કેસૂડાના કેસરિયા રંગમાં ઘોળાયેલી નવયૌવના રાજુલના કામણગારા રૂપના વાવડ છેક સુલતાનગઢના કાંગરે કળાયેલ મોર માફક ટહુકવા લાગ્યા હતા. તે ટાણે વરણાગી વાસંતી વાયરો પણ મદમસ્ત થઇ બેઘડી હિલ્લોળા લેવા લાગ્યો હતો. બન્યું એવું હતું કે, રત્ના સરાણિયા સાથે લશ્કરી હાથ-હથિયારોનો સોદો થયેલો હતો. ત્યારે ખમીરવંતા એવા સરાણિયા સમાજના રંગોત્સવમાં રસમગ્ન થયેલી જોબનવંતી રાજુલના રૂપની ફટકેલી ફોરમ, રંગરાગમાં ગુલતાન એવા સુલતાનની ઘાણેન્દ્રિયનાં તકલાદી દ્વાર ખખડાવી ગઈ હતી. સુલતાનથી રહેવાયું કે સહેવાયું નહોતું. તે રત્ના સરાણિયાના કબીલા પર આવ્યો. ત્યાં રાજુલને નજરોનજર નિહાળી, ઊઘડતા રૂપનાં પયપાન કર્યાં ને ભ્રમર જેમ ભાવવિભોર થઇ ગયો હતો.

રજવાડી સેનાને પાણીદાર હથિયારો ઘડીને પૂરાં પાડવા રત્ના સરાણિયાના કબીલાને બોલાવ્યો હતો. તેણે સાબરમતીના કાંઠે વસવાટ કર્યો હતો. પછીથી પધારવા સુલતાનને નેહભર્યું નોતરું દીધું હતું.

પણ સુલતાન રત્નાનો આદરભાવ ઓળખ્યા પછી પસ્તાયો હતો. નેકદિલ સુલતાને રાજુલને બહેન કહી `કાપડું' આપ્યું હતું. સામે રાજુલે રૂની પૂણી કાપે એવો પાણીદાર અસ્ત્રો ત્યારે સુલતાનને ભેટમાં આપ્યો હતો.

પણ વખતને વાતો રાખવી હોય એમ દિલ્હીથી દરિયા જેવી મોગલફોજ અમદાવાદ માથે ધસી આવી હતી. ધમસાણ યુદ્ધ મંડાયું. સુલતાન હારવા છતાંય હરમત હાર્યો નહીં. તેણે વફાદાર સૈનિકો, રાજા-પ્રજાનો સાથ લઇ, લાગ જોઈ વળતો ઘા કર્યો હતો. અકબરે નીમેલા સૂબા પાસેથી ગાદી હસ્તગત કરી હતી. સુલતાનના સ્વદેશાભિમાન સાથેની સ્વાતંત્ર્યપ્રિયતા લોકહૃદયમાં વસી ગઇ હતી.

આ બાજુ રાજુલ રત્નાના કબીલા સાથે હાલાર પંથકનાં ગામડાં ગણતી હતી. તેને વાવડ મળતા હતા કે દિલ્હીથી બાદશાહે મોકલાવેલી ફોજ અને કરાવેલા કારસા સામે ફરી એકવાર સુલતાનને જીવ મુઠ્ઠીમાં લઈને નીકળવું પડ્યું છે.

વીર સપૂત જામસતાજીની ક્ષત્રિયાવટે આપદધર્મ સમજી સુલતાનને આશરો આપ્યો. વચન, વિશ્વાસ, સંબંધ ને સત્યપાલનનો જમાનો. ભાગેડુ સુલતાનને જામસતાજીએ આશરો આપ્યાના સગડ મળતાં બાદશાહે ધમકીભર્યું કહેણ મોકલાવ્યું હતું, પણ જામસતાજીએ નીડરતાથી વળતો જવાબ ફટકારીને કહ્યું'તું: `ક્ષત્રિયો માટે આશરાનો ધરમ માથા સાટે હોય!' પછી તો ધ્રોળ પાસે ભૂચરમોરીના રણમેદાનમાં ધમસાણ મચ્યું હતું. લોહીના ધોરિયા વહેવા લાગ્યા હતા. જામનગરના યુદ્ધહઠીલા શૂરવીરોએ દાખવેલી વીરતાએ અઝીઝ મીરઝાની ફોજને હંફાવીને હટાવી હતી, પણ જામસતાજી સાથે સમાધાનની મસલતે ચમકી ઊઠી હતી.

જામસતાજીની સાથી ફોજ અન્યો સાથે ભળી જતાં જામનગરની ફોજના બહાદુર યોદ્ધાઓ કામ આવી ગયા હતા. એટલું જ નહોતું પણ જેમના મંગળ પ્રસંગનો ઉત્સવ ઉજવાતો હતો એવા યુવરાજ મીંઢળ બંધા વરરાજા અજાજીએ બાદશાહી ફોજ સામે વીરતાપૂર્વક લડતાં લડતાં પ્રાણની શૌર્યભરી આહુતિ આપી હતી. પરાજયના ઓછાયા હેઠળ જામસતાજીએ સુલતાનને દરિયા માર્ગે કચ્છમાં રાવ પાસે રવાના કરી પોતે બરડાના ડુંગરમાં ઓગળી ગયા હતા.

`સરદાર, સુલતાન તો ચલા ગયા.' કોઈએ આવી મોગલ સરદાર અઝીઝ મીરઝાને સમાચાર દીધા હતા ત્યારે તે હાથ મસળતો રહી ગયો હતો. મનની મનમાં રહી ગઇ હતી. જામનગર પર ત્યારે શાહીસત્તાનો ઝંડો ફરકાવવાનું કારણ સુલતાન હતો, પણ સુલતાન તો સતાજીના લીધે કચ્છમાં ઊતરી ગયો હતો. અઝીઝ મીરઝાએ કચ્છના રાવ સાથે મસલતો કરી જામનગરનો કેટલોક વિસ્તાર આપવાની શરતે સુલતાનને પાછો મેળવ્યો હતો. કેદી હાલતમાં દિલ્હી લઇ જવાતો સુલતાન શાહીફોજ સાથે ધ્રોળ પાસેથી પસાર થતો હતો, જ્યાં પોતાના ખાતર જામની ફોજના આશાભર્યા અસંખ્ય યોદ્ધાઓ રણમેદાનમાં ખપી ગયા હતા. લોહીભીની સમરાંગણ ભૂમિ જોઈ સુલતાન પોતાની જાતને ધિક્કારવા લાગ્યો હતો: `યે રક્તપાત મેરી વજહ સે હુઆ!' પછી કહે: `મૈં ખુદ મર ગયા હોતા તો...'

તે આગળ બોલી શક્યો નહોતો. દિલ દ્રવી ઊઠ્યું હતું. આંખો સામે લોહીમાં તરફડતા સિપાઈઓ દેખાયા હતા. જે યોદ્ધા કોઈ માતાના લાલ હશે, કોઈ બેનડીના બાંધવ હશે ને કોઈ કોડભરી કન્યાનો મંગેતર પણ હશે. આળા હૃદયમાં ઊથલપાથલ મચી ગઇ હતી. હવે રક્તસંહાર કોઇ પણ ભોગે અટકવો જોઈએ, પણ પોતાના લીધે જ હોળી ખેલાણી હતી ને હજુય રક્તરંજિત હોળી ખેલાશે. તેમ ન થાય તે માટે જીવનનો અંત લાવવાનો નિર્ણય કરી લીધો હતો, પણ મોતને મીઠું કરવું કેવી રીતે? ચારે બાજુ જડબેસલાક બંદોબસ્ત હતો. જીવવું દુષ્કર હતું એમ મરવું પણ મુશ્કેલ હતું. ત્યાં બહેન રાજુલે ભેટ આપેલો અસ્ત્રો યાદ આવી ગયો હતો. અસ્ત્રો તે અંગની છૂપી જગ્યાએ સાચવી રાખતો હતો. સિપાઈઓની નજર ચૂકવીને સુલતાને અસ્ત્રો બહાર કાઢી હોઠથી ચૂમ્યો હતો. જાણે મા જણી હોય એવી બહેન રાજુલને અદકા હેતથી વહાલ કરતો હોય!

પણ રાજુલ તો ખૂંખાર યુદ્ધના ખપ્પરમાં ક્યારનીય હોમાઇ ગઈ હતી. એ પણ પોતાના કારણે જ ને? સુલતાનની આંખે જળજળિયાં આવી ગયાં હતાં. પસ્તાવાનો કોઈ પાર રહ્યો ન હતો. તેણે પળવારનો પણ વિલંબ કર્યા વગર ધારદાર અસ્ત્રો ગળા પર ફેરવી દીધો હતો: `મૈં આતા હૂં બહના!' આમ કહેતો સુલતાન ભૂચર મોરીના મેદાનમાં ઢળી પડ્યો હતો ને સરાણ ફેરવતી વખતે રાજુલ તેના પ્રિય પાત્ર સામે ને સાથે જે ગીત ગાતી હતી: `તારી તલવારના ચમકારે વારી જાઉં, તારી સજેલી તેગને ભરોસે રે. હું તો ભવ હારી રે.' તે જાણે તેના કંઠે અનંતના દરબારમાં ગુંજતું હોય.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો