આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે આપણને અવારનવાર સુંદર AI ઇમેજ જોવા મળે છે. ક્યારેક ડિજિટલ પેઇન્ટિંગ, તો ક્યારેક વાસ્તવિક લાગે તેવાં સુંદર ચિત્રો જોઈને આપણને પણ મન થઈ જાય કે લાવ, હું પણ એકાદી ઇમેજ બનાવું! એમાં વળી અવારનવાર રેટ્રો ઇમેજ જેવા ટ્રેન્ડ્સ આવ્યા કરે એટલે આપણે તરત જ આપણા મોબાઈલ કે કમ્પ્યૂટરમાં કોઈ AI ટૂલ ખોલીને એક નાનકડો આદેશ લખીએ છીએ અને `Generate Image' ના બટન પર ક્લિક કરીએ છીએ. ગણતરીની બે કે ત્રણ સેકન્ડમાં તો આપણી કલ્પના સ્ક્રીન પર જીવંત થઈને આપણી સમક્ષ આવી જાય છે. આપણને આ જોઈને મનોમન ખૂબ આનંદ થાય કે ટેક્નોલોજી પણ કેવી કમાલની છે! જે કામ કરવામાં કલાકો લાગતા હતા, તે ક્ષણભરમાં પૂરું થઈ ગયું, પરંતુ આપણી આંખો સામે સ્ક્રીન પર ચમકતી એ એકાદી નાનકડી તસવીર પાછળ આપણી આ પૃથ્વીનું કેટલું પીવાનું ચોખ્ખું પાણી અને વીજળી બળીને ખાખ થઈ ગયા, એનો વિચાર આપણને ક્યારેય આવતો નથી.
એક ઇમેજ પાછળ કેટલી વીજળી ને પાણી વપરાય છે?
સંશોધનો અને વૈજ્ઞાનિક વિશ્લેષણના આંકડા અનુસાર, AI મોડલ દ્વારા માત્ર એક જ હાઈ-ક્વોલિટી ઇમેજ કે ડિજિટલ પોસ્ટ તૈયાર કરવામાં આશરે 0.002થી 0.005 યુનિટ વીજળી વપરાઈ જાય છે. સામાન્ય માણસની ભાષામાં સમજીએ તો, આટલી વીજળીમાં તમે તમારા સ્માર્ટ ફોનની બેટરીને આખી રાત ચાર્જ કરી શકો છો અથવા ઘરમાં લગાવેલા એક સ્માર્ટ LED બલ્બને સતત બેથી ત્રણ કલાક સુધી સળગતો રાખી શકો છો. આટલું જ નહીં, પણ તે એક જ ચિત્ર બનાવવાની પ્રક્રિયામાં આશરે અડધી બોટલ જેટલું શુદ્ધ પીવાનું પાણી વરાળ બનીને હવામાં ઊડી જાય છે. જ્યારે આપણે આપણી સ્ક્રીન પર એકાદ ચિત્ર બનાવીએ ત્યારે આપણને આ વપરાશ બહુ નાનો કે બિનહાનિકારક લાગે છે, પરંતુ જરા ઊંડાણપૂર્વક વિચારો કે, આખી દુનિયામાં દરરોજ કરોડો લોકો માત્ર રમત-રમતમાં, સમય પસાર કરવા કે ખાલી ચકાસણી કરવા માટે જ આવી અસંખ્ય ઇમેજ અને આર્ટ જનરેટ કરતા રહે છે. જ્યારે આ બધો વપરાશ ભેગો થાય છે, ત્યારે એ દરરોજ અબજો લિટર ચોખ્ખું પાણી અને લાખો યુનિટ વીજળી ક્ષણભરમાં બરબાદ કરી નાખે છે.
પાણી અને વીજળીનો વ્યય ક્યાં થાય છે?
હવે આપણને પ્રશ્ન થાય કે આ પાણી અને વીજળીનો આટલો મોટો વ્યય આખરે થાય છે ક્યાં? જ્યારે પણ આપણે આપણા મોબાઈલમાં કોઈ આદેશ આપીએ છીએ, ત્યારે આપણા ફોનની અંદર કશું બનતું નથી. આપણો એ આદેશ ઈન્ટરનેટના માધ્યમથી હજારો માઈલ દૂર આવેલા વિશાળ `ડેટા સેન્ટર્સ' સુધી પહોંચે છે. ડેટા સેન્ટરમાં રાત-દિવસ ચાલતા અતિ શક્તિશાળી ગ્રાફિક્સ પ્રોસેસર્સ અને સુપર કમ્પ્યૂટર્સ આપણી કલ્પનાને ચિત્રમાં બદલવા માટે એકસાથે અબજો ગણતરીઓ કરે છે. આ અતિશય ભારે કામગીરી કરવા માટે આ મશીનોને અધધ પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. જ્યારે આ પ્રોસેસર્સ સતત ગણતરીઓ કરે છે, ત્યારે તે ભયાનક રીતે ગરમ થઈ જાય છે. જો તેમને તરત ઠંડા કરવામાં ન આવે તો આ કીમતી મશીનો બળીને ખાખ થઈ જાય. આથી જ તેમને ઠંડા રાખવા માટે ખાસ કૂલિંગ ટાવર્સ અને સિસ્ટમ ચલાવવામાં આવે છે, જેમાં દરરોજ કરોડો લિટર શુદ્ધ પાણી ચલાવવામાં આવે છે. આ પાણી મશીનોની ભયંકર ગરમી શોષીને વરાળ બની જાય છે અથવા કેમિકલવાળું બનીને નકામું થઈ જાય છે.
આ ઉપરાંત આ મશીનો ચલાવવા માટે જે વીજળી વપરાય છે, તેમાંથી મોટાભાગની વીજળી આજે પણ કોલસો કે ગેસ બાળીને જ ઉત્પન્ન કરવામાં આવે છે. અર્થાત્ આપણે સ્ક્રીન પર એક નકામી ઇમેજ બનાવીએ છીએ ત્યારે વાસ્તવિક દુનિયામાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભળે છે અને ગ્લોબલ વોર્મિંગ વધે છે. સાથોસાથ આ AI મશીનો રાત-દિવસ ચાલવાને લીધે બે-ત્રણ વર્ષમાં ઘસાઈને બેકાર થઈ જાય છે. આ મશીનો બનાવવા માટે પૃથ્વીના પેટાળમાંથી લિથિયમ, કોબાલ્ટ અને તાંબા જેવી દુર્લભ ધાતુઓનું ખોદકામ કરવું પડે છે, જે કુદરતી પર્યાવરણને કાયમી નુકસાન પહોંચાડે છે.
AI ટેક્નોલોજી ચોક્કસપણે એક અદ્ભુત શોધ છે અને તે માનવજાત માટે આશીર્વાદરૂપ છે, પરંતુ તેનો ઉપયોગ વિવેકબુદ્ધિ વગર આડેધડ કરવો એ ચિંતાનો વિષય છે. હવેથી જ્યારે પણ આપણે કોઈ AI ટૂલ ખોલીએ, ત્યારે બટન દબાવતા પહેલાં મનમાં એક ક્ષણ માટે વિચારીએ કે શું મને ખરેખર આ ઇમેજની જરૂર છે? જો જવાબ ના હોય તો ત્યાં જ અટકી જઈએ. ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરિયાત પૂરતો અને સમજદારીથી કરવો એ જ આપણી પૃથ્વી અને આવનારી પેઢી પ્રત્યેની આપણી સાચી જવાબદારી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો