડી ભાંગે. વિસ્મયની બાદબાકી કવિતા છીનવી લે છે, હાલરડાં લઈ લે છે, સપનાંઓને મૂળમાંથી કાપી નાખે છે અને માણસને વધુ નાર્સીસિસ્ટ, સ્વકેન્દ્રી, અસંવેદનશીલ બનાવે છે.

આ સમસ્યાનો હલ શું? લાઇસન્સ વિનાના મોટાભાગનાં પેરેન્ટ્સ આનો ઉકેલ મોબાઈલ લઈ લેવો એવો આપશે. આવાં થીગડાં મારવાથી આખી પેઢીનું સમારકામ ન થાય. ઓફકોર્સ, ડિજિટલ ડિટોક્સ જરૂરી છે, પણ વીસ સેકન્ડની રીલના જમાનામાં ધીરજ આપવાની જરૂર છે. બાળકને એક ઝાડ પાસે કંઈ કર્યા વિના વીસ મિનિટ ઊભું રાખો. ઝાડનાં પાંદડાં નથી ગણવાનાં.

બસ એ ઝાડની ચેતનાને અનુભવવાની છે. બાળકને ઓટોમેટિક અહેસાસ થવો જોઈએ કે આ વૃક્ષ તો મારાં દાદા-દાદી કરતાં પણ વધુ સમયથી જીવે છે. આ વૃક્ષ પાસે જેટલી વાર્તાઓ, જેટલા કિસ્સાઓ, જેટલા અનુભવો હશે એટલા કોઈ પાસે નહીં હોય. બાળકને મૌન સાંભળતા કરો. સૂનકારનો સાઉન્ડ સાંભળવા કાન કેળવવા પડે. ટાગોર કહેતા કે પતંગિયું મહિનાઓ નહીં પણ ક્ષણો ગણે છે માટે તેનું જીવન આપણા કરતાં વિશાળ છે. આ પેઢી ઓવર-એક્સપોઝરનો શિકાર છે તો એને અંતરમાં ડોકિયું કરતા શીખવવું પડે. એની કલ્પનાશક્તિનો વિસ્તાર વધારવો પડે. આત્મમંથન કરવાની ટેવ પાડવી પડે. ખાસ તો આ લોકોને થોડો સમય સાવ નવરા રાખવા પડે. નીત્શે કહેતા કે જે સોસાયટીમાં કોઈને કોઈ જ આશ્ચર્ય નહીં થતું હોય, તે સોસાયટીનો છેલ્લો માણસ હશે ને એ એક દિવસ અચાનક આવીને કહેશે, આજે મેં ખુશીની શોધ કરી છે. વાસ્તવમાં એ સુખ નહીં હોય, પણ વિઝનના અભાવે ઊભા થતા આરામનો ભ્રમ હશે. એ છેલ્લો જ માણસ હશે. એના પછી જે પણ બેપગુ પ્રાણી આવશે તેને મનુષ્ય નહીં કહેવાય. શું આ પેઢી નીત્શેનો છેલ્લો માણસ બની રહી છે? વિસ્મયની વેક્સિન લઈ લેવી એનાથી મોટી મહામારી બીજી કોઈ હોઈ શકે?