માણસ મરી જાય તેના પછી સૌથી પહેલાં એનું કબાટ ખોલવામાં આવે છે. અંદર દસ્તાવેજો હોય છે. પ્રોપર્ટીના કાગળો, ફિક્સ ડિપોઝિટની પહોંચો, વીમાની પોલિસી, સોનાના દાગીના અને કદાચ જૂના કવરમાં સાચવીને રાખેલી થોડી રોકડ રકમ. પછી વકીલ આવે છે. નામો વંચાય છે અને મિલકતના ભાગલા પડે છે. ઘર એક દીકરાને જાય છે, શેર બીજાને મળે છે. મૃત્યુથી ક્યારેય પારિવારિક રાજકારણ ખતમ નથી થતું, એ તો માત્ર મીટિંગની જગ્યા બદલે છે.  

અંતે મિલકતની વહેંચણી પૂરી થાય છે, પણ એક બીજી વસિયત વર્ષો પહેલાં જ ટ્રાન્સફર થઈ ચૂકી હોય છે. એ વસિયતનો કોઈ વકીલે રેકોર્ડ નથી રાખ્યો અને એમાં કોઈની સહીની પણ જરૂર નહોતી. પિતાની ગરીબીનો ડર સીધો દીકરામાં પ્રવેશી ચૂક્યો હોય છે. માતાની ચિંતા દીકરીના મગજમાં ઊતરી ચૂકી હોય છે. દાદાનું કોઈ જગ્યાએ થયેલું અપમાન આખા ઘર માટે સ્ટેટસનું ભયંકર વળગણ બની ચૂક્યું હોય છે. કાકાના બિઝનેસમાં થયેલી નિષ્ફળતા આખા પરિવારને કોઈ પણ નવું રિસ્ક લેતા ડરાવે છે. આ એ વસિયત છે જે કોઈ કાગળ પર લખાતી નથી.  

દરેક પરિવારની બે બેલેન્સશીટ હોય છે. એક કાનૂની અને બીજી મનોવૈજ્ઞાનિક. કાનૂની બેલેન્સશીટ સૌ જાણે છે અને એની જ પળોજણ રહે છે. સાઇકોલોજિકલ બેલેન્સશીટ વિશે બધા નિષ્ફિકર રહે છે. ઘરમાં કોને રડવાની પરમિશન છે, કોણે ફરજિયાત સફળ થવાનું છે, ડાઇનિંગ ટેબલ પર કેટલા અવાજે બોલવાનું છે, ઘરમાં દીકરાઓએ કેવાં ને કેટલાં રિસ્ક લેવાનાં છે ને કોને કેટલી વાર માફી મળશે તે બધું આ બીજી શીટમાં લખેલું હોય છે, જે કોઈને વંચાતું નથી.  

બાળકો કમાલના માનવશાસ્ત્રી હોય છે. પાંચ વર્ષના બાળકને અર્થશાસ્ત્ર નથી સમજાતું, પણ તેને એ ખબર પડી જાય છે કે ઘરમાં પૈસાની વાત નીકળે એટલે ટેન્શન કેમ આવી જાય છે. એને પિતૃસત્તાકની વ્યાખ્યા નથી ખબર, પણ એ જુએ છે કે ઘરમાં જમતી વખતે કોની થાળી પહેલા પીરસાય છે. એને ડિપ્રેશનની ખબર નથી પડતી, પણ એ સમજી જાય છે કે પપ્પા ક્યારેય રડી શકતા નથી. પરિવાર પહેલી દુનિયા હોવાથી તેની ખરાબ આદતો ક્યારેય આદત નથી લાગતી, એ બધું સાચું જ લાગે છે. પરિવારો ઘણીવાર પોતાને બચાવવાની સર્વાઇવલ સ્ટ્રેટેજીને જ પરમ સત્ય માની લેવાની ભૂલ કરે છે. એક જનરેશનને બચાવનારો નિયમ બીજી જનરેશન માટે જેલ બની જતો હોય છે.  

આખી વાતમાં સૌથી મોટી વિડંબણા એ છે કે આ વારસામાં મળેલો ડર મોટાભાગે પ્રેમનું માસ્ક પહેરીને આવે છે. દુનિયાનાં કોઈ મા-બાપ સવારે ઊઠીને એવું નક્કી નથી કરતાં કે આજે મારું બધું જ ફ્રસ્ટ્રેશન મારાં સંતાનો પર ટ્રાન્સફર કરું. ભારતીય પરિવારોમાં બલિદાન એ આ સભ્યતાની સૌથી મોટી સુંદરતા છે અને એ જ બલિદાન સૌથી મોટું હથિયાર પણ છે. મા-બાપ પોતાના શોખ મારીને દીકરાને ભણાવે છે અને બાળકો માટે પોતાની આખી જિંદગી નિચોવી નાખે છે, પણ આ જ બલિદાનનું એક બિલ પણ બને છે. `અમે તારા માટે આખી જિંદગી ઘસી નાખી!' આ વાક્યમાં સાચો પ્રેમ હોઈ શકે, પણ આ વાક્યમાં એક અદૃશ્ય વ્યાજદર પણ હોય છે. અમે કહીએ એ ભણ, અમે કહીએ ત્યાં પરણ, અમારી સાથે રહે, અમારો ધંધો સંભાળ અને ખાનદાનનું નામ ન ડુબાડ.  

મા-બાપ હોવાની સૌથી મોટી નૈતિક સમસ્યા બલિદાન નથી. સૌથી મોટી સમસ્યા માલિકીભાવ છે. તમે બાળકને દુનિયાની તમામ ખુશીઓ આપી શકો, છતાં એક બેઝિક હકીકત સમજવામાં થાપ ખાઈ શકો છો કે તમારું સંતાન એ તમારા ઈન્વેસ્ટમેન્ટનું રિટર્ન નથી. મા-બાપ માત્ર જિંદગીના શરૂઆતનાં ચેપ્ટર્સ લખી શકે, એ પછી પેન સીધી પાત્રના હાથમાં સોંપવી પડે. સ્વસ્થ વારસો સંતાનને મૂળિયાં આપે છે, જ્યારે ઝેરીલો વારસો બાળકને એવા રસ્તાઓનો નકશો પકડાવી દે છે જ્યાં બાળકે ક્યારેય જવું જ નહોતું.  

બીજો એક અદૃશ્ય વારસો મહત્ત્વાકાંક્ષા છે. દીકરો ડોક્ટર એટલે બને છે, કારણ કે બાપ ડોક્ટર નહોતો બની શક્યો. દીકરી સીએ એટલા માટે બને છે, કારણ કે પરિવારને સલામત પ્રોફેશન જોઈએ છે. એક પેઢીનું અપમાન બીજી પેઢીનો બાયોડેટા બની જાય છે. મહત્ત્વાકાંક્ષા એ વારસામાં મળેલો બદલો પણ હોઈ શકે. `મારો દીકરો બધાને બતાવી દેશે!' કોને બતાવી દેશે? મોટાભાગે એવા લોકોને જેઓ ક્યારનાય મરી ગયા છે. માનવજાતની આ સૌથી મોટી કોમેડી છે કે આપણે એવાં ભૂતો સામે કેસ લડીએ છીએ અને જીતવા માંગીએ છીએ જે ભૂતો વર્ષોથી કબરમાં પડ્યાં છે.  

એટલે જ પરિવારોએ સમયાંતરે એક સવાલ પૂછવો જ રહ્યો કે કઈ પરંપરાને ચાલુ રાખવી અને કોને અટકાવવી. બધું જ જૂનું ફેંકી દેવું એ કિશોરાવસ્થાની મૂર્ખાઈ છે, પણ પરંપરાઓનું એક રૂથલેસ ઓડિટ થવું જ જોઈએ. મૃત્યુ પામેલા વડીલો આદરને પાત્ર છે, પણ તેમની પાસે આવતી કાલનો કાયમી વીટો પાવર ન હોવો જોઈએ.  

યુવા પેઢીની એક જ જવાબદારી છે કે વારસો સ્વીકારો, પણ એ આખેઆખા પાર્સલને ખોલ્યા વિના જ આગળ ફોરવર્ડ ન કરી દો. પાર્સલ ખોલો. તેને તપાસો. હિંમત રાખી લો અને પૂર્વગ્રહ પરત કરી દો. વાર્તાઓ સાચવી લો અને ડર પર સવાલ ઉઠાવો. સહન કરવાની ક્ષમતા રાખી લો, પણ એ જૂઠ ફેંકી દો કે સહન કરવાથી માણસ મહાન બની જાય છે. પરિવાર સાચવી લો, પણ માલિકીભાવ કાઢી નાખો. યાદો સાચવી લો પણ બદલાની ભાવના ફેંકી દો.  

કારણ કે આપણે બધા જ દરરોજ આપણું વસિયતનામું લખી રહ્યા છીએ. કાગળ પર નહીં, આપણા વર્તનમાં. બાળકો દુનિયાના સૌથી પરફેક્ટ નોટરી ઓફિસર છે. આપણે જે રોજ કરીએ છીએ તેના પર બાળકો સિક્કો મારતાં જાય છે. કાનૂની વારસાને બદલવો અઘરો છે, પણ આ અદૃશ્ય વારસાને મૃત્યુ પહેલાં બદલી શકાય છે.   

એક દિવસ આપણે જતા રહીશું પછી કોઈ આપણું કબાટ ખોલશે. અંદર દસ્તાવેજો હશે, ચાવીઓ હશે અને કદાચ કોઈ એવી પ્રોપર્ટી હશે જે બહુ ઈમ્પ્રેસિવ નહીં હોય, પણ એ દિવસ આવે તે પહેલાં જ આપણે આપણી સૌથી મોટી જાગીર વહેંચી ચૂક્યા હોઈશું. કોઈનામાં આપણી પ્રેમ કરવાની રીત જશે. કોઈનામાં આપણો ડર જશે. કોઈનામાં આપણો અધૂરો ગુસ્સો જશે, કોઈનામાં આપણું મૌન જશે અને કોઈનામાં એ ઘાવ જશે જે આપણે ક્યારેય મટાડ્યો જ નહોતો. વકીલ ક્યારેય આ વસ્તુઓની નોંધ નહીં કરે, પણ અસલી વસિયતનામું આ જ હશે.  

એટલે સૌથી અગત્યનો સવાલ એ નથી કે હું મારાં સંતાનો માટે કેટલું મૂકીને જઈશ. સૌથી મોટો અને ભયંકર સવાલ એ છે કે હું મારાં સંતાનોની અંદર શું મૂકીને જઈશ. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો