અમદાવાદ 2036ની ઓલિમ્પિકની યજમાનીનું પ્રબળ દાવેદાર છે. દેશની નેમ છે કે વૈશ્વિક મંચ પર રમત ક્ષેત્રે તે ઉત્કૃષ્ઠ દેખાવ કરે અને આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરે. તે માટેના સરકારી પ્રયાસોની દિશામાં એક મહત્ત્વની પહેલ નેશનલ સ્પોર્ટ્સ પોલિસી 2025 છે. પચીસ વર્ષ પહેલાંની 2001ની રાષ્ટ્રીય ખેલકૂદ નીતિનું તે સ્થાન લેશે.
2025ની નવી ખેલકૂદ નીતિ અનેક બાબતોમાં નવીન છે. ખેલો ભારત નીતિ તરીકે ઓળખાવાયેલી નેશનલ સ્પોર્ટ્સ પોલિસીના પાંચ આધારસ્તંભ છે : ઉત્કૃષ્ટતા, સામાજિક આર્થિક વિકાસ, લોકભાગીદારી અને રમત તથા શિક્ષણનું એકીકરણ. ભારતને વિશ્વસ્તરે અગ્રણી રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ પોલિસી પરિવર્તનકારી પહેલ લાગે છે. તેનો ઉદ્દેશ માત્ર રમતવીરો તૈયાર કરવાનો જ નથી, પરંતુ અધિક સશક્ત, સ્વસ્થ અને સક્રિય નાગરિકો તૈયાર કરવાનો છે. તેનું એક લક્ષ 2036ની ઓલિમ્પિકની યજમાનીનું છે તો 2047માં દેશની સ્વતંત્રતાની શતાબ્દી વખતે ભારતને વિશ્વના પાંચ અગ્રણી રમત રાષ્ટ્રોમાં સ્થાન અપાવવાનું પણ છે. રમત પરિદૃશ્યને નવો આકાર આપવા તાકતી સ્પોર્ટ્સ પોલિસી રમતના માધ્યમથી લોકોને સશક્ત બનાવવા સાથે દેશને વૈશ્વિક ખેલ મહાશક્તિ તરીકે સ્થાપવાની ઉમેદ રાખે છે.
આંતરરાષ્ટ્રીય રમત હરીફાઈઓમાં સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે દેશમાંથી પ્રતિભાશાળી રમતવીરોને શોધવા, તેમને ઉત્તમ તાલીમ આપી સ્થાનિકથી વૈશ્વિક રમતો માટે તૈયાર કરવા તે ખેલકૂદ નીતિની પ્રાથમિકતા અને પહેલું પગથિયું છે. આ માટે ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં રમતગમતના મૂળભૂત માળખા ઊભા કરાશે. વિશ્વસ્તરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. રમતવીરોના ઉત્કૃષ્ટ દેખાવ માટે વિજ્ઞાન, આરોગ્ય અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સામાજિક અને આર્થિક વિકાસ સાથે રમતોને જોડવામાં આવશે. સ્પોર્ટ્સ ટૂરિઝમમાં વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય રમતસ્પર્ધાઓનું આયોજન, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કે સીએસઆરના માધ્યમથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને સહયોગ જેવાં આર્થિક પગલાં તો સામાજિક સમાવેશન થકી સમાજિક વિકાસ સધાશે. આદિવાસી, નબળા વર્ગો, દિવ્યાંગો અને મહિલાઓને રમત ક્ષેત્રે આગળ આવવા ખાસ પ્રોત્સાહિત કરવામાં આવશે. દેશી અને પારંપરિક રમતોને ઉત્તેજન આપવામાં આવશે. ખેલકૂદને લોકઆંદોલન બનાવવામાં આવશે. તે માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશો અને સમુદાય આધારિત કાર્યક્રમો કરવામાં આવ્શે. 2020ની શિક્ષણ નીતિને અનુરૂપ શાલેય પાઠ્યપુસ્તકોમાં રમતગમતને સામેલ કરવામાં આવ્શે.
નવી ખેલકૂદ નીતિના સરકારી અમલ માટે તબક્કાવાર વિચારણા થવી જરૂરી છે. પોલિસીમાં કાયદાકીય માળખા સહ રમતગમતના વહીવટ માટે મજબૂત નિયામક તંત્ર સ્થાપિત કરવાની દરખાસ્ત છે. તે પ્રમાણે સંસદના વર્ષાસત્રમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 રજૂ થયું હતું. આ બિલમાં રમતોના વિકાસ અર્થે નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ, નેશનલ સ્પોર્ટ્સ ઈલેક્શન પેનલ અને નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવાની જોગવાઈ છે. સરકારનાં વિવિધ મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્ય સરકાર, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન, એથ્લીટ્સ, સ્પોર્ટ્સ એક્સપર્ટ્સ અને લોકો સાથેના પરામર્શથી તૈયાર થયેલી રાષ્ટ્રીય ખેલકૂદ નીતિની સફળતા માટે જરૂરી નાણાકીય જોગવાઈ થવી જોઈએ. ભારત સરકારનું ચાલુ નાણાકીય વર્ષનું સ્પોર્ટ્સ બજેટ રૂ. 3794 કરોડનું છે. તેમાંથી વિપક્ષી રાજ્યોને પણ ન્યાયી ફાળવણી થવી ઘટે. એ જ રીતે મોટાભાગના રમત સંઘો પર રાજકારણીઓનો કબજો છે. તે દૂર થાય અને ખેલાડીઓની પસંદગીમાં રાજકીય દખલ ન રહે તો જ સારું પરિણામ મળી શકે.
રમત ક્ષેત્રે સરકાર અને સમાજનું યોગદાન એકંદરે સંતોષજનક છે. 1951માં ભારતમાં પહેલી એશિયન ગેમ્સનું આયોજન થયું હતુ. 1954માં ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ સ્પોર્ટ્સની રચના થઈ હતી.
ભારત સરકારનું યુવા અને રમત મંત્રાલય 1982માં શરૂ થયું હતું. 2000ના વર્ષમાં તેને પૂર્ણ મંત્રાલય મળ્યું હતું. 1984માં પહેલી ખેલકૂદ નીતિ ઘડાઈ તે પછી 1997 અને 2001માં ઘડાઈ હતી અને હવે 2025માં નવી નીતિ બની છે. 1986માં સ્પોર્ટ્સ આથોરિટી ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી. વૈશ્વિક આર્થિક પ્રવાહોની પણ રમતોને અસર થાય છે. 1991ની નવી આર્થિક નીતિ અને કેબલ ટેલિવિઝનના આગમન પછી રમતોમાં ક્રિકેટ ઉપરાંત બીજી રમતો તરફ લોકોનું ધ્યાન ગયું છે. સરકારનાં વિવિધ અભિયાનો (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ, 2014, ખેલો ઈન્ડિયા, 2017 અને ફિટ ઈન્ડિયા, 2019)એ પણ લોકોની રમતરુચિ અને ભાગીદારી વધારી છે.
પ્રાથમિક માધ્યમિક શાળા કક્ષાએથી જ પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તો સફળતાની તક વધુ રહે છે, પરંતુ માતા-પિતા અને શાળાઓ કે એકંદર સમાજ શિક્ષણની તુલનાએ સ્પોર્ટ્સને કરિયર માનતા નથી. શાળા-કોલેજોમાં પણ રમત કોઈ મુખ્ય નહીં પણ વધારાની પ્રવૃત્તિ છે. તેને લીધે પાકા ઘડે કાંઠા ચડાવવા અઘરા બને છે. વળી, બધાને વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જ બનવું છે. બીજી રમતો પ્રત્યે ઝોક ઓછો રહે છે. ભારતના સ્પોર્ટ્સ માર્કેટમાં ક્રિકેટનો હિસ્સો 87 ટકા છે અને બાકીની સઘળી રમતો 13 ટકામાં આવે છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને અન્ય રમતોને પ્રાથમિકતા આપવી બહુ અઘરી છે.
અનેક વિવિધતા અને અસમાનતા ધરાવતા આપણા આ વિશાળ દેશમાં સમાવેશન પણ બહુ મુશ્કેલ બને છે. સમાજના નબળા વર્ગો, પૂર્વોત્તર ભારત, આદિવાસીઓ અને મહિલાઓને સમાવવાની નીતિમાં ઘોષણા છે, પરંતુ તે માટેનો કોટા પર્યાપ્ત છે ખરો? 2024ની પેરિસ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વાર 117 એથ્લીટ્સ મોકલ્યા હતા. આઝાદી પછીની આ સૌથી મોટી સંખ્યા હતી, પરંતુ એ જ ઓલિમ્પિકમાં અમેરિકાના 594, ફ્રાન્સના 572, ઓસ્ટ્રેલિયાના 460 એથ્લીટ્સ હતા. એટલે 140 કરોડની આબાદીના આપણા દેશમાંથી પ્રતિભાઓની ઓળખ, તાલીમ અને તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સુધી પહોંચાડવાની વહીવટી અને રાજકીય ઈચ્છાશક્તિ મહત્ત્વની છે.
નવી રમત નીતિ દેશમાં રમતો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવા અને તેને વ્યાપક જન આંદોલન બનાવવાનું ધ્યેય રાખે છે. આ માટે દેશમાં સગવડો કેટલી છે તે પણ લાખેણો સવાલ છે. અમદાવાદને ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનું મળે તેનાથી દરેક ભારતીય ગદ્ગદ હશે, પરંતુ અમદાવાદની 85 ટકા શાળાઓ પાસે રમતનાં મેદાનો જ નથી. તેનું શું? નવી શાળા શરૂ કરવા માટે શાળાના કુલ વિસ્તારનો 30થી 40 ટકા ભાગ રમતનાં મેદાનનો હોવો જોઈએ તેવું સરકારી કાયદો કહે છે, પરંતુ કેટલી બધી શાળા-કોલેજો તો શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલે છે નહીં? જો શાળા-કોલેજને પૂરતા વર્ગખંડો જ ન હોય તો મેદાનની તો વાત જ ક્યાંથી ભલા? વળી, માત્ર ખાનગી કે અનુદાનિત શાળાઓને જ નહીં સરકારી શાળાઓને પણ રમતનાં મેદાનો નથી. રમતનાં મેદાનો વિના ક્યાં રમશું? બિહાર સરકારે રાજ્યની તમામ ગ્રામપંચાયતોને પોતાનું રમતનું મેદાન હોય તેની યોજના ઘડી છે. બિહારની 3384 ગ્રામ પંચાયતોમાં રમતનાં મેદાનોનું કામ પૂરું થયું છે. આ મોડલ આખા દેશે અપનાવવા જેવું નથી શું?
ભારતના લોકો રમતોના અઠંગ ચાહકો છે તે વિશે કોઈ બેમત નથી. આપણે આ સ્પોર્ટ્સ લવિંગ ઈન્ડિયાને સ્પોર્ટ્સ પ્લેઈંગ ઈન્ડિયા બનાવવાનું છે. તે કામ એકલી સરકારનું નથી. સૌનો સહયોગ હશે તો રમતપ્રેમી ભારત રમતું ભારત બની શકશે.